Featured Books
શ્રેણી
શેયર કરો

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 3

પ્રકરણ 3.

નાડી

ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં આભામંડળ (Aura) તથા કુંડલિની વિષે જાણ્યા બાદ 'નાડી' વિષે સમજીએ.

લાગણીઓના ધસમસતા પૂરને સાથે જ લઈ આવે તેવા વિચારોનાં વમળમાં કોઈ વાર ફસાયા છો? તે વખતની સ્થિતિ યાદ આવે છે? ન આવે તો આજે તેવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરીએ. થોડી વાર માટે આંખ બંધ કરીએ, કોઈ એવો વિચાર મનમાં લાવીએ કે જે ભાવનાઓના ઘોડાપૂરમાં તાણી જાય - કોઈ પણ પ્રકારની ભાવના. આ સમયે ધ્યાનથી માનસિક નોંધ લઈએ કે શરીરમાં ઊર્જાનો પ્રવાહ કઈ રીતે ફરી રહ્યો છે, ક્યાં ફરી રહ્યો છે. આધુનિક વિજ્ઞાન નર્વસ સિસ્ટમની કોઈ થીઅરી સાથે આ વસ્તુની સમજણ આપશે. પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આ જ ઘટનાને પ્રાણશરીરમાં આવેલ એક બીજા જ પ્રકારના ઊર્જાતંત્ર એટલે કે એનર્જી નેટવર્ક દ્વારા સમજાવેલ છે. જેમ વીજળી, રેડિયો કે લેસરના તરંગો અદ્ષ્ય હોવા છતાં તેનું અસ્તિત્વ છે અને વહેતા રહે છે તેમ પ્રાણશક્તિનો પ્રવાહ યોગશાસ્ત્રમાં દર્શાવેલ નાડીઓ દ્વારા વહેતો રહે છે. ચિકિત્સા વિજ્ઞાનમાં જે ઉલ્લેખ છે તે નર્વસ સિસ્ટમથી આ નાડીઓ જુદી છે; નર્વસ સિસ્ટમ સ્થૂળ શરીરમાં છે, આ નાડીઓ પ્રાણશરીરમાં છે. એક અત્યંત વિશાળ, જટીલ અને પ્રકૃતિ જ ગોઠવી શકે તેવા વ્યવસ્થિત નાડીઓના નેટવર્ક દ્વારા ઊર્જાનો પ્રવાહ શરીરના દરેક ભાગમાં અને દરેક સેલમાં આપણી જાણ બહાર પહોંચતો રહે છે; તે ભગીરથ કાર્ય ઉઠાવે છે આ નાડીઓ.

મુખ્ય નાડીઓ ત્રણ છે, ગૌણ નાડીઓ અનેક છે. એક માન્યતા એવી છે કે 72,000 નાડી છે તો એક માન્યતા એવી પણ છે કે 72,00,000 નાડી છે. આ મતમતાંતરને બાજુએ મૂકીને જોઈએ તો મુખ્ય નાડીઓ ત્રણ છે જે નિર્વિવાદ છે. બાકીની બધી નાડીઓ આ ત્રણ નાડીઓમાંથી ફૂટેલી શાખાઓ છે એમ સમજી શકાય.

બીજા દેશોનાં સાહિત્યમાં પણ નાડીઓનો ઉલ્લેખ છે, હા, દેશ-દેશ મુજબ નામ જુદાં-જુદાં છે. ચીનમાં હજારો વર્ષ પહેલાં પણ મેરિડીયન તરીકે ઊર્જા પ્રવાહિત કરતી નાડીઓનું જ્ઞાન હતું. એકયુપંકચર અને એકયુપ્રેશર થેરાપી સંપૂર્ણપણે મેરિડીયન પર આધારિત છે. તે મુજબ જ જાપાનમાં યીન-યાન સિદ્ધાંત પર વિકસાવેલ શિયાત્સુ નામની થેરાપી જગ-વિખ્યાત છે. યીન તે ઈડા નાડી અને યાન ( YANG ) તે પિંગળા નાડી જ છે.

શરીરમાં ડાબી તરફ રહેલી નાડીને ઈડા અથવા ચંદ્રનાડી, મધ્યમાં આવેલી નાડીને સુષુમ્ણા અથવા મધ્યનાડી અને જમણી બાજુ આવેલી નાડીને પિંગલા અથવા સૂર્યનાડી તરીકે ઓળખવામાં આવે છે.

સુષુમ્ણા અથવા મધ્યનાડી સૌથી નીચેના ચક્ર એટલે કે મૂલાધાર ચક્રથી શરુ કરીને સૌથી ઉપરના ચક્ર એટલે કે સહસ્ત્રાધાર ચક્ર સુધી સ્થિત હોય છે જયારે બાકીની બંને નાડીઓ તેની બને બાજુ સર્પાકારે ગોઠવાયેલ છે.

ઈડા સ્ત્રૈણ - Feminine નાડી છે જયારે પિંગળા પુરુષપ્રધાન - Masculine નાડી ગણાય છે. અહીં સ્ત્રૈણ કે પુરુષપ્રધાન શબ્દનો ઉપયોગ લિંગ સાથે નહિ પણ સ્ત્રી-પુરુષની મૂળભૂત પ્રકૃતિ સાથે ગણવાનો છે. થોડી અલગ રીતે સમજીએ તો દ્વૈતભાવની એટલે કે ડ્યુઆલીટીની આ વાત છે.

શ્વાસ સામાન્ય રીતે એક જ નસકોરામાંથી ચાલે છે - ક્યારેક ડાબામાંથી તો ક્યારેક જમણામાંથી. ભાગ્યે જ જોવા મળશે કે શ્વાસ બંને નસકોરામાંથી સાથે ચાલુ હોય. જયારે ડાબા નસકોરામાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે શરીર પર ઈડા નાડીનો અને જમણામાંથી ચાલુ હોય ત્યારે પિંગળા નાડીનો પ્રભાવ હોય. જો બંને નાડીમાંથી શ્વાસ ચાલુ હોય તો તે ક્ષણે વ્યક્તિ સુષુમ્ણાના પ્રભાવમાં હોય છે. સામાન્ય રીતે ધ્યાન કરતી સમયે આ સ્થિતિ આવે અથવા વર્ષો સુધીના ધ્યાન બાદ કોઈ વ્યક્તિ મોટા ભાગનો સમય આ સ્થિતિમાં રહી શકે છે.

ભૂતકાળના અતિશય વિચાર કરવાની આદત ઈડા એટલે કે ચંદ્રનાડીને દૂષિત કરે છે જયારે ભવિષ્યના અતિશય વિચાર કરવાની ટેવ પિંગળા એટલે કે સૂર્યનાડીને દૂષિત કરે છે. જયારે વ્યક્તિ વર્તમાનમાં જ રહે ત્યારે ઊર્જા સુષુમ્ણામાંથી વહે છે. વાતચીતની વ્યવહારુ ભાષામાં પણ ઘણી વાર કોઈ વ્યક્તિ માટે એવો શબ્દપ્રયોગ કરીએ છીએ કે તે 'સેન્ટર્ડ' અથવા 'બેલેન્સ્ડ' છે. આનો અર્થ જ એ થયો કે તે મોટે ભાગે વર્તમાનમાં રહે છે, મધ્યનાડીમાં રહે છે.

સંપૂર્ણ મનુષ્યજાતિને (કોઈ રડ્યા-ખડ્યા અપવાદોને છોડીને) બે ભાગમાં વહેંચી શકાય - ઈડાપ્રધાન કે પિંગળાપ્રધાન. બંનેના લક્ષણો જોઈએ.

ઈડાનાડીના પ્રભાવવાળા લોકો વધુ સર્જનાત્મક, કલાપ્રિય, લાગણીપ્રધાન, આંતરિક પ્રેરણાથી ચાલનારા (Intuitive) હોય છે. આવી વ્યક્તિને ઠંડી વધારે લાગે, પાચનતંત્ર થોડું ઓછું કાર્ય કરે, ડાબું નસકોરું વારે- વારે બંધ થઇ જાય, ડિપ્રેશન પણ હોઈ શકે વિગેરે. આવા લોકોનું જમણું મગજ (નાડી ડાબી) વધારે સક્રિય હોય છે. ભૂતકાળના વિચારોની આદતને કારણે કોઈ પણ રોગ થવાની શક્યતા કમનસીબે આવા લોકોને વધારે રહે છે કારણકે સામાન્ય મનુષ્ય સ્વભાવ છે કે જયારે ભૂતકાળને યાદ કરે ત્યારે સુખદ કરતાં દુઃખદ ઘટનાઓ વધારે યાદ આવે.

