My novels books and stories free download online pdf in Gujarati

મારી નવલિકાઓ

સ્મિત લક્ષ્મીનું

“મનુભાઈ સારો માણસ ધ્યાનમાં હોય તો કહેજો માણસની જરૂર છે મારે …”અજયભાઈ એ ફોન કરી કહ્યું.
“મનુભાઈ એક વાત પૂછું ? આ તમારે ત્યાં વર્ષોથી આ જ સ્ટાફ કેવી રીતે ટક્યો છે ? અમારે તો જોવોને બે-ચાર વર્ષ થાય ને માણસ છૂટો જ થઈ જાય ; સાલું ગંમે તેટલા સાચવો તોય માણસો ને કદર જ નથી ને …”અજયભાઈ એ પોતાની હૈયાવરાળ ઠાલવી .
મનુભાઈ એ તેમની વાત શાંતિથી સાંભળી અને તેમને સાંત્વના આપી ફોન મૂક્યો.
મનુભાઈ…… સાડી ના હોલસેલ વેપારી…લોકડાઉન બાદ બજારમાં મંદી હોવા છતાં તેમના માથે લક્ષ્મીજી નાં આશિર્વાદ યથાવત્ હતા.
અજયભાઈનાં ફોન બાદ મનુભાઈ વિચારતા હતા કે લોકડાઉન બાદ મોટાભાગના વેપારીઓએ પોતાના માણસોને છૂટા કરવાની ધમકી સાથે અડધા પગારે કામ કરાવતા હતા જ્યારે મનુભાઈ તો લોકડાઉન માં પણ પોતાના કર્મચારીઓને તકલીફ ન પડે એ માટે તેમના ઘરે જઈ ને તેમનો પૂરો પગાર તેમજ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી ને પોતાના કર્મચારીઓના દિલમાં મનુભાઈ માટે લાગણી અને માન બંને જીતી લીધા હતા.
મનુભાઈ ને ત્યાં પૂજામાં રહેલી દેવીની મૂર્તિ જોઇ ઘણાં કહેતાં કે અદ્ભુત મૂર્તિ છે આ શું આકષૅક સ્મિત છે! આટલી અદ્ભુત મૂર્તિ જવલ્લે જ જોવા મળે ….
“આ તો તમારો માતા પ્રત્યેનો ભાવ છે” મનુભાઈ આ કહી વાત વળાવતાં માતાને પગે લાગતાં.
ધનતેરસના દિવસે સપરિવાર પૂજા કરતાં મનુભાઈની મૂર્તિ નું સ્મિતનું રહસ્ય જોનારા સમજી ગયા…
ઘરમાં પત્ની અને પુત્રવધુના ચહેરા પર રહેલું સ્મિત તેમજ પેઢી પર કર્મચારીઓના હસતાં ખુશખુશાલ ચહેરા જોઇને માતાની મૂર્તિ પણ મલકતી જ હોય ને……

