મારી કવિતાઓ મારા વિચારો Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કવિતાઓ મારા વિચારો


કવિતા - ૧

છું હું તે જ ઈશ્વરનું અસ્તિત્વ ;
છતાં તેનાં અસ્તિત્વને વિચારૂં છું.
છું હું તેના જ અસ્તિત્વનો એક ભાગ ;
છતાં તેના અસ્તિત્વને નકારૂં છું.
જાણું છું કે તે છે સર્વમાં વ્યાપ્ત ;
છતાં હું મારા મનને મારૂ છું.
હંમેશા અહમ્ માં રાચતી હું ;
સંકટ સમયે તેને જ મનાવું છું.


કવિતા - ૨

જીવન શું છે? તે જાણતી નથી છતાં ;
જીવનને જીવી રહી છું.
ભૌતિકતા થી મન થાક્યું છે છતાં;
મનને મારી રહી છું.
આવી છે શાંતિ પ્રાપ્તિની અનેક તકો છતાં ;
હર તકને હું ટાળી રહી છું.
જાણું છું સંબંધોની પોકળતાને છતાં ;
હર નવા બંધન બાંધી રહી છું.
માનું છું ખુદને કે છું હું પણ દંભી છતાં ;
હર ઘડી ખુદને મહાન ગણાવી રહી છું.

કવિતા - ૩

માનું કે તું….
દુનિયાને તો મનાવી લીધી છે પણ,
જો મને મનાવે તો હું માનું કે તું ભગવાન છે.
પથ્થર માં તો કોતરાઈ ચૂક્યો છે પણ,
જો દિલમાં કોતરાય તો હું માનું કે તું ભગવાન છે.
મંદિરમાં તો વસી ચૂક્યો છે પણ,
જો ઘરમાં વસે તો હું માનું કે તું ભગવાન છે.
આકાશમાં તો છવાઈ ચૂક્યો છે પણ,
જો નેત્રોમાં છવાય તો હું માનું તે તું ભગવાન છે.
ફૂલોને તો સ્પર્શી ચૂક્યો છે પણ,
જો ચપટી ધૂળને સ્પર્શે તો હું માનું કે તું ભગવાન છે.

કવિતા -૪

જીવનમાં જો તારે કંઈ બનવું હોય તો ,
જીંદગીના સફરનો મુસાફર બની ચાલતો જા.
જીવન માં જો તારે કંઈ પામવું હોય તો,
હિંમત અને આત્મવિશ્વાસની મૂડી લઈ ચાલતો જા.
જીંદગીના આ સફરનાં રસ્તાઓ ઉપર,
મળશે ગુલાબ અને કંટક તેને સ્વીકારી ચાલતો જા.
દુઃખ રૂપી તાપમાં નિરાશ થયા વિના,
તેને પ્રભુનો પ્રસાદ માની ચાલતો જા.
સુખનાં છાંયડામાં અહમ્ રાખ્યા વિના,
બીજાને મદદ કરતો બસ ચાલતો જ જા…

કવિતા - ૫

ઘટનાઓની આડ લઈ, શબ્દોની માયાજાળ લઈ
રચાય છે કવિતા
પ્રેમનાં સંબંધ લઈ, હર બંધન લઈ
રચાય છે કવિતા
સ્વપ્નોની સૃષ્ટિ લઈ, કલ્પનાની દ્રષ્ટિ લઈ
રચાય છે કવિતા
ઈન્દ્રધનુષી રંગ લઈ, લાગણીઓનો સંગ લઈ
રચાય છે કવિતા
અને પછી…..
કોઈ દિલ માશુક થઈ, કોઈ માયુસ થઈ
રચાય છે કવિતા.

કવિતા -૬

ચાહું છું ચાહું છું કહી ધિક્કારતો માનવી,
અંદરથી કંઈ અને ઉપરથી કંઈ ઓર દેખાતો માનવી.
આવું છું આવું છું કહી દૂર જતો માનવી,
હંમેશા બીજાની રાહને અટવાડતો માનવી.
જાગું છું જાગું છું કહી ઉંઘતો માનવી,
કર્તવ્ય ભૂલીને આળસમાં રાચતો માનવી.
આપું છું આપું છું કહી લેતો માનવી,
બે ના બદલે પાંચ છીનવતો માનવી.
શાંત છું શાંત છું કહી ઉગ્ર થતો માનવી,
શાંતિથી લોકોમાં આતંક ફેલાવતો માનવી.
પુજૂ છું પૂજુ છું કહી પૂજાતો માનવી,
હંમેશા બીજા થી મહાન દેખાવા ઈચ્છતો માનવી.
જીવાડું છું જીવાડું છું કહી જીવતો માનવી,
કોઈનો કોળીયો છીનવી તેને મારતો માનવી.
વફાદાર છું વફાદાર છું કહી બેવફાઈ કરતો માનવી,
આગળ થી મલ્હમને પીઠે ખંજર મારતો માનવી.

કવિતા -૭

આરામથી સૂતો હતો હું તો કબરમાં,
ઓઢીને માથે કફન થયો હતો દફન.
ઉઠાડ્યો મને કોઈ એ ઠેલું મારીને,
હટાવીને કફન જોઈ મેં દુનિયાને.
હતી બદલાયેલી દુનિયા આખી,
ભૂલ્યા હતા હર કોઇ મને અહીં.
કબર પરનાં વાસી ફૂલોની ,
ઊડી ગઈ હતી મહેક જેમ,
તેમ હર દિલ માંથી ઊડી ગઈ
મારી યાદોની મહેક…..

કવિતા - ૮

ન મારો છે ન તારો છે;
પોતાની માલિકીનો છે સમય.
કહે છે બહુ બળવાન છે સમય;
જો ને કેવા નાચ નચાવે જાય છે.
સુખમાં દોડતો જતો સમય;
જો ને દુઃખમાં કેવો મંદ થાય છે.
વર્ષાની હેલી વરસાવતો સમય;
જો ને ગરમીમાં કેવો ઓગળી જાય છે.
હસ્તરેખામાં ન શોધ તું સમય;
એ ક્યાં બાંધ્યો બંધાય છે.
કર્મ કર કહે છે આ સમય;
કર્મથી જ સમય બદલાય છે