Feeling cheated books and stories free download online pdf in Gujarati

છેતરાયેલી લાગણી

આજે ફરી વિભાનો તેજાબી આર્ટિકલ વાંચીને આકાશ અંદરથી સળગી ગયો. ‘કેટલી આગ છે વિભાનાં શબ્દોમાં ;શા માટે આટલું આકરૂં લખતી હશે ?’ વિચારતો આકાશ છાપું મૂકીને મોર્નિંગ વોક કરવા બહાર નીકળી ગયો.
મોર્નિંગ વોક તો બહાનું હતું સત્ય તો એ હતું કે તે વિભાનાં વિચારોથી બહાર નીકળવા માંગતો હતો.પરંતુ આજે વિભા તેના માનસપટ પર છવાઈ ગઈ હતી ; ચાલતા ચાલતા તે સમયને પેલે પાર લગભગ છવ્વીસ વર્ષ પહેલા પહોંચી ગયો. જ્યારે આકાશ અને વિભા બંને યુવાન હતા.
બંને એકબીજાના પડોશી હોવાના નાતે વારંવાર એકબીજાથી ટકરાતા . આ રીતે ક્યારે બંને એકબીજાથી આકર્ષાય ગયા તે બંનેના જાણ બહાર હતું.
તે સમય આજ જેટલો આધુનિક ન હતો ; વિભાનો પરિવાર આધુનિક હતો ,તેને અભ્યાસની કે કોઈ સાથે બોલચાલની પાબંદી ન હતી .પરંતુ આકાશનો પરિવાર થોડો જૂનવાણી હતો ,આકાશ તે જાણતો હોવાથી તે વિભાને ચોરીછૂપીથી મળતો.
આકાશનો અભ્યાસ પૂરો થયા બાદ વિભા એ આકાશ સાથે લગ્ન બાબતે વાત કરી ; આકાશ જે વાત થી ડરતો રહ્યો તે પરિસ્થિતિ અંતે તેની સામે હતી. “જો આકાશ હવે તારું એજ્યુકેશન પૂરું થયું,તને સારી જોબ પણ થોડા સમયમાં મળી જશે હવે આપણું ફ્યુચર ડિસાઈડ કરવાનો સમય આવી ગયો છે.” વિભા એ આકાશ ને કહ્યું.
“વિભા યાર મને પણ ખબર છે પણ મારૂં ફેમીલી નહીં માને . તેઓ આ બાબતમાંચુસ્ત છે .મને થોડો સમય આપ હું તેમની સાથે યોગ્ય સમયે વાત કરીશ” આકાશે વિભા ને ધરપત આપતાં કહ્યું.
સમય ફરી પસાર થવા લાગ્યો ; સમયનું પણ ખરૂં છે એ કોઈ માટે રોકાતો જ નથી તેમ વિભાનાં ઘરમાં તેના લગ્ન બાબતે ચર્ચા શરૂ થઈ. વિભા એ ફરી આ બાબતે આકાશને કહ્યું , પણ આકાશ કોણ જાણે કેમ આ વાત ટાળી જ દેતો.
“આકાશ હવે તારું ફાઈનલ ડિસિઝન શું છે તે જણાવ , તું ઘરમાં વાત ક્યારે કરવાનો છે? કે પછી હું આવું આપણા લગ્નની વાત કરવા ?” વિભા ને આમ આક્રમક દેખતા આકાશ ઝંખવાઈ ગયો.
“ના વિભા હું જ વાત કરીશ તું પ્લીઝ ત્યાં સુધી શાંત રહે”. કહી આકાશે ફરી એ વાત ઉડાવી દીધી.એક દિવસ તેને વિભા ને કહ્યું , “ વિભા આપણે કોઈને કશું કહેવું નથી ચાલ કોર્ટ મેરેજ કરી લઈએ. લગ્ન થઈ ગયા પછી કોણ આપણને શું કહેશે?” કહી આકાશે ધડાકો કર્યો.
“પણ આકાશ એવું કરવાની શી જરૂર ? જો મારા ફેમીલીને હું મનાવી લઈશ તું તારા ફેમીલી ને મનાવ.જરૂર પડે તો મારા પપ્પા આવે વાત કરવા ?” વિભા એ સારો ઓપ્શન આપ્યો.
“ના વિભા મારૂં ફેમીલી નહીં માને પ્લીઝ તું માની જા એકવાર તારા અને મારા લગ્ન થઈ જાય એ પછી કોઈ શું કરી શકે ?” આકાશે પોતાની વાત પર ભાર મૂક્યો.
અંતે કમને વિભા આકાશ સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ . નક્કી કરેલા દિવસે આકાશનો હિંમત જવાબ આપી ગઈ તેને વિભા સાથે દગો કર્યો.
ભૂતકાળમાં ખોવાયેલો આકાશ ‘દેસાઈ મેન્શન’ ની સામે ક્યારે પહોંચી ગયો તેની તેને જાણ જ ન રહી.
બીજી તરફ વિભા આકાશનાં દગાને પચાવીને એક કોલમિસ્ટ બની ગઈ હતી. તેના શબ્દોમાં આજે પણ એ આક્રોશ જ્વાળાની જેમ વર્તાતો હતો.
આજે ‘પ્રેમ’ શબ્દ પર કંઈ લખવા મથતો તેનો હાથ અટકી જ ગઈ. આજે તેના અને આકાશનાં પ્રિય એવાં મનોજ ખંડેરિયાની ગઝલ તેને સાચી લાગતી હતી , “પકડો કલમને કોઈ પળે એમ પણ બને ;આ હાથ આખેઆખો બળે એમ પણ બને”.પોતાને પ્રેમમાં મળેલા દગા પછી પ્રેમ શબ્દ પર તેનો ભરોસો જ ન રહ્યો.
બીજી તરફ વિચારોમાં ખોવાયેલો આકાશ ‘દેસાઈ મેન્શન’ પહોંચીને વિચારવા લાગ્યો કે આજે આટલા વર્ષે પોતે અહીં કેમ આવ્યો ? પોતાની આ હાલત માટે તેના મનમાં પણ એક શેર યાદ આવ્યો, “ એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા ? એક પગ બીજાને છળે એમ પણ બને” પોતાના જ પગથી છેતરાયેલો તે અહીં પહોંચી ને પાછો ફરે છે.
પૈસાથી છેતરાયેલો માણસ કહી શકે કે તે છેતરાયો પણ વિભા જેની લાગણી છેતરાયેલ હતી એ કોને કહે ? અને આકાશ જે પોતાના કાલ્પનિક ભય થી છેતરાયો એ પણ કોને કહે?
‘દેસાઈ મેન્શન’ તરફ એક નજર કરી આકાશ પોતાની દુનિયામાં પાછો ફર્યો.




બીજા રસપ્રદ વિકલ્પો