દેવનાં દિધેલ
"બાપુજી હવે તમારે અને બા એ એકલા ગામડે નથી રહેવાનું હવે તમે બંને અહીં આવી જાવ”. જાગૃતિનાં આ શબ્દો પર કરેલા આંધળા વિશ્વાસ પર મગનબાપા આજે પસ્તાતા હતા.
મગનબાપા અને જીવી બા રાજકોટ નજીક ગોમટામાં પોતાના બે પુત્રો સાથે રહેતા હતા. ગામમાં સરસ પાકું મકાન અને જમીન હતી.
દિકરાઓ મોટા થતાં તે રાજકોટ સ્થાયી થવાનો વિચાર પિતા સમક્ષ મૂક્યો. પહેલા મોટો અનિલ અને બાદમાં નાનો મુકેશ એમ બંને રાજકોટ સ્થાયી થયા.
ધીમે-ધીમે એક પછી એક બંનેનાં લગ્ન પણ થઈ ગયા અને મગનબાપાનાં મનને શાંતિ વળી. “હાશ દિકરાઓને પોત-પોતાના કારખાનાં તેમજ મકાનો પણ થઈ ગયા, દીકરી હોત તો એને વસાવવામાં અને કરિયાવરમાં અડધી મૂડી જતી રે પણ દિકરાઓ … આ દેવના દિધેલા આશિર્વાદ … જો મૂડી કેવી વધારી .. મારા… દિકરા…. સ્વર્ગની સીડી સમાન મારા દિકરા…બસ હવે શાંતિથી એમની સાથે જીવીશું”મગનબાપા મનોમન પોરસાતા હતા.
થોડા-થોડા મહિનાના અંતરે બંને પતિ-પત્ની રાજકોટ દિકરાઓ જોડે રોકાવા જતાં, વહુઓ દ્વારા લેવાતી સાર-સંભાળ અને કાળજી થી મગનબાપા સંતુષ્ટ હતા.
મગનબાપાને તેમના નાના દિકરા મુકેશને ત્યાં વધારે ફાવતું હતું;મુકેશના બાળકો નાનાં હોવાના કારણે તેની સાથે પોતાનું બાળપણ બંને માણી લેતાં. તેમજ મુકેશની પત્ની જાગૃતિ પણ તેનાં સાસુ-સસરાની ખૂબ કાળજી રાખતી તેમના માટે વિવિધ નાસ્તા, સમયે સમયે ચા, લીંબુ શરબત, ફળો વગેરે સવલતો જાળવતી .
મગનબાપાએ જ્યારે રાજકોટ સ્થાયી થવાનો વિચાર દિકરાઓ સમક્ષ મૂક્યો ત્યારે જાગૃતિ એ કહ્યું કે , “ મેં વર્ષોથી મા-બાપનો પ્રેમ નથી મેળવ્યો; બાળપણ થી ભાઈ-ભાભીએ ઉછેરીને મોટી કરી છે, તેથી બાપુજી અને બા ને હું દૂર નહીં જવા દઉં”.
વહુની પોતાના પ્રત્યેની લાગણીને માન આપી મગનબાપા જીવીબા સાથે મુકેશ જોડે રહેવા આવી ગયા.
ગામડે ખેતર અને મકાન વેચી નાંખી મકાનનાં નાંણાં મોટા દિકરાને અને ખેતરનાં નાંણાં નાના દિકરાને ભાગે આપ્યા.
બદલતા મોસમની જેમ જાગૃતિનાં વર્તનમાં .. તેના દ્વારા લેવાતી સંભાળ માં પણ પરિવર્તન આવવા લાગ્યું. વૃધ્ધ દંપતીને નીચે એક રૂમમાં રહેવા આપી પોતે પરિવાર સાથે ઉપરનાં માળે રહેવા જતી રહી.
જ્યારે મગનબાપા ગામડેથી થોડો સમય આવતાં ત્યારે તેની સંભાળ રૂપ ચા, નાસ્તા, શરબત, ફળો જે સમયે સમયે ખવડાવતી તેના બદલે ફક્ત બે સમયનું ભોજન બનાવી નીચે જીવીબા ને આપી જતી.
વૃધ્ધ અને અનુભવી નજર દિકરાને નીતિ મોડી પણ પારખી ગઈ દૂરથી સંભળાતું ગીત “તમે મારા દેવનાં દીધેલ છો તમે મારાં માંગીને લીધેલ છો” મગનબાપાને હૈયે આજે ખૂંચવા લાગ્યું.

