પ્રકરણ- બારમું/૧૨
સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.
‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ વાર નહીં સમજી લેજે હલકટ.’
રમણીકલાલને સોહમના તેવર જોતા લાગ્યું કે અત્યારે આ સમય અને સ્થળને ધ્યાનમાં રાખતાં તેની અનિયંત્રિત થવા જઈ રહેલી દિમાગની કમાનને કાબુમાં રાખવી જ હિતાવહ રહેશે. અને રમણીકલાલે પણ જાણી બુજીને અંતરા વિષે અભદ્ર ટીપ્પણી કરીને એક કાંકરે અનેક પક્ષી અંટાઈ જશે તેનો સચોટ અંદાજો લગાવી લીધો. અંતે રમણીકલાલ એક ખુન્નસ ભરી નજરે સોહમને જોતાં ત્યાંથી રવાના થઇ ગયો.
અને.. એક અંતરથી વધારે સોહમને અંતરા પ્રત્યે લાગણી હોવાથી સોહમ રમણીકલાલના આવા હલ્કી કક્ષાના નિવેદનથી ઉકળી ઉઠ્યો હતો. અને રમણીકલાલની ઉંમરની મર્યાદા રાખતાં સોહમને થયું કે, અત્યારે તેનો જાહેરમાં જોઈએ એવો ફજેતો નહીં નિકળે, એટલે ઘરે જઈને નિરાંતે ડેડ સાથે ડીટેઇલમાં વાત કરીને રમણીકલાલને તેનો અસલી પરિચય આપવાનું વિચાર્યું. સોહમ પ્રથમવાર કોઈની પર આટલો ગુસ્સે થયો હતો.
રમણીકલાલના ખાનદાનનો મૂળ ધંધો વ્યાજ વટાવનો. એટલે તે લલિત અને તેના પરિવારથી સારી રીતે પરિચિત હતો. અને લલિતના જે જે પણ લેણદારો હતા તે રમણીકલાલના ધંધાકીય અને મિત્રવર્તુળના સભ્યો હતા. સોહમના અંતરા પ્રત્યેની સહાનુભુતિના સમીકરણને ધ્યાનમાં રાખીને રમણીકલાલને લલિતના અઘરાં દાખલાનો આસાન ઉત્તર જડી ગયો હતો.
બે દિવસ પછી...
લલિતને તેના મોબાઈલમાં એક નિશ્ચિત સમય અને સ્થળની માહિતી સાથેની મુલાકાતનો શંકર તરફથી મેસેજ આવ્યો.
શંકર....એટલે લલિતના સૌ લેણદારે તેના વતી લલિત પાસેથી પૈસા ઓકાવવા માટે મધ્યસ્થી તરીકે રાખેલો એક ભાડુતી ક્રીનીનલ. શંકરે પણ પોલીસ સાથેની તેની સાંઠ ગાંઠ અને બે- પાંચ પાળીતા પોઠિયા સાથે આવા નાની મોટી ગુનાહિત પ્રવૃતિઓ કરીને તેના એરિયા પુરતું ધાક- ધમકીનું સામ્રાજ્ય જમાવ્યું હતું.
સાંજે ઠીક સાત વાગ્યે શંકરે બોલાવેલી જગ્યા પર લલિત પહોચતાં જ તેના એક સાગરીતે પૂછ્યું,
‘તે રાત્રીએ મહોબ્બતથી કરેલી મસાજથી શરીર અને અક્કલની અક્કડના આંટા ઢીલાં પડી ગયા કે હજુ ફરી એકવાર ચાન્સ લેવો છે ?’ આ સાંભળીને સૌ હસવાં માંડ્યા.
‘અરે...મારા ભાઈ તમે તો મારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નહતા. હું હજુ કંઈ બોલું એ પહેલાં તો તમે સૌ જાનવરની જેમ તૂટી જ પડ્યા મારી પર.. આવું કંઈ...’
સાવ લાચારીના સૂરમાં લલિત કંઈ આગળ બોલવાં જાય ત્યાં જ શંકર વચ્ચે બોલ્યો,
‘બસ.. બસ..તારી કરમ કહાનીની કથા બંધ કર હવે. અને સાંભળ, તને અહીં એટલા માટે બોલાવ્યો છે કે, હવે તારે અમને રૂપિયા નથી આપવાના પણ... અમે તને સામેથી રૂપિયા આપીશું.’
દરેકની સામે ચકળવકળ ડોળા ફેરવી ને જોયા પછી મનોમન બોલ્યો કે, નક્કી વહેલી તકે મારું કાળસ કાઢવાનું કોઈ ફૂલપ્રૂફ કારસ્તાન ઘડી કઢાયું છે. આ કળિયુગમાં આવા વાલિયા લૂંટારુના ગુરુ પાસે રામ બોલવાની અપેક્ષા રાખવવાની મુર્ખામી કરવી એટલે જાણે કે શેખચલ્લીના સપના જોવા જેવું છે. લલિત માટે એક બાજુ ખાઈ અને બીજી બાજુ દરિયા જેવી પરિસ્થિતિ અને સોપારી પણ એવડી મોટી હતી કે સૂડીનો તો કચ્ચરઘાણ નીકળી જાય એમ હતો મુંગામંતર થઈને તેમની હા માં હા એ પાડવા સિવાય કોઈ ઉપાય નહતો .
‘એ.. જી તમે જેમ કહો એમ. પણ મારે કરવાનું શું છે ?”
ગભરાતાં ગભરાતાં લલિતે પૂછ્યું.
‘આમ નજીક આવ.’ એક ટેબલ પાસે લલિત સાથે બેસતાં શંકરે તેના સૌ માણસોને રૂમની બહાર જવા કહ્યું. હવે શંકર અને લલિત બન્ને એકલા રૂમમાં હતા. શંકરે કાગળ અને પેન લઈને એક ત્રિકોણ આકૃતિ દોરી. અને એ ત્રિકોણના ત્રણેય ખૂણે એક એક નામ લખ્યાં. અને પછી એ ચિત્રની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ બધું જ શંકરે લલિતને સમજાવતાં પૂછ્યું.
‘સમજાઈ ગયું તારે શું કરવાનું છે ?’
થોડીવાર તો લલિત ચક્કર ખાઈ ગયો. મોતની અણીએ ખોટો સિક્કો છેલ્લી ઘડીનો ચમત્કાર કરીને બાજી પલટાવી નાખશે એવી તો લલિતે સ્વપ્ને પણ ઈમેજીન નહતી કરી. ચોવીસ થી અડતાલીસ કલાક એક્ટિંગ કરવાના આવડાં રૂપિયા મળશે ? વધારે વિચારે ચડે એ પહેલાં બીજી જ પળે બોલ્યો,
‘જી.. જી.. સમજી ગયો.’
‘ચલ હવે તું ઉપડ અહીંથી. અને જો આ વાત કોઈ ત્રીજી વ્યક્તિના કાને ગઈ તો..
તું હોલસેલમાં અપાહિજ થઇ જઈશ સમજી લે જે.’ બોલતાં શંકર બહાર નીકળીને તેની કારમાં બેસીને જતો રહ્યો.
હવે નજીકના દિવસોમાં કોઈપણ સમયે આવનારા નિર્ધારિત આફતના અનુમાનને લઈને વિચારોના ચકડોળે ચડેલો લલિત મોડેથી ઘર આવતાં સુધીમાં શારીરિક અને માનસિક બંને રીતે થાકીને લોથપોથ થઇ ગયો હતો. મોડું થયું હતું એટલે કદાચ મેઘના પણ બે-ચાર સવાલો પણ પૂછશે તો ખરા જ એવી માનસિકતા સાથે ઘરમાં દાખલ થઈ, ફ્રેશ થઈને છેક ડીનર પૂરું કર્યું ત્યાં લગીમાં મેઘના એ કશું જ ન પૂછ્યું અને મેઘનાના ચહેરા પર સ્હેજે કોઈ આશ્ચર્યના ભાવ પણ નહતા તેથી લલિતને થોડી નવાઈ લાગી અને હાશ પણ થઇ. એ પછી ચુપચાપ જતો રહ્યો બેડરૂમમાં. મોડે મોડે ઊંઘ ન આવી ત્યાં સુધી પહેલીવાર લલિતને મેઘનાની ચુપકીદી ખૂંચતી હતી.
