આભનું પંખી - 5 Kamini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આભનું પંખી - 5

પ્રકરણ-૫

ધારેલું પાર ન પડે તેવું ઘણી વાર થતું હોય છે.. 'તત્ર કો મોહ.. કો શોક'.. બહારગામ જવાનું નક્કી કર્યું હોય અને ન જવાયું હોય,તેવુંય બન્યું છે. 

કુલુ મનાલી જવાનો પ્રોગ્રામ બની ગયો હતો, ને બા માંદા પડ્યા.. જવાનું કેન્સલ થયું.. મામાના સીત્તેરમાં વરસની ઉજવણી 'ગોકર્ણ' માં રાખી હતી ને રિચાને તાવ આવ્યો. જવાનું કેન્સલ થયું.. અરે, ગાડી લઈને બધાં મિત્રો સૂરત પોંક ખાવા જતા હતા.. મીરાં ત્યારે પ્રેગ્નેન્ટ હતી. સવારે નીકળતા હતા.. ને બાપૂજીએ ફરમાન કર્યું.. આવી હાલતમાં નથી જવું. મીરાં ચૂપચાપ ઘરમાં આવી ગઈ. માધવ એકલો ગયો.. પણ ત્યારે દુઃખ નહોતું લાગતું.. આજે હવે અમદાવાદ જવાનું કેન્સલ થાય છે ને મીરાને દુઃખ થાય છે. 

માધવ ઓફિસેથી આવ્યો કે મીરા બોલી.. અમારો રવિવારનો પ્રોગ્રામ કેન્સલ થયો. ".. "કેમ?"

"કેમ શું? પેલા કોરાનાભૈની રામાયણ. કહે છે જાહેર મેળાવડા, થીયેટર, મોલ બધુ બંધ કરાવ્યું છે. રિષીના સ્કૂલમાં પણ રજા જાહેર કરી છે. વૈદેહીનો ફોન પણ હતો. કહેતી હતી.. તમે ન આવો. ". 

"ખોટા લોકો પેનિક થઈ ગયા છે. કઈં નથી. ટિકિટ આવી છે તો આપણે જઈ આવીએ".. ચાલો, માધવ તો માન્યા. વૈદેહીને સમાચાર આપી દીધા.. હમારા પ્રોગ્રામ તો ભઈ ફિક્સ હે.. 

શનિવારે બેગ ભરતી હતી કે શિખાનો ફોન આવ્યો.. "ભાભી, જવાની તૈયારી થઈ ગઈ. ?".. "જો બેગ જ ભરું છું.. " "મને પણ સોમવારથી સ્કુલમાં રજા પડી ગઈ છે. "

"અરે વાહ.. તો પછી તમે લોકો પણ આવોને".. "હા.. મને પણ ઈચ્છા થઈ ગઈ છે. રાજન ના પડશે તો હું એકલી આવીશ. ટિકિટની તપાસ કરું.. "

રાજનએ પણ હા પાડી.. ટિકિટ પણ મળી ગઈ. ! બધાએ મળી નિલેશ,સીમાને પરાણે તૈયાર કર્યા. આખો દિવસ પ્રોગ્રામ બનાવવામાં, ફોન કરવામાં જ ગયો.. 

રાતના દિવ્યાનો ફોન હતો.. "મોમ.. શું નક્કી કર્યું જવાનું. "

"અમારો તો મસ્ત પ્રોગ્રામ બની ગયો... હવે તો રાજન,શિખા.. નિલેશ,સીમા પણ આવે છે. "

"વાહ.. તમારે તો સરસ આઉટીંગનો પ્રોગ્રામ બની ગયો.. બધા મહાનુભાવોની પધરામણીથી દેવાંગના નવા ઘરના નસીબ તો ઉઘડી ગયા. ".. 

રવિવારે સાંજની ટ્રેન હતી. બધા મિત્રો બોરીવલી સ્ટેશન પર મળ્યા. ટિકિટ આગળ પાછળ હતી. હઈશો હઈશો કરતા બધા ટ્રેનમાં ચડી ગયા. વહેલી સવારે અમદાવાદ પહોચ્યાં. દીપક સ્ટેશન પર લેવા આવ્યો હતો. 

અમદાવાદની સવાર હજુ ઊઘડું ઊઘડું થઈ રહી હતી. અડધો માર્ચ ગયો, પણ હવામાં હજુ ઠંડક હતી. આ વખતે ઠંડી સારી પડી. આમેય હવે આ ઋતુઓ થોડી પાછળ ખસી ગઈ હોય તેવું લાગે છે. બપોરે તાપ લાગે પણ સવાર સાંજ ઠંડક હોય છે. 

લીસ્સા રસ્તાઓ પર હોન્ડા સીટી દોડી રહી હતી. મીરા હજુ ગયા વરસે જ અમદાવાદ આવી ગઈ હતી. તોય આ શહેર વધારે સમૃદ્ધ થયું હોય એવું લાગ્યું. 

માધવને અમદાવાદ બહુ ગમતું. "મારા રીટાયરમેન્ટ પછી મારી ઈચ્છા તો છે.. અહીં જ આવીને રહેવું. કેવી શાંતિ છે અહીં. "

"શાંતિ તો નહીં. દરેક મોટા શહેરની દરેક બદી હવે અમદાવાદમાં પણ પ્રવેશી ગઈ છે. ટ્રાફિક અહીં પણ થાય છે. પોલ્યુશન અહીં પણ વધ્યું છે.. "

"ખરું, પણ મુંબઈ કરતા અહીં જગ્યાના ભાવ ઓછાને. મુંબઈનો ફ્લેટ વેચી અહીં જગ્યા લઉં તો આરામથી જીવાય.. "

"વાત તો તારી સાચી દોસ્ત. પણ મુંબઈ મુંબઈ છે. તેને તોલે કોઈના આવે. અમે બે એકલા જ મુંબઈ રહીએ છીએ. બે ચાર દિવસ ઠીક છે, પણ કાયમ અમને તો અહીં ગમતું નથી. મુંબઈના યાર દોસ્તોની મહેફિલ અહીં ક્યાં મળવાની. "

ગાડી એક પોશ સોસાઈટીના ગેટમાં પ્રવેશી. 

પરવારી વૈદેહીને ત્યાં પહોચ્યાં ત્યારે અગ્યાર વાગ્યા હતા. વૈદેહી બહેનને ભેંટી રડી પડી. એટલા દિવસનો થાક,અજંપો,ઉચાટ.. ચિંતા.. મનમાં ધરબીને રાખેલું બધું બહેનને જોયું કે બહાર આવી ગયું. 

નીલા બહેને ટપારી વારું,હવે પાણી પીલે વૈદેહી, બહેન બનેવીને નિરાંતે બેસવા તો દે. આશુતોષ અંદર સૂતો હતો. એમણે જોઈ બેઠો થયો.. આવો. પગે લાગુ છું.. માધવભાઈ. 

"આશું હાલત કરી છે ભાઈ.. વધેલી દાઢી, વિખરાયેલા વાળ.. શરીર પણ ઘણું સૂકાઈ ગયું છે. " વૈદેહી હસી પડી.. "માનતા માની છે આને. પોતાના પગ પર ચાલીને જ દાઢી,બાલ કરાવવા જઈશ. "

"આવી માનતા મનાતી હશે. ? દાઢી કરી હોય તો જરા ફ્રેશ ફીલ થાય. આમેય પથારીમાં કંટાળી જવાય. "

"કંટાળાનું તો પૂછો નહીં માધવભાઈ. મારી આખી જિંદગીમાં આટલો આરામ નથી કર્યો. હાર્ટનું આવડું મોટું ઓપરેશન કરાવ્યું, ત્યારે પણ અઠવાડિયામાં ફેક્ટરી જવા લાગ્યો હતો. "

પાંચ વરસ પહેલાઆશુતોષને ઉધરસ બહુ થઈ ગઈ હતી. કેમેય મટતી નહોતી. આખી રાત બેસીને કાઢવી પડતી. ઉધરસના કારણે સૂઈ નહોતો શકતો. સાધારણ દવાથી ન મટ્યું ત્યારે એમ. ડી. ને બતાવવા ગયા. વેટીંગ રૂમમાં ઉધરસ ખાતો હતો,  ડોક્ટરસાહેબ ખાસ બહાર આવ્યા.. "આ તમને ઉધરસ આવે છે. ?".. ". હા જી સાહેબ.. ".. "તમે આટલા ટેસ્ટ કરાવી મને બતાવવા આવો.. તમને હાર્ટનો પ્રોબ્લેમ લાગે છે. "

બધાં ઇન્વેસ્ટિગેશન કરાવ્યાને ખબર પડી.. હાર્ટમાં કાણું છે. !ત્યારે પણ ઇમરજન્સીમાં ઓપરેશન કરાવ્યું હતું.. 

"તમે ઘણાં વરસે અમદાવાદ આવ્યા. નહીં. ?

"હું તો ગયા વરસે માહીને રમાડવા આવી હતી.. માધવ તો છેલ્લે પલાશના લગ્નમાં આવ્યા હતા. "

"હા. ત્યારે સીધો રિસોર્ટમાં જ આવ્યો હતો. પલાશના લગ્ન તો જોરદાર, રિસોર્ટમાં કર્યા હતાને.. "

"એ જમાનો હતો.. એ ટાઇમ પૂરો થયો. "આશુતોષનો સ્વર ઉદાસ થયો. 

"મને લાગે છે,જો પગની જગ્યાએ હાથમાં પાટો હોત તો તમે બહાર દોડી જ ગયા હોત. "મીરાએ વાત બદલી. 

"સાચું કહો છે તમે. કાલે જ પેલા પ્રતાપભાઈનો ફોન હતો. કહ્યું મેં,અત્યારે તો પથારીમાંથી ઉભા થવાય એવી હાલત નથી. કાલે પાછું પગ કપાવવા જવાનું છે. દસ પંદર દિવસમાં સાજો થાઉં કે ફોન કરું તમને".. પગ કપાવવા?.. મીરાએ સૂચક નજરે વૈદેહી સામે જોયું. 

"હા, પગમાં અંદર સડો વધતો જાય છે. રૂઝ આવતી નથી. ડોકટરે નક્કી કર્યું છે.. જ્યાં સુધી સડો છે,ત્યાં સુધીનો પગ કાપી નાખવો. "

મીરા કંપી ગઈ. પગ કાપવાનો છે! "કઈં ખાસ ગભરાવા જેવું નથી બહેન. હવે તો જયપૂરી ફૂટ મળે છે. એ લગાડી દેશું ને દોડવા માંડીશું. "

"ખરા છો તમે. દોડતા થાકતા નથી.. હવે તો જરા જંપીને બેસો.. "

"મોહા પણ એજ કહે છે. એની તો ઈચ્છા છે, અમે હૈદરાબાદ શિફ્ટ થઈ જઈએ. "

"આઈડિયા ખોટો નથી. આમેય હવે અહીં રહેવાનું કારણ શું છે. ત્યાં રહો તો દીકરી તો બાજુમાં રહેં.. પલાશ તો લાંબે છે. અને હવે એ થોડો અહી આવવાનો. ?આવે તો ત્યારની વાત ત્યારે.. અહીં હવે છે શું... ભાડાનું ઘર છે,તો ખાલી કરી જતા રહો. "

"પણ હું હૈદરાબાદ જઈ કરું શું. ? અહીં તો બધા ઓળખતા હોય.. મને મારા લાયક કામ મળી રહેં. "

"ત્યાં જઈ આરામ કરવાનો. આખી જિંદગી બહુ કામ કર્યું. ગવર્મેન્ટએ સાઈઠ વરસે રીટાયરમેન્ટ આપે છે. "

"રીટાયરમેન્ટ એને પોસાય બહેન, જેની પાસે બેસીને ખાવાની મૂડી હોય. અહીં તો 'ઠન ઠન ગોપાલ' . એકડે એકથી શરું કરવાનું છે. "

"જો ભાઈ, જેણે કામ કરવું હોય, એને કોઈ પણ જગ્યા પર મળી જાય. ત્યાં પણ કોઈ જોગ લાગી જશે. ત્યાં તમારો વ્હાલો સની છે. તેનો સાથ મળશે ને. તમે ત્યાં રહો તો દીકરીને તમારી ઓથ રહેં. આ હમણા અમેરિકા ગયેલી. તમે ત્યાં હોત તો ફરક પડતને. "

"અમેરિકાથી આવી બિચારી હેરાન થઈ ગઈ.. ચૌદ દિવસ માટે કોરોન્ટાઈનમાં છે. એ તો કહેતી હતી કે હું આવું પછી ઓપરેશન કરાવજો. પણ અભયનું કહેવું છે, એની રાહ નથી જોવી. નકામો પગ વધારે સડતો જશે. "

જમીને બધા આડા પડયા. બંને બહેનો એકલી પડી. 

"તે ટીફીનનું કામ હમણા બંધ કર્યું છે. ?"

'હા, દસ તારીખે તો અમે દુબઈ ત્રણ મહિના,પલાશ પાસે જવાના હતા. હૈદરાબાદ ગયા તે પહેલા મારા બધા ઘરાક એક બીજા ટિફિનવાળા ભાઈને ત્યાં આપી દીધા. ચાર મહિના માટે એમનેમ તો બંધ ન રખાય. હવે તો આશુની હાલત કેવી છે,તમે જૂઓ છો ને. ફૂલ અટેંશન જોવે છે એને. એટલો અકળાઈ જાય છે ને.. "

"એના જેવો વર્કહોર્લીક માણસ એટલા વખતથી પથારીમાં પડ્યો રહેં તો અકળાઈ જ જાય ને. "

"હુંય સમજુ છું દી.. પણ બીમારી જ એવી છે,તો શું કરી શકાય. એમાંય હવે તો પગ કાપવાની વાત કરે છે ડોક્ટર. આશુના મનમાં એમ છે કે કાલે પગ કપાશે ને અઠવાડિયામાં જયપૂરી ફૂટ પહેરી એ દોડવા માંડશે. એટલું સહેલું છે શું બધુ.. ?'

"તારું કામ બંધ છે, આ ઓપરેશન.. દવાના ખર્ચા.. કેમનું થાય છે બધું. જો મારી કોઈ મદદ.. ?"

'ના જરૂર નથી. મેનેજ થઈ જાય છે. મોહા અને પલાશ મોકલે છે. "

"પલાશ તો હજુ હમણાજ કામે લાગ્યો છે. દુબઈના ખર્ચા.. બાળક નાનું છે. એને શું બચત થતી હશે. ?"

"મીરાદી. એને મોકલવાની ના કહું તો એનો જીવ દુભાય. એણે મોકલ્યા, એ બાજુ પર રાખ્યા છે મેં.. વચમાં ત્રણ મહિના આશુએ પ્રતાપભાઈને ત્યાંનોકરી કરી.. મારી થોડી બચત થઈ છે ટીફીનના ધંધામાં. "

"આશુએ નોકરી કરી.. ?"

"જેવાં સંજોગો હોય તે પ્રમાણે ચાલવું જ રહ્યું ને. હુંએ લોકોના ટિફિન ભરીને બે વરસથી ઘર ચલાવુંજ છું ને. "

"ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે આવું થશે. કેવી જાહોજલાલી હતી.. પેન્ટહાઉસમાંથી સાવ ભાડાના ઘરમાં રહેવાની નોબત આવી ગઈ.. "

"હોય હવે.. 'સબે દિન જાતના એક સમાન'.. બસ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું,મારો આશુ જલ્દી બેઠો થઈ જાય. હવે તેની તકલીફ જોવાતી નથી. " વૈદેહીના આંખમાં ઝળઝળિયાં આવ્યા. 

"હું તો તારી હિમ્મતને દાદ આપું છું. તું હસતે મોઢે આ કઠીન પરિસ્થિતિ સંભાળે છે. તને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય છે. હું મોટી છું. પણ તું મારા કરતા મોટી થઈ ગઈ છે. ખરું તત્વજ્ઞાન તે પચાવ્યું છે. "

વૈદેહી એના સ્વભાવ પ્રમાણે હસી પડી.. "તત્વજ્ઞાન.. સત્વજ્ઞાનની અઘરી વાત મારી સમજથી પરે છે. દીદી. ગમે તેવું ટેન્શન હોય,ઈશ્વર કૃપાથી મને રાતના ઘસઘસાટ ઉંઘ આવી જાય છે. તમને યાદ છે.. પાંચ વરસ પહેલા જોધપુરથી આવતા આશુનો એક્સિડેન્ટ થઈ ગયો હતો. માથામાં જોરદાર વાગ્યું હતું. ત્યારે પણ ઈશ્વરને બધું સોંપી દીધું હતું.. ને આશુ હેમખેમ એ કસોટીમાંથી બહાર આવ્યો હતો.. સવારે ઉઠી,પ્રભુનો આભાર માની, જે મને ઘટતું કામ એને સોપ્યું હોય તેમાં લાગી જાવું છું. 

આવા સરસ પ્રેમાળ.. દરેક પરિસ્થિતિમાં સાથ ચાલે એવા સાસુ મળ્યા છે. પલાશ અને મોહા જેવાં પ્રેમાળ .. લાગણીશીલ બાળકો છે. ભલે આઘે હોય.. તેમની હૂંફ સદાય મારી સાથે છે. દિવસમાં ત્રણ ફોન કરે છે. મારા અવાજમાં ચિંતાની એક રેખા પણ જણાય. ,પલાશ અડધો અડધો થઈ જાય.. વચમાં જુવોને.. દોડીને આવી જ ગયો હતોને.. આ અભય, અમારા પરિવારોમાં આટલો વિખવાદ હોવા છતાં અત્યારે મારી પડખે ઉભો છે. "

"ખરું કહે છે.. ઈશ્વર પર શ્રદ્ધા હોવી, અને આવા સમયે ટકાવી રાખવી બહુ અઘરું છે. "

"મેં બધું ઈશ્વરને સોંપી દીધું છે. એને જેમ ઠીક લાગશે તેમ કરશે.. મારા ભાગનું કામ હું કરું છું.. એના ભાગનું કામ એ કરશે.. "

મીરા નાની બહેનની સમજણને વંદી રહી. 

"ઓપરેશનનો સમય અને એડ્રેસ મને મોકલી આપજે હું ત્યારે આવી જઈશ. ".. રાતના જતા જતા મીરાએ કહ્યું.. 

"તમે હવે ધક્કો નહીં ખાતા. બધા મિત્રો માંડ ભેગા થયા છો. મજા કરજો. "

"અહીં આવી છું તો આવીશ. તારી સાથે રહેવાની મજા માણીશ. "