રેડ એન્ડ પર્પલ

" વાઉ અનુષ્કા વોટ અ પેઈન્ટીંગ ફેન્ટાસ્ટીક” સપનાએ અનુષ્કાની પેઈન્ટીંગ વખાણતા કહ્યું.
“યાર તું તો જબ્બર છે ફક્ત બે કલરનાં લાઈટ ડાર્ક કોમ્બિનેશન થી શું જબરદસ્ત પેઇન્ટિંગ બનાવ્યું છે”. પેઇન્ટિંગને નિહાળતા સપના ફરી બોલી.
“ ટેલ મી વન થિંગ આ બે કલર્સ તારા ફેવરીટ તો નથી ને?” સપનાએ પ્રશ્ન કર્યો.
અનુષ્કા એ જવાબમાં ફક્ત એક સ્માઈલ આપી.
“યાર શું કાતીલ સ્માઈલ આપી, પણ હું તારો વર નથી કે આટલી મસ્ત સ્માઈલ આપે છે ઓકે” કહી આંખ મીચકારતાં ફરી સપના બોલી , “ ઓ મેડમ મેં તમારી સુંદર દંતપંક્તિ જોવા નથી માંગી મને કે ને યાર આ કલર્સ તારા ફેવરીટ છે ને… તું મોટા ભાગે આ જ કલર કોમ્બિનેશન થી ડિફરન્ટ પેઇન્ટિંગ બનાવે છે”સપના એ થોડું અકળાઈને પૂછ્યું.
“કેમ આ બે કલર્સ થી મારૂં પેઇન્ટિંગ સારૂં નથી લાગતું કે નથી બનતું ?” અનુષ્કા એ પૂછ્યું.
“ના મારી માં….. હુંતો આશ્ચર્યચકિત થઈ જાવ છું કે ફક્ત બે કલર્સનાં કોમ્બિનેશન થી તું આટલું સરસ પેઇન્ટિંગ કઈ રીતે બનાવે છે?યુ આર અમેઝીંગ. અરે, લોકો તો બધા શેડ્સનો યુઝ કરીને પણ આવું સરસ પેઇન્ટિંગ ન બનાવી શકે અને તું….માય ગોડ….
આ કેનવાસ પર કોઈ મેજીક પણ કરે છે કે શું?”ફરી આંખ મીચકારતાં સપના બોલી.
“તું પણ ને સપના.. હવે બટરપોલીસ કરે છે”અનુષ્કા બોલી.
“પણ હજી મારો પ્રશ્ન એ જ સ્થાને છે “સપના એ ફરી સવાલ કર્યો.
“છોડ એ બધી વાત ચલ બંને કોફી પીએ”કહી બંને ડ્રોઈંગ રૂમમાં આવી.
અનુષ્કાએ જે રીતે વાત ઉડાવી તે જોઈને સપનાને થોડું વિચિત્ર લાગ્યું;પણ તે કંઈ બોલી નહીં . કોફી પીને તે પોતાને કામ છે એમ કહી નીકળી ગઈ.
“માય ફેવરીટ કલર્સ…. સપના તને હું શું કહું કે આ કલર્સ તો મારી લાઈફ સાથે વણાઈ ચૂક્યા છે”. મનોમન અનુષ્કા બોલી.
એક સુખી સંપન્ન પરિવાર માં પરણેલી અનુષ્કાનો પતિ વિરેન બિઝનેસ મેન હતો, એક પુત્રની માતા હોવા છતાં અનુષ્કા ખાસી યંગ લાગતી હતી.
દિકરો દહેરાદૂન બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ,તેથી પોતાની એકલતા દૂર કરવા તે પેઇન્ટિંગ,રીડીંગ કરી લેતી . પતિ વિરેનને તેના પેઇન્ટિંગ થી ચીડ હતી તેથી તે પતિની ગેરહાજરીમાં જ પોતાનો શોખ પૂરો કરતી.
સપના તેની પડોશી તેમજ મિત્ર પણ હતી. તે ઘણીવાર અનુષ્કને મળવા આવતી તેમજ તેના પેઇન્ટિંગ પણ સપનાને ખૂબ ગમતાં હોવાથી સપના અનુષ્કાના વખાણ પણ કરતી.
એકવાર રાત્રે સપના એ અનુષ્કાના પતિ વિરેનને મોટેથી ચીસો પાડતો સાંભળ્યો, તેને થોડું અજુગતું લાગ્યું પણ તે પોતાના રૂમમાં ઉંઘવા જતી રહી.
વિરેનની ચીસો તેના બેડરૂમ સુધી આવતી હતી; બાજુમાં સૂતેલો તેનો પતિ ઘસઘસાટ ઊંઘતો હતો તેથી તેને ન જગાડતા સપના ચૂપચાપ પડખાં ઘસતી પડી રહી.
સવારે અગિયાર વાગ્યાની આસપાસ તે અનુષ્કાના ઘરે પહોંચી , જઈને જોયું તો અનુષ્કાની આંખો સૂઝેલી હતી. તેણે નખશિખ અનુષ્કાને નિહાળી.
ક્યાંક આંગળાનાં લાલ નિશાનો તો હાથ પર પર્પલ ચકામા…તે કશું બોલ્યા વિના અનુષ્કાને ભેટી પડી.
આંખોમાં અશ્રુ સાથે અનુષ્કાની હળવી ચીસ પણ પડી, ડરીને સપના દૂર ખસી…. પછી તેને અનુષ્કાની પીઠ જોઈ .
કેનવાસ પર રેલાતા અનુષ્કાના ફેવરીટ રેડ એન્ડ પર્પલ કલર જ જોઈ લો….

પ્રેમ આવો પણ હોય!

સિડનીનાં વોલોન્ગોન્ગ (Wollongong) થી પતિ નીરવ સાથે સ્કાયડાઇવ કરી રહેલી માનસીની મનઃસ્થિતિ કંઈક અલગ જ હતી, ક્યારેક ડર તો ક્યારેક રોમાંચિત બની જતી હતી.
‘અહાહા ! …. કેટલી સુંદર છે આ ધરતી … ક્યાંક પાણી તો ક્યાંક હરિયાળી જ હરિયાળી…. ધરતીની આટલી સુંદરતા ધરતી પર રહેવા છતાં માણી નથી’ મનોમન વિચારતી માનસી આકાશમાંથી મન ભરીને પૃથ્વી નિહાળી રહી હતી.
‘પાંચે આંગળી એ પૂજ્યા હોય ત્યારે નીરવ જેવો પતિ મળે. કેટલો હેન્ડસમ…. કેટલો સ્માર્ટ…. કેટલી સરસ જોબ અને કેટલી હાઈ-ફાઈ લાઈફ….મને તો ધરતી પર સ્વર્ગ મળ્યું છે’. પોતાના નસીબ પર પોરસાતી માનસી નીરવ તરફ દ્રષ્ટિ કરી લેતી.
મલ્ટીનેશનલ કંપની માં જોબ કરતા નીરવ ની પોસ્ટ જ એવી હતી કે તે અડધું વર્ષે તો વિદેશ પ્રવાસ પર હોય. લગ્ન નાં ચાર વર્ષોમાં માનસી નીરવ સાથે ઘણી જગ્યાએ ફરી ચૂકી હતી.
નીરવ પણ માનસીને ખુશ રાખવાબનતો પ્રયાસ કરતો. તેને નવા દેશમાં એકલું કે અજાણ્યું ન લાગે એટલે પોતાના કામ સિવાય નો સમય માનસી સાથે પસાર કરતો.વીકએન્ડ માં તે માનસીને તે દેશની પ્રખ્યાત જગ્યાઓ પર લઈ જતો.
આજે પણ તે વોલોન્ગોન્ગ એ જ ઉદ્દેશ થી લાવ્યો હતો.પરીઓની વાર્તા જેવી ખુશખુશાલ જિંદગી જીવતા આ દંપતી પર અચાનક વજ્રઘાત થયો જ્યારે માનસી ને લગ્ન ના ચાર જ વર્ષ માં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયો.
ડોકટરે ચકાસણી બાદ ચોથા સ્ટેજના કેન્સર ને ડિટેક્ટ કર્યુ.માનસી આ સાંભળી પડી ભાંગી; જાણે તે આકાશમાંથી સીધી જમીન પર પટકાઈ ગઈ હોય એવું તેને લાગ્યું.
‘નીરવ આટલી મોટી કંપની માં જોબ કરે છે આટલી હાઈ ફાઈ લાઈફ જીવે છે એ ચોક્કસ મને છોડી દેશે ..કે કદાચ મને મારા મમ્મી ને ત્યાં ઈલાજ માટે મૂકી જશે ..અને પછી… મારા વાળ.. મારૂં શરીર ખરાબ થઈ જશે તો ક્યાં સુધી તે મને સાચવશે.. ના.. એ કરતાં મારે જીવવું જ નથી મારે મરી જવું છે’. આવા કેટલાય નકારાત્મક વિચારો થી માનસી ઘેરાઈ ગઈ.
માનસીની મનો:સ્થિતિ જોતાં નીરવે પોતાના બધા પ્રોજેક્ટ પડતા મૂકી ભારત પરત ફરવાનું નક્કી કર્યુ.
નીરવ હંમેશા માનસી સમક્ષ એવી જ વાતો કરતો જેનાથી તેનું જીવવાનો ઉત્સાહ વધે અને દવાઓની પોઝીટીવ અસર જોવા મળે.
ઓપરેશન બાદ યોગા,ફિટનેસ હેલ્થ આ બધી બાબતો જળવાઈ રહે એ રીતે ધ્યાન આપીને નીરવે માનસી ને ટૂંકા સમયમાં આ બીમારીના માનસિક વેદનામાંથી બહાર લાવી દીધી.
‘માનસી મને લાગે છે કે હવે તારે પણ આગળ ઉચ્ચ અભ્યાસ કરીને તારી જાતને એક સ્ટેન્ડ આપવું જોઈએ, ક્યાં સુધી તું આમ મારી પાછળ ભાગતી રહીશ ….તું ભણેલી છે, લગ્ન પહેલા જોબ પણ કરતી જ હતી ને …તો હવે કેમ નહીં?’ સ્વસ્થ થયેલી માનસીને સમજાવતા નીરવે કહ્યું.
‘નીરવ…. અડધું વર્ષ તો આપણે વિદેશ માં જ હોઇએ છીએ તો પછી હું જોબ કઈ રીતે કરૂં?’ માનસી બોલી.
‘એટલે જ તને આગળ અભ્યાસ નું કહું છું પોસીબલ છે તારા ઉચ્ચ અભ્યાસ બાદ તને મારી કંપની માં જ જોબ મળી જાય….’
થોડો થંભીને નીરવ આગળ બોલ્યો ,’અને ન પણ મળે તો શું થયું ? બીજી કોઈ સારી જોબ તો મળશે જ ને … તારી પોતાની ઓળખ…. તારી પોતાની સ્વતંત્રતા…એ તો મળશે જ ને….’ બોલતા નીરવ ને જોઈ મલકી ઉઠેલી માનસી મનમાં બોલી , ‘ પ્રેમ આવો પણ હોય…!’

અસ્થિવિસર્જન

“પપ્પા હવે અહીં અમારી સાથે આવી જાવ ને , શા માટે બેય એકલા રહો છો ?” નિરજે તેના પિતા હરિશભાઈને ફોન કરી કહ્યું.
“ ના…. બિલકુલ નહીં હોં…” હરિશભાઈ એ દિકરાને ટૂંકો પ્રત્યુત્તર આપ્યો.
“ પણ કેમ પપ્પા ? શું તમને અમારા પર વિશ્વાસ નથી કે અમે તમારું ધ્યાન રાખીશું “ નીરજ થોડા ગુસ્સા સભર દુઃખી અવાજે બોલ્યો.
“ એવું નથી બેટા … અમે તારે ત્યાં આવીએ તો અમારા રોમાન્સ માં વિક્ષેપ ન પડે ! “કહી હરિશભાઈ ખડખડાટ હસી પડ્યા અને નીરજ પણ….
હરિશભાઈ …….એક હસતું જીવંત વ્યકિતત્વ.. શારદાબેન સાથે તેમનું લગ્નજીવન સમાજ માટે ઉદાહરણ રૂપ હતું ;હંમેશા હસતા મુખે કોઈ પણ પરિસ્થિતિને પાર પાડનારા હરિશભાઈ એ શારદાબેનનાં સાથ થી દિકરા નીરજને ભણાવી ગણાવી ને સેટ કર્યા બાદ બંને પતિ -પત્ની દિકરા સાથે ન રહેતા એકલા જ રહેવાનું પસંદ કર્યુ .
પડોશીઓ પણ ઘણી વાર એમને કહેતા કે હવે તો દાદા-દાદી તરીકે પૌત્રને લાડ લડાવવા નો લ્હાવો લેવા પણ તમારે દિકરા પાસે જવું જોઈએ , તો કોઈ એમ પણ કહેતું કે જો હજી પણ તમે દિકરા વહુ સાથે રહેવા નહીં જાવ તો પાછળ થી વહુ ને તમારી હાજરી ખૂંચશે .
આવી બધી વાતો હરિશભાઈ મજાક માં ઉડાવી દેતા અને પોતાના શારદાબેન સાથે નાં રોમાન્સની વાત કરી વાતાવરણ ને હળવું બનાવી દેતા.
શારદાબેન પણ ઘણી વખત કહેતા કે , “શું તમેય આવી ઘેલી વાતો કરો છો… હવે તો સસરા થયા અને દાદા પણ … હવે આવું બોલવું ન શોભે” .
ત્યારે હરિશભાઈ કહેતા, “શારદા….. તને પ્રેમ કરતાં તો મને ભગવાન પણ ન રોકી શકે” અને શારદાબેન શરમાઈ ને લાલ થઇ જતાં.
પણ કુદરતને પણ આ જોડી પર ઈર્ષા આવી હોય એમ અચાનક એક દિવસ શારદાબેનનું હ્રદયરોગનાં હુમલાથી નિધન થયું.
હરિશભાઈ આ રીતે પોતાની જીવનસંગીની નાં જવાથી આઘાત પામ્યાં હતા; શારદાબેનની બધી ક્રીયાવીધિ દિકરા સાથે પૂર્ણ કરી શારદાબેન નાં અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર તેમના દિકરા સાથે ગયા.
શારદાબેન નાં અસ્થિ વિસર્જન માટે ગંગા ઘાટ પહોંચ્યા બાદ હરિશભાઈ એ જે જોયું તે જોઇને તેનું મન પાછું પડી ગયું.
“દિકરા… તું તારી માં ને કેટલો પ્રેમ કરે છે?” હરિશભાઈનાં આ પ્રશ્ન થી નીરજ ચોંક્યો.
“પપ્પા મારી કોઈ ભૂલ થઈ ?” નીરજે પૂછ્યું.
“ના બેટા પણ શું તું તારી મમ્મી પ્રત્યે નો પ્રેમ જતાવવા તેના પર સાડી, ફૂલો, કે અન્ય વસ્તુઓ તેના ઉપર ચડાવીશ ?
અહીં જો પેલે ઘાટ લોકો સ્નાન કરે…. અહીં જો અગ્નિ સંસ્કાર કરે…. જો…જો પેલા સ્નાન કરીને વસ્ત્રો ધોવે ….”
“પપ્પા તમે શું કહો છો સમજાતું નથી . આ મેટર ને મમ્મી પ્રત્યેનાં મારા પ્રેમ સાથે શું લેવાદેવા “ નીરજે હરિશભાઈ ની વાત કાપતાં કહ્યું.
“જેમ શારદા તારા માટે પૂજનીય છે તેમ ગંગાજી તો આપણા બધા માટે પૂજનીય છે તો શા માટે તેને આપણે મલીન કરવી ….
દિકરા માં ગંગા પર આ જુલમ શા માટે? ક્યારે સમજશે સમાજ કે હકીકતમાં અસ્થિ વિસર્જન નાં બહાને માં ગંગા ને આપણે મલીન કરીએ છીએ.
શરૂઆત આપણે જ કરીએ … ગંગાજી મા શારદાની અસ્થિ વિસર્જન ન કરીને જ તેનું સાચું તર્પણ કરીએ” કહી હરિશભાઈ દિકરા નીરજ સાથે ગંગાજી ને પ્રણામ કરી ત્યાંથી રવાના થયા.
અચાનક ગંગાજીનાં જળની છાલક હરિશભાઈ નાં પગ પર આવી…… જાણે ગંગાજી પણ આ નિર્ણય પર ખુશ હતા……











બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED