અલબેલી - ૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલબેલી - ૨

પ્રકરણ-૨
અલબેલી અને નિરાલી બંને ખૂબ ખાસ બહેનપણી હતી. અલબેલી અને નિરાલી બંનેને એકબીજા વિના બિલકુલ ચાલતું જ નહીં. નિરાલીનું ઘર જ્યોતિ અનાથાશ્રમની બિલકુલ સામે જ હતું. નિરાલીની મમ્મી અનુષા ઘણી વખત આનાથશ્રમમાં સેવા આપવા આવતી ત્યારે નિરાલીને પણ સાથે લાવતી ત્યારે નિરાલી પણ અલબેલી જોડે રમતી અને પછી રમતા રમતા જ બંને વચ્ચેની દોસ્તી ગાઢ બનેલી.
નિરાલીની માતા અનુષા એક વિધવા સ્ત્રી હતી. એક અકસ્માતમાં એમના પતિ અને નિરાલીના પિતાનું મૃત્યુ થયું હતું. નિરાલી ત્યારે માત્ર બે જ વર્ષની હતી. અકાળે પતિનું અવસાન થતાં અનુષા ખૂબ તૂટી પડી હતી. જ્યારે એમના પતિ જીવતા હતાં ત્યારે તેઓ જ્યોતિ અનાથાશ્રમમાં ખૂબ સેવાઓ આપતા. પરંતુ પતિના મૃત્યુ પછી અનુષા ખૂબ તૂટી ગઈ હતી ત્યારે જ્યોતિ બહેન અને દીપકભાઈએ જ અનુષાને સંભાળી લીધી હતી. દીપકભાઈ અને જ્યોતિબહેનને નિરાલી ખૂબ વહાલી હતી. અનુષા અને નિરાલી બંને મા દીકરી એકબીજાના સથવારે જીવી રહ્યા હતાં. અનુષાને એના માતા પિતા ફરી લગ્ન કરવા સમજાવી રહ્યા હતા પણ અનુષાએ કહ્યું હતું, "હું ફરી વખત લગ્ન કરવા માંગતી નથી. મેં મારુ હૃદય એકવખત આશયને સોંપી દીધું હતું. મારા જીવનમાં આશય નું સ્થાન કોઈ લઈ શકશે નહીં. આશય જ નિરાલીનો પિતા છે અને હવે કોઈ બીજો માણસ મારી દીકરી નો બાપ બને એ મને બિલકુલ મંજુર નથી માટે હવે ફરી આ વાત ક્યારેય કરશો નહીં."
એ પછી થી અનુષાના માતાપિતા ક્યારેય અનુષાને બીજા લગ્ન કરવા માટે દબાણ કરતા નહોતા. આશય ખૂબ ધનવાન હતો. એને પૈસાની કોઈ કમી નહોતી. અને આશયની ખૂબી એ હતી કે એ જેટલું કમાતો એટલું વાપરી પણ જાણતો. એ હંમેશા અનુષા ને કહેતો, "અનુષા, ઈશ્વરે આપણને આટલું બધું ધન આપ્યું છે તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. મારી ઈચ્છા છે કે આપણે અનાથાશ્રમમાં થોડી સેવા કરીએ. અને આપણા ઘર ની સામે જ જ્યોતિ અનાથાશ્રમ છે એમાં આપણે સેવા આપીએ."
ત્યારે અનુષાએ કહ્યું હતું, "હા, આશય, તમે સાચું જ કહો છો. હું પણ તમારા આ શુભ નિર્ણયમાં તમારી સાથે છું." અને પછી તો આશય અને અનુષાનો એ નિત્યક્રમ બની ગયો હતો કે, બંને જણા થોડો સમય જ્યોતિ અનાથાશ્રમમાં ગાળતા. અને રવિવારનો તો આખો દિવસ લગભગ અનાથાશ્રમમાં જ ગાળતા.
સમય વીતતો ગયો અને પછી જન્મ થયો નિરાલીનો. નિરાલી ના જન્મ પછી પણ તેઓ નિરાલીને લઈને આશ્રમ આવતા. પરંતુ ઈશ્વરને કદાચ એમની આ ખુશી મંજુર નહીં હોય અને એક દિવસ આશય જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક કાર અકસ્માતમાં એનું મૃત્યુ થયું. અનુષા આશયના મૃત્યુ થી ખૂબ તૂટી ગઈ હતી ત્યારે જ્યોતિબહેન અને દીપકભાઈ જ હતાં કે જેમણે આ બંને મા દીકરી ને સંભાળી લીધા હતા.
મરતા આશયએ અનુષા ને કહ્યું હતું, "અનુષા, હું ભલે આ દુનિયામાં હવે નહીં રહું પણ જ્યોતિ અનાથાશ્રમમાં આપણી સેવા ચાલુ રહેવી જોઈએ મને વચન આપ."
રડતી અનુષાએ કહ્યું હતું, "આશય પ્લીઝ, આવું ન બોલો તમને કંઈ નહીં થાય. તમારે હજુ જીવવાનું છે. મારી દીકરી માટે, મારા માટે તમારે જીવવાનું છે." આટલું બોલતા તો અનુષા ખૂબ તૂટી પડી હતી.
"હું હવે નહીં જીવું હું જાણું છું અનુષા. તું મને માત્ર વચન આપ કે તું જ્યોતિ અનાથાશ્રમનો સાથ ક્યારેય નહીં છોડે." આશય બોલ્યો.
"હા, હું વચન આપું છું. તમારી ઈચ્છા હું જરૂર પુરી કરીશ." અનુષાએ કહ્યું. અને આટલું સાંભળતા જ આશય એ અનુષાના ખોળામાં દમ તોડ્યો.
આશય નું મૃત્યુ થતાં જ અનુષા ખૂબ ભાંગી પડી. ત્યારે જ્યોતિબહેને જ એમને સમજાવતાં કહ્યું હતું, "અનુષા બહેન, જે જતાં રહ્યાં એ તો હવે ફરી ક્યારેય નહીં આવે પણ જે આપણી પાસે છે એના વિષે હવે તમારે વિચારવાનું છે. તમારી દીકરી નિરાલી માટે વિચારો. એના ભવિષ્ય વિશે હવે તમારે વિચારવાનું છે. આશયભાઈ તો ચાલ્યા ગયા. હું જાણું છું કે, પતિના જવાનું દુઃખ શું હોય પણ તમારે હવે હિંમત કેળવવી પડશે. તમારે તમારી દીકરી નિરાલી માટે હવે જીવવાનું છે."
ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. નિરાલી હવે મોટી થવા લાગી હતી. પતિના મૃત્યુ પછી એમની બધી જ સંપત્તિ હવે અનુષાના નામ પર હતી અને પતિ ને વચન આપ્યા પ્રમાણે અનુષા જ્યોતિ અનાથાશ્રમમાં સેવા આપતી હતી.
આવી જ રીતે એક દિવસ અનુષાબેન જ્યોતિ અનાથાશ્રમમાં આવ્યા હતા ત્યાં એમણે આશ્રમના પ્રાંગણમાં એક નવી જ બાળકીને રમતી જોઈ. એ પણ ઉંમરમાં લગભગ નિરાલી જેવડી જ લાગતી હતી. આ નવી બાળકીને જોઈને એમને કુતૂહલ થયું. એમણે જ્યોતિબહેન ને પૂછ્યું, "આશ્રમમાં આ કોણ નવી છોકરી રમે છે? પહેલાં તો ક્યારેય મેં આ છોકરી ને જોઈ નથી? કોણ છે આ?
"એક પાગલ જેવો લાગતો માણસ આ છોકરીને અહીં મૂકી ગયો છે. કોણ છે એ તો મને પણ ખબર નથી. પણ એ પાગલ માણસ આ છોકરી ને અહીં મૂકી ગયો છે અને એની મા મરી ગઈ. આ છોકરીએ એની મા ને મારી નાખી એમ બોલબોલ કર્યા કરતો હતો. આને દૂર લઈ જાઓ મારાથી. આને લઈ જાઓ. એમ બોલતા બોલતા એને અહીં મૂકીને એ ગાયબ થઈ ગયો છે. શું ખબર કોણ હશે આ માણસ? પણ મને એ આ છોકરીને કંઈક કરી બેસશે એવો ડર લાગ્યો એટલે મે આ છોકરી ને તરત જ અહીં આશ્રમમાં રાખી લીધી છે." જ્યોતિબહેને કહ્યું.
મને અને દીપકને તો આ છોકરી ખૂબ અલબેલી લાગી એટલે અમે એનું નામ જ અલબેલી રાખી દીધું છે. અમને લાગ્યું જાણે અલબેલીએ અમારા જીવનમાં સંતાનની કમી પુરી કરી દીધી છે. આજથી હું અને દીપક અલબેલીના માતા પિતા છીએ." આટલું કહી જ્યોતિ બહેન અટક્યા.
"હા, વિધિના લેખ ક્યાં કદી કોઈને સમજાયા છે. અલબેલી તમારા જીવનમાં આવી છે એની પાછળ ઈશ્વરનો જરૂર કોઈ સંકેત હશે." અનુષા બોલી.
નાનકડી નિરાલી રમતી રમતી અલબેલી પાસે જઈ ચડી અને પોતાની કાલીઘેલી ભાષામાં બોલી, "બેબી, તું માલી ફ્રેન્ડ બનીચ?"
"હા, હું તો બનીશ. પણ તું કોન ચે?"
"માલુ નામ તો નિલાલી છે. તાલુ નામ ચુ છે?"
"ખબલ નઈ." નાનકડી અલબેલીએ કહ્યું.
બંને રમી રહી હતી ત્યાં જ જ્યોતિ બહેન અને અનુષા આવ્યા. જ્યોતિબહેને નિરાલીને કહ્યું, "એનું નામ અલબેલી છે. આજથી એ તારી ફ્રેંડ."
"અલે વાહ, આ તો કેટલું સલસ નામ છે." નાનકડી નિરાલી બોલી. "આજથી આપલે બંને ફ્રેન્ડ. હું તાલી જોલે લમવા આવીચ ને તું પલ માલી જોલે લમજે હો અલબેલી." નાનકડી નિરાલી પોતાના જેવડી જ ઉંમરની મિત્ર મળવાથી ખૂબ ખુશ થઈ ગઈ હતી.
હવે તો અલબેલી અને નિરાલી બંનેનો આ નિત્યક્રમ થઈ ગયો હતો કે રોજ સાંજ પડે એટલે નિરાલી અલબેલી જોડે રમવા આવી જ જતી હતી. પછી તો અલબેલી અને નિરાલી બંને સાથે જ શાળાએ જતી, સાથે જ રમતી મોટી થઈ રહી હતી.
સાથે રમતી સાથે ફરતી સાથે જમતી
નિરાલી અલબેલી બે સખીઓ હતી.
દોસ્તી બંનેની આ કેવી અનોખી હતી!
"પ્રીત"થી ભરેલી ને બહુ ચોખ્ખી હતી.