પ્રકરણ-૭
જય ને આવકારતા જ્યોતિબહેને પૂછ્યું, "કહો, અલબેલી વિશે તમે શું જાણો છો?"
અને જય એ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.
એણે અલબેલીના જન્મથી લઈ અને પોતાની પત્નીના મૃત્યુથી લઈ અને પોતાના પાગલપન સુધીની બધી જ વાત કરી. અને કેવી રીતે પોતે પાગલપનના આવેશમાં અલબેલીને આ આશ્રમમાં મૂકી ગયો હતો અને પછી એની મિત્ર કીર્તિએ કેવી રીતે એનો જીવ બચાવ્યો અને કેવી રીતે એ સાજો થયો કીર્તિની મદદથી એ બધીજ વાત એણે જ્યોતિબહેનને કરી. જ્યોતિબહેને ધ્યાનથી જય ની બધી જ વાતો સાંભળી લીધી અને પછી થોડો વિચાર કરીને કહ્યું, "તમે કહો છો એ બધું જ સાચું જ હોય એમ હું કેવી રીતે માની લઉં? હું કંઈ રીતે તમારો ભરોસો કરી લઉં?"
"એનો તો એક જ માત્ર ઉપાય છે." જયે કહ્યું.
"શું?" જ્યોતિબહેને પૂછયું.
"ડી. એન એ. ટેસ્ટ. જો અલબેલી મારી દીકરી હશે તો એના ને મારા બંનેના ડી. એન. એ. મેચ થઈ જશે." જયે કહ્યું.
"હા, એ તો મેચ થઈ જાય અને હું માની પણ લઉં પણ તમે અલબેલી ને સારી રીતે જ રાખશો એ વાત પર હું કેમ ભરોસો કરું? અને તમે પાગલપણાંના આવેશમાં થી ફરી નહીં ગુજરો એની પણ શું ખાતરી? જ્યોતિબહેને કહ્યું.
"એવું હોય તો હું આશ્રમમાં તમારી નજર સામે જ રહેવા તૈયાર છું. તમે કહેશો ત્યાં સુધી અને જ્યાં સુધી તમને મારામાં વિશ્વાસ ન બેસે ત્યાં સુધી તમે અલબેલીને મને ન સોંપતા." જયે કહ્યું.
"સારું, મને મંજૂર છે." એટલું કહી જ્યોતિબહેને જયની શરતો માન્ય રાખી.
એ દરમિયાન બંને બાપ દીકરીનો ડી. એન. એ ટેસ્ટ કરવામાં આવ્યો અને બંનેનો ટેસ્ટ મેચ થયો એટલે જય જ અલબેલીનો પિતા છે એ સત્ય સાબિત થયું.
સત્ય સાબિત થયા પછી જ્યોતિબહેને અલબેલીને સાચી વાતની જાણ કરી પણ અલબેલી હજુ પોતાના પિતા પાસે જવા તૈયાર નહોતી થતી. એને જય એક અજાણ્યો માણસ લાગતો હતો પણ જય એ ધીમે ધીમે અલબેલી જોડે સંબંધો સુધારવાની શરૂઆત કરી. શરૂઆતમાં જ્યારે જય અલબેલી માટે કોઈ વસ્તુ લાવતો તો એ દોડીને જ્યોતિબહેનના ખોળામાં લપાઈ જતી. આ જોઈને જય ને દુઃખ પણ થતું કે, મારી દીકરી મારી પાસે આવવા તૈયાર નથી. પણ પછી જયને સમજાયું કે, મારે અલબેલીને થોડો સમય તો આપવો જ પડશે. નહીં તો હું એને ગુમાવી બેસીશ. એટલે જય એ ધીમે ધીમે અલબેલી જોડે સંબંધ બાંધવો શરૂ કર્યો. અને જય ખૂબ સારી રીતે અલબેલી જોડે સંબંધ બનાવી રહ્યો હતો એ જોઈને જ્યોતિબહેને પણ રાહતનો શ્વાસ લીધો અને જય પર એમને વિશ્વાસ બેઠો.
લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો. જય હવે અલબેલી ને પોતાની સાથે લઈ જવા તૈયાર હતો. અને હવે તો અલબેલી પણ પોતાના પિતા સાથે જવા રાજી થઈ ગઈ હતી.
અલબેલી અને જય એ જ્યોતિ અનાથાશ્રમમાંથી વિદાય લીધી. બંનેને વિદાય આપતાં જ્યોતિબહેનની આંખો સહેજ ભીની થઈ. અલબેલીએ એની આંખના આંસુ લૂછયા. અને કહ્યું, "મમ્મી, ભલે હું મારા પપ્પાના ઘરે જાવ છું પરંતુ આપણા બંનેનો સંબંધ તો હંમેશા એવો જ રહેશે. હું તમને મળવા આવતી રહીશ.
જય અને અલબેલી બંને ત્યાંથી વિદાય થયા અને જ્યોતિબહેન એ બંને દેખાતા બંધ ન થયા ત્યાં સુધી જોતા રહ્યાં. અને એક દીકરીને એનો પરિવાર પાછો મળ્યો એ વાતનો એમણે સંતોષ પણ અનુભવ્યો.
અલબેલી અને જય બંને બાપ દીકરી હોવી એકબીજા સાથે ખુશ હતા. કયારેક અલબેલી જ્યોતિબહેનને મળવા આશ્રમ આવતી અને અલબેલીને ખુશ જોઈને જ્યોતિબહેન પણ આનંદનો અનુભવ કરતા.
ઘરઘર રમતાં અલબેલીને મળ્યું ઘર.
ખુલ્યો છે ખજાનો એની ખુશીઓનો.
પ્રેમ, માયા પામીને થઈ છે એ ખુશ.
જીવન એનું છે હવે દરબાર હાસ્યનો.
(સંપૂર્ણ)