Tran Vikalp - 35 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 35

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૫

નિયતિની ‘હા’ સાંભળી થોડીક વાર રાકેશ સૂનમૂન થઈ લાકડાની શેટ્ટી પર બેસી જાય છે. નિયતિ સામે જોતો મનમાં કશુંક બબડવા લાગે છે. રાકેશને ડરેલો અને સૂનમૂન જોઈ નિયતિ ઘરમાં આજુબાજુની વસ્તુઓ જુએ છે. ઘર બહુ મોટું નહોતું. ઘરમાં બધી વસ્તુઓ પણ સામાન્ય હતી. બેઠકરૂમમાં બે શેટ્ટી એક ખૂલમાં L આકારમાં મુકેલી હતી. બે શેટ્ટીની બરાબર વચ્ચે એક નાની ત્રિપોઇ હતી. એક દીવાલ પર નાનું પચ્ચીસ ઇંચનું ટીવી હતું. બેઠકરૂમ પરથી ખબર પડી જાય કે ઘરમાં રહેતા લોકોની આવક વધારે નથી. રાકેશના પપ્પા એક નાની કંપનીમાં નોકરી કરતાં હતા. ટૂંકા પગારમાં મહામુશ્કેલીએ ત્રણ દીકરી અને એક દીકરાને ભણાવ્યા હતા અને ત્રણેય દીકરીઓનાં લગ્નનો ખર્ચ ઉઠાવ્યો હતો. ત્રણેય દીકરીઓ પોતાના સાસરે હતી. બેઠકરૂમમાં રાકેશના પરિવારનો ફોટો લટકતો હતો.

નિયતિ બેઠકરૂમનું નિરીક્ષણ કર્યા પછી ફરી રાકેશ સામે જુએ છે, ત્યારે રાકેશ છત પર જોઈને કશુંક વિચારી બબડતો હતો. રેકેશને બબડવા દઈ નિયતિ ફરી ઘરમાં જોવા લાગે છે. બેઠકરૂમની જમણી બાજુ રસોડું દેખાય છે. રસોડાની ડાબી બાજુ ઉપર જવાની સીડી અને નાના પેસેજમાં વોશિંગ એરિયા હતો. સીડીની બાજુમાં બેડરૂમનો દરવાજો અધ્ધખુલ્લો હતો જેમાંથી બેડ દેખાતો હતો. નિયતિ ઘરનાં નિરીક્ષણમાં ખોવાયેલી હતી ત્યાં તો રાકેશ એના પર ઝપટ મારે છે. નિયતિ શેટ્ટી પર પડે છે એનું માથું પાછળ દીવાલ પર ભટકાય છે. એના પેટ પર રાકેશનું માથું અથડાય છે. નિયતિને માથું ભટકાવાથી તમ્મર આવે છે. રાકેશ ઊભો થઈ નિયતિથી દૂર થાય છે. નિયતિ આંખ ખોલી જુએ છે તો રાકેશ એની બાજુમાં ઊભો રહી કાંપતો કઈક બબડતો હોય છે. નિયતિ ઉભી થઈ રાકેશને જોતી હોય છે ત્યાં અચાનક રાકેશ નિયતિના પેટમાં એક મુક્કી મારે છે. નિયતિ ફરી ધડામ દઈને શેટ્ટી પર પડે છે. પેટમાં થયેલા ઓચિંતા હુમલાથી નિયતિ શેટ્ટી પર બેવડ વળી જાય છે. બેવડ વળી જવાથી નિયતિનો આગળનો ભાગ દીવાલ બાજુ અને પીઠવાળો ભાગ રાકેશ બાજુ થાય છે.

નિયતિનાં માથા પર એક હાથ અને બીજો હાથ પીઠ પર મૂકી તેના શરીર પર વજન આપી રાકેશ બોલે છે: “તું આરૂ છે એમ ને... અને તેં મારા બન્ને દોસ્તોને મારી નાંખ્યા છે...” રાકેશનાં શબ્દોમાં ગભરાહટ સાથે કંપન નિયતિ સ્પષ્ટપળે સાંભળે છે. “છેલ્લા ચાર મહિનાથી હું સૂઈ શકતો નથી... એ વિચારીને કે મારા મિત્રોનાં મોતનું કારણ હું છું...” નિયતિનો એક હાથ પોતાના શરીર નીચે દબાયો હોય છે. રાકેશનાં પીઠ પર મૂકેલા હાથ પર નિયતિ બીજા હાથનાં ધારદાર નખનાં ન્હોર મારવા લાગે છે. નખનાં ન્હોર વાગવાથી રાકેશનાં હાથમાં બળતરા થાય છે. રાકેશનાં બન્ને હાથની પકડ ધીમી થાય છે. નિયતિ ખૂબ ઝડપથી બેઠી થઈ હાથની કોળી રાકેશનાં પેટમાં મારે છે. રાકેશ બે ડગલાં પાછો ધકેલાય છે. નિયતિ શેટ્ટી પરથી ઊભી થઈ રાકેશ બાજુ ફરે છે.

