THE GOLDEN SPARROW - 1 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE GOLDEN SPARROW - 1

(THE ANCIENT LOVE STORY)

 

1.

 

પુનર્જન્મ આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મનમાં એક તરફ શંકા ઉત્પન્ન થાય તો, બીજી તરફ વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે, આપણે અત્યાર સુધી પુનર્જન્મ વિશે ઘણું બધુ સાંભળતા આવીએ છીએ, જે બધી બાબત સાચી છે કે ખોટી એ બાબત વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચારેલ હોતું નથી, જેમાંથી આપણી દુનિયામાં કેટલાં પ્રસંગો એવાં પણ બની ગયાં છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પણ વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, આ બાબતને પૂરેપૂરી રીતે સમર્થન આપેલ છે.

 

સમય : સવારનાં 6 કલાક

સ્થળ : રાજ મકવાણાનું ઘર.

 

એક બાજુએ સૂર્યનારાયણ આકાશમાં પોતાનું સ્થાન જમાવવા માટે મથામણ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, જેવી રીતે અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો વિજય થાય, તેવી જ રીતે હાલ અંધકાર પર જાણે પ્રકાશનો સોનેરી વિજય પતાકા લહેરાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, સૂર્યનારાયણની આ યશસ્વી જીતને વધાવવા માટે પક્ષીઓ જાણે કોઈ મધુર શ્લોક બોલી રહ્યાં હોય તેમ સુમધુર અને કર્ણ પ્રિય સૂર ચારે દિશામાં રેલાવી રહ્યાં હતાં. પક્ષીઓનાં આવા સુમધુર કલરવને લીધે જાણે વાતાવરણમાં ચારેકોર તાજગી ફેલાય ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ધરતી પર ધીમે ધીમે સૂર્યનારાયણનાં કુમળા કિરણો ચારેબાજુએ ફેલાય રહ્યાં હતાં. ધરતીનાં તાત એવાં ખેડૂતો પોત - પોતાનાં ખેતરે પહોંચી ગયાં હતાં અને બળદની મદદથી હળ ચલાવી રહ્યાં હતાં.

 

તો બીજી બાજુએ બાળકોનાં વ્હાલા ચાંદામામા સૌ કોઈને આવજો એવું કહી રહ્યાં હોય તેમ ધીમે ધીમે પોતાનું સ્થાન છોડી રહ્યાં હતાં, સૂર્યનારાયણે અને ચાંદામામાએ જાણે પોત પોતાની જવાબદારીઓ બંને વચ્ચે વહેચી લીધી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ આવનાર સવાર સૌ કોઈ માટે આટલી બધી આહલાદક કે સ્ફૂર્તિ ભરેલ નથી હોતી.

 

આ બાજુ રાજ પોતાનાં બેડરૂમમાં ફિકરની ફાકી બનાવીને જાણે ઘોડા વહેચીને સૂતો હોય તેમ એકદમ નિશ્ચિત થઈને પોતાની પથારીમાં સૂતેલ હતો, બહારની ચારેબાજુએ હાલ ભલે સૂર્યનારાયણની રોશની ફેલાય ગઈ હોય, પરંતુ રાજનાં જીવનમાં જે અંધકાર, અડચણો કે આફતો આવવાની હતી તેની હાલ રાજને ભણક નહોતી. બરાબર એ જ સમયે રાજનાં શરીરમાં એકાએક ધ્રુજારી આવવાં માંડે છે, તે એકદમથી પોતાનાં હાથપગ આમતેમ હલાવવાં માંડે છે. એકાએક  તેનું ગળું સુકાવવા લાગે છે, જેવી રીતે  ઊંડા પાણીમાં ફસાયેલ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે તરફડીયા મારે છે, તેવી જ રીતે રાજ પોતાની પથારીમાં સૂતા સૂતા તરફડિયાં મારી રહ્યો હતો. બરાબર એ જ સમયે રાજનો હાથ બેડની બાજુમાં રહેલ ટેબલ સાથે અથડાય છે, આથી ટેબલ પર રહેલ પાણીનો સ્ટીલનો જગ તથા ગ્લાસ એક ધડાકા સાથે જમીન પર પડે છે. જેનો અવાજ સાંભળીને રાજનાં મમ્મી  રંજનબેન, પિતા કિશોરભાઈ તથા બહેન ભાર્ગવી દોડતાં દોડતાં રાજનાં બેડરૂમમાં પ્રવેશે છે. રૂમમાં પ્રવેશ્યા બાદ રાજનાં માતાપિતા અને બહેને જે દ્રશ્ય જોયું તે જોઈને તે બધાં એકદમ અવાક અને સ્તબ્ધ બની ગયાં.

 

“કોણ છો તું ? શાં માટે મને આવી રીતે હેરાન પરેશાન કરી રહી છો ? મે તારું શું બગાડયું છે ?” રાજ પોતાના હાથમાં ઓશીકું પકડીને જોર જોરથી બૂમબરાડા પાડી રહ્યો હતો.

 

આ જોઈ રંજનબેન અને ભાર્ગવી રાજનાં બેડ તરફ દોટ મૂકે છે, અને રાજને શાંત પાડતાં પાડતાં રંજનબેન બોલે છે કે,

 

“બેટા !  ડરીશ નહીં અમે તારી બાજુમાં જ ઊભા છીએ, અમે તારી બાજુમાં ઊભા હોઈએ અને કોઈની  ત્રેવડ છે કે તને કઈ કરી શકે !” રાજનાં માથાં વ્હાલપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં રંજનબેન બોલે છે.

 

ત્યારબાદ રાજ પોતાની બંને આંખો હળવે હળવે ચોળયા બાદ ધીમેથી આંખો ખોલે છે, આંખો ખોલ્યા બાદ રાજને વાસ્તવિક્તાનું ભાન થાય છે કે પોતે હાલ એક ભયાનક સપનું જોઈ રહ્યો હતો. જે સપનુ તેને  અવારનવાર આવી રહ્યું હતું, પણ રાજે આ સપનાંને એટલું બધુ ગંભીરતાથી ક્યારેય લીધેલ ન હતું. પરંતુ એ પોતે એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે પોતે હાલ જે સ્વપ્નને અવગણી રહ્યો છે. એ જ ભયાનક સપનું તેની આવનાર રાતોની ઊંઘ હરામ કરી દેશે.

 

“લે ! ભઈલુ ! પાણી પી લે  પહેલાં.!” - ભાર્ગવી પાણી ભરેલો ગ્લાસ રાજ તરફ લંબાવતા બોલે છે.

 

રાજ ભાર્ગવીનાં હાથમાંથી પાણી ભરેલ ગ્લાસ લઈને એક જ શ્વાસમાં બધુ પાણી ગળે ઉતારી જાય છે, અને ફરી સ્વસ્થ થતાં થતાં પથારીમાં બેઠો થાય છે.

 

“બેટા ! તે સપનામાં એવું તે શું જોયું જે તું આટલો બધો ગભરાયને આવી રીતે તરફડિયાં મારી રહ્યો હતો ?” કિશોરભાઈ હેરાની અને લાચારીભર્યા આવજે રાજને પૂછે છે.

 

“પપ્પા ! મને લગભગ છેલ્લા પાંચ મહિનાથી અવારનવાર એક જ સપનું આવે છે.” રાજ પોતાની વાત શરૂ કરતાં બોલે છે.

 

“બેટા ! એવું તું સપનામાં શું જોવે છે કે તું આટલો બધો ડરી જાય છે ?” રંજનબેન હેતભરેલા હળવા આવજે રાજને પૂછે છે.

 

“મમ્મી ! મને જે સપનું આવે છે એ સપનું જ એટલું ભયંકર છે કે હું ઈચ્છતો ના હોવા છતાંપણ ડરી જાવ છું, હું કોઈ ગાઢ જંગલમાં ભૂલો પડેલ હોવ છું, મારી ચારે બાજુએ દૂર દૂર સુધી માત્રને માત્ર ઘનઘોર ડરામણું અંધકાર જ છવાયેલ હોય છે, હું એ ગાઢ જંગલમાંથી બહાર નીકળવા માટે વલખાં મારી રહ્યો હોવ છું. બરાબર એ જ સમયે મને એક વર્ષો જૂનો પૌરાણિક જર્જરિત રાજમહેલ દેખાય છે. થોડીવારમાં મારી પાસે એક સોનાની ચકલી આવી ચડે છે, જે મારા હાથ પર બેસીને આનંદમાં આવીને ખિલખિલાટ સાથે કલરવ કરવાં લાગે છે.” - આટલું બોલીને અટકે છે.

 

“ભયલું ! તો તેમાં આટલું બધુ ડરવાની શું જરૂર છે?” ભાર્ગવી અચરજ ભરેલાં અવાજે રાજ સામે જોયને પૂછે છે.

 

“બેનાં ! અહી સુધી તો મને એટલો બધો ખાસ ડર નથી લાગતો એ પછીનું હું જે દ્રશ્ય જોવું છે. એ જોઈને મારુ હ્રદય કબૂતરની માફક ડરને લીધે ફફડાટ કરવાં લાગે છે.” રાજ સ્પષ્ટતા કરતાં જણાવે છે.

 

“હા ! તો બેટા એ પછી તને તારા સપનામાં શું દેખાય છે?” કિશોરભાઈ હળવેકથી રાજને પૂછે છે.

 

“પપ્પા ! હું જ્યારે પેલી સોનાની ચકલીને રમાડવામાં વ્યસ્ત હોવ છું, બરાબર તે જ સમયે મારી સામે એક વ્યક્તિ આવી ચડે છે, જેનાં પહેરવેશ પરથી તે કોઈ સેનાપતી હોય તેવું મને લાગતું હતું, તેનાં બંને હાથમાં એકદમ પાણીદાર અને ધારદાર શાહી તલવારો હતી, જેમાંથી ટપો - ટપ કરીને લોહીનાં બુંદો પડી રહ્યાં હોય છે, તેનાં પૂરેપૂરા શરીર પર લોહીનાં છાંટાઓ લાગેલાં હતાં, તેની બને ભુજાઓ જોઈને એવું માલૂમ પડી રહ્યું હતું કે તેની બંને ભુજાઓમાં સહસ્ત્ર હાથીઓનું બળ હોય, એમાંપણ તેનાં હાથનાં આગળનાં ભાગે કોતરાવેલ સિંહનું ટેટૂ એકદમ ડર પમાડે તેવું હતું.” - રાજ ગભરાયેલાં અવાજે પોતાનાં માતાપિતા અને બહેનને જણાવતાં બોલે છે.

 

“તો ! બેટા ! એમાં આટલું બધુ ડરવાની શું જરૂર છે, સેનાપતિ હોય તો તેનો આવો દેખાવ હોય તે તો સામાન્ય ગણાય.” રંજનબેન રાજને સમજાવતાં જણાવે છે.

“પણ ! મમ્મી ! જ્યારે એ સેનાપતિનાં ચહેરા પર મારી નજર પડી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, હું એકદમથી ગભરાય ગયો, ડર અને ગભરામણને લીધે મારુ પૂરેપૂરું શરીર કાંપવાં માંડયું, કારણ કે એ સેનાપતિનું  મસ્તક હતું જ નહીં, માત્ર ધડ જ હતું, અને જોત જોતામાં તે સેનાપતિ પૂરઝડપે પૂરેપૂરા જુસ્સાથી જાણે મને મારી નાખવાનાં બદઇરાદાથી આગળ વધી રહ્યો હોય છે.” રાજ પોતાની વાત પૂરી કરતાં જણાવે છે.

 

“હશે ! બેટા ! હવે તેને તું ભૂલી જા ! તું એ સપનાં વિશે જેટલું વિચારીશ એટલું જ તે  સપનું વારંવાર આવશે. માટે હવે ચિંતા ડર છોડી દે અને ફ્રેશ થઈને નીચે નાસ્તો કરવાં માટે આવી જા, અમે ડાયનિંગ ટેબલ પર તારી રાહ જોઈએ છીએ..!” કિશોરભાઈ રાજને સમજાવતાં બોલે છે.

 

આટલું બોલીને કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવી રાજનાં બેડરૂમની બહાર નીકળી જાય છે, જ્યારે આ બાજુ રાજ ફ્રેશ થવાં માટે બાથરૂમમાં જાય છે, અને ફ્રેશ થયાં બાદ, નીચે હોલમાં જાય છે, પોતાનાં ઇષ્ટદેવનાં દર્શન કરીને રાજ નાસ્તો કરવાં માટે ડાયનિંગ ટેબલ પર ગોઠવાય જાય છે, ત્યારબાદ આવનાર ભયંકર આફતો , મુસીબતો કે મુશ્કેલીઓથી અજાણ એવો મકવાણા પરીવાર નાસ્તો કરવામાં વ્યસ્ત બની જાય છે.

 

 

રાજને આવું ભયંકર સપનું આવવાં પાછળનું શું રહસ્ય હશે ? શાં માટે રાજને આવું ડરામણું અને ભયંકર સપનું વારંવાર આવી રહ્યુ હશે ? પેલી સોનાની ચકલી સાથે રાજને શું સબંધ હશે ? શાં માટે પેલો બિહામણો સેનાપતિ રાજને મારવાં માંગતો હશે ? રાજને સપનામાં આવેલ રાજ મહેલ સાથે શું સબંધ હશે ? રાજને વારંવાર આવતું આ સપનું કોઈ સામાન્ય સપનું હશે ? શું આ ભયાનક અને ડરામણું સપનું રાજનાં આવનાર ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓની સુનામી લઈને આવશે ? શું આ બધુ રાજનાં પાછળનાં જન્મ સાથે કોઈ સબંધ ધરાવતું હશે ? - આ બધાં જ પ્રશ્નોના ઉત્તરો હાલ રાજ કે તેનાં પરીવાર પાસે હતાં નહીં જે માત્રને માત્ર આવનાર સમય જ આપી શકે તેમ હતાં.

 

 

ક્રમશ