પિંગળા નાડીના લક્ષણો જોઈએ તો આ પ્રકારના લોકો સામાન્ય રીતે વધુ તાર્કિક (Logical), વિશ્લેષણાત્મક (Analytical), થોડા ઉગ્ર અને થોડા-ઘણા અહંકારી પણ હોઈ શકે. તેમને ગરમી વધારે લાગે, ગુસ્સો જલ્દી આવે, ભૂખ વધારે લાગે, શારીરિક એનર્જી વધારે હોય, ચામડી સૂકી હોય, જમણું નસકોરું ઘણી વાર બંધ થઈ જાય વિગેરે. તેમનું ડાબું મગજ (નાડી જમણી) વધારે સક્રિય હોય છે. આવા લોકો થોડા જક્કી પણ હોઈ શકે, તેમની માન્યતાઓ બદલાવવાનું કામ થોડું મુશ્કેલ હોય.

દરેક વ્યક્તિમાં આ બધા જ ગુણ અલગ-અલગ માત્રામાં હોય. માટે જ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં શિવ-શક્તિ બંનેનો વાસ છે. એક જ શરીરમાં આ બંનેનો સંતુલિત સમન્વય કરવો તે આધ્યાત્મિકતાનું ઊંચું શિખર છે, સાધના દ્વારા શક્ય પણ છે. ધ્યાનથી જોઈએ તો અનેક સંતોમાં આ બંને શક્તિઓનો સમન્વય જોવા મળશે, અનેંક પુરુષ સંતોની ઘણી ભાવભંગિમા સ્ત્રૈણ જણાશે જે બતાવે છે કે તેઓ બંને શક્તિઓનો મિલાપ કરવામાં આગળ વધી ગયા છે અને મધ્ય કે સુષુમ્ણા નાડીમાં રહી શકે છે.

જયારે વ્યક્તિ સુષુમ્ણા નાડીમાં રહે ત્યારે તે વધુ સંતુલિત અને શાંત રહે છે, બાહ્ય સંજોગોથી આવી વ્યક્તિ ઓછી વિચલિત થાય છે અથવા વિચલિત થતી નથી. માટે આદર્શ પરિસ્થિતિ એ છે કે બહારની વસ્તુઓ પર ધ્યાન આપવાની સાથે-સાથે જ અંતર્મુખ પણ થઈએ; આંતરિક સ્થિતિનું અવલોકન કરતા રહીએ, જેથી ખ્યાલ આવે કે ક્યા સમયે કઈ સ્થિતિમાં રહીએ છીએ. જો શક્ય હોય તો જીવનશૈલીમાં ધ્યાનને પણ જોડીએ જેથી વધુ ને વધુ મધ્ય એટલે કે સુષુમ્ણા નાડીમાં રહી શકીએ, વધુ ને વધુ સંતુલિત થતા જઈએ અને જીવનના સંજોગોને તટસ્થતાથી નિહાળી શકવાની શક્તિ કેળવી શકીએ. કોવિદ-19ના પરિણામે જયારે જીવનશૈલી બદલવાની સમગ્ર માનવજાતને જરૂર છે ત્યારે આ મુદ્દો અતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આગામી પ્રકરણમાં ચક્રો વિષે વિહંગાવલોકન કરીશું. ત્યાર બાદ એક પછી એક ચક્રોનું ચઢાણ શરુ કરીશું - દરેક ચક્રની લાક્ષણિકતાઓ, સંતુલિત છે કે નહિ તેનાં સ્વપરિક્ષણ માટે જરૂરી માહિતી, અસંતુલિત ચક્રને સંતુલિત કરવાના ઉપાયો વિગેરેની વિશદ છણાવટ કરીશું. ફરી એક વાર યાદ કરીએ કે સમગ્ર જીવનનાં તમામ પાસાંઓ આ ૭ ચક્રમાં જ સમાયેલ છે.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾


FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/

FB: https://www.facebook.com/jitpatwari

jitpatwari@rediffmail.com
7984581614: