સંકલ્પ - એક અતૂટ જોડાણ - 9 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 9

કણકણમાં તારું નામ
તારો જાપ - તારામાં વિશ્વાસ...


ઢાળમાં ગાડીઓ વચ્ચે ઘેરાયેલી બસ, અંધારી રાતનો 3 વાગ્યાનો સમય, કડકડતી-હાડ થીજવતી ઠંડી, અને એ વચ્ચે અફવાનો દોર - કે હેલિકોપ્ટરના રિપોર્ટિંગ સમયે જો ત્યાં ન પહોંચીએ તો એ લોકો આપણી ટીકીટ કેન્સલ કરી શકે છે. આ પરેશાનીઓ વચ્ચે શ્રુતિ પર દવાઓની એટલી ઘેરી અસર હતી કે એ એની આંખો પણ ખુલ્લી રાખી શકતી નહતી. બસનો ડ્રાઇવર તો ત્યાં જ ઉભો હતો. પણ બસ નિકાળવી કઈ રીતે? એ જ સૌથી મોટી વિટમ્બણા હતી.
એવામાં ટુર મેનેજર પણ આવી ગયા. બધાને આમ દુઃખી ચહેરે ત્યાં ઉભા રહેલા જોયા. એ લોકોના શરીર એમ હતા જાણે એમા કોઈ તાકાત જ બચી નહતી. એમણે બધાને આમ ઉભા રહેવાનું કારણ પૂછ્યું. બધાએ કારણ જણાવ્યું તો એ પણ ચિંતિત થઈ ગયા. કોઈ નિદાન થઈ શકે કે કેમ? એ વિશે એ વિચારવા લાગ્યા.
અંધારી રાત હતી, બીજી કોઈ ગાડી મળવાના વિકલ્પ પણ નહતા. છેવટે અમુક પુરુષો ભેગા થઈ ગાડી મુકવાના એ ઢાળ પર ચઢ્યા. બસની આગળ બે ગાડી, પાછળ એક ગાડી અને એક તરફ બીજી ગાડીઓ. બીજી તરફ તો પહાડ જ હતો. ડ્રાઈવર પણ ત્યાં આવ્યો અને ગાડીઓની અંદર નજર કરવા લાગ્યો. કદાચ કોઈ વિકલ્પ મળી જાય એ આશમાં. અને મહાદેવે વિકલ્પ નહિ પણ પૂરેપૂરો જવાબ ભેટમાં આપી દીધો. બસની પાછળની ગાડીમાં નજર કરતા અંદર એક માણસ સૂતો દેખાયો. કદાચ એ જ આ ગાડીનો ડ્રાઈવર હતો. ગાડીના કાચ પર હાથ મારીને ડ્રાઈવર અને અન્ય પુરુષોએ એ માણસને ઉઠાડ્યો અને પરિસ્થિતિ સમજાવી ગાડી નીકાળવાની વિનંતી કરી.
એ માણસ તરત સમજી ગયો અને પોતાની ગાડી બહાર નીકાળી. એણે જેવી ગાડી નીકાળી કે તરત બસના ડ્રાઈવરે બસ બહાર નીકાળી. ફટાફટ બધા અંદર બેઠા અને બસ સીધી ઉપડી, ફાંટાના હેલિકોપ્ટર બેઝ પર. ત્યાંથી ફાંટાનું અંતર માંડ 15 કિલોમીટર હતું. પણ પહાડી રસ્તો બસની સ્પીડ ધીમી કરી રહ્યો હતો. એમાં સવારની બસ નીકાળવાની કસરતે 15 મિનિટ કરતા વધુ સમય બરબાદ કર્યો.
રિપોર્ટિંગ સમય પર પહોંચી નહિ જ શકાય એ ચિંતામાં બધા જાતજાતની અટકળો લગાવવા લાગ્યા.
"નહિ પહોંચીએ સમય પર..."
"જો જો... ને આપણા પૈસા બરબાદ જ થશે...."
"કેટલી વાર કહ્યું હતું કે અમને ફાંટા જ મૂકીને અહીં આવો, પણ આ મેનેજર એવો બાત્ત્તલ છે ને કે શું કરવું?"
વળી એટલામાં શ્રુતિના પપ્પા વચ્ચે બોલ્યા, "અરે આપણે કાલે અહીં બહુ મોડા પહોંચ્યા હતા. આપણી માટે ફાંટા ગેસ્ટહાઉસમાં વ્યવસ્થા કરવાની અને અન્યની અહીં કરવામાં વધુ સમય જાત. એટલે એમણે એમ કર્યું હશે!!"
વળી કોઈ વચ્ચે બોલ્યું, "તમે તો બસ એની જ સાઇડ લેવાના છો. પણ જો આપણે હેલિકોપ્ટર મિસ કર્યું તો પૈસા પણ જશે. અને આપણે કેદારનાથ પણ નહીં જઈ શકીએ. વળી જો જવાનું મન બનાવી જ લીધું તો પીઠ્ઠું (માણસને પીઠ પર ઉચકનાર - જેની પીઠ પર એક વાંસની ટોકરી જેવું બાંધેલું હોય. જેમાં એક માણસ બેસી શકે) અથવા ઘોડાનો ખર્ચ નફામાં...."

આ બધી ચર્ચા ચાલી રહી હતી. અને શ્રુતિ બસમાં સૌથી છેલ્લે બેઠી હતી. એની આંખો ભારે થઈ રહી હતી, અને આ બધી વાતો પરથી મન પણ. એણે મનોમન વિચાર્યું, "હે મહાદેવ, નસીબને તો કોઈ બદલી શકતું નથી. આગળ શું થશે એ હું જાણતી નથી. પણ એક વિશ્વાસ છે મારો. દ્રઢ શ્રદ્ધા છે મને. તમે અમને નિરાશ નહિ કરો. તમે અમને તમારા ધામની સ્વર્ગની હવા માણવાનો અને આ પળ જીવવાનો હક આપશો જ. બસ હવે બીજું કંઈ નહીં, હું બધું તમારી પર છોડું છું. તમારા ભક્તને તમારા ધામ આવવાનો માર્ગ આપો."
શ્રુતિ આ બધું વિચારતા ક્યારે સુઈ ગઈ એને ખ્યાલ જ ન આવ્યો. એ એની ઘેરી ઊંઘમાં હતી જ્યારે એને પોતાના ખભા પર કોઈનો હાથ અનુભવાયો. અને એણે આંખો ખોલી ત્યારે એની સામે એના પપ્પા ઉભા હતા. એમણે જણાવ્યું, "ચાલ ફટાફટ અંદર..."
"આપણે આવી ગયા, પપ્પા??"
"હા, હેલિકોપ્ટર બેઝ પર..."
"ઓહ..." એમ કહી શ્રુતિ ફટાફટ સીટ પરથી ઉભી થઈ અને પોતાની બેગપેક ભરાવી એ બંને બહાર નીકળ્યા. બધા સીધા જ અંદર ઓફિસમાં ગયા અને શ્રુતિ પોતાની મમ્મીનો હાથ પકડીને લઈ ગઈ.
અંદર જતા ત્યાં એમને માત્ર 4 લોકો નજરે ચઢ્યા. કદાચ એ લોકોનો રિપોર્ટિંગ સમય પણ ચાર વાગ્યાનો હતો. અંદર ગયા તો હજુ કોઈ ઓફીસ મેમ્બર આવ્યો નહતો. એ લોકો અંદર મુકેલી ખુરશીમાં બેઠા. ત્યાં છેલ્લે એક જ ખુરશી બચી હતી. એ શ્રુતિએ એની મમ્મીને આપી દીધી. એ થોડીવાર ઉભી રહી. પણ એની આંખોનું ઘેન એને એમ કરતાં રોકી રહ્યું હતું. છેવટે એ એના પપ્પાના ખોળામાં માથું મૂકી નીચે જ બેસીને સુઈ ગઈ.

માંડ થોડોક સમય પસાર થયો હશે કે ઓફીસ સ્ટાફ આવી ગયો અને ટીકીટ અને પેસેન્જરોનું વજન ચેક કરવા લાગ્યા. એ બધામાં શ્રુતિની ઊંઘ બગડી. એક નિર્ધારિત સીમા કરતાં વધુ વજન હોય તો એટલા વજનના પૈસા પેસેન્જરે ચૂકવવા પડતા હોય છે. એ વાત એમને ખ્યાલ હતી જ. અને કેદારનાથ મંદિરમાં વધુ સમય મળી રહે એ માટે વી.આઈ.પી. ટીકીટ લેવી પણ જરૂરી હતી. કારણ ફક્ત એટલું કે કેદારનાથમાં ઋતુ નક્કી નથી હોતી. બપોરના 12 વાગ્યે કે વરસાદ તૂટી પડે. એવામાં હેલિકોપ્ટર સેવા બંધ થઈ જાય. અને જો સામાન્ય લાઈનમાં દર્શન કરવા જાઓ તો આખો દિવસ નીકળી જાય, એટલી લાંબી લાઇન હોય. અને જે દિવસે હેલિકોપ્ટરની ટીકીટ હોય એ દિવસે પાછા ન આવો તો ટીકીટ કેન્સલ થઈ જાય. એના પપ્પાએ એ સ્પેશિયલ દર્શનની ટીકીટ પણ લઈ લીધી. આ બધામાં એટલી ગૂંચવણ હતી કે શ્રુતિ ડોકટરની ચેતવણી વિશે ભૂલી જ ગઈ.

છેવટે બધી પ્રોસેસ પુરી થતા સવારે 6 વાગ્યે હેલિકોપ્ટરનો પ્રથમ ફેરો શરૂ થયો. શ્રુતિમાં પપ્પાનો છઠ્ઠા ફેરામાં નંબર આવ્યો. જ્યારે શ્રુતિ, મમ્મી અને માસીનો સાતમા ફેરામાં. કેટલીક પાયાગત માહિતી આપી એમનો નંબર આવતા એ લોકો બેઝ પર ગયા. શ્રુતિને આગળ અને એની મમ્મી અને માસીને પાછળ બીજા બે પેસેન્જર સાથે બેસવાની સૂચના આપવામાં આવી. થોડીવારમાં હેલિકોપ્ટર પણ પોતાના છઠ્ઠા ફેરથી પરત બેઝ પર અવાજ કરતું આવી પહોંચ્યું. એ લોકોને હેલિકોપ્ટર નજીક લઈ જવામાં આવ્યા. એનો અવાજ અને એનાથી આવનાર પવન ખૂબ વધુ હતો. જ્યારે શ્રુતિ આગળ બેઠી અને પોતાનો બેલ્ટ લગાવ્યો ત્યારે એનું હૃદય ખૂબ ઝોરથી ધડકી રહ્યું હતું.

જેવો પાઇલટને સિગ્નલ મળ્યો કે એણે હેલિકોપ્ટર ઉડાડયું. શ્રુતિએ પહેલાં આંખો બંધ કરી દીધી. એની પગ સુધી હેલિકોપ્ટરનો વિન્ડસ્ક્રીન ફેલાયેલો હતો. એ નીચે જોતા ડરી રહી હતી. છેવટે મહાદેવનું નામ લઈ એણે પોતાની આંખો ખોલી. નીચે કેદારનાથનો રસ્તો દેખાયો એને. ફાંટાથી સોનપ્રયાગનું અંતર કપાતા વાર ન લાગી. બધું જ નાનું દેખાઈ રહ્યું હતું એને. 1000 - 1200 ફૂટની હાઈટ પર એમનું હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. કેટલાક પહાડો તો એમની ઊંચાઈ કરતા પણ ઊંચા દેખાઈ રહ્યા હતા એને. પગ સામે નજર કરી તો નીચે ઊંડી-ઊંડી ખીણ અને મંદાકિની નદીની ઘાટી દેખાઈ. વચ્ચે ક્યાંક જામેલા બરફનો ગ્લેશિયર. સામે જોયું તો દૂર-સુદૂર માત્ર પહાડીઓ. ક્યાંક લીલોતરી તો ક્યાંક બરફની ચાદર. આ જ સ્વર્ગ છે એમ એણે ભાસ્યું. એની સામે પહાડો ખૂટવાનું નામ જ લઈ રહ્યા નહતા.

હેલિકોપ્ટર એક પછી એક પહાડ પાર કરી, ગૌરીકુંડ સુધી પહોંચ્યું. શ્રુતિને આ ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે એણે કેદારનાથનો પગપાળા જવાનો 17 કિલોમીટરનો રસ્તો જોયો. રસ્તા પર ક્યાંક પ્રવાસીઓના માથા, ક્યાંક ખચ્ચર પર બેઠેલા માણસો દેખાઈ રહ્યા હતા. એક નાનકડો 5 થી 6 ફૂટનો રસ્તો, બાજુમાં ખીણ અને ખળખળ વહેતી મંદાકિની. કુદરતની રચના પણ કેટલી અદભુત છે. એ વિચાર હજુ શ્રુતિના મનમાં ઝબુકયો જ હતો કે એણે એની પાછળ મમ્મી સામે જોયું, એની મમ્મી આંખો બંધ કરીને બારી બાજુમાં બેઠી હતી. એણે એની મમ્મીને કહ્યું, "મમ્મી આંખો ખોલ, જો નીચે. આ નજારો બીજી વાર જોવા નહીં મળે."
"ના મને બીક લાગે છે." એમ કહી એની મમ્મીએ આંખો ફરી બંધ કરી દીધી.
"મમ્મી જો ને..." શ્રુતિએ ખૂબ સમજાવી એની મમ્મીને. પણ એમણે આંખો ન ખોલી.
અને આટલી વાતચીતમાં કેદારનાથ બેઝ પણ આવી ગયો. એ લોકોને નીચે ઉતરી સીધા જ આગળ જવાની સૂચના આપવામાં આવી. શ્રુતિ નીચે ઉતરી અને એક ઠંડી હવાની લહેરખી આવી ગઈ. હેલિકોપ્ટરનો પવન છે એમ સમજી એ આગળ નીકળી. એના પપ્પા ત્યાં જ એ લોકોની રાહ જોઈ રહ્યા હતા.
એ ચારેય ભેગા થયા અને બેઝથી થોડા દૂર નીકળ્યા. મંદિરની દુરી અહીંથી 500 મીટર હતી. પણ અહીં 3500 મીટરની ઊંચાઈ એમને આ અંતર કાપતા નડી રહી હતી.
બેઝથી બહાર પગથિયાં ચઢતા પહેલા એક બાથરૂમના ખરાબ નળને કારણે પાણી સીધું દરવાજા બહાર આવી રહ્યું હતું. જેના કારણે શ્રુતિનો ડ્રેસ પલળી ગયો. "હશે" એમ વિચારી પગથિયાં ચઢી જેવા એ મેઈન રસ્તા પર આવ્યા કે કેદારનાથનો ઠંડો પવન એમના સ્વાગતમાં એમને થીજવવા અને દાંત કકડાવવા એમને ભેટી ગયો.

(સાચે જ એટલી સ્વચ્છ અને પાવક હવા, જેના કણકણમાં મહાદેવ વસતા હોય, એ હવા શ્વાસમાં જતા જ એક અલગ અનુભવ, એક અલગ નશો આપી જાય છે. 'ભોલે ભંડારી' એમ જ નથી કહેવાયા એમને. મનની દરેક મુરાદ પુરી કરનાર, એટલા પાવક સ્થળ પર બેઠા હોય તો એમના નામની ધૂન તો સૌને લાગવાની....
આ સાથે જ રાહ જુઓ આવતા એપિસોડનો, અને કેદારનાથના અદમ્ય અનુભવનો......)