અંતિમ આશ્રમ - 3 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ આશ્રમ - 3

રાકેશ ઠક્કર

પ્રકરણ-૩

ઉજેશભાઇ માટે અલ્પનાનો પહેલો પરિચય ચોંકાવનારો હતો. પોતે વિચારતા હતા કે 'વયવંદન જીવન આશ્રમ' માં રહેતા વૃધ્ધોનો ફાઇલમાં પ્રાથમિક પરિચય જ છે. પરંતુ પોતે અહીં આવે એ પહેલાં પોતાની પ્રસિધ્ધિ અહીં આવી પહોંચી હતી? અલ્પનાબેન પોતાને ઓળખતા હતા એ વાત માની લઇએ. એ ઓળખ બેંક મેનેજર પૂરતી સીમિત છે કે લેખક સુધી વિસ્તરેલી છે એનો ખ્યાલ આવતો નથી. પણ અહીં આવવાનો મારો હેતુ એ જાણે છે અને કોઇને પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારતા હોય એમ કહે છે એ આશ્ચર્યજનક કરતાં ડરાવનારું વધારે છે. ઉજેશભાઇને શું જવાબ આપવો એ જ સમજાતું નથી. આ મહિલા પોતાના મોંએથી જ હું મારો હેતુ જણાવી દઉં એવી કોઇ ચાલ તો રમતી નથી ને?

"ઉજેશભાઇ, હું તમને બરાબર ઓળખી રહી છું ને? તમે ઓછાબોલા છો અને મનમાં વધારે બોલો છો કે વિચારો છો!" અલ્પનાએ બીજું તીર ફેંક્યું.

ઉજેશભાઇને થયું કે પોતે હવે કોઇ પ્રતિભાવ નહીં આપે તો સામેથી નવા પ્રત્યાઘાત શરૂ થઇ જશે. તે બોલ્યા:"તમે જ્યોતિષી તો નથી ને?"

"ઓહ! તમે તો મારા કરતાં પણ મોટા જ્યોતિષ નીકળ્યા! હું તમારા વિશે ભવિષ્ય ભાખું એ દૂરની વાત છે. તમારો ભૂતકાળ કલ્પી રહી છું અને તમે તો મારા વિશે સાચું કહી દીધું...." અલ્પનાની નવાઇ અને અહોભાવ મોં પર આવી ગયા.

ઉજેશભાઇને થયું કે અંધારામાં છોડેલા તીરથી પોતાનો ભૂતકાળ સચવાઇ જશે. અને ભવિષ્ય તો હું જ નક્કી કરીશ.

"તમારા પ્રશ્નો પરથી જ મને ખ્યાલ આવી ગયો. ઘણા જ્યોતિષ પોતે જાણકાર હોવાનો દેખાવ કરીને સામેની વ્યક્તિ પાસેથી એના મનની વાત એટલી સિફતથી કઢાવી લે છે કે એના આધારે જ એના જીવનની ભવિષ્યવાણી કરે તો પણ એને એનો ખ્યાલ આવતો નથી..." પોતાનું રહસ્ય સચવાયેલું રહેવાની આશા જાગી એટલે ઉત્સાહમાં આવીને ઉજેશભાઇ બોલ્યા.

"પણ તમે ભૂલતા નહીં કે હું એક જ્યોતિષ રહી ચૂકી છું. એટલે તમને ઓળખતી હોવાનો દાવો કરું છું. તમારા વેષ અને ભાવભંગિમાઓ પરથી લાગે છે કે તમે કોઇ સરકારી નોકરીમાં હતા. અને અત્યારે કોઇ હેતુ સાથે અહીં આવ્યા છો..." અલ્પનાબેન ગમ્મત કરતાં હોય એમ બોલ્યા.

ઉજેશભાઇને થયું કે પોતાનો હેતુ એ અલ્પના માટે કલ્પનાનો વિષય છે. તે પોતાના જ્યોતિષના જ્ઞાનનો પ્રભાવ પાડવા હેતુની વાત કહી રહ્યા છે. દરેક વ્યક્તિનો કોઇપણ જગ્યા પર જવાનો હેતુ તો હોય જ છે. જો હેતુ ના હોય તો ત્યાં ગયા પછી પાછો ફરે ત્યારે એ હેતુ ઊભો થઇ ગયો હોય છે. અલ્પના મારા હેતુ માટે ગમે તે કહે બલ્કે સાચું કહે તો પણ હું સ્વીકાર ના કરું ત્યાં સુધી એનું કોઇ મહત્વ રહેવાનું નથી.

"અલ્પનાબેન, દરેકના જીવનના હેતુ અલગ-અલગ હોય છે. તમે અહીં આવ્યા છો એમાં પણ તમારો કોઇ હેતુ છે!" ઉજેશભાઇએ અલ્પનાબેનને સતાવવા કહ્યું.

અલ્પનાબેન બોલ્યા:"અરે! આ તો તમે જ્યોતિષ હોય એમ વાત કરો છો!"

"તમારો હેતુ તમારા પડોશીને મળવાનો અને મિત્રતા કરવાનો છે ખરું ને?" ઉજેશભાઇએ હસતાં-હસતાં કહ્યું.  "હા, તમારી વાત સાચી છે. ગઇકાલે જ હસમુખભાઇએ માહિતી આપી હતી કે એક નવા પડોશી આવી રહ્યા છે. હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં છું. અને લાગે છે કે જીવનના અંતિમ શ્વાસ અહીં જ લેવાની છું...."

"એટલું બધું ગમી જાય એવું આ સ્થળ છે?"

"સાચું કહું તો મને લાગે છે કે જીવનનો આ અંતિમ મુકામ છે. ઘણી સફર કરી હવે આ જ મંઝિલ છે..."

"લાગે છે કે તમારી જીવનયાત્રા અનેક પડાવો પરથી પસાર થઇ છે. તમારી સાથે વાત કરવાનું ગમશે. આપણે ચા પીતાં પીતાં વાત કરીએ?"

"અસલમાં હું તમને ચા પીવાનું જ આમંત્રણ આપવા જ આવી છું. આ તો બે ઘડી મારા જ્યોતિષના શોખને કારણે આવી એવી જ આગાહીઓ કરવા લાગી!"

"ચાલો, આજે તમારી ચાની લિજ્જત માણીએ..." કહી ઉજેશભાઇએ તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું જેવી ખુશી અનુભવી. એક વાર્તા સામે ચાલીને આટલી જલદી પોતાની પાસે આવી જશે એની કલ્પના ન હતી. લાગે છે કે બહુ જલદી જયરામ શેઠને પહેલું પ્રકરણ પહોંચાડીશ.

ઉજેશભાઇ અલ્પનાના ઘરે ગયા. તે અંદર ચા ઉકાળવા ગયા ત્યાં સુધીમાં ઘરનું નિરીક્ષણ કરી લીધું. પોતાના ઘર સાથે સરખામણી કરીને વિચાર્યું કે બધાંને ફાળવેલા ઘર સરખા જ હતા. ફરક એટલો જ હતો કે દરેક જણ ઘરનું ફર્નિચર અને પોતાનો સામાન અલગ રીતે મૂકતા હતા.

"લો, ચા વધારે ગરમ છે. જરા સાચવીને હોઠે માંડજો..." અલ્પનાબેન સહજ રીતે બોલ્યા કે કોઇ બીજો અર્થ એમાં સમાયેલો હતો એનો ઉજેશભાઇને ખ્યાલ ના આવ્યો.

"હું આરામથી પીવાની ટેવવાળો છું. તમે મૂળ ક્યાંના છો?" ઉજેશભાઇએ એમની વાર્તાને મૂળમાંથી જ જાણવા પ્રયાસ શરૂ કર્યો.

ટેબલ પર મૂકેલા ચાના મગમાંથી નીકળતી વરાળને જોતાં અલ્પનાબેન વિચારમાં પડી ગયા હોય એમ કંઇ બોલ્યા નહીં. ઉજેશભાઇને પણ થયું કે ચાના મગમાંથી નીકળેલી વરાળ હવાના રુખથી બારીમાંથી બહાર જશે કે બારણામાંથી એ નક્કી કરવું મુશ્કેલ છે.

અલ્પનાબેન આટલા જલદી પોતાની જીવનકથાના પાનાં ખુલ્લા કરવા તૈયાર થઇ જશે એની ઉજેશભાઇને કલ્પના ન હતી. કદાચ એકલતાથી એ પીડાતા હતા. તે અહીં કોઇ વાત કરનારું શોધતા હતા. તો શું આખા આશ્રમમાં તેમને કોઇ સાથે એટલો ઘરોબો થયો નથી? કે આવતાંવેંત મારી સાથે અંગત વાત કરવા બેસી ગયા?

ઉજેશભાઇએ ચાને હોઠે માંડી. ચા એટલી મસ્ત હતી કે બીજો મગ મળશે કે કેમ એમ પૂછવાનું મન થઇ ગયું. ચામાં રહેલા એલચી અને ફુદીનાની સુગંધથી મન પ્રફુલ્લિત થઇ ગયું.

"હું આમ તો જામનગરની છું. મારા પિતાનો સાડીનો વ્યવસાય હતો. એમને સંતાનમાં હું એકલી જ હતી. બહુ લાડકોડથી મને ઉછેરતા હતા. હું ભણીગણીને મોટી અધિકારી બનું એવા સપનાં તેમણે સજાવ્યા હતા. મારી મા તો કહેતી હતી કે મારે બહુ ભણીને શું કરવાનું? છેલ્લે તો લગ્ન કરીને તેની જેમ કોઇનું ઘર સંભાળવાનું છે ને? અમે એટલા પૈસાદાર હતા કે મારા લગ્ન કોઇ અમીર યુવાન સાથે જ થવાના હતા એ મારી મા જાણતી હતી. મારે નોકરી કરવાની જરૂરિયાત ઊભી થવાની જ ન હતી. આમ પણ અમારા સમાજમાં છોકરીઓ જૂની કોઇ પરંપરા નિભાવતી હોય એમ નોકરી કરવાનું પસંદ કરતી ન હતી. મારા પિતાના અરમાન અલગ હતા. તેમણે મને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મારી કે એમની જેમની હોય તેમની મને જ્યોતિષમાં રસ પડવા લાગ્યો હતો. જ્યોતિષ વિદ્યા વિશે હું માહિતી મેળવવા લાગી હતી. આકાશના ગ્રહોની સ્થિતિ જોઇને હું જ્યોતિષ જોવા લાગી હતી. જન્મ સમયની કુંડળીના ગ્રહોની સ્થિતિનું બંધારણ જોઇને હું સચોટ આગાહીઓ કરવા લાગી હતી. આ જાણીને મારા પિતા આલોકરામને થોડો આઘાત લાગ્યો હતો. પરંતુ સંતાનોને એમના મન મુજબ કરવા દેવાની તેમની ભાવના હતી. એમણે મને રોકી નહીં. અમારા ઘણા સંબંધીઓએ એમ કહીને ટીકા કરી કે હું જ્યોતિષ શીખીને અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરવાની છું. હું એક મહિલા હોવા છતાં અલગ ક્ષેત્રમાં જઇ રહી હતી એની કેટલાકને જલન હતી તો કેટલાકને ગુસ્સો. મને કોઇની પડી ન હતી. મેં નક્કી કર્યું હતું કે જ્યોતિષ હું મારા શોખ માટે શીખી રહી છું. હું એને ધંધો બનાવવાની નથી. કોઇને માર્ગદર્શન આપીશ તો પણ મફતમાં. મારી માને મારા જ્યોતિષના અભ્યાસથી કોઇ ફરક પડતો ન હતો. એ જાણતી હતી કે હું કોઇ યુવાનને પરણીને ઠરીઠામ થઇ જવાની છું. હું યુવાન થઇ ત્યાં તો માંગા આવવાના શરૂ થઇ ગયા. પિતાએ છોકરાઓ બતાવવાનું શરૂ કરી દીધું. મને ઉતાવળ ન હતી.

હું જ્યોતિષનું વધારે જ્ઞાન મેળવી લેવા માગતી હતી. જન્મ કુંડળી પરથી ભવિષ્ય ભાખવામાં મને નિપુણતા આવી રહી હતી. એક દિવસ એક છોકરાની વાત આવી. વિહલ નામનો એ યુવાન બે ફેકટરીનો માલિક હતો. તે અનાથ હતો. તેનું કોઇ સગું-સંબંધી ન હતું. પિતાને તે ગમી ગયો હતો. તે બધી રીતે મારા માટે યોગ્ય હતો. મેં એની તસવીર જોઇ ત્યારે હું પણ એના પર મોહિત થઇ ગઇ. પણ મારું જ્યોતિષશાસ્ત્ર મારે અહીં કામે લગાડવું હતું. હું જેની સાથે લગ્ન કરવા જઇ રહી છું એનું ભવિષ્ય જ નહીં ભૂતકાળ પણ કેવો હતો એ જોવું જોઇએ. પિતા આલોકરામ તો જન્માક્ષર કે એવી બાબતોમાં બહુ માનતા ન હતા. મા અલકનંદા આ બાબતે આગ્રહી હતી. અમે વિહલની જન્મ કુંડળી મંગાવી. એને તો એવું કોઇ જ્ઞાન ન હતું. તેણે કહ્યું કે તેની કોઇ કુંડળી બનાવવામાં આવી નથી. તેની જન્મ તારીખ તે જાણે છે. મેં તેના જન્મનો દાખલો મંગાવ્યો. એમાં જન્મનો સમય લખેલો જોઇ મારા માટે એની જન્મ કુંડળી બનાવવાનું કામ સરળ થઇ ગયું. મેં એની જન્મકુંડળી બનાવીને તેનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેનું ફળકથન કરવા લાગી. મેં જ્યારે એનું ભવિષ્ય જોયું ત્યારે હું ચોંકી ઊઠી. તેના ગ્રહ પરથી મને મારું ભવિષ્ય અંધકારમય લાગ્યું. એની કુંડળીમાં લગ્નેશ ગ્રહની સ્થિતિ જોઇ મેં પિતાને એની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. પણ પિતા આ બધામાં માનતા ન હતા. હું હાથે કરીને કેવી રીતે કૂવામાં પડું?" લાંબું બોલીને અલ્પનાબેન અટક્યા અને અચાનક ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવતાં હોય એમ આંખો ખોલીને ઉજેશભાઇ સામે જોઇ કહ્યું:"તમારી જન્મ કુંડળી તમારી પાસે છે? હું તમારું પણ ભવિષ્ય જોઇ શકીશ. અને હા, ભૂતકાળ વિશે કહેવાનો પ્રયત્ન કરીશ..."

અલ્પનાબેનની વાત સાંભળી ઉજેશભાઇ ચોંકી ગયા. અચાનક પોતાની તરફ ગન તાકવામાં આવી હોય અને ડરી જવાય એવી સ્થિતિ હતી. શું જવાબ આપવો એ જ તેમને સમજાયું નહીં. અલ્પના પોતાના ભૂતકાળના પાના ઉથલાવતાં અચાનક મારા ભૂતકાળમાં ડોકિયું કરવાની વાત કેમ કરી રહી છે? હું અહીં ઓળખ છુપાવવાનો છું ત્યારે આ ભવિષ્યવેત્તા મારી મુશ્કેલી વધારશે એમ લાગે છે. વિચાર કરવાનો ડોળ કરતાં ઉજેશભાઇ બોલ્યા:"લગભગ તો મારી જન્મ કુંડળી નથી. અને હવે તેની જરૂર પણ નથી. જે લખાયું હશે એ ભોગવવાનું છે...."

"જાણીએ તો સારું ને? અને હું તો એટલા માટે તમારી જન્મ કુંડળી જોવા માગું છું જેથી તમારા ભૂતકાળ વિશેની મારી વાત સાચી પડે તો તમે મારા જ્યોતિષના જ્ઞાન પર વધારે વિશ્વાસ કરી શકો અને તમને મારા જીવન વિશે જાણવાની વધારે મજા આવે..."

ઉજેશભાઇને થયું કે અલ્પના તેમને ધર્મસંકટમાં મૂકી રહી છે.

"મારી જન્મ તારીખ છે. કુંડળી તો બનાવી નથી...." ઉજેશભાઇએ છટકવાની કોશિષ કરી.

"એમાં શું મોટી વાત છે? જન્મ તારીખ પરથી હમણાં કુંડળી બનાવી દઇશ. બોલો..." કહી હાથમાં કાગળ-પેન લઇ એ ઉજેશભાઇ સામે અધિકારથી તાકી રહ્યા.

કંઇક વિચારીને ઉજેશભાઇએ પોતાની જન્મ તારીખ લખાવી.

અલ્પનાબેન ફટાફટ બધી ગણતરી કરવા લાગ્યા. દસ મિનિટ પછી એ બોલ્યા:"તમને બાળપણથી લખવાનો બહુ શોખ છે ને?"

ઉજેશભાઇને થયું કે તે પોતાની એક લેખક યુ.આર. 'ફ્રેન્ડ' તરીકેની ઓળખ જ્યારે છુપાવવા માગે છે ત્યારે એ વાત જ સામે આવી રહી છે. મારું આ રહસ્ય પહેલા જ દિવસે ખૂલી જશે કે શું?

ક્રમશ: