પ્રગતિ ભાગ - 16 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 16

" હું છું ને....." વિવેક વધુ કંઈ કહે એ પેહલા જ રોહિતે એની વાત કાપી. " ના ભાઈ ના....વર્ષો પહેલા જે કારણે મને તમારાથી દૂર કરાયો જો ફરીથી એ પરિસ્થિતિ થશે તો હું સહન નહીં કરી શકું. અને હું મોટાપપ્પા નો પણ આદર કરું છું....આપણે આ ઉંમરે એમને હેરાનગતિ ન દઈએ તો સારું...." કહેતા કહેતા અનાયાસે જ રોહિતના હાથ જોડાય ગયા. વિવેક તો રોહિતને એક ક્ષણ જોઈ રહ્યો પછી એને ફરી ગળે વળગી પડ્યો.....

બે દિવસ બહારગામ ને પછી ઘરમાં પુરા ત્રણ દિવસની માથાકૂટ પછી પ્રગતિ આજે છેક ઓફિસે આવી હતી. એની ચાલમાં જે ઉતાવળ હતી એ જોઈને સ્પષ્ટ દેખાતું હતું કે એ બને એટલી જલ્દી કામ હાથ લેવા માંગતી હતી. મેઈન ડોર ખોલીને અંદર પ્રેવેશીને એને સીધું જ બે ત્રણ જણના નામ લઈને એમને જુદી જુદી રિપોર્ટસ પોતાની પાસેથી લેવા અને આપવા કહી દીધું. આખી ઓફિસમાં ચારે બાજુ પ્રગતિનો જ અવાજ ગુંજી રહ્યો હતો ને બાકીના સૌ એને કોઈ ને કોઈ રીતે સહકાર આપી રહ્યા હતા.

પોતાની ઓફિસમાં બુકશેલ્ફ પાસેના સોફા પર આરામ અવસ્થામાં એક ચોપડી સાથે બેઠેલો વિવેક ક્યારનોય પ્રગતિ નો અવાજ સાંભળી રહ્યો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. એણે પેઈજ પૂરું કરીને પુસ્તકમાં બુકમાર્ક મૂક્યું અને એને શેલ્ફમાં નિશ્ચિત સ્થાને ગોઠવી એ ત્યાંથી બહાર આવ્યો....

જુદી જુદી જાતની ડિઝાઇન્સ ડિસ્પ્લે રૂમમાં ચારેબાજું લટકતી હતી. પંદર બાય વીસનો એ ડિસ્પ્લે રૂમ આ ઓફિસની એક વિશિષ્ટતા હતી. અહીં ઓફિસ સ્ટાફની કોઈ ખાસ અવરજવર રહેતી નહીં. જ્યારે કલાઇન્ટ્સ ને ડિઝાઈન્સ બતાવાની હોય ત્યારે આ રૂમમાં આવાનું થતું માત્ર શ્રેયા નામની એક છોકરી આ ઓરડાની કાળજી લેતી હતી અમસ્તીય એને આ જ કામ માટે રાખવામાં આવી હતી.

" શ્રેયા, તે બક્ષી સર ને માત્ર મારા જ ડિઝાઇન્સ કેમ બતાવ્યા ? યુ નો ના વી આર નોટ હિયર ઓન્લી ફોર મની....રાઈટ ? " પોતાની ડિઝાઇન્સ ને નીચે બેસીને વ્યવસ્થિત ગોઠવતી પ્રગતિએ શ્રેયાને પૂછ્યું.

" યસ મૅમ આઈ નો ઇટ વેરી વેલ....પણ એમનો આગ્રહ માત્ર તમારી જ ડિઝાઇન્સ જોવાનો હતો. ઇન્ફેકટ બે - ચાર એમને પસંદ પણ આવી છતાં એ તમને મળીને તમારી સાથે જ ડીલ કરવા માંગે છે....." શ્રેયા એ સ્પષ્ટતા કરી.

" વ્હાય ? " પ્રગતિને સૂયું જ નહીં કે એ બીજું શું કહે.

" શું ખબર ? " હવે શ્રેયાનો અવાજ ઊંચો થઈ ગયો એણે આગળ ઉમેર્યું, " મૅમ, એમણે મારી બે કલાક બગાડી. અહીંયા અહીંયા જ નીચે બેસીને એમણે એક એક ડિઝાઇન્સ નીરખી નીરખીને જોઈ છે.....ઉપરથી મારી પાસે બીજા સ્કેચીસ પણ મંગાવ્યા....કોણ જાણે શું કરતા હતા...." શ્રેયાએ નાક ચડાવીને મોઢું ફેરવી લીધું.

" એમ....." આશ્ચર્ય પામેલી પ્રગતિ એમ જ નીચે બેસીને શ્રેયાની સામે જોઈ રહી.

જાણે હજુ કઈ કહેવાનું બાકી રહી ગયું હોય એમ ફરી શ્રેયા બોલવા માંડી..." હાસ્તો....બે ચાર ડિઝાઇન્સ સિલેક્ટ કરીને ગયા છે...શું કરું ? "

" એટલે ? " પ્રગતિએ પૂછ્યું.

" એટલે બક્ષી સર ને બોલવું કે નહીં ? એમણે કહ્યું હતું કે એ માત્ર તમારી સાથે જ ડીલ કરશે... " શ્રેયા એ સ્પષ્ટતા કરી.

" ઓહહ...હા બોલાવી લે પણ કાલે....આજે બહુ કામ છે..." પ્રગતિએ કહ્યું અને પછી મનોમન વિચારવા લાગી..." આવું તે વળી કોણ હશે ? "

સામેથી સુમિત્રા બંસલને આવતી જોઈને શ્રેયા ત્યાંથી બહાર નીકળી ગઈ.

" પ્રગતિ..." સુમિત્રાબેન પ્રગતિની નજીક આવ્યા. પ્રગતિ તંદ્રામાંથી બહાર આવી હોય એમ ચોકી ગઈ. " હં....."

" બધું ઠીક છે ને પ્રગતિ ? તને કોઈ પરેશાની કે કંઈ ? " સુમિત્રાબેન એ પૂછ્યું. પ્રગતિ આસપાસ પડેલા કપડાં દૂર કરી ઉભી થઇ અને કહ્યું, " અ... હા કેમ ? "

" બસ એમજ.... આટલા દિવસ ઓફિસે ન આવી એટલે મને થયું કે જરા ખબર કાઢી આવું અને......" સુમિત્રાબેન હજુ કંઈક કેહવા માંગતા હતા પરંતુ એમને એ વખતે કહેવાનું ટાળ્યું.

" ના ના....એવરીથિંગ ઇસ ફાઈન. " પ્રગતિ એક સ્મિત આપીને વાતને પૂર્ણવિરામ આપતી હોય એમ આગળ એણે કામની વાતો શરૂ કરી.

પોતાની ઓફીસમાંથી બહાર નીકળીને કૉરિડોર પાસેથી પસાર થઈ પછી વર્ક એરિયા વટાવીને પગથિયાં ચડીને પ્રગતિને શોધતા શોધતા ડિસ્પ્લે રૂમ સુધી પહોંચેલો વિવેક ત્યાં સુમિત્રા બંસલ અને પ્રગતિને વાતો કરતો જોઈને દરવાજે જ અટકી ગયો. એમના વર્તન પરથી સ્પષ્ટ વર્તાતું હતું કે બંને કંઈક કામની વાતો કરી રહ્યા હતા. વિવેકને લાગ્યું કે પોતે જે કંઈ કહેવા આવ્યો છે એ મા જ કહી દેશે એટલે બંનેને જરા પણ પરેશાન કર્યા વગર એ ત્યાંથી શાંતિથી નીકળી ગયો.

સાંજના લગભગ સાત વાગ્યા હતા. હવે બસ સંપૂર્ણ અંધારું થાય એને માત્ર બે ચાર ક્ષણ જ શેષ હતી. બરાબર આયુશીના ઘરની બહાર ના ઓટલે ગાડી ચડાવીને રોહિતે બાઈકની બ્રેક મારી. પોતાની કાયમી ટેવ મુજબ આયુશી કૂદકો મારીને નીચે ઉતરી.

" ધીમેં....." લાગણી અને ચિંતામાં રોહિતે કહ્યું. એણે આયુશીની સામે જોયું. રોહિતના ચહેરાની ચિંતિત રેખાઓ જોઈને આયુશી જાણે રોહિતની લાગણીને સમજી ગઈ હતી..." સૉરી......" કાન પકડીને સાવ નાના બાળકની જેમ આયુશીએ સૉરી કહ્યું અને પછી એટલી જ નિદરેષતાથી હસી પડી.

" બહુ મોટી જવાબદારી આવી ગઇ છે આ બચ્ચુંડા પર...." રોહિતએ મનોમન વિચાર્યું એ જાણે પોતાને જ આ વાત માટે જવાબદાર ગણતો હતો. મગજમાંથી વિચારો લઈને બહાર કાઢતો હોય એમ એને એક હાથ પોતાના ચહેરા પર ઉપરથી નીચે તરફ ફેરવ્યો. પછી હજુ સુધી એમ જ હસી રહેલી આયુના ગાલ પર એક અછડતો હાથ ફેરવીને કહ્યું, " બાય " અને જવાબની રાહ જોયા વગર બાઇક ફેરવી એ સડસડાટ નીકળી ગયો. આયુ એને ક્યાંય સુધી અદ્રશ્ય થતો જોઈ રહી. રોહિત હજુ માંડ દેખાવાનો બંધ થયો ત્યાં એને સામેથી પોતાના ઘર તરફ આવતી એક કાળા રંગની કાર દેખાઈ.

ઓફિસનું કામ માંડ પતાવીને સાંજના છ વાગ્યે ઘરે આવેલી પ્રગતિ ફ્રેશ થઈને રસોઈ કરવાના હેતુથી નીચે આવતી હતી. હજુ માંડ અડધા પગથિયાં ઉતરી હશે ત્યાં જ દરવાજે આયુશી સાથે ઉભેલા સુમિત્રા બંસલ પર એનું ધ્યાન અટક્યું.

" સુમિત્રા મૅમ.... પ્લીઝ કમ...." બોલતી પ્રગતિના ચહેરા પર સ્મિત સાથે ભારોભાર આશ્ચર્ય હતું. પહેલા ઉતરતી હતી એના કરતાં દસ ગણી ઝડપે એ બાકીના પગથિયાં ઉતરી ગઈ. સંજયભાઈ અને બા પણ અંદરથી મહેમાનની આગતા સ્વાગતા કરવા આવ્યા. હજુ હમણાં જ ઘરે આવેલી આયુશી પણ મહેમાનગતિમાં વ્યસ્ત થઈ કારણકે પ્રગતિને સુમિત્રાબેન સાથે બેસવું પડે એમ હતું.

" સંજયભાઈ, મારા અહીં સુધી આવવાનું કારણ તો તમે જાણો જ છો....આશા રાખું છું તમે પ્રગતિ સાથે વાત કરી લીધી હશે...." હાથમાં પાણીનો ગ્લાસ લઈ સુમિત્રાબેનએ કહ્યું અને પ્રગતિની નજર સીધી જ ફરીને પોતાના પિતા પર અટકી.

" અ.....ના હું જરા યોગ્ય સમયની રાહ જોતો હતો.... પરી....." અને પછી જે કંઈ વાત ત્યાં થઈ એનાથી પ્રગતિને સખત આશ્ચર્ય થયું.

" પપ્પા...." પ્રગતિ હજુ કંઈ આગળ કહે એ પેહલા જ સુમિત્રાબેનએ કહ્યું, " પ્રગતિ, તારા જેવી છોકરી મારા ઘરે વહુ બનીને આવે એ તો અમારા જ સૌભાગ્યની વાત છે....હું આજે જ તારી સાથે વાત કરવાની હતી પણ મને લાગ્યું કે આવી વાતો કરવા માટે ઓફિસ એ અનુકૂળ સ્થળ નથી એટલે માંડી વાળ્યું. કોઈ પણ વાત આગળ વધે એ પહેલા તારી સંમતિ જાણવી આવશ્યક છે એટલે હું ખાસ એ જ હેતુસરથી અહીં આવી પહોંચી છું.....શું કહેવું છે તારું ? "

આમ સાવ અચાનક બધું થઈ રહ્યું હતું એટલે પ્રગતિ કઈ જ સમજવાની સ્થિતિમાં નહતી. એને એક ઊંડોશ્વાસ લીધો. આંખો બંધ કરી અને પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી. એક નજર આયુ તરફ ફેરવી એણે કહ્યું, " વિવેકસર...."

" મારી એની સાથે વાત થઈ ચૂકી છે. તું એની ચિંતા નહીં કર. છતાં તારે વાત કરવી હોય તો એમ કરજે....તું તારો સમય લે...કોઈ ઉતાવળ નથી.....ચાલો ત્યારે જયશ્રી કૃષ્ણ. " કહીને જલ્દી જ સુમિત્રા બંસલ ત્યાંથી નીકળી ગયા.......
To be Continued

- Kamya Goplani