Infection of good deeds books and stories free download online pdf in Gujarati

સત્કાર્યોનો ચેપ

વાત છે વડોદરાના એક સેવાભાવી યુવાનની.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા સ્વયમને નાનપણથી જ લોકોની મદદ કરવાની આદત હતી. જેમ જેમ સ્વયમ મોટો થતો ગયો તેની આદત પણ તેની સાથે જ મોટી થઇ રહી હતી. સ્કૂલમાં તો ગરીબ બાળકોની ફી ભરવી, ફ્રી ટાઇમમાં તેમને ભણાવવા, સોસાયટીમાં રહેતા વૃદ્ધોને મદદ કરવી જેવા સત્કાર્યો તે કરતો હતો. તે બાદ કોલેજમાં આવ્યો ત્યારે પણ તેના સત્કાર્યો ચાલુ જ રહ્યા. એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાની સાથે સાથે ગરીબીના ખપ્પરમાં હોમાયેલા બાળકોને ભણાવતો અને જરૂર પડે પોતાના પોકેટ મનીમાંથી તેમના પરિવારની મદદ પણ કરતો હતો. કોલેજ કાળમાં તેના કેટલાક મિત્રો પણ તેની મદદ કરતાં હતા.
સ્વયમ ભણવામાં ખુબ જ હોશિયાર હતો. જેથી એન્જિનિયરીંગના અંતિમ વર્ષમાં જ વડોદરાની એક કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યુંમાં જ તેને સારા પગારની ઓફર આપી હતી. તેને પણ તે ઓફર સ્વીકારી અને નોકરી કરવા લાગ્યો. તેની સાથે સાથે તેના સત્કાર્યો પણ ચાલુ રાખ્યા. કોલેજ કાળના મિત્રો તરફથી મદદ મળતી બંધ થઇ તેમ છતાં સ્વયમ પોતાના પગારનો એક ભાગ હંમેશા સત્કાર્યો માટે કાઢતો હતો. પોતાના ખર્ચા પર કાપ મુકતો અને જરૂરીયાતમંદોની મદદ કરતો હતો. એક દિવસ તેની મોટરબાઇક પર તે ઓફિસ જઇ રહ્યો હતો. દરમિયાન અલકાપુરી વિસ્તારમાં એક સર્કલ પર તેને કેટલાક નાના બાળકો દેખાયા. તે બાળકોને તે રોજ જોતો હતો પણ તે દિવસે તેને કંઇક બાળકોમાં કંઇક બદલાવ લાગ્યો. એટલે તેણે બાઇક સાઇડ પર ઊભી રાખી અને બાળકો પાસે ગયો. સ્વયમે બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો એટલે તરત જ એક બાળકો બોલ્યો અંકલ બે દિવસથી કશું જ ખાધુ નથી. બહુજ ભૂખ લાગી છે કંઇક આપોને.... ઘરે મારી બહેન અને માતા પણ ભૂખ્યા છે. મારી માતાની તો તબીયત પણ ખરાબ છે.
સ્વયમ સત્કાર્યો કરવામાં ક્યારેય પાછળ પડે તેમ ન હતો. એટલે તેણે તરત જ તેમને લઇને નજીકની એક હોટલ પર પહોંચ્યો. સ્વયમે હોટલના માલિકને કહ્યું પાંચ ટીફીન પાર્સલ જોઇએ છે. હોટલના માલિકે તરત જ પાંચ ટીફીન પાર્સલ કરવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં પાર્સલ આવ્યું એટલે જે બીલ હતું તે આપી સ્વયમ હોટલની બહાર નિકળ્યો. તેને બાળકોને ટિફિન આપ્યંુ અને થોડાક રૂપિયા પણ આપ્યા અને કહ્યું લે બેટા માતાની દવા કરાવી લેજે. પછી તે ઓફિસ જવા નિકળી ગયો. બીજા દિવસે પણ તે બાળકો ત્યાં જ હતા, પણ ભીખ માગવાની જગ્યાએ તેઓ ત્યાં બેસીને કોઇકની રાહ જોતા હતા. સ્વયમ ત્યાં આવ્યો એટલે બાળકો દોડીને તેની પાસે આવ્યા અને કહ્યંુ અંકલ તમારી સાથે વાત કરવી છે. સ્વયમ પણ અચંભામાં પડી ગયો, બાળકોની વાત સાંભળવા તેને બાઇક સાઇડ પર કરી. બાળકો પૈકી એક બાળકે સ્વયમને કીધું અંકલ અમારે ભણવું છે, તમારા જેવા બનવું છે, તમે અમારી મદદ કરશો ?
બાળકોની વાત સાંભળી સ્વયમને તેના કોલેજના દિવસો યાદ આવી ગયા. તેને એક પણ સેકન્ડ વિચાર્યા વિના તેમને ભણાવવાની હા પાડી દીધી. સ્વયમને ઓફિસ જવામાં મોડું થતું હતું. એટલે તેને બાળકોને કહ્યું કે, સાંજે ૮ વાગ્યે હું ઓફિસથી પાછો આવુ એટલે આપણે અહીંજ મળીએ પછી તમારા ભણવા બાબતે આગળ વાત કરીશું. જોકે, સ્વયમને ટીફીન યાદ આવ્યા. તે બાળકોને સાથે લઇને નજીકની હોટલ પર ગયો અને પાંચ ટીફીન પાર્સલ કરવાનો ઓર્ડર આપ્યો. પાર્સલ આવ્યું એટલે બીલ ચુકવી ટીફીન બાળકોને આપી સ્વયમ નિકળી ગયો. ઓફિસના કામમાં સ્વયમ બાળકોને સવારે કરેલો વાયદો ભૂલી ગયો હતો. પણ બાળકો સ્વયમને ભૂલ્યા ન હતા. તેઓ સાંજે તેની રાહ જોઇએ પેલા સિગ્નલ પર ઊભા હતા. સ્વયમ ત્યાં પહોંચ્યો એટલે બાળકો સાથે વાત કરી અને ભણાવવાનું નક્કી થયું. બાળકોએ કહ્યું, અંકલ અમે ભણવા સાથે સાથે આ સિગ્નલ પર ભીખ માગીશું. અમારા ઘરમાં રૂપિયાની ખુબ જ જરૂર છે. અમે બાળક હોવાથી કોઇ અમને કામ પણ નથી આપતું. જેથી અમારી પાસે ભીખ માગવા સીવાય બીજો કોઇ રસ્તો નથી.
બાળકોની ભણવાની ઘેલછા અને પરિવાર માટેનો પ્રેમ જોઇ સ્વયમે પણ તરત જ હા પાડી દીધી. પણ તે દિવસથી સ્વયમે એક નિયમ બનાવ્યો હતો. રોજ ઓફિસ જતાં સમયે તે પાંચ બાળકોને ટીફીન જરૂર આપતો હતો. એક જ હોટલ પરથી રોજ ટીફીન લેતા સ્વયમને હોટલ માલીક પણ ઓળખી ગયો હતો. સ્વયમ આવે એટલે તે સ્વયમ કશું પણ કહે તે પહેલા જ પાંચ ટીફીન તૈયાર કરી તેને આપી દેતો હતો. સ્વયમની આ સત્કાર્યની આદતથી કેટલીક વખત હોટલ માલિકને પણ સ્વયમ પર ગુસ્સો આવતો હતો. તેને સ્વયમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો પણ સ્વયમને સત્કાર્યોની આદત હતી તે છુટે તેમ ન હતી. સ્વયમ પણ તેમની સલાહને હસવામાં કાઢતો હતો. એક વખત રજાના દિવસે સ્વયમ તેના મિત્રો સાથે પાવાગઢ ગયો હતો. પોતાની રોજીંદી આદત પ્રમાણે સવારે હોટલ પર જઇ બાળકોને ટીફીન અપાવીને તે પાવાગઢ જવા રવાના થયો. પછી થોડા દિવસ સ્વયમ ન આવ્યો પણ બાળકો ટીફીન લેવા રોજ હોટલ પર આવીને સ્વયમની રાહ જોતા હતા. થોડા દિવસ આમને આમ ચાલ્યંુ પણ સ્વયમ ન આવ્યો. એક દિવસ પેપર વાંચતા વાંચતા હોટલના માલિકે બેસણાંની જાહેરાતમાં સ્વયમનો ફોટો જોયો અને તે સ્તબ્ધ થઇ ગયો. જાહેરાતમાં સ્વયમના પિતાનો ફોન નંબર પણ લખ્યો હતો. તેને તે સાચવીને રાખ્યો.
સ્વયમ આવશે અને ટીફીન અપાવશેની આશાએ બાળકો તે દિવસે પણ હોટલ પર આવ્યા. એટલે હોટલ માલિકે બાળકોને બોલાવ્યા અને કહ્યું કે, બાળકો તમે જતાં રહો હાલની ન આવશો તમે જેની રાહ જોઇ રહ્યા છો તે હવે ક્યારેય નહીં આવે. હોટલ માલિકની વાત સાંભળી બાળકો પણ સ્તબ્ધ થઇ ગયા. બાળકો કઇ પુછે તે પહેલાં જ હોટલ માલિકે બેસણાંની જાહેરાત તેમને બતાવી. બાળકો નાના હતા અને સ્વયમના ઘરમાં કોઇને ઓળખતા ન હતા. જેથી તેના બેસણાંમાં જવાની વાત તેમને માડી વાળી. બીજા દિવસે બાળકો હોટલ પર આવ્યા ત્યારે હોટલનો માલિક તેમની સામે જોઇ રહ્યો હતો. એટલામાં જ એક બાળકે આવીને હોટલ માલિકને કહ્યું અંકલ એક ટીફીન પાર્સલ આપોને. ટીફીનનું પાર્સલ આવતા બાળકોએ થોડા થોડા રૂપિયા એકઠા કર્યા અને હોટલું બિલ આપ્યું અને જતાં રહ્યા. હોટલ માલિકને એમ કે બાળકો તેમની માટે જ ટીફીન લઇ જાય છે. આવું રોજ બનવા લાગ્યું. એક દિવસ હોટલ પરથી બાળકો ટીફીન લઇને નિકળ્યા પછી થોડી વાતમાં હોટલ માલિક પણ કોઇક કામથી બહાર નિકળ્યો. તેને રસ્તામાં બાળકોને જોયા. તેને જોયું કે બાળકો તે ટીફીન અન્ય કોઇ વુદ્ધ ભીખારીને આપી રહ્યા હતા.
બીજા દિવસે બાળકો હોટલ પર ટીફીન લેવા આવ્યા ત્યારે માલિકે બાળકો સાથે વાત કરી. ત્યારે બાળકોએ કહ્યું સ્વયમ અંકલ જે પ્રમાણે અમને ટીફીન આપતા હતા તે જ પ્રમાણે તેમના સત્કાર્યને આગળ વધારવા અમે પણ એક વ્યક્તિને ટીફીન આપવાનું નક્કી કર્યુ છે. ત્યારે હોટલ માલિકને પણ તે બાળકો પર ગર્વ થયો અને તેને બાળકોને કહ્યું બાળકો તમારે ટીફીનના રૂપિયા આપવાની જરૂર નથી. તો બાળકોએ માલિકને જવાબ આપ્યો કે સમાજ સેવા અને સત્કાર્ય અમારા ગજાની વાત નથી એ તો મોટા માણસોના શોખ કહેવાય પણ સ્વયમ અંકલે જે સત્કાર્ય શરૂ કર્યુ હતું તે અમે બંધ નહીં થવા દઇએ. અમારી હેસીયત પ્રમાણે અમે રોજ એક ટીફીન ગરીબને આપીશું તેમજ ભણીને આગળ વધીશું અને સ્વયમ અંકલની ઇચ્છા પૂર્ણ કરીશું.
સ્વયમના સત્કાર્યને પૂર્ણ કરવાની બાળકોની ઇચ્છા અને મનોબળ જોઇ હોટલ માલિકે બાળકોને કહ્યું કે, હું સ્વયમને સમજી શક્યો ન હતો. પણ આજે તમારી ઇચ્છા અને મનોબળથી મને પણ પ્રેરણા મળી છે. હું સ્વયમની પાંચ ટીફીનની સેવાને ચાલુ રાખીશ. આજથી હું રોજ પાંચ ગરીબોને મફતમાં ટીફીન આપીશ. એટલે બાળકો બોલ્યા સ્વયમ અંકલનો ચેપ અમને લાગ્યો અને અમારો તમને. એ વાત હોટલ માલિકના મનમાં ઘર કરી ગઇ. આજે આ વાતને દાયકા જેટલો સમય થયો પણ હોટલ માલિકને લાગેલા ચેપની કોઇ જ દવા મળી નથી. તે આજે પણ પાંચ ટીફીન રોજ મફતમાં ગરીબોને આપે છે અને સ્વયમને યાદ કરે છે.
ખરાબ આદતના ચેપ લાગે ત્યારે અનેકને દુઃખ થાય છે. પરંતુ જ્યારે સત્કાર્યનો ચેપ લાગે ત્યારે અનેકનું ભલુ થાય છે. દરેક વ્યક્તિને જીવનમાં આવો ચેપ લાગે તો આ ધરતી પણ સત્કાર્યોની વણઝાર લાગી જાય. એક જાહેરાતમાં સાંભળ્યું હતું કે કુછ અચ્છા કરને મે દાગ લગે તો અચ્છા હેં. એવી જ રીતે સ્વયમનો સત્કાર્યોને ચેપ બધાને લાગે તો કેટલું સારૂ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED