અંતિમ આશ્રમ - 5 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ આશ્રમ - 5

રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

ઉજેશભાઇને થયું કે 'વયવંદન જીવન આશ્રમ' ની અસલી હકીકત બતાવીને તેમણે ભૂલ કરી છે. પોતાનો હેતુ પણ હસમુખભાઇ જાણે છે? એમને ઓળખવામાં હું થાપ ખાઇ ગયો છું. યોજનાબધ્ધ રીતે 'વયવંદન જીવન આશ્રમ' ચાલી રહ્યો છે? પોતે આશ્રમથી કેટલો પ્રભાવિત થઇ ગયો હતો. આશ્રમના નામ પર અહીં બીજી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વૃધ્ધો માટેના ઓઠા હેઠળ પ્રવેશ અપાય છે પણ એમના પર સંસ્થાનું કોઇ નિયંત્રણ નથી. મને તો બધા નિયમોની વાત કરી હતી. ઉજેશભાઇએ કહ્યું:"મારો હેતુ તો બધાંને મળવાનો જ છે....તમે જે નિયમો બનાવ્યા હોવાનું કહ્યું હતું એનું પાલન કોણ કરે છે?"

"તમારો જે હેતુ હોય એ, મને એની સાથે નિસ્બત નથી. અને નિયામો તો બધી જગ્યાએ બનતા જ હોય છે. મને એમ કે તમે એને કાગળ પરના નિયમો તરીકે જ સમજશો. ના સમજતા હોય તો હવે સમજજો. 'વયવંદન જીવન આશ્રમ' માં તમે પણ બીજાંની જેમ રહી શકો છો. એના બધાં જ આવાસની ફાળવણી પૂરી થઇ ગઇ છે. હું બીજી જગ્યાના આશ્રમની તૈયારી કરી રહ્યો છું. મારી પાસે સમય નથી...." કહીને હસમુખભાઇએ એ વાતનો પણ ઇશારો કરી દીધો કે આ આશ્રમ તેમના માટે એક બિઝનેસ છે. એમાંથી તે કમાણી કરી રહ્યા છે. કોઇ માણસ ભગવું વસ્ત્ર પહેરીને સાધુ હોવાનો ડોળ કરે અને છેતરીને ઉપાર્જન કરે એમ હસમુખભાઇ આશ્રમ બનાવીને સમાજસેવા કે વૃધ્ધોની સંભાળ રાખતા હોવાનો ડોળ કરી રહ્યા છે.

ઉજેશભાઇને થયું કે એમની સાથે વાત કરવામાં કોઇ સાર નીકળવાનો નથી. પોતે લેખક છે એ વાતથી તે અજાણ છે એ સારી વાત છે. વધારે ચર્ચા કરવાનું યોગ્ય નથી. ઉજેશભાઇ પોતાની ઓળખ છતી ના થાય એવા આશયથી એમની ઓફિસમાંથી નીકળી ગયા.

ઉજેશભાઇ 'વયવંદન જીવન આશ્રમ' પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે એ કોઇ બીજી જ જગ્યાએ આવી ગયા છે. એમને ખ્યાલ આવી ગયો કે અહીં વૃધ્ધો જીવનના અંતિમ દિવસો કોઇ પવિત્ર સ્થળે ગુજારવા આવે છે એવી રીતે નહીં પણ મોજમજાથી વીતાવવા આવ્યા છે. જીવનનો ચોથો અને અંતિમ સન્યાસ આશ્રમનો તબક્કો આવી પહોંચ્યો છે ત્યારે બધાં યુવાનીની મસ્તીથી જીવી રહ્યા છે. બધાંએ પોતે એકલા હોવાની વાત જણાવી હતી એ તદ્દન ખોટી છે. કોઇને પુત્રએ કાઢી મૂક્યા છે તો કોઇને પત્નીએ છૂટાછેડા આપી દીધેલા છે તો કોઇની પત્ની કે પતિ ગુજરી ગયા છે. દરેકના સંબંધીઓ છે પણ એમની સાથે સંબંધ રાખવા માગતા ન હોવાથી પોતાને એકાકી ગણે છે. ઉજેશભાઇને થયું કે પોતાની નવલકથાની વાર્તા વધારે રસપ્રદ બનશે!

ઉજેશભાઇએ જ્યારે પહેલું પ્રકરણ લખીને મોકલ્યું ત્યારે જયરામ શેઠ ખુશ થઇ ગયા. તેમણે 'જીવનલેખા' માં આગામી સપ્તાહથી યુ.આર. 'ફ્રેન્ડ' ની 'અંતિમ આશ્રમ' નામની નવલકથા શરૂ થઇ રહી છે એની જાહેરાત કરી દીધી. પહેલી વખત કોઇ ગુજરાતી સાપ્તાહિકમાં નવલકથા શરૂ થઇ રહી હોવાના મહાનગરોમાં હોર્ડિંગ્સ લાગી ગયા હતા.

ઉજેશ રાજપરાને કલ્પના ન હતી કે તેમની નવલકથા આટલા મોટાપાયે પ્રસિધ્ધિ પામશે. એ સાથે તેને રસપ્રદ બનાવવાની જવાબદારી વધી ગઇ હતી. ઉજેશભાઇએ પહેલા પ્રકરણમાં આશ્રમના પ્રવેશની વાતો અને તેમા રહેતા વૃધ્ધોનો આછો પરિચય આપ્યો. બીજા પ્રકરણમાં સંચાલકનો સેવા નહીં પણ કમાણી કરવાનો હેતુ જાહેર કરી દીધો હતો. એમાં લેખક તરીકે પોતે ઉપરાંત અલ્પના, પરમાનંદ અને હસમુખભાઇની વાત લખી હતી.

'અંતિમ આશ્રમ' નું નવું પ્રકરણ પ્રગટ થાય એ પહેલાં બીજું લખીને તૈયાર કરી દેવાનું રહેતું હતું. રાત્રે જમીને થોડું ચાલીને આવ્યા પછી દરવાજો બંધ કરી ઉજેશભાઇએ કાગળ અને કલમ લઇ વધુ એક પ્રકરણ પોતાની દ્રષ્ટીએ લખવાનું શરૂ કર્યું... જે વૃધ્ધો રહેવા આવ્યા છે એ જાણે આશ્રમ માનીને નહીં પણ કોઇ સોસાયટીમાં ગૃહસ્થ જીવન જીવવા આવ્યા હોય એ રીતે જીવી રહ્યા છે. તેમને બધાંને ખબર હતી કે આ નામનો જ આશ્રમ છે. કેમકે એમણે એની કિંમત ચૂકવી છે. મને ત્યારે જ ખબર પડી જવી જોઇતી હતી જ્યારે હસમુખભાઇએ આ આશ્રમમાં રહેવાની ફી જણાવી હતી. જો સેવાપ્રવૃત્તિ તરીકે આશ્રમ હોત તો મફતમાં રહેવાનું હોત અને ફી હોત તો નામની જ હોત. મને પહેલાં આવો વિચાર કેમ ના આવ્યો? કદાચ હું હસમુખભાઇની વાતોથી પ્રભાવિત થઇ ગયો હતો.

આશ્રમમાં અલ્પના બધાંના ઉત્સાહનું કેન્દ્ર લાગી રહી છે. બધાં એને અલ્પના તરીકે જ સંબોધે છે. એટલે હવે હું પણ પાછળ બેન લગાવતો નથી. દિવસ દરમ્યાન કીકુભાઇ, નવરામભાઇ, હર્ષદભાઇ અને ગંગારામભાઇ જ નહીં હું એની એક-બે વખત મુલાકાત લેવા લાગ્યો છું. અલ્પનાની હાજરી અમને આનંદ આપે છે એનાથી વધારે અલ્પનાને આનંદ આપતી હોય એવું લાગે છે.

એક દિવસ મને કહે:"મારા ભવિષ્યમાં શું લખાયેલું છે એ હું જાણું છું!"

મેં મજાકમાં પૂછ્યું:"ભવિષ્યમાં કે જીવનમાં 'કોણ' લખાયું છે?!"

"મારો ભૂતકાળ તો ભયાવહ રહ્યો છે. ભવિષ્ય સારું છે. મને પ્રેમ કરનારા ઘણા મળ્યા છે. હું જ્યારે પ્રેમ માટે તરસતી હતી ત્યારે કોઇનો પ્રેમ પામી ના શકી...."

અલ્પના એ વાતનો ઇશારો કરી રહી હતી કે તે આશ્રમના ઘણાને ચાહે છે. જોકે, દરેકની ઉંમર સંન્યાસ આશ્રમમાં જવાની હતી. ત્યારે ગૃહસ્થ આશ્રમ શરૂ કરવાની વાત કેટલી ઉચિત હતી એ પ્રશ્ન બધાંના મનમાં રમતો હતો. મને એક વખત રોમાંચ સાથે એમ થયું કે અલ્પના જેવી સ્ત્રી જીવનમાં આવે તો ફરી ગૃહસ્થાશ્રમ શરૂ કરવામાં વાંધો ના આવે. કદાચ મારા જેવું જ બીજા વૃધ્ધો વિચારતા હશે. અલ્પના કોઇ પર પોતાનો વિશેષ પ્રભાવ ઊભો કરવાનો પ્રયત્ન કરતી ન હતી. આપોઆપ જ બધાં એના રૂપના, વાતોના, સારા સ્વભાવના પ્રભાવમાં આવી રહ્યા હતા. મને ખુદને નવાઇ લાગી રહી હતી કે હું તો અહીં એક નવલકથા લખવા આવ્યો છું અને એનું પાત્ર કેમ બની રહ્યો છું. અલ્પનાના વ્યક્તિત્વમાં એટલો બધો જાદૂ છે?

હવે તો આશ્રમના વૃધ્ધો પોતાની અલ્પના નામની લોટરીની ટિકિટ ખરીદી રહ્યા હતા. અલ્પનાને ખુશ રાખવા તેને ભેટસોગાદ આપી રહ્યા હતા. કીકુભાઇ મોંઘી સાડી લઇ આવ્યા હતા. હર્ષદભાઇએ મોંઘોદાટ મોબાઇલ ખરીદીને આપ્યો હતો. અલ્પના ખુશી ખુશી બધી ભેટ લઇ રહી હતી અને સૌની મિત્રતાને વખાણી રહી હતી. અલ્પનાનું દિલ સૌથી વધુ કોના તરફ ઢળવાનું છે એ જાણવા કોઇ વળી જ્યોતિષનો સંપર્ક કરવાનું વિચારી રહ્યું હતું. અલ્પના પોતે જ્યોતિષ હતી અને પોતે પોતાના મનની વાત જાણતી હતી. તેના મનમાં કોણ વસી ગયું છે એનો ફોડ પાડતી ન હતી. એવું તો આયોજન નહીં હોય ને કે બધાં તરફથી લાભ થઇ રહ્યો છે ત્યાં સુધી કોઇનું નામ નહીં આપવાનું?

અમે બધાં અલ્પનાનું દિલ જીતવાના પ્રયત્ન કરતા હતા ત્યારે એક સાધુનો આશ્રમમાં પ્રવેશ થયો. અમારા માટે સાધુનો પ્રવેશ ચોંકાવનારી બાબત હતી. એ સાધુ વૃધ્ધ જરૂર હતા પણ આ આશ્રમ માત્ર વૃધ્ધો માટે હતો. કોઇ સંન્યાસીનો આશ્રમ ન હતો. એમાં અસલ સાધુને કેવી રીતે પ્રવેશ આપી શકાય. સાધુઓનું જીવન તો અલગ જ હોય. સાંસારિક રીતે સામાન્ય માણસો સાથે એ પોતાનું જીવન કેવી રીતે જીવી શકે? અમારા મનમાં પ્રશ્નો ઘણા હતા. એના જવાબ હસમુખભાઇ પાસેથી મેળવવાના હતા. અમારે પહેલાં એ સાધુને મળવાનું થયું.

સાધુએ આશ્રમમાં આવતાની સાથે જ ચીપિયો ખખડાવવાનું શરૂ કર્યું. જાણે બધાને જગાડી રહ્યા હતા. સાધુ ચીપિયો ખખડાવતા આખા આશ્રમમાં ફર્યા. તેમનો અવાજ સાંભળી મોટાભાગના નિવાસ સ્થાનના વૃધ્ધો બહાર આવી ગયા હતા. સાધુનું આગમન કુતૂહલ જગાવનારું હતું.

પરમાનંદ કહે:"ઉજેશભાઇ, આશ્રમ હવે ભગવા રંગે રંગાઇ જશે. ધાર્મિક અનુષ્ઠાનો શરૂ થઇ જશે. આપણે કોઇ વૃધ્ધાશ્રમમાં નહીં મંદિરમાં રહેતા હોય એવો માહોલ ઊભો થવાનો છે. આ બાબતે હસમુખભાઇને મળવું પડશે અને રજૂઆત કરવી પડશે. આટલા રૂપિયા ખર્ચીને આવ્યા છે તો સ્થળને આમ અચાનક ધાર્મિક ના બનાવી શકે. જેને પોતાના આવાસમાં જેટલું અને જેવું ધાર્મિક રહેવું હોય એટલી છૂટ હોય. આમ જાહેરમાં ધર્મનો ધ્વજ ફરકાવી ના શકાય...."

મને પરમાનંદની વાત સાચી લાગી. મેં કહ્યું:"એવું તો નથી ને કે હસમુખભાઇએ આપણા આશ્રમના કલ્યાણ માટે ધાર્મિક કથા સપ્તાહનું આયોજન કર્યું હોય. અને આ સાધુ મહારાજ રામાયણની કે શિવજીની કથા કરવા આવ્યા હોય...."

ત્યાં ભજન લલકારતા સાધુ અમારી નજીક આવી પહોંચ્યા. અલ્પના બહાર નીકળીને અહોભાવથી બે હાથ જોડીને ઊભી હતી. મને થયું કે જ્યોતિષ અલ્પનાને પૂછું કે આ આશ્રમનું ભવિષ્ય શું છે? પણ અત્યારે એવું પૂછવું યોગ્ય ના લાગ્યું.

સાધુએ ભજનને વિરામ આપીને હિન્દીમાં કહ્યું:"જય હો,..."

જવાબમાં કોઇ કંઇ બોલ્યું નહીં.

સાધુએ મારી વાત સાંભળી લીધી હોય એમ કહ્યું:"સખાઓ અને સખીઓ, હું અહીં કોઇ કથા કે વક્તવ્ય માટે આવ્યો નથી. તમારી સાથે રહેવા આવ્યો છું. છેલ્લા ખાલી નિવાસને મારા માટે ફાળવવામાં આવ્યું છે..."

સાધુની વાત સાંભળીને બધાંએ મનોમન નક્કી કર્યું કે હસમુખભાઇને રજૂઆત કરવી જ પડશે. કોઇ સાધુને તે કેવી રીતે અહીં રહેવાની પરવાનગી આપી શકે. અને આ ફકીર જેવા સાધુ પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા કે અહીં રહેવાની વ્યવસ્થા કરી લીધી છે?

મને થયું કે સાધુનું આગમન અમારા જીવનમાં જાણે કોઇ નવી આફતની એંધાણી આપી રહ્યું છે.

ક્રમશ: