પ્રકરણ-૬
બારીમાંથી સવારનો કૂણો તડકો આવી રહ્યો હતો અને એનો પ્રકાશ જયના માથા પર પડી રહ્યો હતો. અને એ પ્રકાશના કારણે જય નો ચહેરો ખૂબ ચમકી રહ્યો હતો.
.સવારના લગભગ આઠ વાગ્યા હતા. એવામાં જયની આંખો ખુલી. એ પથારીમાંથી ઊભો થયો અને એણે એની રોજિંદી ક્રિયાઓ પતાવી. રોજિંદી ક્રિયાઓ પતાવીને પછી જ્યારે એ દરવાજે આવ્યો તો ત્યાં એણે દરવાજામાં પડેલું છાપું જોયું. એણે છાપાને ઉઠાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું.
એવામાં એની નજર એક જાહેરાત પર પડી કે જેમાં અલબેલી વિશેની એક જાહેરાત હતી. જેમાં અલબેલી નો તાજેતર નો ફોટો અને એક જુનો ફોટો હતો અને સાથે લખાણ લખ્યું હતું કે, આ એ કન્યા નો ફોટો છે કે જેને કોઈ એક પાગલ માણસ 10 વર્ષ પહેલા જ્યોતિ અનાથાશ્રમમાં મૂકી ગયો હતો, જેનો આજ સુધીમાં કોઈ પત્તો મળેલ નથી. પરંતુ અમે આ કન્યાને પોતાના જીવની જેમ સાચવી છે, છતાં પણ અમે ઈચ્છીએ છીએ કે જો કોઇ આ કન્યાને ઓળખતું હોય તો અમારો સંપર્ક કરે અથવા જે કોઈ એ પાગલ માણસને ઓળખતું હોય તે પણ અમારો સંપર્ક કરે. જેથી અમે એ કન્યાને એના પરિવાર સાથે મળાવી શકીએ.
જાહેરાત વાંચીને જયને થયું, "જો ને કિસ્મતનો આ કેવો ખેલ છે! એક બાજુ હું મારી દીકરી ને શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યો છું, અને બીજી બાજુ આ જાહેરાત! એ જોતાં તો લાગે છે કે, ઈશ્વર જ મને હવે મદદ કરી રહ્યો છે." જય વિચારી રહ્યો, "શું ઈશ્વર મને મદદ કરી રહ્યા છે? શું હું મારી દીકરી અલબેલીને મળી શકીશ? જો હું એને મળવા જઈશ તો પણ શું એ મને અપનાવશે?"
થોડી વારે આવો બધો વિચાર કર્યા પછી જય એ મનોમન કંઈક નક્કી કર્યું અને એણે જ્યોતિ અનાથાશ્રમ નો નંબર ડાયલ કર્યો સામે છેડેથી રિસીવર ઊંચકાયું, "હેલ્લો."
"હેલ્લો. હું જય બોલું છું. મારું નામ જય છે અને આજના છાપામાં જે જાહેરાત આવી છે એના સંદર્ભમાં વાત કરવા માગું છું. હું એ છોકરી અલબેલીના પિતા ને ઓળખું છું. હું એ પાગલ માણસને પણ ઓળખું છું કે, જે એને આપના અનાથાશ્રમમાં મૂકી ગયો હતો."
"શું? તમે એને ઓળખો છો? ક્યાં છે એનો બાપ? અને તમે કોણ છો? તમારો અલબેલી સાથેનો શું સંબંધ છે?" સામે છેડેથી ફોન પર જ્યોતિબેન બોલી રહ્યા હતા.
" બધું તમને વિગતે જણાવીશ પરંતુ એ માટે મારે તમને રૂબરૂ મળવું પડશે." જયે કહ્યું, " તમને જે સમય અનુકૂળ હોય તે સમય મને કહો કે, જ્યારે હું તમને મળવા આવી શકું."
" આવતી કાલે 11:00 વાગ્યે મને મળવા આવી જાઓ અનાથાશ્રમ પર. જ્યોતિબેને કહ્યું.
" સારું, તો હું આવતીકાલે બરાબર અગિયારના ટકોરે તમારા આશ્રમ પર પહોંચી જઈશ."
આ બાજુ જ્યોતિબહેને રીસીવર તો મૂક્યું પણ પોતે પછી વિચારે ચડ્યા. "કોણ હશે આ માણસ? શું સંબંધ હશે અલબેલીનો આ માણસ જોડે? કોણ હતો એ પાગલ માણસ કે જે નાનકડી અલબેલીને અહીં મૂકીને ચાલ્યો ગયો હતો?"
એવામાં ત્યાં અલબેલી આવી. એણે જ્યોતિબહેનની વિચારધારા તોડી અને કહ્યું, "મમ્મી, હું નિરાલીને ઘરે રમવા જાઉં છું."
"હા, બેટા. સારું તું રમવા જા પણ કલાકમાં આવતી રહેજે."
"હા, હું આવતી રહીશ. બાય. હું જાઉં છું મમ્મી." અલબેલીએ કહ્યું અને એ દોડતી દોડતી નિરાલીના ઘર તરફ ચાલી.
બીજા દિવસની સવાર પડી. તે દિવસ આવ્યો જેની જ્યોતિબહેન આતુરતાથી રાહ જોતા હતા. હા,આજે એ પેલા માણસને મળવાના હતા કે જેનો અલબેલી સાથેનો સંબંધ હતો. અંતે એ ક્ષણ આવી પહોંચી.
જય આશ્રમની અંદર દાખલ થયો. સામે જ્યોતિબેન બેઠા હતા. જય એ પૂછ્યું, "હું અંદર આવું કે?"
"હા. આવો. બેસો. બેસવાનો આગ્રહ કરતાં કહ્યું, " તમારું નામ જ જય છે ને? ગઈકાલે તમારી જોડે જ વાત કરી હતી ને?"
" જી હા. મારું નામ જ જય છે અને મેં જ ગઈકાલે તમારી જોડે વાત કરી હતી ફોન પર." જય એ કહ્યું.
" કહો તમે અલબેલી વિશે શું જાણો છો?"
અને જય એ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.
કોઈ જાણીને પણ છે અજાણ
ને કોઈ અજાણ કંઈ જાણે ના!
વિધાતાના આ તો કેવા છે લેખ!
ભાગ્યના લેખ તો કોઈ જાણે ના!