રાકેશ ઠક્કર
પ્રકરણ-૯
ઉજેશભાઇ દિલ પર પથ્થર રાખીને લખી રહ્યા હતા. એક પ્રેમી પોતાની પ્રેમિકાનો હાથ મજબૂરીમાં બીજાને સોંપી દે એવા દુ:ખ અને દર્દ સાથે એમની કલમ ચાલી રહી હતી. એમના માટે આ કામ વધારે કઠિન બની રહ્યું હતું. જયરામે તાકીદ કરી હતી કે વાચકોને એ વાત ગળે ઉતરવી જોઇએ કે એક સાધુ શા માટે સાધુતાને ત્યજીને સંસારમાં પાછો આવે છે અને એક મહિલા સાથે પ્રેમ કરે છે કે મહિલાનો પ્રેમ સ્વીકારે છે. ઉજેશભાઇના દિલને વધારે દર્દ થાય એવી આ વાત હતી. પોતે કરારમાં બંધાયેલા હતા. આજે એક વ્યક્તિ તરીકે નહીં પણ લેખક તરીકે – એક ત્રાહિત વ્યક્તિ તરીકે પ્રકરણ લખવાનું હતું. આટલા વર્ષોમાં પોતાની કલમની આટલી કસોટી થઇ ન હતી. પોતે આ નવલકથાનો જેવો અંત લાવવા માગતા હતા એવો આવવાનો નથી એનો વસવસો કોરી રહ્યો હતો.
ઉજેશભાઇએ આગળ લખવા માંડ્યું.
ખુદ અલ્પનાને નવાઇ લાગી રહી હતી કે તે સાધુ જીવનસ્યને ચાહવા લાગી હતી. 'વયવંદન જીવન આશ્રમ'માં આમ તો ઘણા વૃધ્ધો હતા જે આડકતરી રીતે કે પછી કોઇ સંદર્ભમાં પોતાની લાગણી વ્યક્ત કરી ચૂક્યા હતા. પછી એ પરમાનંદ હોય કે ઉજેશભાઇ. અને ઉજેશભાઇને તો ખુદ અલ્પના પોતાના દિલમાં અલગ સ્થાન આપી રહી હતી. તે ઘણા સમયથી અહીં રહેતી હતી. બીજા પુરુષો સાથે હળવાનું-મળવાનું અને વાતો કરવાનું બનતું હતું. જ્યારથી ઉજેશભાઇ આવ્યા ત્યારથી દિલના તરંગોની ધ્વનિનો સ્વર અલગ જ રાગ આલાપતો હતો. એમનો મીઠો અને ભોળો સ્વભાવ એમની તરફ આકર્ષતો હતો. અને વાતો દિલને સ્પર્શી જતી હતી. પણ એમની જન્મ કુંડળીના ગ્રહો મને આગળ વધતા રોકતા હતા. એમના જીવનમાં હવે કોઇનો પ્રેમ લખાયો નથી. મારી કુંડળીમાં બીજા જ કોઇનો પ્રેમ છે. અને એની મેં કલ્પના કરી નથી. કદાચ સાધુ જીવનસ્ય એ વ્યક્તિ છે જેમના પ્રેમના રંગમાં હું રંગાઇ રહી છું. એમની સાથેની પહેલી મુલાકાતમાં જ મને અહેસાસ થયો કે મારું દિલ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું છે એ આ જીવનસ્ય જ છે. એમનો મારી સાથેની મુલાકાતમાં પ્રતિભાવ મૈત્રીભર્યો રહ્યો છે. એ મારા રૂપ કરતાં સાલસ સ્વભાવથી વધારે પ્રભાવિત થયા છે. મારું જ્યોતિષનું જ્ઞાન એમને એટલું જ પ્રભાવિત કરી ગયું છે.
મેં જ્યારે બીજી મુલાકાતમાં કહ્યું કે હું તમારું ભવિષ્ય જાણી શકું? ત્યારે એમણે પોતાનો હાથ તરત જ ધરી દીધો હતો. મને એક ક્ષણ તો એમ જ લાગ્યું કે એ જન્મોજનમના સાથ માટે હાથ આપી રહ્યા છે. હું મનમાં જ શરમાઇ ગઇ અને પછી લાગણીઓને સાચવીને બોલી હતી:"હાથ જોઇને પણ હું ભવિષ્ય ભાખી શકું છું. તમારી જન્મ કુંડળી હોય તો આપોને. વધારે સ્પષ્ટ રીતે ભવિષ્ય જોઇ શકાશે. જન્મ વખતના ગ્રહોની સ્થિતિ જોઇને હું વધારે ચોક્કસ રીતે ભવિષ્ય કહી શકું છું." એ હસીને બોલ્યા હતા:"કહેવાય છે ને કે નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવું નહીં. અને જો કૂળ ના પૂછાતું હોય તો એના જન્મની તારીખ તો ક્યાંથી હોવાની. સાધુ તો ચલતા ભલા. હું સાધુ તરીકે બહુ ફર્યો છું અને હવે અટકી રહ્યો છું. એટલે હવે સામાન્ય વૃધ્ધ તરીકે મને ઓળખીને મારા હાથની રેખાઓ જોઇને ભવિષ્ય ભાખી શકો."
જીવનસ્યની હથેળીને પકડીને રેખાઓ પર નજર નાખી. એમની હથેળીનો સ્પર્શ દિલમાં સ્પંદનો જગાવી ગયો. હું મનમાં જ ખુશ થતી હતી એનો પડઘો જાણે મારા ચહેરા પર પડતો હતો. હું આનંદ અનુભવતી હતી એના તરંગો જીવનસ્યના હાથના માધ્યમથી એમના ચહેરા પર પહોંચી ગયા અને એ પણ આનંદિત થઇ ગયા હતા. એમને મારા હાથનો સ્પર્શ ગમ્યો હતો. હું હાથની રેખાઓ જોઇ ખુશ થઇને કહેવા લાગી હતી:"જીવનસ્યજી, તમારી હસ્તરેખાઓમાં વિવાહની રેખા છે..." તે હસીને બોલ્યા હતા:"કયા પ્રકારના વિવાહની? ગાંધર્વ તો નહીં ને?" હું વળી શરમાઇ ગઇ હતી.
એ ધીમેથી હાથ સેરવીને બોલ્યા હતા:"ખેર, જે લખાયું હશે એ થવાનું જ છે....' અને કોઇ કામ યાદ આવ્યું હોવાનું કહી જતા રહ્યા હતા. તેમની એ મુલાકાતને અલ્પના વાગોળી રહી હતી. કોઇ મીઠો રસ કંઠમાં ઉતારી રહી હોય એમ એ જીવનસ્ય સાથેના સંવાદનું મનમાં જ પુનરાવર્તન કરી રહી હતી. પણ અચાનક મને વિચાર આવે છે કે તે એક સાધુ રહ્યા છે અને હું સંસારી વ્યક્તિ છું. અમારો મેળ કેવી રીતે જામવાનો? એ સંસારમાં ખરેખર પ્રવેશવાના છે? કે હું સંસાર છોડીને એમની શિષ્યા બનીને એમનું સાંનિધ્ય અનુભવતી રહું? મારા જીવનમાં બીજો લગ્નયોગ છે એ વાત સાચી પડવાની છે. શું સાધુ જીવનસ્ય ખરેખર સાંસારિક જીવનને અપનાવશે?"
આટલું લખીને ઉજેશભાઇને જાણે હાંફ ચઢી ગયો. એ પાણી પીવા ઊભા થયા. અલ્પના ખરેખર આવી જ લાગણી અનુભવતી હશે કે મેં વધારે પડતી જીવનસ્યના પ્રેમમાં ડૂબાડી દીધી? આગ બંને તરફથી લાગેલી બતાવવી તો પડશે જ ને? હવે ખરી કસોટી સાધુ જીવનસ્યના વિચારને વ્યક્ત કરવામાં છે. એમની સાથે મારી અત્યાર સુધીની મુલાકાતમાં એ સાધુ જીવનને છોડી રહ્યા હોવાનો એકરાર કરી ચૂક્યા છે. 'વયવંદન જીવન આશ્રમ'માં પ્રવેશ મેળવવાનું એક કારણ એ જ છે ને? નવાઇની વાત એ છે કે વર્ષોથી ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય અને બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એ સાધુ સામાન્ય જીવન જીવવાનું અને લગ્ન કરવાનું વિચારી શકે? ઉજેશભાઇને જયરામ શેઠની ફરમાઇશ યાદ આવી ગઇ અને તે શર્ટની બાંયો ચઢાવીને આગળ લખવા બેસી ગયા. જીવનનું એક યુધ્ધ હારવા માટે જ મેદાનમાં ઉતરી રહ્યા હોય એવા મનોભાવ સાથે.
સાધુ જીવનસ્યનો સવારે અને સાંજે ધ્યાનનો નિત્યક્રમ હતો. જીવનસ્ય એ ક્રમને તોડવા માગતા ન હતા. ધ્યાનથી જ તો એમણે બધી સિધ્ધિઓ મેળવી હતી. કોઇ વાતથી નિરાશ કે હતાશ થવાતું ન હતું. ચહેરા પર નૂર ચમકતું રહેતું હતું. જીવનસ્ય માનતા હતા કે આપણા મનમાં અને દિલમાં જે પ્રક્રિયા ચાલતી હોય એ આપણા અંગપ્રત્યંગમાં એના પ્રતિભાવ આપે છે. મનમાં આનંદની લહેર દોડતી હોય તો ચહેરો પ્રફુલ્લિત દેખાય છે. કહેવતમાં કહ્યું છે કે જેવું અન્ન તેવું મન. જીવનસ્ય આગળ વધીને કહેતા કે જેવું મન તેવું તન. માણસનું મન જ તેને હાર કે જીત અપાવે છે. આ મનને તંદુરસ્ત રાખવા ધ્યાન જેવી બીજી કોઇ ક્રિયા નથી. ધ્યાનમાં અદભૂત શાંતિનો અનુભવ થાય છે. હું સાધુ તરીકેનું વ્યક્તિત્વ છોડી રહ્યો છું પણ સાધુતા છોડવાની નથી. હું ભલે સાધુ તરીકે જીવનચર્યા ના કરું પણ જીવનમાં સાધુના જે ગુણો છે એનો લોપ થવા દેવાનો નથી. સાધુમાંથી એક વૃધ્ધ તરીકે જીવનને સ્વીકારી રહ્યો છું ત્યારે એક વૃધ્ધ તરીકે જે લાગણીઓ હોય છે એને વ્યક્ત થવા દેવાની છે. વૃધ્ધ વ્યક્તિ ઠરેલ અને મોહમાયા વિનાનો બની જાય છે. એ બાળક જેવો પણ બની જાય છે. ઇર્ષા, ચિંતા વગેરેથી દૂર રહે છે. તેના દિલમાંથી પ્રેમનો લોપ થતો નથી. તે વધુ પ્રેમાળ બને છે. અને... કોઇ સ્ત્રીપાત્રને જુએ છે ત્યારે તેનામાં પ્રેમની લાગણીના અંકુર ફૂટે છે. સાધુ તરીકે એક મર્યાદા હોય છે. સાધુ માટે દરેક સ્ત્રી માતા સમાન હોય છે. હું સાધુનો વેશ ઉતારી રહ્યો છું. એક સામાન્ય વૃધ્ધના પાત્રમાં સ્ત્રીને સન્માનથી જોવાની દ્રષ્ટી તો રહે છે પણ એ કોઇના માટે પ્રેમભરી હોય શકે છે. અને અલ્પના તો સ્ત્રી જ એવી છે કે તેની સાથે વાત કરીને પ્રેમ થઇ જાય. મારી સાધુતાને હીરાવતી નદીના કિનારે ડૂબાડીને આ આશ્રમમાં આવ્યો અને તેને પહેલી વખત જોઇ ત્યારે એ સામાન્ય માણસ તરીકે મેં જોયેલી પ્રથમ સ્ત્રી હતી. અને પહેલી નજરના પ્રેમની જેમ એના પ્રેમમાં પડી ગયો છું. હું તેનો પ્રેમ પામવા અહીં આવ્યો નથી. અહીં આવીને મને એનો પ્રેમ મળ્યો છે. એ પણ મારી સાથે લાગણીથી વર્તી રહી છે. અહીં રહેતા બીજા વૃધ્ધો પ્રત્યે તેને લાગણી હશે જ. મારા માટે વિશેષ લાગણી એના દિલમાં લાગી રહી છે. એ દિવસે મેં એની લાગણીને અનુભવવા જ મારો હાથ રેખાઓ જોવા એને ધર્યો હતો. એના હાથમાં કેવાં સ્પંદનો જાગ્યા હતા! એની રગરગમાં ખુશી અનુભવાતી હતી. મારી ચામડીને પણ એની લાગણીનો શીતળ સ્પર્શ અનુભવાતો હતો. હવે પ્રેમનો એકરાર કરવામાં મોડું કરવું નથી.
જીવનસ્ય ઊભા થયા અને ભગવા વસ્ત્રો ઉતારી એક વૃધ્ધને શોભે એવા કપડાં ધારણ કરી અલ્પનાના દરવાજે જઇને ઊભા. અલ્પના એમને જોઇને આભી જ બની ગઇ. અને નવાઇથી પૂછી બેઠી:"તમે જીવનસ્ય જ છો?"
જીવનસ્ય કહે:"જીવનસ્ય હતો જ્યારે સાધુ હતો. હવે હું જીવનકુમાર છું. અને તારો હાથ માગું છું, નવા જીવનનું ભવિષ્ય જોવા નહીં જીવનભરના સાથ માટે!"
અલ્પનાએ તરત જ જીવનકુમારના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો અને બોલી:"મને નવું જીવન આપવા બદલ આભાર!"
આટલું લખીને ઉજેશભાઇનો હાથ દુ:ખી ગયો. તેમના હાથમાંથી કલમ પડી ગઇ. હવે મારા હાથમાં કશું રહ્યું નથી. અને બોલી ઊઠયા:"હાથના કર્યા હૈયે વાગ્યા કે શું?"
પ્રકરણ પૂરું કરીને ઉજેશભાઇએ જયરામ શેઠને ફોન કર્યો. પ્રકરણનો સારાંશ એમને ફોન પર જ વાંચી બતાવ્યો. અને છેલ્લે બોલ્યા:"જીવનના અંતિમ આશ્રમમાં હવે બીજી તો શું આશા રાખવાની જયરામભાઇ? હવે પછીનું પ્રકરણ છેલ્લું હશે. ખાધું પીધું ને રાજ કર્યું જેવું. અહીં સાધુએ લગ્ન કર્યા એવું."
જયરામભાઇ બોલ્યા:"ઉજેશભાઇ, તમે આમ નિરાશ ના થઇ જાવ. તમે બહુ સરસ લખ્યું છે. વાચકો આફરિન પોકારી જશે. હજુ છેલ્લુ પ્રકરણ બાકી છે. હું ચાહું છું કે એ તમે અમારી ઓફિસમાં બેસીને લખો. એક સરપ્રાઇઝ તમારી રાહ જુએ છે. વાચકો માટે પણ આપણે છેલ્લા પ્રકરણમાં એક ચોંકાવનારી વાત રાખી છે..."
ઉજેશભાઇને થયું કે હું લેખક છું અને નવલકથાના અંતમાં ચોંકાવનારું શું છે એની મને જ ખબર નથી.
ક્રમશ: