2.
રાજ જ્યારે એક વર્ષનો હતો ત્યારે.
સમય : સવારનાં 11 કલાક.
સ્થળ : કિશોરભાઈનું ઘર
દિવાળી તહેવાર હિન્દૂ સંસ્કૃતિ મુજબ ખૂબ જ આધ્યાત્મકતા ધરાવે છે, હિન્દૂ ધર્મના ગ્રંથો મુજબ દિવાળીનાં દિવસે રામ, સીતા અને લક્ષ્મણ ચૌદ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણ જેવાં અસુરનો વધ કરીને પાછા અયોધ્યામાં ફરી રહ્યાં હતાં, તેની ઉજવણીનાં ભાગ સ્વરૂપે અને મર્યાદા પુરષોતમ રામને હર્ષોલ્લાસ સાથે વધાવવા માટે અયોઘ્યામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આમ દિવાળી તહેવાર અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે
કિશોરભાઈ દિવાળીનો તહેવાર હોવાને લીધે દિવાળીની ખરીદી કરવાં માટે બજારમાં ગયાં હતાં, જ્યારે રંજનબેન ઘરકામમાં વ્યસ્ત હતાં, જ્યારે રાજ પથારીમાં શાંતિથી ઊંઘી રહ્યો હતો, રાજની આજુબાજુમાં અવનવા રમકડાં પડેલાં હતાં.
"અલકનિરંજન !" - રંજનબેનનાં કાને આવો અવાજ સંભળાય છે.
આથી રંજનબેન પોતાનું ઘરકામ અધુરું છોડીને પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજા તરફ નજર કરે છે. ઘરની બહાર નજર કરી તો ઘરનાં મુખ્ય દરવાજાની બહાર એક સાધુ મહારાજ ઊભેલા હતાં, તેની આંખોમાં એક અલગ ચમક દેખાય રહી હતી, તેનો અવાજ દમદાર અને એકદમ ભારે હતો, ગળામાં ચાર પાંચ રુદ્રાક્ષની માળા પહેરેલ હતી, હાથમાં કાંડા પર અને બાવડા પર પણ રુદ્રાક્ષની માળા બાંધેલ હતી, એક હાથમાં ચિપીયો હતો, જ્યારે બીજા હાથમાં ભિક્ષા માંગવા માટેનો કટોરો હતો, તેના કપાળનાં ભાગે ભસ્મ લગાવેલ હતી, જેની બરાબર વચ્ચે લાલ રંગનું ગોળ મોટું તિલક કરેલ હતું.
આથી રંજનબેન દિવાળી તહેવાર નિમિતે પોતાનાં ઘરે બનાવેલ ફરસાણ અને મીઠાઈ માંથી થોડી મીઠાઈ અને ફરસાણ એક ડિશમાં લઈને પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજા તરફ જ્યાં પેલાં સાધુ મહારાજ ઊભેલાં હતાં. તે દિશામાં આગળ વધે છે.
"અલક નિરંજન ! બાબા !" - મીઠાઈ અને ફરસાણ વાળી ડિશ પેલાં સાધુની સમક્ષ ધરતાં રંજનબેન બોલે છે.
"બેટા ! મારે આ કઈ નથી જોઈતું પરંતુ મને અહીં તારા ઘર સુધી કોઈ દિવ્ય શક્તિ ખેંચીને લાવી છે.!" - પેલાં સાધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે.
"દિવ્ય શક્તિ?" - રંજનબેન અચરજ ભરેલાં અવાજે સાધુ મહારાજને પૂછે છે.
"હા ! બેટા ! હું જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે પુરઝડપે ચાલતાં મારા પગ એકાએક થંભી ગયાં. જાણે કોઈ દિવ્ય શક્તિ મને પોતાની તરફ ખેંચી રહી હોય તેવું મેં અનુભવ્યું, પછી મને એ અલૌકિક અને દિવ્ય શક્તિનો સંકેત જે દિશા તરફથી મળી રહ્યો હતો, તે દિશા તરફ મેં વધુ આગળ ચાલવાનું શરૂ કર્યું, અને અંતે હું તારા ઘરે પહોંચી ગયો." - સાધુ મહારાજ વધુ વિગતો જણાવતાં બોલે છે.
"તો ! બાબા ! એ દિવ્ય શક્તિ કઈ હતી.? જેની લીધે તમેં મારા ઘર સુધી ખેંચાય આવ્યાં ?" - રંજનબેન નવાઈ સાથે પેલાં સાધુ મહારાજને પૂછે છે.
"બેટા ! એ તો હું તારા ઘરમાં પ્રવેશ કરું એ પછી જ મને ખ્યાલ આવે કે હું તારા ઘરમાં એવી કંઈ દિવ્ય શક્તિ રહેલ છે, જેને લીધે હું ખેંચાય આવ્યો.?" - સાધુ મહારાજ વાસ્તવિકતા જણાવતાં રંજનબેનને કહે છે.
"તો ! બાબા આવો પધોરો મારા ઘરે..અને મારું ઘર તમારા પાવન ચરણો વડે પવિત્ર કરો.!" - રંજનબેન વિનંતી કરતાં મહારાજને જણાવે છે.
ત્યારબાદ મહારાજ રંજનબેનનાં ઘરમાં પ્રવેશે છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ સાધુ મહારાજની નજર પથારીમાં એકદમ શાંતિથી ઊંઘી રહેલાં રાજ પર પડે છે, રાજનાં દિવ્ય અને તેજસ્વી કપાળ જોઈને મહારાજ રંજનબેનને જણાવે છે કે.
"બેટા ! તારો પુત્ર કેટ કેટલાં ગાઢ રહસ્યો લઈને જન્મ્યો છે, એ બાબતનો તમને કદાચ અંદાજો પણ નહીં હશે.!" - સાધુ મહારાજ પોતાની વાત આગળ વધારતાં બોલે છે.
"મહારાજ ! મને કંઈ સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો !" - હેરાનીભર્યા અવાજે રંજનબેન પૂછે છે.
"બેટા ! તારા પુત્રનાં નસીબ જેટલાં ઉજળા છે, એટલું જ તેનું નસીબ અંધકારમય છે.!" - સાધુ મહારાજ વધુ માહિતી આપતાં જણાવે છે.
બરાબર એ જ સમયે કિશોરભાઈ બજારમાંથી દિવાળીની ખરીદી કરીને ઘરે પાછા ફરે છે, ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની નજર પેલાં સાધુ મહારાજ પર પડે છે, આથી તેઓ સાધુ મહારાજને નમસ્કાર કરે છે, ત્યારબાદ રંજનબેન કિશોરભાઈને બધી વિગતો વિસ્તારપૂર્વક જણાવે છે.
"બાબા ! તો મારા પુત્રનાં નસીબમાં જે અંધકાર છવાયેલ છે, તેનાં વિશે વધુ વિગતો જણાવશો ?" કિશોરભાઈ આજીજી કરતાં પૂછે છે.
"બેટા ! વો સબ તો નસીબ કા ખેલ હે, ઓર નસીબ કા ખેલ બહુત હી નિરાલા હે, આ બધું તો વિધિનાં લેખ છે, જેને હું કે તમે ઇચ્છતા હોવા છતાંપણ નથી બદલી શકતાં, તમારા પુત્રનાં નસીબમાં જે કંઈ લખેલ હશે તે તેની સાથે બની જ રહેશે. આ બધી ઘટનાઓ ક્યારે ઘટશે..? ક્યાં સ્થળે ઘટશે..? તેનાં વિશે હાલ કંઇપણ જણાવવું મુશ્કેલ છે." - સાધુ મહારાજ સ્પષ્ટતા કરતાં જણાવે છે.
બરાબર એ જ સમયે કિશોરભાઈ પોતાનાં હાથમાં રાજની જન્મ કુંડળી લઈને આવે છે, રાજની જન્મકુંડળી પેલાં સાધુ મહારાજનાં હાથમાં આપતાં આપતાં કિશોરભાઈ કહે છે.
"બાબા ! આ મારા પુત્ર રાજની જન્મકુંડળી છે, તેના પર થોડી કૃપા દ્રષ્ટિ કરશો.!" - કિશોરભાઈ વિનંતીસહ બોલે છે.
ત્યારબાદ પેલાં સાધુ મહારાજ રાજની જન્મકુંડળી પોતનાં હાથમાં લઈને તેનું ગહન અધ્યન કરે છે, ગહન અધ્યન કર્યા બાદ સાધુ મહારાજની કપાળમાં કરચલીઓ પડી જાય છે, નવાઈને લીધે તેની આંખો પહોળી થઇ જાય છે, આંખોમાં એક અલગ જ પ્રકારનો ડર દ્રશ્યમાન થઈ રહ્યો હતો.
"મહારાજ ! શું કંઈ ચિંતા જેવું છે મારા રાજની જન્મકુંડળીમાં ?" રંજનબેન હેરાનીભર્યા અવાજે સાધુ મહારાજને પૂછે છે.
"બેટા ! રાજની જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની જગ્યા કોઈ સ્થાને અચળ નથી, અલગ અલગ ગ્રહો પોત - પોતાનું આધિપત્ય જમાવવા માટેની મથામણ કરી રહ્યાં છે." સાધુ મહારાજ રાજની જન્મ કુંડળી જોઈને બોલે છે.
"બાબા ! તો હવે અમે શું કરીએ ?" કિશોરભાઈ લાચારીભર્યા અવાજે હતાશ થઈને પૂછે છે.
"બેટા ! આ લો જ્યાં સુધી આ તાવીઝ રાજનાં ગળામાં હશે ત્યાં સુધી રાજની જન્મકુંડળી પર કોઈ પણ ગ્રહ સરળતાથી પોતાનો પ્રભાવ નહીં પાડી શકે !" કિશોરભાઈનાં હાથમાં તાવીઝ આપતાં આપતાં સાધુ મહારાજ બોલે છે.
"ખૂબ ખૂબ આભાર...બાબા તમારો..!" રંજનબેન અને કિશોરભાઈ પેલાં સાધુ મહારાજનો હૃદયપૂર્વક આભાર માનતા માનતાં કહે છે.
ત્યારબાદ કિશોરભાઈ અને રંજનબેન તે સાધુ મહારાજને જમાડે છે, અને સાધુ મહારાજ જમીને રંજનબેન અને કિશોરભાઈને આશીર્વાદ આપે છે, પછી સાધુ મહારાજ ફરી પાછા પોતે મૂળ રસ્તે ચાલવા માંડે છે. જ્યારે આ બાજુ રંજનબેન અને કિશોરભાઈ પેલાં સાધુ મહારાજ દેખાત બંધ ના થયા ત્યાં સુધી એકીટશે તેમને નિહાળી રહ્યાં હતાં. હાલ તેઓનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો હતાં પરંતુ તેનાં ઉતરો તેઓ પાસે હતાં નહીં, જે માત્ર આવનાર સમય જ આપી શકે તેવું હતું.
ધીમે ધીમે સમય પાણીની માફક પસાર થવાં માંડે છે, દિવસો, અઠવાડિયાઓ, મહિના અને વર્ષો વિતવા લાગે છે, જ્યારે આ બાજુ રાજ પણ સમયની સાથો સાથ મોટો થવાં માંડે છે. રાજ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતો, ધીમે ધીમે રાજ આ સમાજનાં નીતિ નિયમો, રીતિ રિવાજો, ધર્મ પરંપરા વગેરે વિશે શીખવા માંડે છે.
હાલ રાજ ભલે સમાજનાં રીતિરિવાજો શીખી રહ્યો હોય, પરંતુ રાજ પોતાનાં નસીબમાં રહેલ અંધકારને સમજવામાં હાલ સક્ષમ હતો નહી….આફતો ક્યારે આવશે ? આફત કેવી આવશે…? કેટલી મોટી હશે..? આફતો આવશે તો તેનો સામનો કેવી રીતે કરીશ..? - આ બધી બાબતો વિશે સમજવા માટે હાલ રાજ અસક્ષમ હતો.
ક્રમશ