આપણે આગળના ભાગમાં જોયું એ મુજબ દિક્ષા રચનાના ઘરે પહોંચી છે.... ઘરમાં ધરખમ ફેરફારો અને રચનાનું વર્તન જડમૂળથી બદલાયેલું હતું... જાણે કોઇ અજાણ્યા ઘરમાં પ્રવેશી હોય એવું દિક્ષા અનુભવી રહી હતી.... હવે .......આગળ
દિક્ષાને જોઈ રચના ફિક્કું સ્મિત આપે છે. ઊમળકો વ્યકત કરવા જાય છે... ...પરંતુ, એ કશું બોલતી નથી..
રચના કોફી લાવે છે. બેય હોલમાં સોફા પર બેસે છે.
દિક્ષા બોલે છે , "શું વાત છે રચના ..તે તો ઘરનો નકશો બદલી કાઢયો ; પણ, તું.....બદલાઈ ગઈ એ જરા પણ પસંદ નથી આવ્યું મને. કોઈ આમ અચાનક ફોન બંધ કરી દે ને મળવાનું બંધ કરી દે એનો શું મતલબ ? બોલ તો જરા.... તકલીફમાં જ મિત્ર કામ આવે ને.. તું તો બહુ ડરપોક તે નજર પણ છુપાવે..' આમ આટલું એક શ્વાસે બોલી દિક્ષા પોતાનો હાથ રચનાના હાથને પકડીને બોલે છે..
ત્યાં રચના નીચી નજરે એટલું જ કહે છે કે, "દિક્ષા મારી આખી જીંદગી એક ઘટનાએ બદલી કાઢી છે. હું શું કામ જીવું છું...કોના માટે જીવું છું...શા કારણે જીવું છું... એ પણ મને હજી નથી સમજાતું...."
દિક્ષા : "શું ધર્માત્મા જેવી વાતો કરે છે તું પણ ?"
રચના : "કોઈકના આશિર્વાદથી અહીં બેઠું છું એવું સમજ."
દિક્ષા : "મને ખબર છે તું બહું બિમાર હતી.. પણ હવે તો..."
રચના : "તને કાંઈ જ ખબર નથી એટલે તું આવું બોલે છે.."
આમ, વાતો ચાલતી હોય છે ત્યાં રચનાના સાસુ આવે છે ને રચનાને કહે છે 'શું કામ તારી જીભ એક વાતે અટકી જાય છે. ભુલી જા બધું.. તું અત્યારે જીવે છે સરસ જીંદગી ..એ સિવાય કંઈ જ ન વિચાર..'
દિક્ષા રચનાના સાસુને પ્રણામ કરે છે અને સીધી જ એના સાસુને શું બન્યું હતું એ કહેવા માટે આજીજી કરે છે..
રચનાના સાસુ : "દિક્ષાબેટા, જે થયું હતું એ અસામાન્ય જ હતું. આ મારી દીકરી કેવી આધ્યાત્મિક અને હિંમતવાળી છે એ તો તું જાણશ જ ને ! પણ, કોણ જાણે એ કાળ ચોઘડિયાની ચુંગાલમાંથી મારી દીકરીને અમે માંડ માંડ બચાવી છે. હું એ વાતનો ઉલ્લેખ કોઈ સામે નથી કરતી. પણ તું એની સખી છો તારે જાણવું જ જોઈએ કે શું કામ રચના બદલાઈ ગઈ છે? "
દિક્ષા બોલે છે "હા.. માસી , એ મને પણ કંઈ જ વાત નથી કરતી ત્યારે એમ થાય કે મારી શી એવી ભુલ થઈ કે મારી સાથે અજુગતું વર્તન કરવું પડ્યું હોય ?"
રચનાના સાસુ : "દિક્ષા, ગઈ દિવાળીએ રચનાને એકદમ તાવ આવ્યો હતો એ સતત ત્રણ દિવસ અશકત રહી. અમે એ ત્રણ દિવસમાં પાંચેક ડોકટર બદલ્યા અને રિપોર્ટ બધું કરાવ્યું. પણ તબિયતમાં કશો સુધાર નહીં..અમને બહું ચિંતા થતી હતી.. પછી અમે એની દવા ચાલુ રાખી એને સતત આરામ કરે એવી ગોઠવણ કરી.."
એક દિવસ સવારે રોજિંદા કામ કરવા હું વહેલી ઊઠી.. એ બિચારી તાવમાં પટકાયેલી હતી એને પણ સમય આપવો જરૂરી હતો. મેં વહેલા જ કામ પતાવવાના ઈરાદે રચનાને અવાજ ન સંભળાય અને આરામ થાય એ હેતુથી એના રૂમનો દરવાજો બંધ કરી બધું કામકાજ પતાવ્યું.. મેં વચ્ચે એકવાર એના માથે હાથ ફેરવ્યો તો એને હજી સખત તાવ હતો. મેં રચનાને બે ધાબળા અને એક વજનદાર રજાઈ પણ ઓઢાડેલી.. મને પછી વિચાર આવ્યો કે રચનાને ઊઠાડી એને થોડી ચા પીવડાવી દવા આપી દઉં એ હેતુથી મેં દરવાજો ખોલ્યો કે......................................................
...................................................................
...........................
--------------- (ક્રમશઃ) -----------------
લેખક : શિતલ માલાણી"સહજ"
જામનગર