પ્રકરણ -૭
હોસ્પીટલનું વાતાવરણ એવું હોય છે કે સાજો સારો માણસ. માંદગીનો અનુભવ કરવા લાગે છે. દવાની વાસ.. સફેદ કપડામાં ફરતી નર્સો.. સ્ટ્રેચર લઈ આંટા મારતા વોર્ડબોય, ભારેખમ વાતાવરણ.. જીવ મુંજાઈ જાય... માધવ અને મીરા નર્સિંગહોમમાંથી બહાર આવ્યા. મિત્રો ગાડીમાં તેમની રાહ જોતા હતા. બંને ગાડીમાં બેઠા.
ક્યાં જઈએ છીએ હવે.. ? રીવર ફ્રન્ટ .. દીપકે ગાડી ચાલુ કરી. "કેમ છે તારા બનેવીને હવે.. ?"
"ઠીક છે. પગ તો વધારે ન કાપવો પડ્યો. પણ હજુ ટાંકા લીધા નથી. ડોક્ટર કહે છે રૂઝ આવે પછી પગ પેક કરશે. દિલ્લી હજુ ઘણી દૂર લાગે છે. "
"ડાયાબિટીક પેશન્ટનો એજ પ્રોબ્લેમ.. શરીરના અંગો અંદરથી ખવાઈ જાય ને ખબર પણ ન પડે. મારા બાપૂજીને પણ આવું જ થયું હતું. હાર્ટએટેક આવ્યો ને લક્ષણ કોઈ નહીં. ત્રીજા એટેકમાં તો ઉપર પહોંચી ગયા. "
"અચાનક કોઈ સ્વજન છોડીને જતું રહેં કે બહુ આઘાત લાગે. એમાં બાપૂજી એટલે માથાનું છત્ર. "
"ખરું કહે છે તું.. બાપૂજી ગયા કે હું અચાનકથી બહુ મોટો થઈ ગયો. બધી જવાબદારી જાણે માથા પર આવી ગઈ.. " દીપકનું ગળું ભરાઈ આવ્યું.
ગાડી રીવર ફ્રન્ટ આગળ આવી ઉભી રહી. ગાડી પાર્ક કરી બધા નીચે ગયા. નીચે જવા માટે લીફ્ટની સગવડ પણ હતી. નિયોન લાઈટની રોશનીમાં સાબરમતીના પાણી ઝગારા મારતા હતા. હવામાં ઠંડક સારી હતી. માણસોની અવરજવર ઓછી હતી.. બે ચાર જુવાનિયા મસ્તીમાં બેઠા હતા. એકદમ શાંતિ હતી સાબરમતીના પાણી ધીમે ચાલે વહેતા હતા. દરિયાના પાણી ક્યાં ને ક્યાં નદીના પાણી. ? દરિયો વેગથી વહે.. ઘૂઘવે.. મીરા વિચારી રહી. જીવનને પાણી સાથે સરખાવી શકાય.. ?સતત વહેતું, ઉર્જામય.. શીતળ. શું સતત વહેતા રહેવું એજ જીવનનું સત્ય હશે..
લગભગ કલાક ત્યાં બધાએ વોક લીધો. પછી લો ગાર્ડન તરફ ગયા. લો ગાર્ડન સહેલાણીઓથી ઉભરાતું હતું. લોકો ફરતા હતા.. ખરીદી કરતા હતા.. ચારો તરફ રોશની રોશની હતી. ત્યાં ફરવાની, ખાવાની બહુ મજા આવી. સેલ્ફી પોઈન્ટ પર ઢગલો ફોટો પડાવ્યા.. મોડી રાતે ઘર આવ્યા.
બધા મસ્તીના મૂડમાં હસતા હતા. દીપક બધા ફોટા વ્હોટ્સઅપ પર શેયર કરતો હતો ને સાહિલનો અમેરિકાથી ફોન આવ્યો..
હે ડેડ.. શું કરો છો. ? રીવર ફ્રન્ટ પર આંટા મારો છે.. ? તમને ખબર છે ને કોરોના વાઇરસ ને કારણે અમે અહી ઘરમાં પૂરાયા છીએ. અહીં વર્ક ફ્રોમ હોમ છે. કોલેજ, સ્કુલ,મોલ,થીયેટર બધુ બંધ છે. ત્યાં પણ બધુ બંધ કરાવ્યું છે. અને તમે લોકો આમ રખડો છો. ? તમને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ નથી આવતો. ? જરાક તો સીરીયસ થાઓ.. બધા સીનીયર સીટીઝન છો. સીનીયર સીટીઝન પર તો કોરોના વાઇરસનો ખતરો સહુથી વધારે છે. !. સાહિલ ખૂબ ગુસ્સામાં હતો.
"શ.. શ.. ધીરે બોલો.. " દીપકે બધાને કહ્યું.. "સાહિલ બહુ ગુસ્સે થયો છે. આપણે આમ બહાર ગયા માટે .. બહાર રખડવામાં આજે તો ન્યુઝ જોવાનું પણ ચુકાઈ ગયું છે. "એને ન્યુઝ ચાલુ કર્યા.
'કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ભારતીય રેલે અમૂક ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કાલે રાતના આઠ વાગે વડા પ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે.
ટીવીમાં નીચે કલીપ આવતી હતી કે આખા દેશમાં કેટલા વ્યક્તિ કોરોના પોઝીટીવ છે.. અત્યાર સુધી ફક્ત એક જ લેબ છે જ્યાં આ પ્રકારના ટેસ્ટ થાય છે.. આવા રોગીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એમના માટે પર્યાપ્ત માત્રામાં વેન્ટીલેટર કે ઓક્સિજન માસ્ક ઉભા કરવા એ પણ મોટી ચેલેન્જ થવાની છે.. મેડીકલ સ્ટાફને સંક્રમણથી બચાવા માટે જે પી. પી. ઈ. પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ પહેરવાના હોય છે. તે પણ જોઈતી સંખ્યામાં ઉપલબ્ધ નથી.. માસ્ક અને સેનીટાઈઝરની પણ અછત છે.. '
બધાં સ્તબ્ધ સાંભળી રહ્યા.. કોરોના વાઇરસને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવે? માનવામાં નથી આવતું. પણ આ હવા જોઇને તો એવું લાગે છે કે હજુ આગળ પર એવું ઘણુંય જોવામાં આવશે જે માનવામાં ન આવે.
મીરાને રાતના મોડેક સુધી ઉંઘ ન આવી. આશુતોષને કેમ રહ્યું હશે... વૈદેહી અત્યારે એકલી જ હશે.. ટ્રેન બંધ તો નહીં થઈ જાયને.. એવા બધા વિચારો મગજમાં ફરતા રહ્યા. એમાં પાછી બાજુમાં સૂતેલી શિખા મોટે મોટેથી નસકોરા બોલાવતી હતી.
એક સર્વે પ્રમાણે. નસકોરા બોલવાનું એક કારણ માનસિક ટેન્શન પણ હોઈ શકે.. આ શિખાને શું માનસિક ટેન્શન હશે.. મજાનું પોતે કમાય છે.. એક જ છોકરી છે, જે કોટા ભણવા મૂકી છે.. ઘરમાં બે જ જણ.. આને શું ટેન્શન હોઈ શકે..
કરોડોમાં મહાલતા શ્રીમંતો ટેન્શનના કારણે સૂઈ નથી શકતા ને આપણી વૈદેહી એટલી તાણ વચ્ચે પણ સૂઈ શકે છે.. ! ખરું છે ઊંઘનું ગણિત..
રાતના સપનું પણ એવું આવ્યું.. ટ્રેન દૂરથી વ્હીસલ મારતી આવે છે. પોતે સ્ટેશન પર ઉભી છે.. પણ ટ્રેન ઉભી જ નથી રહેતી.. ચાલતી જ જાય છે. પોતે ટ્રેન પાછળ દોડે છે, રોકો.. રોકો.. ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓ તેના પર હસે છે.. પોતે માધવને શોધે છે.. માધવ, આ ટ્રેન તો ઉભી જ નથી રહેતી.. આપણે ચડશું કેવી રીતે.. ? પણ માધવ કશે નથી.. ક્યાં ગયો માધવ..
એની આંખ ખુલી ગઈ. બહાર આવી તો નિલેશ ઉઠી ગયો હતો.. એને વહેલા ઉઠવાની આદત ખરીને.. બહારગામ જાય તોય છ વાગ્યામાં બેઠો થઈ જાય. સીમાને ઉઠાડે.. ચા મૂકને.. ને સીમાનું મગજ જાય.. બહારગામએ જંપતા નથી.
"ગુડ મોર્નિંગ મીરા. "... "ગુડ મોર્નિંગ, વહેલા ઉઠી ગયા.. ?"
"હા વિચાર આવ્યો. ચોટીલા જવું છે.. ?".. "ચોટીલા.. ? આજે? એ તો કેટલું લાંબે છે. " ખરા છે આ.. કાલે આટલો હોબાળો થયો ને આજે આમને ચોટીલા જવું છે?
"લાંબે ક્યાં. બે અઢી કલાક થાય.. હમણા નીકળીએ તો રાત સુધી તો આવી રહીયે. "
બધાં એક પછી એક ઉઠી નાસ્તામાં જોડાયા.. "તું શું કહે છે દીપક? જવું છે ચોટીલા. ?"
"બધાની ઈચ્છા હોય તો જઈએ,પણ ત્યાંના પાંચસો પગથીયા ચડવાની તાકાત છેને.. હું તો નહીં ચડું. " દીપકે હથિયાર હેઠાં નાખ્યા. "હું તો નીચે ગાડીમાં બેસી રહીશ. "
"મારો પણ મૂડ નથી. " માધવે નનો ભણ્યો. આમેય એને દેવસ્થાનોમાં થતી ગિરદીની એલરજી હતી. નિલેશે આશા ભરી આંખે મીરાંને જ્યોતિ તરફ જોયું. આ બે ભક્તાણી હા પાડશે તોજ પ્રોગ્રામ બનશે.
જ્યોતિના મનમાં કઈંક બીજું હતું. "રાતના વાત થઈ હોત તો વહેલા ઉઠત.. હવે આટલા જણ પરવારીને નીકળીયે તો બહુ મોડુ થઈ જાય. ઘરેજ શાંતિથી બેસીશું. દેવાંગ આજે ઓફિસેથી વહેલો આવવાનો છે. એણે કહ્યું છે.. જમવા માટે આજે આણંદ ઢાબા પર જઈશું.. "
"છેક આણંદ જમવા.. ? એ પણ ઢાબા પર.. ?અમદાવાદમાં હોટેલની કમી છે શું. ?" દીપકને આજે મન નથી કે કાલે સાહિલે ઠપકો આપ્યો એટલે હશે.. ? "આજે સાંજના તો વડા પ્રધાન દેશને સંબોધિત કરવાના છે. "
"ભલે ને કરતા.. મેં નક્કી કર્યું છે, મારે જવું છે. " જ્યોતિ ફેસલો સુણાવી દીધો.. દેવાંગ વહેલો આવવાનો છે.. આ બહાને બધા સાથે લોંગ ડ્રાઈવ પર જશું.
દીપકની નારાજગી છતાં સાંજના બધા આણંદ ઉપડયા. દેવાંગ એના મિત્રની મોટી ગાડી લઇ આવ્યો હતો, બધા સાથે જવાય. હાઈવે પર ઘણી ગાડીઓ દેખાતી હતી. આઠ વાગ્યાને દીપકે રેડીઓ ચાલૂ કરાવ્યો. અત્યારે વડા પ્રધાન દેશને સમ્બોધિત કરવાના હતા.
પી. એમે કોરાના વાયરસથી ફેલાતી સંક્રમિત બીમારીથી સહુને સજાગ કર્યા. આ બીમારી રોગીના બીજા વ્યક્તિના સાથે સંસર્ગમાં આવવાથી ફેલાય છે. રોગને વધારે ફેલાવાથી રોકવા માટે સોશિઅલ ડિસ્ટન્સરાખવું. લોકોને અનુરોધ છે કે કામ વગર લોકો ઘરની બહાર ના નીકળે. સીનીઅર સીટીઝન, બાળકોએ બંને ત્યાં સુધી ઘરમાં જ રહેવું.
રવીવાર બાવીસ માર્ચે એક દિવસનું લોક ડાઉન જાહેર કર્યું. એ દિવસે સંપૂર્ણપણે લોકો ઘરમાં જ રહેશે. ઘરથી બહાર નહીં નીકળે.
આ બીમારીથી ઈલાજ કરતા ડોકટરો,નર્સો,પેરા મેડીકલ સ્ટાફ... કાયદો અને વ્યવસ્થા સંભાળતા પોલીસો,જવાનો,સફાઈ કર્માંચારીયોનો તેમણે આભાર માન્યો,જે આ ખતરનાક બીમારીથી ડર્યા વગર પોતાનું કામ કરે છે... પોતાની ડયુટી કરે છે.
તેમણે જનતાને અપીલ કરી કે રવિવારે સાંજના પાંચ વાગે સહું પોતાના ઘરની બાલકની,બારી કે વરંડામાં ઉભા રહી આ કોરોના વોરીયર્સ માટે સન્માન પ્રગટ કરે.. થાળી,શંખ. ઘંટ આદી વગાડી તેમના પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કરે.
પી. એમનો સંદેશો સાંભળી બધા ગંભીર થઈ ગયા. "મેં ના કહીતી આટલે લાંબે આવવાની. " દીપકે પોતાની નારાજગી બતાવી.
'લોક ડાઉન રવિવારે જાહેર થયું છે,આજનું નહીં. "
"ભલે. પણ આપણે જો સ્વેચ્છાએ ઘરમાં નહીં રહીએ તો કમ્પલસરી ઘરમાં પૂરવામાં આવશે. "
મમ્મી પપ્પાની બહસમાં દેવાંગ વચમાં પડ્યો.. "ઓકે.. હવે જયારે આવી જ ગયા છીએ તો વ્હાય સ્પોઈલ ધ મીલ. હવે શાંતિથી જમીએ. ?"
ઢાબામાં ખૂબ ગિરદી હતી રાતના નવ વાગે પણ બધાં સાથે બેસી શકે, એવો મોટું ટેબલ માંડ મળ્યું. ત્યાં રસોઈ પારમ્પરિક રીતથી બનાવવામાં આવતી હતી. ચૂલા પર રોટલીઓ શેકાતી હતી.. ગામડાનો આભાસ ઉભો થતો હતો. કાંચની રંગીન બોટલોમાં મસાલા છાસ આવી.. જમવાનું પણ સ્વાદિષ્ટ હતું..
ત્યાંથી નીકળ્યા તો ઘડીયાળ બાર વગાડતી હતી. શિખા કહેતી હતી.. અમદાવાદ આવ્યાને કઈ શોપિંગ તો કર્યુજ નહીં.
"કાલે જશું. ટ્રેન તો ત્રણ વાગ્યાની છે. સવારનો ટાઇમ તો આપણા હાથમાં છે. " દીપકે માથે હાથ દીધો.
અને ખરેખર સવારે ચારેય બહેનો શોપિંગ માટે ઉપડી. !બહારગામ જઈએ તો શોપિંગ તો કરવું જ રહ્યું.. ડ્રેસ મટીરીયલ, કૂર્તી, નાસ્તો,મુખવાસ.. બધાએ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી. આ બધુ મુંબઈમાં નથી મળતું.. ? શિખા હસી પડી.. ના.
વૈદેહીનો ફોન આવ્યો. "મીરા દી.. હમણા ન્યુઝ જોયા. ? ટ્રેનો તો બધી કેન્સલ થાય છે. "
"હા, પણ અમારી ટ્રેન ચાલૂ છે. બપોરે નીકળીશું. ".. "થેંક ગોડ. મેં એટલે જ ના પાડી હતી આવવાની"
'એમાં મુન્જાવું શું.. ટ્રેન બંધ હોત તો તારા ઘેર ધામા નાખત ને.. આમેય તારી રસોઈના બહુ વખાણ સાંભળ્યા છે. મન ભરીને ખાત ને.. "વૈદેહી હસી પડી.. "શીખી તો તમારી પાસેથી જ ને.. "
ફટાફટ પરવારી ટેક્સી કરી બધાં સ્ટેશન પર આવ્યા. ટ્રેનમાં બેસીને જોયું તો સીતેર ટકા ડબ્બો ખાલી હતો.. !
ઘરે પહોંચી હાશ થઈ.. દુનિયાના કોઈ પણ ખૂણે જાવ.. પણ ઘર જેવી નિરાંત ક્યાંય નથી.