9.
(ડૉ. રાહુલ પોતાની ચેમ્બરમાં બેસીને ઈન્ટરનેટ પર વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ વિશે રિસર્ચ કરી રહ્યાં હોય છે. એવામાં કિશોરભાઈ અને ભાર્ગવી તેમની ચેમ્બરમાં આવી પહોંચે છે, ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને વાસ્તવિકતા જણાવે છે કે રાજ હાલ કોઈ મોટી માનસિક બીમારીનો ભોગ બનેલ નથી, તેની અને તેનાં બધાં જ રિપોર્ટ તપસ્યા બાદ હું એ તારણ પર પહોંચેલ છું કે રાજ બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, આ સાંભળી કિશોરભાઈ અને ભાર્ગવીને ડૉ. રાહુલની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી ડૉ. રાહુલ તેઓને એક પ્લાન સમજાવતાં પોતે જેમ કહે તેમ કરવાં માટે જણાવે છે.)
કિશોરભાઈ અને ભાર્ગવી રાજ અને રંજનબેનને ચેમ્બરમાં લઈ આવવાં માટે પોતાની ખુરશી પરથી ઊભાં થઈને દરવાજા તરફ આગળ વધે છે.
"એક્સ્ક્યુઝમી !" ડૉ. રાહુલ તેમને અટકાવતાં બોલે છે.
"યસ ! સર..!" ભાર્ગવી ડૉ. રાહુલની સામે જોઇને બોલે છે
"શું ! તમે ક્યારેય સૂર્યપ્રતાપગઢ વિશે સાંભળેલ છે..?" ડૉ. રાહુલ ખાતરી કરતાં તેઓને પૂછે છે.
"નહિ...પણ..કેમ..?" હેરાનીભર્યા અવાજે ભાર્ગવી ડૉ. રાહુલને પૂછે છે.
"કાંઈ નહીં...એ તો સમય આવ્યે તમને ખ્યાલ આવી જશે, હાલ તમે રાજ અને તેનાં મમ્મીને મારી ચેમ્બરમાં લઈ આવો.
થોડીવારમાં રાજ અને રંજનબેન ડૉ. રાહુલની ચેમ્બરમાં પ્રવેશે છે. હાલ મકવાણા પરીવાર પર જાણે દુઃખના ઘનઘોર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હોય તેવું લાગી રહ્યાં હતાં. કુદરત કે ઈશ્વર હાલ પોતાની સાથે શું રમત રમી રહ્યાં છે, તે કોઈની સમજમાં આવી રહ્યું ન હતું.
"તો ! મિ. રાજ...હવે તમને કેવું લાગી રહ્યું છે ?" ડૉ. રાહુલ વાતની શરૂઆત કરતાં રાજની સામે જોઇને પૂછે છે.
"સર..આમ તો મને હવે પહેલાં કરતાં તો સારું લાગી રહ્યું છે, તમારી દવા મારા માટે અસરકારક નીવડી હોય તેવું મને લાગી રહ્યું છે." રાજ પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે.
"હા ! સરસ ! પણ હવે હું આવનાર વીસ દિવસ સુધી આ શહેરમાં નથી..!" ડૉ. રાહુલ રાજની આંખોમાં આંખ પરોવીને બોલે છે.
"તો સર મારું શું થશે..? મારી સારવાર કોણ કરશે..? મારા પર આવી પડેલ આફતમાંથી મને કોણ ઉગારશે..? તમારા જેવી અસરકારક દવા હવે મને બીજું કોણ લખી આપશે..?" - રાજ થોડાં ગુસ્સા સાથે ડૉ. રાહુલને એકસાથે ઘણાં પ્રશ્નો પૂછે છે.
"હા ! ભયલું ! પણ સર એમનાં પરીવાર સાથે ફરવા માટે જઈ રહ્યાં છે.!" ભાર્ગવી ડૉ. રાહુલે જણાવેલા પ્લાન મુજબ રાજને જણાવે છે.
"તો..મારી સારવાર કરવા કરતાં તમારું ફરવું જવું વધુ મહત્વનું છે એમ ને..?" રાજ થોડાં ભારે અવાજે ડૉ. રાહુલની સામે જોઇને પૂછે છે.
"એવું નહીં બેટા…પરંતુ તેઓ હાલ પોતાનાં પરીવાર સાથે એક સુંદર મજાનાં શહેરની મુલાકાત લેવાં માટે જઈ રહ્યાં છે." કિશોરભાઈ ડૉ. રાહુલે જણાવેલ પ્લાન અમલમાં મુકતા રાજને જણાવતાં બોલે છે.
"યસ ! એક્ઝેટલી ! હાલ હું મારા પરીવાર સાથે કુદરતનાં ખોળે હસતાં અને રમતાં ગામ એટલે કે સૂર્યપ્રતાપગઢની મુલાકાત લેવાં જઈ રહ્યાં છીએ..!" ડૉ. રાહુલ રાજને સૂર્યપ્રતાપગઢનો ફોટો (જેની તેઓએ થોડીવાર પહેલાં જ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢેલ હતી.) બતાવતાં બતાવતાં બોલે છે.
સૂર્યપ્રતાપગઢ આ નામ સાંભળતાની જ સાથે જ રાજનાં શરીરમાં એકાએક બદલાવો આવવાં લાગ્યાં, આ નામ સાંભળતાની સાથે જ જાણે રાજનાં પુરેપુરા શરીરમાં એક ઝટકો લાગ્યો હોય તેવું લાગ્યું. સૂર્યપ્રતાપગઢનો ફોટો જોઈને રાજની આંખોમાં કોઈ ઝનૂન છવાઈ ગયું હોય તેમ આંખો ગુસ્સાને લીધે એકદમ લાલચોળ થઈ ગઈ. રાજનાં શરીરમાં જાણે કોઈ શક્તિ પ્રેવેશી હોય તેમ તે પોતાની ખુરશી પરથી ઉભો થાય છે, અને ડૉ. રાહુલના ટેબલ પર પડેલ વસ્તુઓ પોતાનો હાથ મારીને એક જ ઝાટકામાં ફગાવી દે છે.
"તારી ! એટલી હિંમત કે તું મારી પરવાનગી વિના સૂર્યપ્રતાપગઢમાં પગ મૂકે....? સૂર્યપ્રતાપગઢમાં વિક્રમસિંહની પરવાનગી વગર એક પાંદડું પણ નથી હલી ચલી શકતું...તો તારી શું હેસિયત છે કે તું ત્યાં મારી મરજી વગર જઈ શકે..!" રાજ પોતાનાં બદલાયેલા હાવભાવ સાથે ભારે અને બદલાયેલા અવાજે ડૉ. રાહુલની સામે જોઇને બોલે છે.
આ જોઈ રાજનાં પરીવારજનો એકદમ સ્તબ્ધ રહી ગયાં. આ દ્રશ્ય જોયાં બાદ પળભર માટે તો તેઓ એવું અનુભવી રહ્યાં હતાં કે હાલ પોતાની નજર સમક્ષ પોતાનો પુત્ર રાજ નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ જ હોય. આ જોઈ કિશોરભાઈ અને ભાર્ગવીને થોડીવાર પહેલાં ડૉ. રાહુલે રાજનાં પુનર્જન્મ વિશે જે બાબત જણાવી હતી, તે બાબત પર હાલ તે લોકોને પૂરેપૂરી ખાતરી થઈ જતાં તેઓ ડૉ. રાહુલની વાત સાથે સંપૂર્ણપણે સહમત થઈ ગયાં.
"તમારી વાત સાચી છે, પરંતુ મને એ બાબતની જાણ ન હતી…!" - ડૉ. રાહુલ રાજની સામે જોઇને જણાવે છે.
"બેટા.. તને શું થઈ ગયું છે, શાં માટે આવું વિચિત્ર વર્તન કરી રહ્યો છો?" રંજનબેન હેરાનીભર્યા આવજે રાજની સામે જોઇને પૂછે છે.
"વિક્રમસિંહજી ! તમારા જન્મ થતાની સાથે જ સૂર્યપ્રતાપગઢમાં એક અલગ જ પ્રકારનો આનંદ અને હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો..પછી સૂર્યપ્રતાપગઢમાં શું બન્યું હતું..?" ડૉ. રાહુલ મૂળ વાત પર આવતાં આવતાં રાજની સામે જોઇને પૂછે છે.
"હા..ત્યારબાદ હું સમયનાં પ્રવાહની સાથો સાથ મોટો થતો ગયો,મારા પિતા વીરબહાદૂર સિંહની તબિયત પણ લથડવા લાગી, ટૂંક સમયમાં જ સૂર્યપ્રતાપગઢનું શાસન મારા હાથમાં આવવાનું હતું." - થોડુંક અટકતા રાજ બોલે છે.
