ફિડલ, જ્યોર્જ અને પીટર જલ્દી જોન્સનના શરીર ઉપર પડેલો બરફ હટાવવા લાગ્યા.અડધો કલાક મહેનત કરી ત્યારે એ ત્રણેય જોન્સનના શરીરને બરફમાંથી સંપૂર્ણપણે ઉઘાડું કરી શક્યા.જોન્સનના શરીરને બહાર કાઢ્યા બાદ પ્રોફેસરે ઝડપથી જોન્સનની નાડી તપાસી ત્યારબાદ નિરાશ ચહેરે જોન્સનની છાતી ઉપર કાન માંડ્યો. જોન્સનનુ હૃદય બંધ પડી ચૂક્યું હતું.આજે બધા સાથીદારોને અહીં બર્ફીલા પહાડોમાં મૂકીને જોન્સન મૃત્યુરૂપી ચીર નિદ્રામાં પોઢી ગયો હતો.
"કેપ્ટ્ન.. આપણો જોન્સન હવે નથી રહ્યો.' આટલું બોલી પ્રોફેસર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
જોન્સન હવે નથી રહ્યો એ સાંભળીને બધા રડી પડ્યા. કેપ્ટ્નનો પ્રભાવશાળી ચહેરો આજે ફીકો પડી ગયો.બર્ફીલા પહાડોમાં પોતાનો વ્હાલો સાથીદાર ગુમાવવો પડશે એ એમને સ્વપ્નેય ખ્યાલ નહોંતો. કેપ્ટ્ન આજે આંસુઓ રોકવાના પ્રયત્ન કરી રહ્યા હતો પણ આંસુઓ નહોતા રોકાતા. ફિડલ તો બરફ ઉપર મુઠ્ઠી પછાડી-પછાડીને રડી રહ્યો હતો. કારણ કે જોન્સન ફિડલના પ્રાણ સમાન હતો.સૌથી પહેલા પીટરે પોતાની લાગણીઓ ઉપર કાબુ મેળવ્યો. એણે પોતાના આંસુઓ સાફ કર્યા.
"જુઓ મિત્રો જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે વધારે રડવાથી આપણો વ્હાલો સાથીદાર પાછો તો નહીં આવે. એટલે હવે દુઃખી થવાનું છોડીને એને યોગ્ય રીતે દફનાવવો જોઈએ.' આટલું બોલતા-બોલતા પીટરની આંખમાં ફરીથી આંસુઓ ઘસી આવ્યા.
પીટરની વાત સાંભળીને બધાએ પોતાની આંખમાંના આસુઓ લૂછી નાખ્યા.
"પીટર અહીંયા જ જોન્સનની કબર તૈયાર કરી નાખો.' કેપ્ટ્ન પીટર સામે જોઈને બોલ્યા. રડવાના કારણે કેપ્ટ્નનો સાદ ભારે થઈ ગયો હતો.
"હા કેપ્ટ્ન.' પીટરે ટૂંકો જવાબ આપી જ્યોર્જને ઉભા થવાનો ઇસારો કર્યો. પછી જ્યોર્જ અને પીટર ભારે હૈયે પોતાના વ્હાલા સાથીદારની કબર તૈયાર કરવા લાગ્યા. એમની સાથે ભાલા હતા એ આ વખતે કબર ખોદવામાં કામ લાગ્યા. જ્યોર્જ અને પીટર કબર ખોદવા લાગ્યા. ફિડલ સાવ સૂનમૂન થઈ ગયો હતો. એ જોન્સનના મૃત શરીર પાસે બેસીને આંસુઓ વહાવી રહ્યો હતો. ક્રેટી અને એન્જેલા રોકીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. બરફમાં કબર તૈયારી કરતા અડધા કલાક કરતા વધારે સમય લાગ્યો.
કબર તૈયાર કર્યા બાદ બધા એકઠા થયા અને જોન્સનને સન્માનપૂર્વક ખિસ્તી ધર્મની રીતિ મુજબ દફનાવવામાં આવ્યો. એક ભાલાને એની કબરની બાજુમાં ઉભો કરવામાં આવ્યો.
"રોકી તો ઠીક છે ને ક્રેટી બેટા.' ક્રેટી રોકીના હાથને માલીસ કરી રહી હતી એ જોઈને કેપ્ટ્ને પૂછ્યું.
"હા હવે રોકીના શ્વાસ બરાબર ચાલી રહ્યા છે.' ક્રેટીએ ધીમા અવાજે જવાબ આપ્યો.
"પીટર તું અને જ્યોર્જ બન્ને થઈને રોકીને ઊંચકી શકશો ?? કેપ્ટ્ને જ્યોર્જ અને પીટરને પૂછ્યું.
"હા, ઊંચકી લઈશું.' પીટરે જવાબ આપ્યો.
"તો ચાલો હવે.. સાંજ સુધીમાં બર્ફીલા પહાડો પાર કરીને પેલે પાર જવાનું છે.' કેપ્ટ્ન ગંભીરતાપૂર્વક બોલ્યા.
જ્યોર્જ અને પીટરે બેભાન બનેલા રોકીને ઉઠાવી લીધો. પછી બધા ધીમે-ધીમે પર્વતનો ઢોળાવ ચડવા લાગ્યા. રોકીને ઉઠાવીને ઉપર ચડવું બહુજ મુશ્કેલ હતું છતાં પીટર અને જ્યોર્જ થાક્યા વગર ઉપર ચડી રહ્યા હતા. અડધો ઢોળાવ ચડ્યા બાદ પ્રોફેસર અને કેપ્ટ્ને રોકીને ઉઠાવી લીધો.
બપોર થઈ એટલે બધા એ ખીણમાંથી બહાર નીકળ્યા. આજે સવારથી બધાએ કંઈ જ નહોતું ખાધું છતાં કોઈને ભૂખ નહોતી લાગી. જોન્સનના મૃત્યુનો આઘાત બધાને લાગ્યો હતો બધાના મૂખ ઉપર વિષાદ છવાયેલો હતો. ઉપર આવીને રોકીને ત્યાં નીચે સુવડાવવામાં આવ્યો. અને ત્યારબાદ બરફ પીગળીને વહી રહેલું થોડુંક પાણી રોકીના મોંઢામાં રેડવામાં આવ્યું. પાણી રેડ્યા બાદ રોકી થોડોક સળવળ્યો. અને થોડીકવાર પછી એણે આંખો ખોલી.
"કેપ્ટ્ન.' પોતાની સામે કેપ્ટ્નનને જોઈને રોકી દર્દથી ઘેરાયેલા અવાજે બોલ્યો. રોકીને ખીણમાં હલવો પછડાટ વાગ્યો હતો એટલે એનું આખું શરીર અકડાઈ ગયું હતું.
બધા રોકી સામે એકીનજરે તાકી રહ્યા હતા. બધાના મોંઢા એકદમ ઉતરેલા જોઈને રોકીને કંઈક અમંગળ થયું હોવાની શંકા થઈ એણે આજુબાજુ જોયું. બધા સાથીદારો હતા પણ એને જોન્સન દેખાયો નહીં.
"કેપ્ટ્ન કેમ બધા ઉદાસ છો ? જોન્સન ક્યાં છે ? હું તો ખીણમાં પડી ગયો હતો ? બહાર કેવીરીતે આવ્યો ? વેદનાથી ત્રુટક અવાજે રોકી એકસાથે ઘણા સવાલો કેપ્ટ્નને પૂછી નાખ્યા.
રોકીના પ્રશ્નો સાંભળીને બધા નીચું જોઈ ગયા કારણ કે રોકીનો વ્હાલો સાથીદાર જોન્સન આજે ખીણમાં જ બધાને છોડીને ચીર નિદ્રામાં પોઢી ગયો હતો.
"જોન્સન હવે આપણી વચ્ચે નથી. તને અમે ખીણમાંથી બહાર લાવ્યા છીએ.' કેપ્ટ્ન ઢીલા અવાજે બોલ્યા.
"આપણી વચ્ચે નથી તો ક્યાં છે ? તમે એને ખીણમાંથી બહાર નથી લઈ આવ્યા ? જોન્સનના મૃત્યુથી અજાણ રોકીએ ફરીથી નિદોષ સવાલ કર્યા.
"એ હવે..' આટલું કહીને કેપ્ટ્ને આકાશમાં જોયું. અને પછી ત્યાં જ નીચે બેસી પડ્યા. કેપ્ટ્ને આકાશમાં જોયું એનો મર્મ સમજાતા રોકીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પછી એ હૈયાફાટ રડી પડ્યો. રોકીનું રુદન કાળજુ કંપાવી નાખે એવું હતું. રોકીના રુદનથી બધાની આંખો ફરીથી છલકાઈ ગઈ.
"રોકી આપણો જોન્સન.' ફિડલને જોન્સનનું મૃત્યુ ઘણું વસમું લાગ્યું હતું. ફિડલ રોકીને ભેંટીને રડી પડ્યો.
"હવે બધા શાંત થાઓ. આમ રડતા રહેવાથી આપણને આપણો જોન્સને પાછો નથી મળી જવાનો. ધીરજ રાખો યાર હજુ આપણે ઘણુંબધુ કરવાનું બાકી છે તમે બધા આવીરીતે હિંમત ગુમાવી બેસસો તો પછી આપણે બધા આગળ કેવીરીતે વધીશું.' પીટર બધાને શાંત પાડતા બોલ્યો.
"પીટરની વાત સાચી છે ચાલો હવે આગળ વધવું પડશે નહિતર અહીંયા બરફમાં રાત વિતાવવી પડશે.' કેપ્ટ્ન ઉભા થતા બોલ્યા.
જ્યોર્જ અને ફિડલે રોકીને ઉભો કર્યો. નરમ બરફ ઉપર પછડાવાથી રોકીને વધારે વાગ્યું નહોતું. એ ધીમે ધીમે ચાલવા લાગ્યો.
"હું આ ખાદ્યસામગ્રીનું પોટલું ઉપાડી લઉં.' પીટર ત્યાં પડેલું ખાદ્યસામગ્રીનું પોટલું ઉઠાવતા બોલ્યો.
આ વખતે પીટરને પોટલું ઉપાડવાનું હતું કારણ કે જોન્સનના મૃત્યુના આઘાતથી ફિડલ સાવ સૂનમૂન બની ગયો હતો. આખા કાફલામાં ફક્ત પીટર જ હતો જેણે સ્વસ્થતા ધારણ કરી રાખી હતી. વારંવાર સમજાવીને પીટર બધાને જોન્સનના મૃત્યુના આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
સાંજ થવા આવી હતી બધા બર્ફીલા પહાડો વટાવીને લાઓસ પર્વતમાળાના આગળના મેદાની પ્રદેશ આગળ આવી પહોંચ્યા હતા. જેમ જેમ બરફ પીગળતો હતો એમ એમ એનું પાણી એકઠું થઈને એક વિશાળ નદી સ્વરૂપે મેદાની ભાગમાં વહી એ નદી સામે લાઓસ પર્વતમાળાથી લગભગ ત્રણ-ચાર માઈલના અંતરે આવેલા સમુદ્રને મળી જતી હતી.
લાઓસ પર્વતમાળાથી ત્રણ-ચાર માઈલના અંતરે વિશાળ દરિયો નજરે પડતો હતો. નદી જે મેદાની પ્રદેશમાંથી વહી રહી હતી એ મેદાની પ્રદેશ એકદમ રેતાળ હતો. કેપ્ટ્ન હેરીના કાફલાએ આ મેદાની પ્રદેશમાં પોતાનો પડાવ નાખ્યો હતો.
"લો હવે બધા જમી લો. સવારે પણ કોઈએ કંઈ ખાધું નથી.' પીટરે બધાને સંબોધીને કહ્યું.
આજે પીટરે રસોઈ બનાવી હતી. દરરોજ રસોઈ ફિડલ રસોઈ બનાવતો પણ આજે ફિડલ જોન્સનના મૃત્યુના આઘાતમાં સવારથી જ સૂનમૂન હતો એટલે પીટરે એને કંઈ કહ્યા વગર રસોઈ તૈયાર કરી નાખી હતી.
"હા હવે ખાઈ લો. આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે ખાવુ તો પડશે જ.' ક્રેટી પીટરની વાતને સમર્થન આપતા બધા સામે જોઈને બોલી.
ક્રેટી અને પીટરે બધાને સમજાવ્યા એટલે બધા જમવા બેઠા.
જમ્યા બાદ કેપ્ટ્ન હેરી જોન્સનના મૃત્યુનો આઘાત ભૂલી જઈને જહાજની શોધ અંગે વિચારવા લાગ્યા.
(ક્રમશ)