Tran Vikalp - 2 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 2

ડો. હિના દરજી

પ્રકરણ : ૨

સવિતા-વિલાસ હર્ષદરાય વ્યાસનો વિશાળ બંગલો છે. તે પિતા માણેકરાયે બંધાવ્યો હતો, બંગલાનું નામ માણેકરાયે પોતાની પત્નીના નામથી રાખ્યું હતું. સવારના ૯ વાગ્યા છે. હર્ષદરાય અને સુહાસિની રૂમમાંથી માધવ ક્યારે બહાર આવશે એ રાહ જોતાં હતાં. હર્ષદરાય હોસ્ટેલમાં હેમાને ફોન કરી બધી સૂચનાઓ આપે છે. સુહાસિનીના દિલમાં એક દુ:ખની લાગણી ઉદ્દભવે છે, ‘આજે ફરી એક કન્યાનો મારા પતિ દ્વારા ભોગ લેવાઇ જશે?’ પણ અંતરના એક ખૂણામાં તેમને માધવ પર અતૂટ વિશ્વાસ છે, ‘એ આવું કોઇ કાળે થવા દેશે નહીં.’

માધવ તેના આલિશાન બેડરૂમમાં આરામ-ખુરશી પર સૂઈ ગયો છે. કાલે નિયતિના ગયા પછી એ આરામ-ખુરશીમાં બેસી રહ્યો હતો. શું કરવું? આ બધું કેવી રીતે બની ગયું? પોતાને કોઇ અંદાજ કેમ ના આવ્યો? જેવા અનેક વિચારોમાં અટવાયો હતો. એને પોતાના જીવનની સૌથી વધારે કપરી સ્થિતિનો અનુભવ થયો હતો. આંખ ક્યારે મિંચાઈ એને ખબર નથી પડી. એના મોબાઇલમાં બરાબર ૯ વાગે એલાર્મ વાગે છે, જે સંતોષ જોડે વાત કર્યા પોતે કાલે પછી સેટ કર્યુ હતું. એલાર્મ બંધ કરીને એક મિનિટનો વિલંબ કર્યા વગર, બાથરૂમમાં જઇને નિત્યક્રમ પુરો કરી તૈયાર થાય છે. 

માધવે કાલે રાત્રે નક્કી કર્યુ હતું, કે સંતોષ તેનું આપેલું કામ કરવાની ના પાડશે; તો પોતે એ કામ કરવા જશે. એ દિવાલ ઉપર લટકતા ઘડિયાળ પર નજર કરે છે, ત્યારે સમય ૯.૩૦ બતાવે છે. માધવ બે ઘડી તે ઘડિયાળ તરફ જોઇ રહે છે, એ ઘડિયાળ હર્ષદરાયે એના રૂમ માટે ખાસ ફ્રાન્સથી મંગાવ્યું હતું. એ જ્યારે ૮મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, તે દિવસોમાં એ ઘડિયાળનો ફોટો એક મગેઝીનમાં જોયો હતો. એણે ફોટામાં જોયેલા ઘડિયાળની જીદ કરી હતી. એના પપ્પાએ ઘણી તકલીફો થવા છતાં ઘડિયાળ લાવી આપી હતી. બન્ને પિતા-પુત્ર એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા.

માધવ જાણતો હતો પપ્પાને ખબર પડશે કે, નિયતિએ ત્રણ વિકલ્પ આપ્યા છે તો અનર્થ થશે. પપ્પા કોઇપણ વિચાર કર્યા વગર નિયતિને તેની સામે લાવીને ઉભી કરશે અને કહેશે કે, ‘મામૂલી છોકરીને તેં તારી પત્નિ બનાવવાની વાત કરી અને એ વિકલ્પો આપે છે. તું એની સાથે જે કરવું હોય એ કર. એની સાથે લગ્ન કર્યા વગર આજીવન તારી પાસે રાખ, બીજા કોઇ વિચાર કરીશ નહીં.’ 

માધવને પપ્પા અને મોટાભાઇની જેમ સ્ત્રીઓનું જીવન બરબાદ કરવું યોગ્ય લાગતું નથી. આ એક વિચાર પિતા-પુત્રમાં મતભેદ ઊભા કરતો હતો. નિયતિ છ મહિના જેવા ટૂંકા ગાળામાં આ સચ્ચાઈ ખૂબ સારી રીતે સમજી ગઇ હતી. એટલે, જે પરિવારને સંપૂર્ણપણે બરબાદ કરવા આવી હતી, તે જ પરિવારના નાના દિકરા માધવને નિયતિ પ્રેમ કરી બેઠી હતી. 

નિયતિને એક સમય એવો વિચાર આવ્યો કે પોતે અસલિયતમાં કોણ છે; તે માધવના પરિવારમાંથી કોઇ જાણતું નથી. એ ઇચ્છે તો આજીવન પોતાની અસલિયત માધવના પરિવારથી છુપાવીને, તેની સાથે લગ્ન કરીને સુખી થઇ શકે છે. પરંતુ નિયતિ માધવને કોઇપણ જાતના અંધારામાં રાખવા માંગતી નથી. એટલે જ્યારે એને અંદાજ આવ્યો કે માધવ પ્રપોઝ કરવાનો છે, તો તેને બધી વાત જણાવી કે: “તારા મોટાભાઇ અનુપ અને તેમના બે મિત્રોના મૃત્યુનું નિમિત્ત હું છું. તારે મારી સાથે લગ્ન કરવા કે નહીં, તે નિર્ણય લેવા માટે ત્રણ વિકલ્પ આપું છું.”  

૧) હું તારા ભાઇ અને તેમના મિત્રોના મૃત્યુનું નિમિત્ત છું, તે પરિવારમાં જાણ કરી, બધા સભ્યોની પરવાનગી લીધા પછી લગ્ન કરવા. ૨) આ વાતની જાણ પરિવારમાં કર્યા વગર લગ્ન કરવા હોય તો; આ વાતની કોઈને ક્યારેય ખબર ના પડે તેનું આજીવન ધ્યાન રાખવુ. ૩) તારા પરિવારને જાણ કર્યા વગર લગ્ન કરવાની ઈચ્છા હોય અને આજીવન તારા પરિવારને આ સત્યથી દૂર નહીં રાખી શકે તેવું લાગતું હોય તો; મને ભૂલી જવી. કારણ કે ક્યારેક ભવિષ્યમાં આ વાતનો ખુલાસો થશે તો તેના જવાબમાં મારે તારાથી દૂર જવાનું થશે; તો અત્યારે જુદા થવામાં બન્નેને ફાયદો છે. હા બીજી પણ બે વાત છે! જે મેં તને કહી નથી; એ બે વાત તું કયો વિકલ્પ પસંદ કરે છે, એ જાણ્યા પછી સમય આવશે ત્યારે કહીશ.

માધવને જ્યારે નિયતિએ બધી વાત કહે છે ત્યારે એ ગુસ્સે થાય છે. નિયતિ પર હાથ ઉપાડવાની કોશિશ કરે છે, પણ તે ઉપાડી શકતો નથી. નિયતિ જાણતી હતી કે, માધવની આવી કોઇ પ્રતિક્રિયા હશે, એટલે તે સમયે કોઇ પ્રતિકાર કર્યા વગર આંખ બંધ કરીને પોતે ત્યાં ઉભી રહે છે. માધવને તે સમયે શું કરવું એનું ભાન રહ્યું નહોતું. એણે નિયતિને જતી રોકવાનો કોઇપણ પ્રકારે પ્રયત્ન કર્યો નહીં. છેલ્લે નિયતિએ કહ્યું કે "કાલે સવારે ૧૦ વાગ્યા સુધી હું તારી રાહ જોઇશ... જો તું નહીં આવે તો, ત્રીજો વિકલ્પ પસંદ કર્યો છે તેમ સમજીને હું હંમેશ માટે અમદાવાદ અને તને બન્નેને છોડીને જતી રહીશ." 

નિયતિના ગયા પછી માધવ વિચારોના વમળમાં અટવાતો હતો. એ જાણી ચૂક્યો હતો કે પપ્પા, અનુપભાઇ અને તેમના મિત્રો અજય રાઠોડ તથા રાકેશ અમીને નિમિતા પંચાલની કેટલી ખરાબ હાલત કરી હતી. નિયતિએ તો નિમિતાની એ હાલતનો બદલો અનુપભાઇ અને તેમના મિત્રો સાથે લીધો હતો. માધવ નિયતિના ગયા પછી સમજી શક્યો હતો કે, નિયતિએ કેવી મજબૂરીમાં ત્રણ ત્રણ વ્યક્તિઓના મૃત્યુનું નિમિત્ત બનવાનું પસંદ કર્યું હશે. તે પણ એટલા પ્લાનિંગથી કે, તેના ઉપર ક્યારેય કોઇને શક થયો નથી.

નિયતિના ગયા બાદ માધવે અસંખ્ય વાર મોબાઇલ હાથમાં લઇ નિયતિને ફોન કરવો કે નહીં તે વિચાર્યું હતું. એને નિયતિ સાથે વાત કરવાની બહુ ઇચ્છા છે, પણ મગજમાં તેના આપેલા ત્રણ વિકલ્પ આંટા મારી રહ્યા છે. તથા બે વાત હજુ જાણવાની બાકી છે, એ મગજમાં ગુંજયા કરે છે. નિયતિને બે વાત કહેવાની ઇચ્છા નહોતી તો, જણાવવાની બાકી રાખી છે તેમ પણ શું કરવા કહ્યું?  એ એક્દમ ઉભો થાય છે ત્યારે તેની નજર લેપટોપ પર પડે છે, જેના સ્ક્રીન પર તેણે પોતાનો અને નિયતિનો ફોટો મૂક્યો હોય છે. તે ફોટામાં નિયતિ માધવને જોઈ રહી છે. પોતે અસંખ્ય વખત આ ફોટો જોયો હતો, પણ આજે ફોટો જોતાં કોઈ જુદો અનુભવ થાય છે. માધવની નજર ફોટામાં નિયતિની આંખો ઉપર ગઈ, જેમાં તે એકીટસે તેની સામે જોતી હતી. એ સમયે માધવને લાગ્યું કે, નિયતિ તેને કોઈ વાત કરવા માંગે છે. આ પરિસ્થિતિ પહેલાં પણ ઘણી વાર બની હતી. જાણે દરેક વખત નિયતિ કોઈ રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠી છે અને કહેવાની ઇચ્છા રાખે છે.

અચાનક તેના મગજમાં એક નવો વિચાર આવે છે! આ ત્રણમાંથી એકપણ નહીં, તે નવો વિકલ્પ લેશે.  નિયતિ ક્યાં જાય છે? નિમિતાનું શું થયું? બે વાત શું છે? તે જાણશે, પછી કોઇ નિર્ણય લેશે. નિશ્ચય લીધા પછી એને થોડી રાહત થાય છે. એ મોબાઇલમાં સંતોષને રીંગ કરે છે, તેને નિયતિની જાસુસી કરવા માટે કહે છે અને થોડી માહિતી જે આપવા લાયક હોય તે આપે છે. સંતોષે કાલે વિચારીને જવાબ આપીશ એવું કહ્યું હતું. જો સંતોષ કામ કરવાની ના પાડે તો? એટલે, માધવ ૧૦ વાગે તે પહેલાં હોસ્ટેલ જવાની તૈયારી કરે છે.

માધવના મોબાઈલમાં રીંગ આવે છે. સ્ક્રિન ઉપરનું નામ વાંચીને માધવની આંખોમાં એક ચમક આવે છે. ફોન કનેક્ટ કરીને બોલે છે: “સંતોષ મેં તને કાલે રાત્રે કહ્યું હતું તેમ તું નિયતિ ક્યાં જાય છે તે જોવા જવા તૈયાર છે?”

