THE GOLDEN SPARROW - 8 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE GOLDEN SPARROW - 8

8.

 

(રાજા વીરબહાદુરસિંહ પોતાનાં રાજમહેલની બહાર આવેલાં ઝરૂખામાં બેસેલ હતાં, ત્યાં બેસીને તે કોઈ બાબત વિશે ખૂબ જ ઊંડાણપુર્વક વિચારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.બરાબર એ જ સમયે મહારાણી સુમિત્રા દેવી ઝરૂખામાં આવી પહોંચે છે, ત્યારબાદ બનેવ વાતચીત કરે છે. આ સમયે રાજા વીરબહાદુર સિંહ પોતાનાં મનમાં જે કાંઈ મૂંઝવણો કે ચિંતાઓ હતી, તે સુમિત્રાદેવીને જણાવે છે, થોડા મહિના બાદ રાજા વીરબહાદુરસિંહને ખુશી સમાચાર મળે છે કે સૂર્યપ્રતાપગઢનો વારસદાર જન્મ લેશે, થોડાક જ મહિનામાં રાજા વીરબહાદુરસિંહનાં ઘરે તેજસ્વી પુત્ર જન્મે છે, જેનું નામ તેઓ "વિક્રમસિંહ" રાખે છે.

 

સ્થળ : સૂર્યપ્રતાપગઢનો રાજ મહેલ.

સમય : સવારનાં 11 કલાક.

 

ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો વીતવા માંડે છે, આ બાજુ કાળચક્ર જાણે રાજા વીરબહાદુરસિંહ પર પોતાની અસર બતાવતાં હાવી થઈ રહ્યું હોય, તેવું લાગી રહ્યું હતું, જ્યારે આ બાજુ રાજકુમાર વિક્રમસિંહ જાણે વારસામાં જ બધાં ગુણો લઈને જન્મેલ હોય, તેમ સર્વ ગુણોથી સંપન્ન હોય તેવું લાગી રહ્યું હતું. ધીમે ધીમે વિક્રમસિંહે સમાજનાં રીતિરિવાજ, પરંપરા, સંસ્કાર, વગેરે વિશે શીખી લીધેલ હતું. હાલ વિક્રમસિંહ દરેક પ્રકારની વિદ્યામાં જેવી કે ધર્મવિદ્યા, યુદ્ધ વિદ્યા, શાસન વિદ્યા, કલા અને સંસ્કૃતિ વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા વગેરેમાં નિપુર્ણ બની ગયેલાં હતાં.વિક્રમસિંહ પોતાનાં પિતા પાસેથી કેવી રીતે સુચારુ અને વ્યવસ્થિત શાસન કરવું..? કેવી રીતે લોકોનાં પ્રિય શાસક બનીને રહેવું..? વગેરે વિશે જાણી રહ્યાં હતાં, કારણ કે સૂર્યપ્રતાપગઢનાં શાસનની સંપૂર્ણ જવાબદારી પોતાનાં ખભે આવે એ દિવસો મહારાજા વીરબહાદુરસિંહની લથડતી તબિયત જોતાં એવુ લાગી રહ્યું હતું કે હાલ એ વધુ દૂર ન હતાં.

 

"માઁ ! હું શિકાર કરવાં માટે આપણાં સેનાપતિ અને મારા પરમમિત્ર એવાં ભાનુપ્રતાપ સાથે જંગલમાં જઈ રહ્યો છું.!" વિક્રમસિંહ સુમિત્રાદેવીને જણાવતાં બોલે છે.

 

"હા ! બેટા..!" સુમિત્રાદેવી હળવા સ્મિત સાથે પરવાનગી આપતાં બોલે છે.

 

ત્યારબાદ વિક્રમસિંહ, સેનાપતિ ભાનુપ્રતાપ અને પાંચ સૈનિકો શિકાર કરવાં માટે સૂર્યપ્રતાપગઢથી દૂર આવેલ એક ગાઢ અને ઘનઘોર જંગલમાં રથ લઈને જાય છે. ભાનુપ્રતાપ એ વિક્રમસિંહથી ઉંમરમાં માત્ર ચાર જ વર્ષ મોટો હતો, તેના પિતા તેજપ્રતાપ રાજા વીરબહાદુરસિંહ ની સેનાનાં સેનાપતિ હતી, પરંતુ એક વર્ષ પહેલાં એક યુદ્ધમાં પોતાનાં રાજ્ય માટે તેઓએ પોતાનાં પ્રાણની આહુતિ આપી દીધેલ હતી, ભાનુપ્રતાપને તેનાં પિતા તેજપ્રતાપથી વારસામાં દેશભક્તિ, વફાદારી, વીરતા અને બહાદુરી વગેરે મળેલ હતી, આ જોઈ રાજા વીરબહાદુરસિંહે તેમને સેનાપતિ તરીકે નિયુક્તિ કરેલ હતાં.

 

ધીમે ધીમે સૂર્યનારાયણ ભગવાન જાણે પોતાનો મિજાજ આકરો કરી રહ્યાં હોય, તેમ વધુને વધુ તાપ વરસાવી રહ્યાં હતાં, આ બાજુ વિક્રમસિંહ અને ભાનુપ્રતાપ પોતાનાં સૈનિકો સાથે હજુપણ શિકારની શોધખોળ કરી રહ્યાં હતાં. ધીમે ધીમે સૂર્ય નારાયણ ભગવાન માથાં પર આવી ગયાં.

 

કલાકો સુધી એ ગાઢ અને ઘનઘોર જંગલમાં આમતેમ ભટકવા છતાંય હજુસુધી તે લોકોને કોઈ શિકાર મળેલ હતો નહીં, આથી તે બધાનાં ચહેરા પર લાચારી અને ઉદાસીની રેખાઓ ઉપસી આવેલ હતી. હાલ તે બધાં જંગલની બરાબર વચ્ચોવચ ઊભેલાં હતાં.

 

બરાબર એ જ સમયે તે લોકોનાં કાને નજીકની ઝાડીઓમાંથી કોઈ સળવળાટ થઈ રહ્યો હોય તેવો અવાજ સંભળાય છે. આથી લાચારી ભરેલ તેઓની આંખોમાં કોઈ શિકાર મળી ગયો હોવાનો વિચાર માત્રથી તેઓનાં ઉદાસ ચહેરા પર આનંદ અને ખુશીઓની લાગણી છવાય ગઈ. આથી વિક્રમસિંહ અને ભાનુપ્રતાપ તે અવાજની દિશામાં વાયુવેગે આગળ ધપે છે.

 

થોડું આગળ વધાતાની સાથે જ તેઓએ જે જોયું તે જોઈને તેઓની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઇ ગઈ, કારણ કે હાલ તેઓની સામે એક વિશાળ રથ હતો, તેની આજુબાજુમાં પાંચ સૈનિકો ઊભેલાં હતાં. એક સુંદર, મનમોહક અને આકર્ષક  યુવતી એ રથ પર સવાર થયેલ હતી. ચોમાસામાં જેમ અવનવા અને રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે, તેવી જ રીતે જાણે હાલ તે યુવતીની યુવાની પણ પેલાં ફૂલોની માફક શોળે કળાએ ખીલી ઉઠેલ હોય તેવું લાગી રહ્યું હતું. તેણે ગુલાબીરંગની સાડી પહેરેલ હતી, જેમાં સોનેરી રંગની લેસ લગાવેલ હતી, હાથમાં,પગમાં, ગળામાં, અને માથા પર સોનાનાં કિંમતી આભૂષળો પહેરેલા હતાં, જે  જાણે તે યુવતીની શોભામાં વધારો કરી રહ્યાં હોય તેમ દિપી રહ્યાં હતાં. તેનાં પહેરવેશ પરથી એટલો તો અણસાર આવી જ રહ્યો હતો કે તે યુવતી જરૂર કોઈ શાહી રાજા કે મહારાજાનાં પરીવાર સાથે સબંધ ધરાવતી હશે.

 

"જી ! હું..સૂર્યપ્રતાપગઢનો રાજકુમાર વિક્રમસિંહ છું...અને તમે…?" વાતની શરૂઆત કરતાં અને પોતાનો પરિચય આપતાં આપતાં વિક્રમસિંહ બોલે છે.