"જી ! પછી શું થયું રાજકુમાર વિક્રમસિંહ?" ડૉ. રાહુલ આતુરતાપૂર્વક પૂછે છે.
"પછી એક દિવસ હું મારા સેનાપતિ ભાનુપ્રતાપ સાથે જંગલમાં શિકાર કરવાં માટે ગયેલો હતો, ત્યાં હું કુન્તલ પ્રદેશની રાજકુમારી ઇન્દુમતીને મળ્યો. હું અને ઇન્દુમતી એકબીજાને પહેલી જ નજરે પસંદ કરવાં લાગ્યાં હતાં, ધીમે ધીમે અમારી પસંદગી પ્રેમમાં પરિણમી..પરંતુ આ બાબતની જાણ મારા કે ઇન્દુમતીના પરીવારને હતી નહીં, પછી થોડાં દિવસ બાદ ઇન્દુમતી ખાસ તાલીમ પામેલાં પોતાનાં કબૂતર દ્વારા મારી પાસે સંદેશો મોકલાવે છે કે તેઓ આવતીકાલે મને મળવા માટે સૂર્યપ્રતાપગઢ આવી રહ્યાં છે. આ સાંભળીને મારી ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો, અને મેં વિચાર્યું કે જ્યારે ઇન્દુમતી સૂર્યપ્રતાપગઢની મુલાકાત લેવાં માટે આવશે ત્યારે હું મારા પિતાને મારા અને ઇન્દુમતીનાં પ્રેમ વિશે જણાવીશ…!" રાજ વાતોના ઊંડાણમાં ઉતારતા ઉતારતાં બોલે છે.
હાલ કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવી રાજનાં બદલાયેલા વર્તન, હાવભાવ, અવાજ સાથે જે વાત જણાવી રહ્યો હતો, તે હેરાની સાથે અવાક અને સ્તબ્ધ બનીને એકચિત્તે આંખનું મટકું માર્યા વગર સાંભળી રહ્યાં હતાં, આ બધુ હાલ તે લોકો માટે એક ખરાબ સપનાં સમાન જ હતું.
"પછી.. પછી શું..થયું…? શું તમે રાજકુમારી ઇન્દુમતીને મળ્યાં ? શું તમે તમારા પિતા એટલે કે વીરબહાદુર સિંહને તમારા પ્રેમ વિશે જણાવી શક્યાં હતાં..?" ડૉ. રાહુલ રાજની સામે જોઇને એકસાથે ઘણાબધાં પ્રશ્નો પૂછે છે.
બરાબર આ જ સમયે રાજનાં શરીરમાં ફરી પાછો એક ઝટકો આવ્યો, આ ઝટકો આવતાની સાથે જ રાજ જે હાલ વિક્રમસિંહ જેવું વર્તન કરી રહ્યો હતો, તે ફરીથી પાછો રાજમાં ફેરવાય જાય છે.
"મમ્મી ! શું થયું…? શાં માટે તમે રડી રહ્યાં છો..? પપ્પા તમે કેમ ગભરાયેલા છો.. દીદી તું પણ કેમ આટલી ચિંતાતુર બની ગયેલ છો? મને કોઈ કાંઈ કહેશો..!" રાજ પોતાનાં હાથ ટેબલ પર પછાડતા ગુસ્સા સાથે ખુરશી પરથી ઊભાં થતાં થતાં બોલી ઉઠે છે.
"શું ? ડૉ. રાહુલ હાલ પોતાની પાસે રાજનો જે મિસ્ટરીયસ કેસ આવેલ છે તે સોલ્વ કરી શકશે ? શું રાજ પોતે એ બાબત વિશે જાણી શકશે કે પોતે બીજું કોઈ નહીં પરંતુ સૂર્યપ્રતાપગઢનાં રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે ? શું રાજ...મકવાણા પરીવારમાં અગાવની માફક પાછો ફરી શકશે ? શું આ મિસ્ટીરિસ કેસમાં હજુપણ કઈ વળાંક આવવાના બાકી હતાં. - આ બધી જ બાબતોનો હાલ તેઓને સામનો કરવો હજુ બાકી હતો.
ક્રમશ