સાંબ સાંબ સદા શિવ - 7 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંબ સાંબ સદા શિવ - 7

પ્રકરણ 7

એક સવારે એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં ચાર વાગે મને ગુરુ અઘોરી બાબાનું કહેણ આવ્યું. હું ગુફાની બહાર એક ભેંસનાં મેં તેનો શિકાર કરી ઉતરડેલાં ચર્મ પર ટટ્ટાર બેસી ઊંઘ ખેંચતો હતો. દૂર ક્ષિતિજમાં પેલો દિવસ-રાત્રીના મિલનનો કસ્પ દેખાય તેની હું રાહ જોતો હતો. એકદમ ઘોર અંધકાર સાથે બિહામણી શાંતિમાંથી ઓચિંતી તાજા પવનની એક લહેરખી આવી. દિવસ આવી રહ્યો છે તેની મને જાણ થઇ. હું હજી ઊંડા શ્વાસ ફેફસાંઓમાં ભરતો જ હતો ત્યાં એ કહેણ આવ્યું. કોઈ મોબાઈલ ફોન દ્વારા નહીં કે નહીં ગુરુ દ્વારા મને બૂમ પાડીને. એ વિકરાળ કાળમીંઢ પથ્થરો ઉપર ગાઢ વનરાજીથી ઢંકાયેલી ગુફામાંથી ગુરૂ બુમ તો શું, ઘંટનાદ કરે તો પણ સંભળાય નહીં. એક ખાસ ફ્રિક્વન્સીથી ૐ ને મળતો અવાજ ગુરૂએ તેમની નાભિમાંથી વહેતો મુક્યો, જે તેમના કંઠને ભેદી તેમના બ્રહ્મરંધ એટલે કે તાળવાંમાંથી ચળાઈને હવામાં વહેતો મારા સુધી પહોંચ્યો. ગુરુ આજ્ઞા. હું મારી બેઠક નીચેથી શક્તિઓ મૂલાધાર ચક્ર દ્વારા મારી અંદર ખેંચી હવામાં જ ઊંચો થયો, જમીનથી થોડું ઊંચે હવામાં તરવા લાગ્યો. એકદમ હળવે, કોઈ પીંછું તરે એમ તરતો ગુફામાં દાખલ થઇ ગુરુ સમક્ષ હાજર થયો.

 

“તારી શક્તિઓ સમાજને અને આ શિવપંથને કામ આવે એટલી તારી લાયકાત થઇ છે. તને આ માગશીર્ષ પૂર્ણિમાને દિવસે વિધિવત દીક્ષા આપવામાં આવશે. શુભ હો. તે પછી તું મારી બદલે અન્ય કોઈ અઘોરી નીચે હોઈ શકે છે, મારી સાથે પણ હોઈ શકે છે કે કદાચ તારો યુદ્ધમાં વિજય જોઈને તને સ્વતંત્ર લડવૈયા અઘોરી તરીકે પણ નીમવામાં આવી શકે છે. તને અત્રે લાવનાર એ કન્યાનો આભાર માન કે તને મારી નીચે લાવી અને યોગ્ય જગ્યાએ ગુરૂ ગોરખનાથના મુખ્ય અનુયાયીઓ સમક્ષ મેં તારી ભલામણ કરી.”

 

હું જેમ આવ્યો હતો તેમ જ અઘોરાને સાથે  રાખી એ અડાબીડ વનમાંથી ઉડતો, સ્વરૂપ બદલતો, માઈલ જેવી લાંબી અને પાંચસો-હજાર મીટર ઊંડી ખીણો છલાંગ મારી વટાવતો, નીચે ઝૂકીને લાકડીની સહાય લઈ સીધા ચડાણ વાળા એટલા જ ઊંચા પર્વતો ચડતો, આખરે માનવ વસ્તીમાં થઇ ગુવાહાટી પહોંચ્યો. ઘણે વખતે હું બહારની દુનિયામાં આવ્યો. પણ મારી સાથે કોઈ અજાણી જગ્યાએથી બીજા અઘોરીઓ આવી ગયેલા. હું એકલો પડી શકું તેમ ન હતો. અઘોરા મારું ધ્યાન ન રહ્યું તેમ મને તેમની વચ્ચે મૂકી ફરી અલોપ થઇ ગઈ. કદાચ ગુરૂ પાસે જતી રહી.

 

એક યોગ્ય મુહૂર્તમાં એ માગશીર્ષ પૂર્ણિમાને દિવસે રાત્રીના સમયે કામાખ્યા દેવી મંદિર, ગુવાહાટી ખાતે મારી પર કેટલીક તાંત્રિક વિધિ કરાવવામાં આવી. આ મંદિર તાંત્રિક સાધનાઓ અને ગૂઢ વિદ્યાઓના અભ્યાસ તેમ જ પ્રયોગ માટે વિખ્યાત છે. ભારતનાં શક્તિ સ્થળોમાંનું એક છે. પાર્વતીજીના દેહના ટુકડાઓ કરી આકાશમાંથી ફેંકાયા ત્યારે અહીં તેમની યોનિ પડી હતી તેમ કહેવાય છે. એ યોનિનાં પ્રતિકની અત્રે પૂજા થાય છે અને આચમની માટે જળ અપાય છે તે એ દિવ્ય યોનિમાંથી પડતો જળસ્ત્રાવ છે એમ કહેવાય છે. અહીં મને અઘોરી બનવાની દીક્ષા આપવામાં આવી. મારી સાથે વિવિધ પ્રાંતના અઘોરીઓ પણ હતા. અમને અંદરોઅંદર વાતો કરવાની મનાઈ હતી. થોડાઘણા અઘોરીઓ જેઓ વિચારો વાંચી શકતા હતા તેમને પણ અગાઉ કહી તેવી વિધિઓ દ્વારા તેઓ ફક્ત જોઈ સાંભળી શકે પણ કોઈ શારીરિક કે માનસિક કાર્ય જાતે કરી શકે નહીં તેવી સ્થિતિમાં મૂકી દીધેલા. બધા જ વશિકરણના પ્રભાવ હેઠળ હતા. રાત્રી પડી અને મંદિરનાં દ્વાર ભકતો માટે બંધ થયાં. અમને એક પરસાળમાં બેસાડી યજ્ઞ શરૂ થયો. અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. ઊંચી જ્વાળાઓ લબકારા મારવા લાગી. મોટેથી નગારાં વાગવા લાગ્યાં. એક વિશાળકાય, સંપુર્ણ વિખરાયેલા સફેદ વાળની અનેક ચોટલીઓથી બનેલ જટાઓ વાળા જટાધારી, લાલઘૂમ આંખોવાળા અને બિહામણા, પશુ જેવા અણીદાર દાંતો બહાર દેખાય તેવી મુખમુદ્રાવાળા વાળા  અધોરી અમારી વચ્ચે શિવજીનાં ડમરુ જેવું વાદ્ય વગાડતા નૃત્ય કરતા આવી પહોંચ્યા. અમારૂં ધ્યાન રાખતા અઘોરીઓએ તેમને સાષ્ટાંગ વંદન કર્યાં. આજે કહું છું કે તેઓ કાળથી પર વ્યક્તિ હતા. બાબા ગોરખનાથ ખુદ હોઈ શકે? કે એમના બે સદીઓ ઉપરાંત જીવી ચૂકેલા લગભગ અમર એવા મુખ્ય અનુયાયી હશે? એ વિષે હું અજ્ઞાન હોઈ નિરુત્તર છું. અમને પણ તેમની સાથે નૃત્ય કરાવવામાં આવ્યું. નૃત્ય તેની ચરમ સીમાએ પહોંચ્યું. અમારાં દરેક અંગો ખેંચીને જાણે ઉખાડી નંખાતાં હોય તેમ ચકાસવામાં આવ્યાં અને તેની ઉપર અમારૂં ધ્યાન રાખતા ગુરૂઓ કોઈ અસ્પષ્ટ મંત્રો બોલતા ભસ્મ જેવો લેપ લગાડવા લાગ્યા. એ ભસ્મ ન હતી. એ કયો પદાર્થ હતો અને કેવી રીતે બનાવવામાં આવેલો તેની આજ સુધી ખબર નથી. માત્ર દીક્ષા વખતે જ તે જોયેલો છે. એ મંત્રો પણ કોઈ અસ્પષ્ટ અને અજાણ્યા બિહામણા અવાજોના બનેલા હતા. વચ્ચે વચ્ચે તેઓ મોટા અવાજે કર્કશ ચીસો પણ પાડતા જતા હતા. એ શાબરી મંત્રો તો ન જ હતા. અમારી વચ્ચોવચ્ચ એક તલવાર જેવું અણીદાર શસ્ત્ર ઉઠાવી એ મુખ્ય ગુરૂજીએ પ્રથમ પશુપતિનાથની આજ્ઞા માંગી, એ પશુની બે હાથ જોડી ક્ષમા માંગી અને અન્ય કોઈ વધુ બિહામણા ગુરૂ દ્વારા અમારી નજર સામે એ પશુનો અગ્નિમાં ભોગ આપવામાં આવ્યો. ચારે બાજુ રક્ત ઉડયું. મોટેથી ‘ સ્વાહા.. સ્વાહા..’ અવાજો સાથે એ અઘોર મંત્રો બોલાયા. અમને એ પશુનાં રક્તનું તિલક કરવામાં આવ્યું. એ સાથે “અહં.. શરણં ગચ્છ.. ગચ્છામિ.. સમર્પિતુમ.. પ્રાપ્ય કરિષ્યે.. બો.. બમ.. બમ.. હો.. હો.. રક્ત.. કાળ કરાલ, આકાશ પાતાળ.. મમ મન, વચન, કાયા, વિચાર સહ સર્વસ્વ પ્રદાન કરિષ્યે..' વગેરે એવું કઈંક થોડું સમજાયેલું એટલે યાદ છે તે બોલાવવામાં આવ્યું. અમને અગાઉથી એક પર્ણપાત્રમાં લાવેલ અમારી જ વિષ્ટા ખવરાવવામાં આવી, ભભૂતિ અને ગૌમૂત્ર સાથે અમારાં જ સ્વમુત્રનો તથા છાણનો અને અમારી પાસે કઢાવેલ અમારાં રક્તનાં બિંદુઓ ઉમેરી અમારાં શરીરો પર લેપ કરવામાં આવ્યો. અમારી સમક્ષ ભોગ આપવામાં આવેલાં એ પશુનાં એ 'પવિત્ર' અગ્નિમાં પકાવેલાં અંગો અમને ખવરાવવામાં આવ્યાં. મને કદાચ બીજા કરતાં ઉચ્ચ દરજ્જાનો ભાવિ અઘોરી બનાવવાનો હશે એટલે કદાચ એ બલી ચડેલાં નારી પશુની યોનિ ખવરાવવામાં આવી. વધુ નહીં કહું. એ બધું અત્યંત જુગુપ્સા ભર્યું અને ડરામણું હતું. એ પશુનાં ગરમ રક્ત સાથે અગાઉથી લાવેલ કોઈ પવિત્ર પશુ બલિના રક્તનો અમારી પર છંટકાવ થયો. શ્લોકો અને પછી શાબરી મંત્રો સાથે શંખને બદલે કોઈ પ્રાણી, કદાચ બળદની શ્વાસનળીનું  હાડકું શંખની જેમ ફૂંકી મોટો બિહામણો અવાજ કરવામાં આવ્યો. એ સાથે અમારી દિક્ષાવિધિ પૂર્ણ થઈ.

 

હવે હું રીતસરના અઘોરી તરીકે જીવતો થઈ ગયેલો. હું દિવસોના દિવસો ધ્યાન કર્યા કરતો, કોઈ એક આસનમાં કોઈ ખાસ અંગને વધુ તાકાત આપવા કલાકો સુધી સ્થિર રહેતો. ક્યારેક ચામાચીડિયાંની જેમ ઊંધો લટકતો તો ક્યારેક એક જ હાથ કે પગના સહારે ત્રિકોણાસન કે તાડાસન કે તપ કરતા ધ્રુવનાં ચિત્રમાં હોય છે તેવી વૃક્ષાસન જેવી મુદ્રામાં ચોવીસ કે તેથી વધુ કલાક રહેતો- રહેવું પડતું. અમારે જાતને કષ્ટ આપીને જ અતિ કષ્ટ આપે તેવી પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર થવાનું હતું. એમાં એકાદ બે વખત અતિશય લાંબાં થયેલાં મારાં લીંગને ઝાડની ડાળી સાથે અજગરની જેમ ગોળ વીંટી તેની ઉપર બેઠા રહેવાનું કે તેના સહારે લટકવાનું કરવું પડેલું. મને હવે સ્વતંત્ર અઘોરી બનાવવામાં આવેલો પરંતું અઘોરી ગુરૂ મારું ધ્યાન રાખવાના હતા અને મને આગળ કેળવવાના હતા. હવે હું દિવસો પછી ક્યારેક ભૂખ લાગે તો પાન અને ફળો તો ઠીક, તમને ગંદામાં ગંદી લાગે તેવી ચીજ ખાઈ લેતો અને વહેતું પાણી પી લેતો. મને હવે આનંદ, ગ્લાનિ, રમૂજ, ગુસ્સો (જે ગુસ્સો તો અઘોરીઓને ક્યારેક ભારે માત્રામાં થતો હોય છે) જેવી માનવીય લાગણીઓ થતી નહીં. અઘોરા મારી પાસે હોય તો પણ તે ફક્ત કોઈ એક જીવાત્માનું શરીર છે તેવી જ લાગણી થતી. તેને પણ શું એવી જ લાગણી મને જોતાં રહેતી હશે? તો અત્યાર સુધી જે કાંઈ પણ અમારી વચ્ચે બન્યું તે શું હતું? માત્ર અઘોરીઓની ચક્ર જાગૃતિનો એક ભાગ જ?

(ક્રમશ:)