નિયતિ પોતાના કપડાં સરખા કરતાં બોલે છે: “હા... મેં માર્યા છે બન્નેને... તને પણ આજે એ બન્ને સાથે મોકલવા આવી છું...” રાકેશ શેટ્ટી પર મૂકેલો ગોળ તકિયો નિયતિ સામે ફેંકે છે. તકિયો નિયતિની છાતી પર એટલો જોરથે વાગે છે એ પાછી શેટ્ટી પર ફસડાય છે અને તકિયો એનાં પગની બાજુમાં પડે છે. રાકેશ બીજી શેટ્ટી પરથી તકિયો ઉઠાવી એક બાજુની દોરી ખેંચે છે. નિયતિ ઊભી થઈ ચાલવા જાય છે ત્યારે નીચે પડેલાં તકીયા પર પગ અથડાતાં તેં શેટ્ટી અને ત્રિપોઇની વચ્ચે નીચે પડે છે. એનું માથું બિલકુલ રાકેશનાં પગ આગળ આવે છે. રાકેશ તરત તકિયાની દોરી નિયતિનાં ગળા પર વીંટળાવે છે અને એક પગ નિયતિની પીઠ પર મૂકે છે. નિયતિને ખબર પડે કે એનાં ગળામાં દોરી વીંટળાઇ છે એ પહેલા રાકેશ એની કમર પર બેસી જાય છે.

રાકેશ બન્ને હાથે દોરી ખેંચી ગુસ્સામાં બોલે છે: “સાલી તું મને મારવા આવી છે... મારા બન્ને મિત્રોને મારીને તારો જીવ ભરાયો નથી... નિમિતા સાચું કહેતી હતી મારી આરૂ બદલો લેવા આવશે... અને તેં બે હત્યા કરીને બદલો લીધો... મારી ભૂલના કારણે મારા બન્ને મિત્રોનો જીવ નથી ગયો એ જાણીને મને થોડી શાંતિ થઈ... હવે હું મારા બન્ને મિત્રોનો બદલો તારી પાસે લઇશ...”

નિયતિ બન્ને હાથથી રાકેશનાં હાથ પકડવાની કોશિશ કરે છે પણ આ વખતે રાકેશે હાથ ઉપરની બાજુ રાખ્યા હતા એટલે એનાંથી પકડાતાં નથી. રાકેશ કમર પર બેઠો હોવાથી એ હલી શકતી નથી. નિયતિનો શ્વાસ રૂંધાવા લાગે છે. બોલતા બોલતા રાકેશનાં હાથની પકડ મજબુત થતી હતી. નિયતિને છૂટી શકાય એવું લાગતું નથી. રાકેશ ગાંડાની જેમ દોરીની પકડ વધારતો એને ગાળો આપવા લાગે છે. નિયતિની આંખો સામે અંધારા થવા લાગે છે. રાકેશને જુનૂન ચડ્યું હતું એ દોરી વધારે ખેંચવા લાગે છે. નિયતિનો ચહેરો લાલ થાય છે. રાકેશ અટકતો નથી નિયતિનું શ્વાસ લેવાનું બંધ થવાની તૈયારીમાં હોય છે. નિયતિનાં હાથ નીચે જમીન પર પડે છે અને આંખો બંધ થઈ જાય છે. નિયતિને સ્થિર થઈ ગયેલી જોઈ રાકેશ ગભરાઈ જાય છે. દોરીની પકડ ધીમી કરે છે. નિયતિને છતી કરી એની છાતી પર કાન મૂકે છે. એને ધીમા ધબકારા સંભળાય છે. નિયતિ બેભાન થઈ ગઈ હતી.

નિયતિનું ગળું દબાવવાથી રાકેશને પણ શ્વાસ ચડ્યો હોય છે. એ રસોડામાં જઈ પાણી પીવે છે અને પોતાનાં ચહેરા પર થોડું પાણી છાંટે છે. રસોડાના પ્લેટફોર્મનો ટેકો લઈ આગળ ફરી ઊભો રહે છે. ત્યાંથી એને નિયતિનો છાતીનો ભાગ દેખાય છે. આ જાપાજપીમાં નિયતિની ટીશર્ટ ઊંચી ચઢી ગઈ હતી અને એની કમર અને બ્રા દેખાતા હતા. રાકેશ એની નજીક આવી જુએ છે તો એક સુંદર પરી શાંતિથી નીંદરની મજા લેતી હોય એવું લાગે છે. નિયતિનાં ચમકતા પેટ અને બ્રાની અંદર શ્વાસની સાથે ઉપર-નીચે થતી છાતી જોઈ રાકેશની આંખો પહોળી થઈ જાય છે. રાકેશે પહેલી વાર ધ્યાનથી નિયતિના શરીરને જોયું હતું. માધવની સ્રેકેટરી હોવાના કારણે રાકેશે કોઈ દિવસ નિયતિની સુંદરતા તરફ ધ્યાન નહોતું આપ્યું. નિયતિના સુંદર શરીરને જોઈ રાકેશનાં મોઢામાંથી લાળ ટપકવા લાગે છે. એ નિયતિને ખેંચી અંદર બેડરૂમનાં બેડ પર લઈ જાય છે. કબાટમાંથી એની મમ્મીની સાડી કાઢી નિયતિનાં હાથ ઉપરની તરફ બેડની લાકડાની પટ્ટી સાથે બાંધે છે. રાકેશ પોતાની જીભ નિયતિનાં પેટ પર ફેરવવા લાગે છે. પેટ પરથી છાતી તરફ એનું મોઢું લઈ જાય છે. નિયતિને પહેલાં પેટ અને પછી છાતી પર સળવળાટ થાય છે એટલે ચેતના જાગે છે. નિયતિ ભાનમાં આવે છે ત્યારે રાકેશ એની છાતી પર માથું ફેરવતો હોય છે. નિયતિ હાથ હલાવી શકતી નથી એને ખબર પડે છે એનાં હાથ બાંધેલા છે.

નિયતિ: “સાલા, બાયલા... બેભાન અને હાથ બાંધેલી છોકરી સાથે મજા કરે છે...

નિયતિનાં ગાલ પર રાકેશ તમાચો મારે છે: “મને બાયલો કહેવાની હિંમત કેવી થઈ...”

નિયતિ ખડખડાટ હસે છે: “હું તો ભૂલી ગઈ... તારામાં તાકાત નથી... તું છોકરીને ભાનમાં હોય તો કશું કરી શકતો નથી... એટલે તારી આદત પ્રમાણે તેં મને બાંધી છે...”

નિયતિનાં શબ્દો રાકેશનાં દિલમાં કાંટાની જેમ વાગે છે. એ નિયતિનું ગળું દબાવવા લાગે છે. નિયતિ ફરી હસી બોલે છે: “કાયર છું તું... તારામાં તાકાત હોય તો મારા હાથ ખોલી અડીને બતાવ... તો તને મર્દ સમજીશ...”

રાકેશને આ સાંભળીને જોશ આવે છે: “હમણાં તારા હાથ ખોલું છું... પછી તારી બહેન જોડે જે પ્રમાણે મજા લીધી હતી એ પ્રમાણે તારી પાસે મજા લઇશ...” રાકેશ જેવા હાથ ખોલે છે તરત નિયતિ એક લાત રાકેશને મારે છે. રાકેશ બેડથી દૂર નીચે પડે છે. નિયતિ હાથમાંથી સાડી કાઢી ઊભી થવા જાય છે ત્યાં સુધી રાકેશ ઊભો થઈ નિયતિ પર તરાપ મારે છે. નિયતિ બેડ પર પડે છે. નિયતિનાં બન્ને હાથ પકડી રાકેશ એની ઉપર આવે છે. રાકેશ: “માધવને કહીશ કે અનુપની હત્યા તેં કરી છે... એટલે તારી પર બળજબરી કર્યાની વાત પર એ વિશ્વાસ કરશે નહીં... એટલે તારે જીવવું હોય તો હું કહું એમ કર... નહિતો...”

નિયતિ ફરીથી ખડખડાટ હસવા લાગે છે: “સાલા... તું બાયલાની સાથે મૂરખ પણ છે... તને શું એવું લાગે છે કે માધવને દુ:ખ થાય એવું કશું મેં કર્યું હશે?” રાકેશ અચાનક અટકી જાય છે. નિયતિ સામે કૌતુકભરી નજરે એ જોવા લાગે છે.

નિયતિ: “મૂરખ... કાન ખોલીને સાંભળ... અનુપ જીવે છે... હોસ્પિટલમાં છે... કોમમાં છે... ડોકટરે કહ્યું કે એક-બે દિવસમાં એને હોશ આવી જશે...” રાકેશ બુધ્ધુની જેમ નિયતિની વાત સાંભળવા લાગે છે. નિયતિ: “તને વિશ્વાસ ના આવતો હોય તો બહાર ટેબલ પર મારા પર્સમાં મોબાઈલ છે... કાઢીને જોઈ લે... મારા પપ્પા રોજ અનુપના ફોટા મને મોકલે છે...”

રાકેશ સાચે બહાર આવી પર્સમાંથી મોબાઈલ કાઢી જોવા લાગે છે. નિયતિ પણ પાછળ આવે છે. અનુપનો ફોટો જોઈ રાકેશને તમ્મર આવી જાય છે એ જમીન પર ત્રિપોઇ પાસે બેસી જાય છે. નિયતિ પોતાનો ફોન પાછો પર્સમાં મૂકી બોલે છે: “અનુપ ભાનમાં આવશે પછી તારી હાલત શું કરશે એ તો તને ખબર છે... અજયનાં મોત પછી અનુપે એના માતાપિતાને પચાસ લાખ રૂપિયા અને નાના ભાઈને નોકરી આપી હતી... અજયે થોડા રૂપિયા ધંધામાં નાંખ્યા હતા એટલે અનુપે એનાં પરિવારને મદદ કરી હતી... અનુપે એવું કર્યું હતું કારણકે એને ખબર નહોતી કે અજયે એની સાથે આખી જિંદગી દગો કર્યો છે... પણ તારા વિષે તો તેં જાતે કહી દીધું કે તું અને અજય એની સાથે રમત રમતા હતા... તારા પપ્પા રિટાયર છે... પેન્શન આવતું નથી... તારા મોત પછી એ લોકોને એક રૂપિયો પણ આપશે નહીં... ઉપરથી તું તો ત્યાં નોકરની જેમ કામ કરતો હતો... પણ જો તું આજે જાતે ગળે ફાંસો લગાવી આપઘાત કરીશ તો હું અનુપ અને માધવને તારા પરિવારનું ભરણપોષણ કરવાનું કહીશ...”

રાકેશની સાથે વાત કરતાં કરતાં નિયતિ નીચેથી તકિયો લઈ એની જગ્યાએ મૂકે છે. બીજા તકિયાની દોરી નીચેથી લઈ એમાં ભરાવી એને પણ જગ્યા પર મૂકે છે. ઘરમાં બધું પહેલાં જેવું છે એ ચેક કરે છે. ત્રિપોઇ પાસે આવી કાગળ રાકેશને આપી બોલે છે: “આગળ તારી મરજી... બાકી અજયનાં મોત માટે હું તને જેલ ભેગો કરીશ... એ તો નક્કી છે...”

નિયતિ બોલવાનું બંધ કરી શેટ્ટી પર બેસે છે. રાકેશ ફરી બબડવાનું શરૂ કરે છે. નિયતિ ધીરજ સાથે એને જોતી રહે છે. થોડી વાર પછી રાકેશ જાતે કાગળ પર લખવાનું શરૂ કરે છે. લખી લે છે એટલે ત્રિપોઇ પર કાગળ મૂકી મશીનની જેમ રૂમમાંથી સાડી લઈ બેઠકરૂમમાં આવે છે. ત્રિપોઇ ઉપર ચઢી પંખા પર સાડીનો ફંદો બનાવી ભરાવે છે: “નિયતિ મને માફ કરજે... તું અને અનુપ જીવો છો એટલે નિમિતા પણ જીવતી હશે... નિમિતા અને અનુપને પણ મને માફ કરવાનું કહેજે... મારા માતાપિતાનું ધ્યાન રાખજે...”

રાકેશ ફંદો માથામાં ભરાવે છે. નિયતિ જોરથી ત્રિપોઈને ધક્કો મારે છે. રાકેશને તડપતો જોઈ એની આંખમાં પાણી આવે છે: “મને પણ માફ કરજે...” બોલી નિયતિ એનું પર્સ લઈ દરવાજો બંધ કરી ઘરની બહાર જાય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED