THE GOLDEN SPARROW - 6 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE GOLDEN SPARROW - 6

6.

 

સો વર્ષ પહેલાં

 

સૂર્યપ્રતાપગઢ એટલે પ્રકૃતિનાં કે કુદરતનાં ખોળે રમતું ગામ, આ ગામ પર જાણે ખુદ ઈશ્વર મહેરબાન હોય તેવું લાગી રહ્યું હતું. સૂર્યપ્રતાપગઢ ચારે બાજુએથી ઊંચી ઊંચી ટેકરીઓથી ઘેરાયેલ હતું. ત્યાં મનોમોહક ઝરણાંઓ અને ખળખળ કરીને વહેતી નદીઓ આવેલ હતી, એમાં પણ ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રતાપગઢ સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેકોર લીલીછમ મનોમોહક અને જેને જોતાં આંખોમાં તાજગી ભરાઈ આવે તેમ ચારેબાજુએ હરિયાળી છવાય જાય છે.આકાશમાં મુક્તમને આરામથી વિચરી રહેલાં પક્ષીઓ સૂર્યપ્રતાપગઢની રોનકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. ગામની બહાર આવેલ મોટો દરવાજો એ જાણે સૂર્યપ્રતાપગઢનાં શાહી પરીવારનાં ગુણગાન ગાઈ રહ્યો હોય તેમ આજની તારીખમાં પણ અડગ અને અડીખમ ઉભેલો હતો, જે આજનાં કહેવાતાં મજબૂત બાંધકામ પર એક લપડાક સમાન હતો. સૂર્યપ્રતાપગઢની ચારેબાજુએ આવેલ અભેદ કિલ્લો સૂર્યપ્રતાપગઢનાં કુશળ શાસકનાં પ્રતિક સમાન હતો. જે હાલનાં સમયમાં પણ ગામનું રક્ષણ કરી રહ્યો હતો. આ અભેદ કિલ્લાને કોઈ પાર કરી શકે તેમ નાં હતું, આ અભેદ કિલ્લાને પાર કરવાં માટે સારા સારા બાહુબલીએ ખૂબ જ મથામણ કરવી પડે તેવું હતું.

 

સૂર્યપ્રતાપગઢનાં આ અભેદ કિલ્લાની અંદર એક ઊંચી ટેકરી પર સૂર્યપ્રતાપગઢનાં શાસક રાજવી એવાં વીરબહાદુર સિંહનો મહેલ આવેલ હતો.આ મહેલ બાંધકામ અને સ્થાપત્ય કલાનો અદભૂત બેનમૂન નમૂનો હતો, આ મહેલ ખાસ પ્રકારનાં પથ્થરમાંથી બનાવવામાં આવેલ હતો.આ કિલ્લાની દિવાલો પર અદભૂત અને મનમોહક કોતરણી કામ કરવામાં આવેલ હતું, જે એ વાતની સાક્ષી પૂરી રહ્યું હતું કે સૂર્યપ્રતાપગઢનાં રાજા કેટલાં કલાપ્રિય હશે. આ મહેલની આગળની તરફ એક મોટું મેદાન આવેલ હતું, આ મેદાનની ફરતે અવનવાં દેશી વિદેશી રંગબેરંગી ફૂલો ઉગાડવામાં આવેલ હતા, જે મહેલની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. આ મેદાનની બરાબર વચ્ચે એક ભવ્ય, આલીશાન અને મોટો હોજ આવેલ હતો, જેમાં ફૂવારા ગોઠવેલા હતાં. સૂર્યપ્રતાપગઢનો મહેલ એટલો આલીશાન અને અદભૂત હતો કે સૌ કોઈને આ મહેલ પચાવી પાડવાની ઈચ્છા થઈ જાય. આ મહેલમાં અલગ અલગ જેવાં કે દરબાર ખંડ, સભાખંડ, દિવાન ખંડ, પૂજા ખંડ, શયન ખંડ એમ અલગ અલગ ઘણાં પ્રકારનાં ખંડો આવેલા હતાં. આ મહેલમાં અવનવી આકર્ષક, મનમોહક અને સુંદર મૂર્તિઓ રાખવામાં આવેલ હતી. આમ સૂર્યપ્રતાપગઢનો મહેલ એટલે બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વી પરનું સ્વર્ગ એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

 

રાજા વીરબહાદુર સિંહને સૂર્યપ્રતાપગઢનું શાસન તેનાં પૂર્વજો પાસેથી વારસામાં મળેલ હતું. વીરબહાદુર સિંહનાં બાપદાદાઓએ સૂર્યપ્રતાપગઢને દુશ્મનોથી બચાવવા માટે પોતાનું લોહી પણ રેડવામાં પાછીપાની નહોતી કરેલ. ત્યારબાદ જ્યારે રાજા વીરબહાદુર સિંહ સૂર્યપ્રતાપગઢનાં શાસક તરીકે આવ્યાં ત્યારબાદ તેઓએ આ મહેલનો જીર્ણોધ્હાર કરેલ હતો અને મોહક અને આકર્ષક મહેલને વધુ મોહક અને આકર્ષક બનાવ્યો. આપણે ત્યાં એક કહેવત છે કે, “મોરનાં ઈંડા ચિતરવા ના પડે.” - આ કહેવત વીરબહાદુર સિંહ માટે એકદમ યથાર્થ હોય તેવું લાગી રહ્યું હતું. વીરબહાદુર સિંહ પોતાનાં નામ પ્રમાણેનાં જ ગુણો ધરાવતાં હતાં. તેઓને વીરતા અને બહાદુરી  તેઓનાં માતાપિતા પાસેથી વારસામાં મળેલ હતી, આ ઉપરાંત વીરબહાદુર સિંહ પ્રખર વિદ્વાન, કલા અને સાહિત્ય પ્રેમી, પ્રકૃતિ પ્રેમી, યુદ્ધ કલામાં એકદમ નિપૂર્ણ, શિલ્પ અને સ્થાપત્ય પ્રેમી, ટૂંકમાં રાજા વીર બહાદુરસિંહ શસ્ત્ર અને શાસ્ત્ર એમ બંનેમાં પારંગત હતાં.

 

એક દિવસ વીરબહાદુરસિંહ પોતાનાં દિવાનખંડમાં આવેલ ઝરૂખામાં રહેલ આસન પર બેસેલાં હતાં, અને તેઓ હાલ જાણે કોઈ ઊંડા વિચારોમાં મગ્ન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. બરાબર એ જ સમયે રાણી સુમિત્રા ઝરૂખા પાસે આવી ચડે છે. રાણી સુમિત્રા દેવીનાં પાયલનો “છન - છન” એવો અવાજ રાજા વીરબહાદુર સિંહનાં કાન સાથે અથડાય છે. આથી તેઓ એક ઝબકાર સાથે હાલ જે ઊંડા વિચારોની દુનિયામાં ખોવાયેલ હતાં તેમાંથી બહાર આવી જાય છે.

 

“ઓહ ! મહારાણી સુમિત્રા તમે..?  આવો..!”  પોતાની સામે રહેલાં આસન તરફ ઈશારો કરતાં આશ્ચર્ય સાથે રાજા વીરબહાદુરસિંહ બોલે છે.

 

“શું ! મહારાજ ! ક્યાં વિચારોની દુનિયામાં ખોવાયેલા છો?” સુમિત્રા દેવી વીરબહાદુરસિંહની સામે જોઈને નવાઈ સાથે પૂછે છે.

 

“કઈ જ નહીં..!” પોતાની આંખોનાં ખૂણામાં રહેલ આંસુઓ લૂછતાં લૂછતાં વીરબહાદુરસિંહ બોલે છે.

 

“સ્વામી ! હું તમારી ધર્મ પત્ની છું આથી તમારી ચિંતાઓ, દુખ કે મુશ્કેલીઓમાં ભાગીદાર થવાનો મારી પાસે પૂરે પૂરો હક્ક છે, તમે આ બધી બાબતો મને નહીં જણાવશો તો કોને જણાવશો ? કોઈ પાસે તો તમારે તમારું દુખ ઠાલવવું જોઈએ..!” સુમિત્રા દેવી જાણે વીરબહાદુરસિંહની મનની વાત પામી ગયાં હોય તેવી રીતે સાંત્વના આપતાં પોતાનો પતિવ્રતા હોવાનો ધર્મ નિભવતા બોલે છે.

 

“સુમિત્રા ! તું જાણે જ છે કે ભગવાને આપણને બધુ જ સુખ આપેલ છે, આ ઉપરાંત મને સારી રાજા પ્રિય એવી ભોળી પ્રજા, અને આ સૂર્યપ્રત્યપગઢનું શાસન પણ મળેલ છે.” રાજા વીરબહાદુરસિંહ પોતાની વાતની શરૂઆત કરતાં કરતાં જણાવે છે.

 

“સ્વામી ! તો પછી એમાં આટલું બધુ વ્યતીત કે વ્યાકુળ થવાની શી જરૂર છે, તમારે તો ઈશ્વરનો આ બધુ આપવાં બદલ સહૃદય આભાર માનવો જોઈએ..!” સુમિત્રા દેવી વીરબહાદુરસિંહને સમજાવતા કહે છે.

 

“સુમિત્રા ! એ બાબતે તો હું ઈશ્વરનો આભાર માનું એટલો ઓછો છે.. બાકી પોતાનાં મહારાજાને આટલો બધો પ્રેમ કરનાર પ્રજા ક્યાં મળવાની !” વીરબહાદુરસિંહ સુમિત્રા દેવીની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

 

“તો ! પછી હાલ તમને અંદરથી કઈ ચિંતાઓ કોરી ખાય રહી છે?” સુમિત્રા દેવી મૂળ મુદ્દા પર આવતાં પૂછે છે.

 

“જી ! મને જે ચિંતાઓ સતાવી રહી છે તે ચિંતા છે. સૂર્યપ્રતાપગઢનાં ઊતરાધિકારીની ભગવાન પણ જાણે આપણી સાથે રમત રમી રહ્યાં હોય તેમ આપણાં નસીબમાં બધાં જ પ્રકારનું સુખ અને જાહોજલાલી લખી પણ આપણાં નસીબમાં તે જાણે સંતાન સુખ લખવાનું ભૂલી ગયાં હોય તેવું મને લાગી રહ્યું છે. મને સતત એ જ ચિંતાઓ સતાવી રહી છે કે શું હું મારી પ્રજાને સૂર્યપ્રતાપગઢનો ઉતરાધિકારી આપવામાં નિષ્ફળ રહીશ..? શું આપણે દત્તક પુત્ર લેવો પડશે ? શું આપણાં આટલાં મોટા અને વિશાળ મહેલમાં નાના બાળકનો ખિલખિલાટ ક્યારેય સાંભળવા નહીં મળે..?” રાજા વીરબહાદુરસિંહ લાગણીવશ થતાં થતાં હળવાં અવાજે સુમિત્રાદેવીને પોતાની ચિંતાઓ વિશે  જણાવતાં બોલે છે.

 

“સ્વામી ! એ તો નસીબની વાત છે.. બાકી કોણ સ્ત્રી એવું નાં ઇચ્છતી હોય કે પોતાનાં ઘરે પણ પારણું બંધાય, પોતાનાં ઘરે પણ કલરવ કરતુ સંતાન જન્મે, કે જેનાં પર પોતે વર્ષોથી પોતાનાં હૈયામાં સાચવીને રાખેલ હેત કે વ્હાલ વરસાવે..?” રાણી સુમિત્રાદેવી આંખોમાં આંસુ સાથે વીરબહાદુરસિંહની સામે જોઈને બોલે છે.

 

“જોઈએ ! હવે આપણાં નસીબ..!” - પોતાનું અને સૂર્યપ્રતાપગઢનું ભવિષ્ય પોતાનાં નસીબ પર છોડતા - છોડતા વીરબહાદુરસિંહ સુમિત્રા દેવીની સામે જોઈને બોલે છે.

 

આ બાજુ ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા માંડે છે. ઈશ્વરે જાણે વીરબહાદુરસિંહ અને સુમિત્રાદેવીની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ અંતે એ દિવસ પણ આવી ગયો કે જે દિવસની  વીરબહાદુરસિંહ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. વીરબહાદુરસિંહને દાસી પાસેથી મહારાણી સુમિત્રને સારા દિવસો પસાર થઈ રહ્યાં છે, આ બાબતની જાણ થાય છે. આ સમાચાર સાંભળ્યા બાદ વીરબહાદુરસિંહની ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો. જાણે કોઈ વેરાન જમીન પર વર્ષો પછી ધોધમાર વરસાદ મનમૂકીને વરસી રહ્યો હોય તેવું અનુભવી રહ્યાં હતાં. આ સમાચાર સાંભળ્યા બાદ રાજા વીરબહાદુરસિંહ મનોમન વિચારી રહ્યાં હતાં કે, “અંતે ભગવાને પોતાની પ્રાર્થના સાંભળીને તેઓને સુર્યપ્રતાપગઢનો વારસદાર આપી જ દીધો.” - આથી વીરબહાદુરસિંહ ખુશ થતાં થતાં પોતાનાં ગળામાં પહેરેલ સોનાનો હાર દાસીનાં હાથમાં આપતાં આપતાં જણાવે છે કે..

 

“તમને ખ્યાલ નહીં હોય કે તમે મને આજે કેટલી મોટી ખુશખબરી સાંભળવી છે. તમારી વાત સાંભળીને મારી બધી જ ચિંતાઓ જાણે પળભરમાં જ દૂર થઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું છે.

 

અંતે નવ મહિના બાદ મહારાજા વીરબહાદુરસિંહનાં ઘરે મહારાણી સુમિત્રાદેવી એક તેજસ્વી અને અતિસુંદરવાન પુત્રને જન્મ આપે છે, આથી આખા મહેલમાં ચારેબાજુએ ખુશીઓની લહેર ફેલાય ગઈ, તે દિવસે રાજા વીરબહાદુરસિંહ આખા સૂર્યપ્રતાપગઢની પ્રજાને પોતાનાં મહેલમાં જમણવાર માટે આમંત્રિત કરે છે, આમ આ ખુશીનો દિવસ મહારાજા વીરબહાદુરસિંહ માટે કોઈ તહેવારથી ઓછો ન હતો. ત્યારબાદ હિન્દુધર્મની વિધી મુજબ વીરબહાદુરસિંહનાં પુત્રનાં નામકરણની વિધિ કરવામાં આવે છે, જેમાં તેનું નામ “વિક્રમસિંહ” રાખવામાં આવે છે. રાજકુમાર વિક્રમસિંહ પણ સમયનાં પ્રવાહની સાથોસાથ મોટાં થવાં માંડે છે.

 

વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ સાથે રાજને શું સબંધ હશે ? શું વીરબહાદુરસિંહ પોતાનાં પુત્રનો ઉછેર વ્યવસ્થિત રીતે કરી શકશે ? શું વિક્રમસિંહ વીરબહાદુરસિંહની માફક ગુણવાન બનશે ? શું વિક્રમસિંહ સૂર્યપ્રતાપ ગઢનાં શાસનને પોતાનાં પિતાની માફક  સુઆયોજિત અને સુચારું નિયંત્રણ કરી શકશે ? શું સૂર્યપ્રતાપગઢની પ્રજા વિક્રમસિંહને તેનાં પિતા વીરબહાદુરસિંહ જેટલો જ આદર, માન સન્માન અને પ્રેમ આપશે ? શું વિક્રમસિંહનાં નસીબમાં કોઈ આફત કે મુશ્કેલીઓ લખેલ હશે ?” - આવા અનેક પ્રશ્નો હતાં, જેનાં ઉત્તરો હાલ મહારાજા વીરબહાદુરસિંહ કે ખુદ વિક્રમસિંહ પાસે પણ નહોતા.

ક્રમશ