 

"જી ! હું કુન્તલપ્રદેશની રાજકુમારી ઈન્દુમતી છું..!" - પોતાનો ટૂંકો પરિચય આપતાં રાજકુમારી જણાવે છે.

 

"પણ...હું અહી આ જંગલમાં શિકાર માટે અવારનવાર આવું જ છું...પણ મેં આ અગાવ તેમને ક્યારેય આ જંગલમાં જોયેલાં નથી." પોતાનાં મનમાં ચાલી રહેલ વિચારો રજૂ કરતાં વિક્રમસિંહ રાજકુમારી ઈન્દુમતીની સામે જોઇને પૂછે છે.

 

"જી ! હું આ જંગલમાં જ પહેલીવાર આવી છું, હું આજ સવારથી શિકારની શોધ કરી રહી છું પરંતુ હજુસુધી મારા હાથ કોઈ જ શિકાર લાગેલ નથી...આથી શિકારની શોધમાં હું મારા સૈનીકો સાથે અહીં સુધી પહોંચી ગઈ છું." ઈન્દુમતી સ્પષ્ટતા કરતાં વિક્રમસિંહને જણાવે છે.

 

"ઓહ...કેવું જોગાનુજોગ કહેવાય..!" વિક્રમસિંહ હળવા સ્મિત સાથે રાજકુમારી ઈન્દુમતીની સામે જોઇને બોલે છે.

 

"મને કંઈ સમજાયું નહીં !" ઈન્દુમતી અચરજભર્યા આવજે પૂછે છે.

 

"હું પણ મારા સેનાપતિ અને સૈનિકો સાથે આ ગાઢ જંગલમાં શિકારની શોધ કરી રહ્યાં છીએ...પરંતુ અમને પણ તમારી માફક કોઈ જ શિકાર અત્યાર સુધી મળેલ નથી.!" - વિક્રમસિંહ ઈન્દુમતીની મોહક,અણિયારી અને માદક આંખો સામે જોઈને બોલે છે.

 

"હા...ખરેખર જોગાનુજોગ જ કહેવાય..!" ઈન્દુમતી સારા સારા વ્યક્તિને ઘાયલ કરી દે તેવા મારકણાં સ્મિત સાથે બોલે છે.

 

"કદાચ...ઈશ્વર આપણાં બંનેનો મિલાપ કરાવવા ઇચ્છતા હોય એવું પણ બની શકે ને..!" - વિક્રમસિંહ ઇન્દુમતીથી મોહિત થતાં થતાં બોલે છે.

 

જાણે ઈન્દુમતી અને વિક્રમસિંહે પહેલી જ નજરે એકબીજાને પસંદ કરી લીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, તેઓની આંખો ઘણું બધું જણાવી રહી હતી.

 

"હા..કદાચ..!" આટલું બોલી ઈન્દુમતી અને વિક્રમસિંહ પોતાનાં સૈનિકોને લઈને જંગલમાં આગળમાં આગળની તરફ વધવા માંડે છે, થોડુંક આગળ જતાંની સાથે જ ઈશ્વરે જાણે વિક્રમસિંહની લાજ રાખી દીધેલ હોય તેમ તેઓની નજર બે હરણ પર પડે છે. આથી પલકોનાં  ઝબકારે ઈન્દુમતી અને વિક્રમસિંહ પોત પોતાનાં ધનુષમાં બાણ ચડાવે છે, અને પળવારમાં જ હરણનો શિકાર કરી લે છે.

 

ત્યારબાદ ઈન્દુમતી અને વિક્રમસિંહ પોત પોતાનાં રાજ્ય તરફ જતાં રસ્તા પર પાછા ફરે છે. હાલ જાણે તે બનેવ એકબીજાથી આકર્ષિત થઈને પ્રેમરૂપી સાગરમાં ડૂબી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, તે બનેવ મનમાં એકબીજા વિશે જ વિચારી રહ્યાં હતાં. વિક્રમસિંહનાં મન પર જાણે ઈન્દુમતી પોતાનું એકચક્રીય શાસન જમાવવામાં સફળ રહી હોય તેવું વિક્રમસિંહ અનુભવી રહ્યાં હતાં, જ્યારે આ બાજુ રાજકુમારી ઈન્દુમતી વિક્રમસિંહને મળ્યાં બાદ એવું અનુભવી રહી હતી, કે "વિક્રમસિંહ" જ પોતાનાં સપનાનો રાજકુમાર હશે...પોતે પોતાનાં સપનાનાં રાજકુમાર વિશે જે કોઈ પૂર્વધારણાંઓ બાંધેલ હતી તેમાં રાજકુમાર વિક્રમસિંહ એકદમ બંધબેસતા હોય તેવું ઈન્દુમતી હાલ અનુભવી રહી હતી.

 

આમ એકબીજાનાં વિચારોમાં મગ્ન વિક્રમસિંહ સૂર્યપ્રતાપગઢ અને ઈન્દુમતી કુન્તલપ્રદેશ ક્યારે પહોંચી ગયાં એ બાબતનો તેઓને ખ્યાલ જ ના રહ્યો.

 

થોડા દિવસો વીત્યા બાદ રાજકુમારી ઈન્દુમતી પોતાનાં ખાસ પ્રકારની તાલીમ પામેલાં કબૂતર દ્વારા વિક્રમસિંહને સંદેશો મોકલાવે છે કે, "આવતીકાલે પોતે વિક્રમસિંહને મળવા માટે સૂર્યપ્રતાપગઢ આવી રહી છે..!" આ સંદેશો મળ્યાં બાદ વિક્રમસિંહની ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો, આથી વિક્રમસિંહ તરત જ પેલાં કબૂતર સાથે વળતો સંદેશો મોકલાવે છે કે,"આપનાં આગમનથી સૂર્યપ્રતાપગઢ મહેકી ઉઠશે..અને સૂર્યપ્રતાપગઢ આપનાં આગમન માટે ઉત્સાહિત રહેશે..!"

 

ત્યારબાદ આ કબૂતર વિક્રમસિંહનો સંદેશો લઈને રાજકુમારી ઈન્દુમતી પાસે પરત ફરે છે, વિક્રમસિંહનો સંદેશો વાંચ્યા બાદ રાજકુમારી ઈન્દુમતી ખુશી અને આનંદમાં આવીને ઝઝૂમી ઉઠે છે.

 

આ બાજુ રાજકુમાર વિક્રમસિંહે પણ મનોમન વિચારેલ હતું કે,"આવતીકાલે જ્યારે ઈન્દુમતી સૂર્યપ્રતાપગઢની મુલાકાતે આવશે, ત્યારે તે પોતાનાં પિતા વીરબહાદુરસિંહને પોતાનાં મનની વાત નિ:સંકોચપણે જણાવી દેશે.

 

હાલ ઈન્દુમતી અને વિક્રમસિંહ માટે એક દિવસ પણ વિતાવવો મુશ્કેલ થઈ ગયેલ હતું, આ એક દિવસ તે લોકોને એક વર્ષ જેટલો લાંબો લાગી રહ્યો હતો.તેઓ વિચારી રહ્યાં કે ક્યારે આવતીકાલનો સૂરજ ઉગે અને તેઓ એકબીજાને મળે, આમ તે બંને એકબીજાને મળવા માટે ખૂબ જ આતુર અને વ્યાકુળ હતાં.

 

" શું રાજકુમારી ઇન્દુમતી અને રાજકુમાર વિક્રમસિંહ આવતી કાલે કોઈપણ વિઘ્ન વગર એકબીજાને મળી શકશે ? શું તેઓ પર આવનાર ભવિષ્યમાં કોઈ આફત કે મુશ્કેલીઓ તો નહીં આવશે ને..? તેમનાં માતા-પિતા તેઓનાં લગ્ન માટે રાજી થઈ જશે..?" વિક્રમસિંહ અને ઈન્દુમતીને આ બધાં પ્રશ્નોનો સામનો કરવાનો હજુ બાકી હતો.

 

 

ક્રમશ