એ બે દિવસ દરમિયાન...
સોહમે એક દિવસ રાત્રીના ડીનર પછી તેના ડેડ કુંદન કોઠારીને કોલ લગાવ્યો જે હાલ ત્રણ મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા હતાં.
‘હાઈ.ડેડ.. હાઉ આર યુ ?’
‘ફાઈન, તું કેમ છે ?
‘આઈ એમ ફાઈન પાપા, પાપા એક સીરીયસ મેટર છે એટલે થયું કે તમને કોલ કરીને કહી દઉં.’
‘સીરીયસ ? બોલ, શું થયું ?’
સૌ પ્રથમ સોહમે અંતરાનો પરિચય આપ્યો.. તેના અને અંતરા વચ્ચેના મિત્રથી વિશેષ અને ઘનિષ્ઠ કહી શકાય એવાં સંબંધની ખુલ્લાં દિલે ચર્ચા કરી. પછી જીમની મુલાકાત અને ત્યારબાદ રમણીકલાલે કરેલી હલકટાઈથી સોહમ જે રીતે મેન્ટલી ડીસ્ટર્બ હતો તેનું તેણે ઉગ્રતાથી જે વર્ણન કર્યું તેના પરથી કુંદન કોઠારીને સોહમનું ઘવાયેલું સ્વાભિમાન અને રમણીકલાલ પ્રત્યેના આક્રોશની ચરમસીમાનો ખ્યાલ આવી ગયો. સાવ શાંતિથી કુંદને જવાબ આપતાં કહ્યું,
‘સોહમ.. પ્લીઝ ફૂલ.. જે થયું એ ખોટું જ થયું છે.. પણ તે એ રાસ્કલને ઓન ધ સ્પોટ જે શબ્દોમાં ધમકી આપી દીધી એ વાત ગમી ગઈ. હવે પ્લીઝ તું તારા તરફથી કોઈ જ રીએક્શન ન આપીશ. હું રમણીકની એ હાલત કરીશ કે ત્યાર પછી તારું નામ લેતા કોઈપણ સો વાર વિચારશે. નાઉ રીલેક્સ.’
‘ઓ.કે. ડેડ.’
આંખો મીંચીને થોડીવાર સુધી કુંદન કોઠારી સોહમના શબ્દોનું મનોમન રટણ કરતો રહ્યો. આટલાં વર્ષોમાં પહેલીવાર સોહમે ફરિયાદના સ્વરૂપમાં કોઈ વાત કરી હતી. અને ખાસ કરીને સોહમે તેના અંતરા સાથેની સહાનુભુતિ સભર સંબંધનું જે રીતે સહજતાથી શબ્દ નિરૂપણ કર્યું હતું તેની ગંભીરતાને ધ્યાનમાં લેતાં સોહમનો રમણીકલાલ પ્રત્યનો ક્રોધાવેશ યોગ્ય હતો..પણ.. રમણીકલાલ જે હદે કુંદન અને સોહમના પરિચયથી ખુબ સારી રીતે અવગત હોવા છતાં તેણે જે શબ્દોમાં વિવાદિત નિવેદન આપ્યું તેની પાછળ જરૂર કોઈ રહસ્ય હોવું જોઈએ. કુંદને તેની દીર્ઘદ્રષ્ટિથી વિચાર્યા પછી તેના કોન્ટેકટસ કામે લગાડ્યા.
બે દિવસ બાદ....
વ્હેલી સવારે મેઘના તેના રોજિંદા નિત્યક્રમ મુજબ કામે વળગી ગઈ. લલિત હજુ બેડરૂમમાં વ્હેલી સવારની મીઠી નીંદર માણી રહ્યો હતો..
ત્યાં જ.. મેઘનાનો મોબાઈલ રણક્યો.. આટલી વ્હેલી સવારમાં કોણ હશે ? એવું મનોમન બોલ્યા પછી અજાણ્યાં નંબર પરથી આવેલો કોલ ઉઠવાતા મેઘના હજુ માત્ર ‘હેલ્લો.’ એટલું બોલી ત્યાં તો સામા છેડેથી..
‘હે.. હેલ્લો... હેહે...લો હેલ્લો... મમ્મી, મમ્મી હું અંતરા .. કોઈ.. મમ...મને રાત્રીના બેહોશ કરીને.. આઆ..આંખે પટ્ટી બાંધીને ખબર નહીં કયાંક બાંધીને રાખી છે..મમ્મી...પ્લીઝ આ લોકો મને...’
ગભરાતી અને ડરથી ફફડતી અંતરા હજુ આગળ બોલવાં જાય એ પહેલાં કોઈ પુરુષનો કરડાકી ભર્યો અવાજ સંભળાયો..
‘ચોવીસ થી અડતાલીસ કલાક તારી દીકરીને ભૂલી જજે... અને હા આ ચોવીસ કે અડતાલીસ કોઈ દોઢ ડાહપણ કર્યું છે તો પછી.. કાયમ માટે તારી દીકરીને ભૂલી જજે. સમજી ગઈ..’
બે પળ માટે ચુપ રહ્યા પછી મેઘના ખડખડાટ હાસ્ય સાથે બોલી,
‘આજે ફર્સ્ટ એપ્રિલ તો નથી..પછી આવી મજાક અને એ પણ મેઘના નાણાવટી સાથે. આટલી હિંમત ?
એટલે પેલા પુરુષે સ્પીકર ફોન પર રાખેલાં કોલ પર અંતરાને બોલવાનું કહેતાં ફરી અંતરા બોલી..
‘અરે... મમ્મી સાંભળ આ મજાક નથી... આ લોકો એ મને સાચે જ કિડનેપ કરી...’
ત્યાં ફરી પેલો પુરુષ બોલ્યો...
‘બોલ.. હવે શું કહેવું છે તારું...’
એટલે મેઘના બોલી..
‘હવે તું સાંભળ...આ ચોવીસ કે અડતાલીસ કલાક માટે તે જે દોઢ ડાહપણ કર્યું છે ને તેના માટે તું આખી જિંદગી કરગરીને અધમુવો થઇ જઈશ તો પણ તને મોત નહીં મળે અને તને તો શું તારા જેવા કાર્ટુનની પેદાશને ભૂલવા પણ નહીં દઉં સમજી લેજે.’
હવે જેણે ધમકી આપી તેની હાલત અંતરા કરતાં વધુ ખરાબ હતી.. આગળ બોલતાં ત.. ત.. પ.. .ફ... થઇ જતાં કોલ કટ કરતાં મનોમન બોલ્યો અલ્યા આ કોઈ બાપના બાપને ત્યાં કોલ તો નથી લાગી ગયો ને ?
અંતરાની સોહમ સાથેની જીમ પરની મુલાકાત, અચાનક રમણીકલાલનું આગમન, સોહમ અને અંતરા વચ્ચેની કેમિસ્ટ્રી જાણવા માટે રમણીકલાલના ગર્ભિત અને વિવાદિત નિવેદનની સામે સોહમનું ઉગ્ર સ્વરૂપ, સોહમે કુંદને ઘટનાથી વાકેફ કર્યા બાદ કુંદનની રમણીકલાલની ભેદી રમતનો ઉકેલ લાવીને કાયમ માટે કાંટો કાઢી નાખવાનો કારસો, એ પછી શંકરની લલિતને સામેથી રૂપિયા આપવાની ઢંગધડા વગરની હાસ્યાસ્પદ લાગતી ઓફર અને અંતરાના મોઢે સાંભળેલા તેના અપહરણના રૂંવાડા ઊભા કરતાં સનસનાટી ભર્યા સમાચાર પછી પણ... મેઘનાની અપહરણ કર્તાઓને સાવ ખુલ્લી ધમકીથી...હવે આ મલ્ટી સ્ટારર મેગા સપ્સ્પેન્સ થ્રીલર સીરીયલમાં કોની, કેટલી અગત્યની ભૂમિકા છે તે જાણવું મેઘના માટે ખુબ જ જરૂરી હતું.
મેઘનાના રીવર્સ કરંટ જેવા ખુલ્લી ધમકી જેવા શબ્દોથી અપહરણકારોને સમય અને સ્થળ આગળની સ્ક્રિપ્ટ બધું જ વિસરાઈ ગયું. અને તેના આકોઓ ને મેઘના તરફથી મળેલી ચીમકીનો મેસેજ આપે ત્યાં સુધીમાં તો મેઘના એ તેની ધમકીને અમલમાં મુકીને અંજામ આપી દીધો હતો...
આશરે.. નવ વાગ્યા પછી.. લલિતનો કોલ રણક્યો.. મેઘના નીચે કિચનમાં હતી, તેને લલિતના મોબાઈલની રીંગ સંભળાઈ. આશરે દસેક મિનીટ ધીમા સ્વરમાં ફોનમાં વાત કર્યા પછી...આળસ મરડતાં બગાસાં ખાતા ખાતા દાદરો ઉતરતાં નીચે આવતાં લલિત બોલ્યો,
‘ચા મૂક જે.’
‘જી’ મેઘના માત્ર એટલું જ બોલી.
લલિતની શબ્દો કરતાં તેની શંકાશીલ વર્તુંણુંક ઘણું કહી રહી હતી..
‘લલિત, ગઈકાલ રાતથી મેઘનાનો કોઈ કોલ નથી. હમણાં સવારે પણ ટ્રાઈ કરી પણ તેનો સેલ ઓફ જ આવે છે. આવું કયારેય થયું નથી.’ લલિતની સામે જોઈને મેઘના બોલી.
‘ઓહ.. તેની રૂમમેટને પૂછી જો ને. તો ખ્યાલ આવી જશે. કદાચને તબિયત નરમ હશે તો સેલ ઓફ રાખ્યો હોય એવું બન્યું હોય.’ લલિત બોલ્યો.
આટલા વર્ષોમાં અંતરા માટે આવો વિચાર લલિતના મોઢેથી મેઘનાએ પહેલીવાર સાંભળ્યો.
‘મેં કર્યો હતો કોલ તેની રૂમમેટને કોલ પણ તે તો એક વીકથી તેના ઘરે જતી રહી છે. તારા ઉઠવાની જ રાહ જોતી હતી. બસ તેની હોસ્ટેલ જવા માટે નીકળું જ છું દસ જ મીનીટમાં. રાતનો મારો જીવ મુંજાઈ છે,’
‘હા.. હા.. જઈ આવ. પણ ખોટી ચિંતા ન કર. અને જરૂર પડે તો ત્યાંથી મને કોલ કરજે.’ ઉભાં થઈને લલિત તેના બેડરૂમ તરફ જવા લાગ્યો.
લલિતની સાવ લુખ્ખી ઉડીને નજરે પડતી ઔપચારીકતા જોઇને મેઘનાએ મનોમન એક ઊંડા રંજ સાથે વાતને હસવામાં કાઢી નાખી.
એ પછી દસ જ મીનીટમાં મેઘના ઘરેથી નીકળી ગઈ. અને તરત જ લલિતએ કોલ કર્યો શંકરને..
‘હેલ્લો.. ભાઈ..હું લલિત તમારો કોલ હતો કે તમે...’ હજુ લલિત આગળ બોલવા જાય ત્યાં સામેથી મોટા અવાજે ગુસ્સામાં જવાબ આવ્યો.
કોણ... શંકર ? કોણ લલિત ? એલા તું મગજની મેથી મારવાનું બંધ કરીને હમણાં કોલ મૂક નહી તો ક્યાંય તને ઠોકી દઈશ.’
આટલું સાંભળતા તો લલિતના મોતિયા મરી ગયા. બે વાર નંબર ચેક કર્યો. નંબર તો શંકરનો જ હતો. કોણ ? ક્યાં ? કેમ ? કોને ? શું કહી રહ્યું છે ? શું કરી રહ્યું છે ? આ શંકરે તેની અવળ ચંડાઈમાં એવી ચકરડી ફેરવી કે ઉપરથી નીચે સુધી સૌ ચકરાવે ચડ્યા હતા. લલિતને લાગ્યું કે, હવે શંકર તેને આ સિક્રેટ મિશનમાં ઇન્વોલ્વ કર્યા વગર એકલા હાથે જ આ તેના કાળા કર્મકાંડના કરતુતને અંજામ આપવા માંગે છે કે શું ?
આશરે કલાક પછી મેઘનાનો કોલ આવ્યો...
‘લલ..લિત અંતરા તો ગઈકાલ રાતથી હોસ્ટેલમાંથી ગાયબ છે.. અને.. આ હોસ્ટેલ..’
હજુ મેઘના તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં લલિત બોલ્યો..
‘અરે.. મેઘના તે હોસ્ટેલના મેનેજમેન્ટ સાથે આ બાબતમાં કોઈ વાત નથી કરીને ? ‘ગભરાતાં ગભરાતાં લલિતે ઉતાવળે પૂછ્યું.
‘ના.. પણ હું હમણાં જ તેની ઓફિસમાં જ જાઉં...’ મેઘનાની વાત કાપતાં ફરી લલિત બોલ્યો..
‘અરે.. અરે.. સાંભળ એક મિનીટ તું હમણાં આ વાત કોઈને ન કરીશ પ્લીઝ.. પ્લીઝ.. તું જલ્દી થી ઘરે આવી જા. આપણે શાંતિથી વિચારીને કંઇક આગળ પગલાં લઈએ છીએ.. તું.. તું .. પહેલાં જલ્દી ઘરે આવી જા.’ થોથવાતા લલિત બોલ્યો.
‘પણ લલિત... તું વાતની ગંભીરતાને કેમ સમજતો નથી..’
અત્યંત ગુસ્સા અને ચિંતા સાથે મેઘના દલીલ કરતાં બોલી.
‘મેઘના... ખરી ગંભીરતા તું નથી સમજતી. એટલે કહું છું મહેરબાની કરીને તું પહેલાં ફટાફટ ઘરે આવીજા ત્યાં સુધીમાં હું મારા કોન્ટેક્ટથી બધું જ જાણી લઉં છું.’
‘ઠીક છે, હું આવું છું ઘરે પણ મને કોઈપણ કાળે એક કલાકમાં અંતરાનો પત્તો જોઈએ બસ,’
આટલું બોલીને મેઘનાએ કોલ કટ કર્યો.
લલિતે મનોમન ભરી ભરીને શંકરને ગાળો ભાંડી. આ આજકાલનો ગુંડો મારા ઘરેથી જ મારી ફજેતીનો વરઘોડો ના કાઢે તો સારું. મેં કંઈ કર્યું નથી, વિચાર્યું નથી અને હવે આ આડી ફાટેલી અણધારી આફતની આગએ એવું વિકરાળ સ્વરૂપ લઇ લીધું છે કે કયાં ભાગવું એ જ ખબર નથી પડતી. હમણાં તેના તેવર મુજબ તાંડવ કરતી મેઘના આવશે તો તેના આક્રોશ અને આક્રંદને કેમ કરીને શાંત પાડીશ ? અને જો વાત પોલીસ સુધી ગઈ તો તો...ઝેર પીવાનો સમય મળે તો પણ સારું.
જે સ્વરૂપમાં મેઘનાએ ઘરમાં એન્ટ્રી મારી તે જોઇને લલિતના હાજા ગગડવા માંડ્યા.
‘ચલ.. ચલ તું ચલ.. હમણાંને હમણાં જ પોલીસ સ્ટેશન. તારામાં માણસાઈ જેવી કોઈ ચીજ છે કે નહીં ? ગઈકાલ રાતથી જુવાનજોધ દીકરીનો કોઈ પત્તો નથી અને તારા પેટનું પાણી નથી હલતું ? ચલ.. ઊભો થા.’
લલિતને લાગ્યુ કે સામે મેઘનાના નહીં પણ સાક્ષાત યમરાજ સ્પેશિયલ કેસમાં તેને તેડવા આવ્યા હોય એવું લાગતું હતું. શરીર અને શબ્દો બંને થીજી ગયા હતાં. થોડીવાર તો એમ થયું કે મેઘનાના પગે પડીને જે જાણકારી છે તે સાચે સાચું બકી નાખું. પછી તરત જ ભાન થયું કે તો શંકરના પ્રકોપથી કોણ બચાવશે ?
‘એએ..ક મિનીટ હું આવ્યો હમણાં મારા બેડરૂમ માંથી.. તું બેસ પાણી પી.. પછી આપણે નીકળીએ.’ એમ કહીને લલિત બેડરૂમમાં આવીને ફરી બીતા બીતા શંકરના નંબર પર કોલ કરવાની કોશિષ કરી પણ... શંકરનો સેલ ઓફ. હવે લલિત મનોમન ઈશ્વરને આજીજી કરતાં બોલ્યો, એક ઝાટકે મોત આવે એટલી રહેમ કરજો. નીચે આવતાં...
જાણે કે ફાંસીના માંચડે લટકાવવા માટે લઇ જતાં હોય એવું લલિતનું મોઢું જોઇને મેઘના બોલી,
‘આમ પગમાં મહેંદી મૂકી હોય એમ કેમ ચાલે છે ? ઝટ કરને.’
‘અરે... આ અચનાક આવડી મોટી ઉપાધી આવી પડી તો.. કંઈ સુજતુ નથી કે..’ લલિત શબ્દો ગોઠવતાં બોલ્યો.
‘એ.. કામ તો પોલીસનું છે. તું શું કામ આટલું ટેન્શન લે છે ? હમણાં કલાકમાં પોલીસવાળા અંતરાને પાતાળ માંથી પણ ગોતી કાઢશે જો જે.’
બારણું ખોલતાં મેઘના બોલી.
જેવું મેઘના એ બારણું ઉઘાડ્યું ત્યાં સામે જ ચાર હટ્ટા કટ્ટા માણસો બારણાં પાસે ઊભા હતાં. તેમને જોતાં જ નવાઈ સાથે મેઘનાએ પૂછ્યું,
‘જી, આપ કોણ ? કોનું કામ છે આપને ?
‘આ લલિત નાણાવટીનું રેસીડેન્સ છે ? ‘
‘જી’ મેઘના બોલી
‘અમારી પાસે લલિત નાણાવટીનું એરેસ્ટ વોરંટ છે. વી આર ફ્રોમ ક્રાઇમ બ્રાંચ.’
આટલું જ સાંભળતા તો લલિતના ટાંટીયા ધ્રુજવા માંડ્યા.
‘એએએ..એરેસ્ટ વોરંટ મા..મારા નામનું ? પણ શા માટે ? મેં મેં .. મેં શું ગુનો કર્યો છે ?
આટલું બોલતાં તો લલિતની જીભ થોથવાઈ ગઈ.
‘કુંદન કોઠારીના પુત્ર સોહમનું અપહરણ અને તેમની પાસે મોટી રકમની ખંડણી ઉઘરાવવાના ગુન્હા સબબ તમારી સામે સ્પેશિયલી હોમ મીનીસ્ટ્રી માંથી અરજન્ટ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.’
હજુ ક્રાઈમ બ્રાંચના અધિકારીનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો લલિત બારણાં પાસે જ ફસડાઈ પડ્યો.
-વધુ આવતાં અંકે..
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484