“હા માધવ, તારા કહ્યા પ્રમાણે હું હોસ્ટેલની બહાર આવી ગયો છું.”

માધવે કાલે રાત્રે સંતોષને નિયતિનો પીછો કરવા માટે તૈયાર છે કે નહીં, તે વાત કરી હતી અને તેની અપેક્ષા પ્રમાણે સંતોષે કામ કરવા માટે તૈયારી બતાવી હતી. માધવ સંતોષના આ નિર્ણયથી ખૂબ પ્રસન્ન થાય છે. એના જીવનમાં એક એવો ચક્રવાત આવ્યો હતો, જેના કારણે ઉતાવળમાં કોઈ પગલું ભરવા માંગતો નથી. તેથી નિયતિએ જે સમય આપ્યો હતો તે નિર્ણય લેવા માટે ઓછો લાગ્યો હતો. વધુ સમય નિયતિ પાસેથી માંગવા કરતા, એક જુદું પગલું ભર્યું હતું, જેની જાણ તે નિયતિને પણ કરવા માંગતો ન હતો. 

“પણ માધવ, તું નિયતિને આટલો પ્રેમ કરે છે. તું તેની સાથે લગ્ન કરવા માંગે છે, નિયતિએ પણ ત્રણ વિકલ્પમાંથી એક તેની સાથે લગ્નનો વિકલ્પ આપ્યો છે. તો તું લગ્ન કરી લે, સમય સાથે બધું બરાબર થઈ જશે.”

“ના સંતોષ, નિયતિએ ત્રણ વિકલ્પ આપ્યા તે સમયે મને એવું લાગ્યું કે, તે મારાથી હજુ કોઈ વાત છુપાવી રહી છે અને મારે એ વાત જાણવી છે કે શું છુપાવી રહી છે.”

“માધવ, તેં અંકલને કહ્યું કે નિયતિ મહેતા એ નિમિતા પંચાલની સગી બેન છે!”

“ના, મેં હજુ પપ્પાને નથી કહ્યું. સંતોષ, મારા પરિવાર તરફથી નિયતિ અને તેના પરિવારે બહુ પરેશાનીઓનો સામનો કર્યો છે... હું પપ્પા અને નિયતિ બન્નેમાંથી કોઈના વગર નહીં રહી શકું... આ કારણથી પપ્પાને હમણાં આ વાત કરવી મને યોગ્ય લાગતી નથી... એક વાત યાદ રાખજે, નિયતિ મહેતા એ નિમિતા પંચાલની સગી બેન છે; તે વાત મને કાલે નિયતિએ જાતે બતાવી છે, ત્યારે મને ખબર પડી છે. મેં આ વાત માત્ર તને કહી છે.... હું ના કહું ત્યાં સુધી તારે પણ કોઈને કહેવાની નથી....  આ વાતમાં કોઈપણ ભૂલ ના થાય તે તારે ધ્યાન રાખવું પડશે.” 

માધવ મનમાં બોલે છે કે; જો કહીશ તો પપ્પા નિયતિને તાબડતોબ મારી સામે લાવશે અને કહેશે ‘તારે આ છોકરીની હાલત નિમિતા કરતાં પણ વધારે ખરાબ કરવાની છે.’ માધવ આ વાત કોઈને પણ કહેવા માંગતો નથી અને એટલે જ નિયતિ એક નહીં પણ ત્રણ વ્યકિતના મૃત્યુની નિમિત્ત છે, તે વાત માત્ર ને માત્ર તેના મનમાં રાખવા માંગે છે. જો તેના પપ્પાને ખબર પડે તો શું પરિસ્થિતિ ઊભી થાય તેનો વિચાર પણ કર્યો નથી. માધવે સંતોષને ત્રણ વિકલ્પની વાત કરી તેમાં જુદા વિકલ્પો સંતોષને જણાવ્યા હતા. નિયતિના નિમિત્ત હોવાની વાત જણાવી નહોતી.

“માધવ, શું વિચારે છે!…” સંતોષનો અવાજ સાંભળીને માધવ સજાગ થાય છે. 

“હા સંતોષ, શું કહ્યું તેં?” માધવ એક મિનિટ માટે ભૂલી ગયો હતો કે, નિયતિની પૂરી સચ્ચાઈ સંતોષને કહી નથી અને કોઈપણ સંજોગોમાં કોઈને પણ કહેશે નહીં. હવે પોતે આ વાતનું હંમેશાં ધ્યાન રાખવું પડશે.

“માધવ, અંકલને આજે નહીં તો કાલે ખબર પડી જશે કે નિયતિ અને નિમિતા બેન છે, તે જાણીને પણ તું તેમનો વ્હાલો નાનકો લાડકવાયો છું... તારા પ્રેમ માટે તે નિયતિને અપનાવી લેશે...”

“ખબર નથી પપ્પા બધી વાત જાણશે ત્યારે શું કરશે? પણ હું નિયતિ અને નિમિતા વચ્ચેના સંબંધને હમણાં જાહેર કરવા માંગતો નથી એ નક્કી છે.”

“ઓકે, પણ તું કાલથી તારા રૂમમાંથી બહાર નથી ગયો. તારા રૂમમાં ભરાઈ રહેવાથી અંકલ શું કરશે થોડું વિચાર! જલદી બહાર જા. મને લાગે છે કે, તેમણે હોસ્ટેલમાંથી નિયતિને તારી પાસે લાવવા માટે કોઇ પગલું અવશ્ય ભર્યું છે... મને હેમાબેનનો ગુસ્સાથી ભરેલો અવાજ અહીં બહાર સંભળાય છે.”

“અરે હા!!! એ તો મારા ધ્યાન બહાર જ ગયું... તું ત્યાં સાચવી લેજે, બસ નિયતિને ખબર ના પડે કે કોઇ તેનો પીછો કરે છે. હું તને ફોન કરીશ તું મને ના કરતો.”

માધવને સંતોષની વાત પરથી ખ્યાલ આવે છે કે, કાલનો તે રૂમમાંથી બહાર ગયો નથી. ઘણી વખત નોકર, મમ્મી અને એક વાર પપ્પા જાતે, તેની સાથે વાત કરવા અને શું થયું છે તે પૂછવા આવ્યા હતા.  તે વખતે નિયતિની વાત ના કરવી પડે એટલે દરવાજો ખોલ્યો ન હતો. માત્ર કહ્યું હતું કે તે બરાબર છે અને કાલે શાંતિથી વાત કરશે.

માધવ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નીચે આવે છે. આવીને જુએ છે કે, પપ્પા અને મમ્મી બન્ને ડ્રોઈંગરૂમમાં હતાં. પપ્પા મોબાઈલ ઉપર વાત કરી રહ્યા હતા.

“હેમા, એ છોકરીની હિંમત કેવી રીતે થાય છે તને રાહ જોવડાવાની? તાત્કાલિક તેને લઈને તું જાતે મારા બંગલા ઉપર આવી જા… એની હિંમત કેવી રીતે થઈ મારા નાનકાને દુ:ખી કરવાની... શું તારા કહ્યામાં હવે મામૂલી છોકરીઓ રહેતી નથી? તો યાદ રાખજે તારી પણ હવે હોસ્ટેલમાં જરૂર નથી... પાંચ જ મિનિટમાં તું મને ફોન કરીને જણાવ કે તેને લઈને મારા બંગલા ઉપર આવે છે... નહિતર તું પણ જવાની તૈયારી કરજે, હવે તારી જરૂર નહીં રહે..."

હર્ષદરાયે જે પ્રમાણે હેમાબેન સાથે વાત કરી તે બધી જ માધવે સાંભળી હતી, તેને અંદાજ આવ્યો કે રૂમમાંથી બહાર ના આવીને તેણે મોટી ભૂલ કરી છે.

“અરે નાનકા... આવ્યો બેટા...” સુહાસિનીએ તેને જોઈને કહ્યું.

હર્ષદરાય ત્વરાથી માધવ જોડે દોડીને જાય છે “અરે નાનકા... આવ બેટા... બેસ મારી પાસે.”

હર્ષદરાય અને સુહાસિનીને એક રીતે તો માધવને તૈયાર થઈને આવેલો જોઈને થોડી ધરપત થઈ હતી. આછા સ્કાઇ બ્લુ રંગનુ શર્ટ અને આછા બદામી રંગના પેન્ટમાં માધવનો પાંચ ફૂટ અગિયાર ઇંચનો દેહ આકર્ષક દેખાઇ રહ્યો હતો. માધવ સ્ત્રીઓની ભાષામાં હેન્ડસમની કેટેગરીમાં નંબર વન ઉપર આવતો હતો. ઘણી છોકરીઓના સપનામાં માધવ આગળ પડતું સ્થાન ધરાવતો હતો.

“નાનકા તું કાલથી ભૂખ્યો છું, ચાલ આપણે ત્રણેય બ્રેકફાસ્ટ કરીએ... બધું તૈયાર છે.” સુહાસિની વાત તો માધવને કરતી હતી પણ નજર પતિ સામે હતી. બીજી કોઈ પરિસ્થિતિ હોત તો હર્ષદરાયે સુહાસિનીને અપશબ્દો કહ્યા હોત. તેમને કોઈ પણ વાતમાં સ્ત્રીઓ તેમની વાત કાપે તે પસંદ નહોતું. પણ અત્યારે વાત તેમના નાનકાની હતી, તે તરત માધવનો હાથ પકડીને ડાઈનિંગ ટેબલ તરફ જાય છે. પોતાના લાડકવાયાને તે પણ ભૂખ્યો જોઈ શકતા નથી.

માધવને તો આ વાતથી હાશ થાય છે કે, તેને પપ્પા સાથે શું વાત કરવી તે વિચારવાનો થોડો સમય જોઈતો હતો અને મળ્યો હતો. 

***

બરાબર તે જ સમયે હોસ્ટેલની બહાર એક ટેક્ષી આવે છે. સંતોષ તરત સમજી જાય છે કે, આ કાર નિયતિએ જ મંગાવી હશે. તે કારનો નંબર નોટ કરે છે જેથી ટ્રાફિકમાં પણ કાર ઓળખવામાં ભૂલ ના થાય.

થોડી વારમાં નિયતિ તે કારમાં બેસીને કારને મુખ્ય રસ્તા ઉપર લેવાનું કહે છે. સંતોષ પણ ટેક્ષીની પાછળ તેની કાર લે છે. તે સમયે સંતોષ એક નંબર ડાયલ કરે છે, સવિતા-વિલાસના એક બેડરૂમમાં તેનો ફોન કનેક્ટ થાય છે. સામેથી હલો સાંભળીને સંતોષ બોલે છે "હું નિયતિની કારનો પીછો ચાલુ કરું છું, આ વાત માધવે કોઇને પણ કહેવાની ના પાડી છે. તું આ વાત જાણે છે, તે કોઇને ખબર ના પડે તેનું ધ્યાન રાખજે... આગળથી હવે તું જ્યારે એક્લી પડે ત્યારે મને ફોન કરજે."

નિયતિની કાર જ્યારે હોસ્ટેલમાંથી બહાર નીકળી, તે સમયે એણે સંતોષની કાર જોઈ હતી. એને તે સમયે એવો અંદાજ ન હતો કે, તે કાર તેની પાછળ માધવના કહેવાથી આવી રહી છે. માધવે તેના ત્રીજા વિકલ્પને પસંદ કર્યો છે, તેવું માનીને નિયતિ અમદાવાદથી હંમેશને માટે દૂર જતી હતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED