આભનું પંખી - 6 Kamini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આભનું પંખી - 6

પ્રકરણ -૬

સવારે પરવારી મીરા હોસ્પિટલ પહોંચી.. વૈદેહી બધી તૈયારી કરીને જ આવી હતી. “બા.. ?”  “ બા ઘરે જ છે.. અત્યારે ખોટો ધક્કો શું ખાય. સાંજના ઓપરેશન પતે પછી ફોન કરીશ. આશુને જે ખાવાનું હશે તે પ્રમાણે બનાવીને લેતા આવશે. ”

પલાશ અને સેજલ દુબઈ ગયા પછી તેમનો રૂમ ખાલી થયો હતો તેમાં એક પેઈંગ ગેસ્ટ રાખી લીધી હતી.. પલ્લવી.. મહિનાના દસ હાજર ભાડુ મળતું.. થોડી ઘણી રાહત થઈ જતી. ખાસ તો બા ઘરે એકલા છે.. એવી ચિંતા પણ રહેતી નહીં. છોકરી સારી હતી. બાનું ઘણું ધ્યાન રાખતી. 

"બાનું શરીર સારું ચાલે છે,આ ઉંમરે. એકલા બધે આવી જઈ શકે છે.. ?"

"હા તો.. સાંજના એક કલાક ચાલવા જવાનો વરસોનો નિયમ છે એમનો. રસોડું પણ હજુ છોડ્યું નથી. મારા ટિફિનના કામમાં પણ બહુ મદદ રહેતી એમની. એ જ એમના જીવવાનું બળ છે.. "

ત્યાંજ અભય ડોકાણો. "કેમ છો ભાઈ.. ?"... "હવે તો જટ ઉભો કર,તો મજામાં થાઉં. "આશુતોષ હવે કંટાળ્યો હતો. 

"બસ તો આજે એમ જ કરીએ. ડોક્ટર આવતા જ હશે. ત્યાં સુધી હું એનેસ્થેસિયા આપી દઉં. "અભયે પોતાનો સરંજામ ખોલ્યો. બે વોર્ડબોય તેને મદદ કરવા આવી ગયા. 

અભય એકાગ્રતાથી સીરીન્ઝ વાટે પ્રવાહી પગની નસોમાં ચડાવી રહ્યો.. કમરની નીચે બે ઇન્જેક્શન આપ્યા. મીરા એની એકાગ્રતા જોઈ રહી. આ ડોકટરો ભગવાનની ક્ક્ષાનાં નહીં. ?

ડોક્ટર આવ્યા એટલે આશુતોષને સ્ટ્રેચરમાં ઓટીમાં લઇ ગયા. વૈદેહીએ હાથ જોડ્યા ઈશ્વર સહું સારું કરજે... ને પલાશનો ફોન આવ્યો.. હા બેટા,હમણાજ પપ્પાને ઓટીમાં લઈ ગયા છે. બહાર આવે એટલે તને ફોન કરું. 

સવારથી ચાર ફોન આવી ગયા છોકરાના. દૂર હોય એટલે વધારે ચિતા થાય. બને બહેનો એક બીજાનો હાથ પકડીને બેઠી. "વૈદેહી યાદ છે.. આપણા દાદાને હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે આપણે બંને આમજ બેઠા હતા. "

"હા દી.. દાદાને તો ઘણી વાર યાદ આવે. તેમનું વહાલ.. તેમની શિખામણ. મોટા અવાજે વંચાતી ગીતા. મને તો ઘણી વાર સપનામાંએ દાદા આવે છે. "

"દાદાને તું વ્હાલી પણ બહુ હતી.. તને વ્હાલથી 'માતા' કહેતા. કેવા સોનેરી હતા એ નાનપણના દિવસો.. ખુલ્લી અગાસીમાં કેવું રમતા.. 'પીપી ફૂર્રે '... 'પીડ્ડું', ખોખો... રમતા થાકીએ કે બા ખીચું કે વઘારેલી રોટલીનો નાસ્તો આપે.. કેવી મજા આવતી ખાવાની.. નહીં.. તમારી પેલી ફ્રેન્ડ,"મિસ ચમકો. "

"એ તો હવે ડોક્ટર બની ગઈ છે".. "શું વાત કરો છો.. ત્યારે તો મોઢાં પર માંખ નહોતી ઉડતી. "

"હવે બીજાના મોઢાંની માંખ ઉડાડે છે".. બંને બહેનો જુની વાતો યાદ કરી હસતી હતી, મનના અજંપાને દૂર કરવાની કોશીશ કરતી હતી. 

ઓપરેશનનો સમય બે કલાકનો કહ્યો હતો. પણ અભય એક કલાકમાંજ આવ્યો. વૈદેહી ઉભી થઈ ગઈ. શું થયું.. "થઈ ગયું".. "આટલી જલ્દી.. ?તું તો કહેતો હતોને.. "

"ભાભી,એક ગુડ ન્યુઝ છેને એક બેડ ન્યુઝ . ".. "ભાઈ, તું ઉખાણા કર્યા વગર સીધું બોલ ને.. શું થયું છે. ?"

"ભગવાનની દયાથી અડધા પંજા સુધીનો પગ જ કાપવો પડ્યો. વધારે ન કાપવો પડ્યો. " "અને બેડ.. ?"

"હજુ ડોકટર ટાંકા લેવાની ના કહે છે. આ ઘાને પહેલા રુજાવા દઈએ. પછી જ ટાંકા લેશું. પંદર દિવસ હજુ જોઈએ. ત્યાં સુધી એકાંતરે ડ્રેસીંગ કરાવવાની. "

વૈદેહીએ ઈશ્વરનો આભાર માન્યો. પગ તો બચી ગયો. આપણે તો કેવા કેવા વિચાર કરતા હતા. અપંગ... જયપૂરી ફૂટ પહેરવાનો.. એ બધામાંથી મુક્તિ. 

થોડી વારમાં આશુતોષને બહાર લાવ્યા. એ હજુ ઘેનમાં હતો. ભાઈને હજુ ઘેન છે. કાલે હું સવારે પાછો આવું છું. કહી અભય નીકળી ગયો. "દીદી તમે પણ નીકળો હવે. રાત પડી ગઈ છે.. "

"થોડી વારમાંમાધવ આવે છે. આશુતોષને જોવા,.. "માધવ આવ્યો ત્યારે આશુને થોડું ભાન આવ્યું... કેમ છે હવે.. ઠીક છે.. કેટલો પગ કાપ્યો.. હવે તો હું ઉભો થઈ શકીશને.. હા. આશુ હમણા તું સૂઈ જા. 

મીરા અને માધવ પણ થોડી વારમાં ગયા. આશુતોષ પાછો સૂઈ ગયો હતો. એ આશુના માથા પર હાથ ફેરવી રહી.. 

રાતના અંધારા ધરતી પર ઉતરી આવ્યા હતા. આશા નર્સિંગહોમ જંપી ગયું હતું. બહાર રીસેપ્શન પર બેઠેલી નર્સ પણ ઝોંકા ખાતી હતી. આજે વૈદેહીના આંખોમાં ઉંઘ નહોતી.. આજે મીરાદીદી સાથે વાત કરી એમાં જૂના દિવસો યાદ આવી ગયા. યાદ આવ્યા તે દિવસો જયારે તે પરણીને આવી હતી. 

ઘરમાં એનું સ્વાગત રાણીની જેમ કરવામાં આવ્યું. દાદા સસરાનું બહુ માન હતું ગામમાં.. વૈદેહીને અનેક સમારંભોમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવતી. વૈદેહીનો કંઠ મધુર,નવરાત્રીમાં તો છવાઈ જતી.. સોનેરી દિવસો હતા એ.. રાતના બંગલાની બહાર આખો પરિવાર ભેગો થઈ મજા કરતો.. ક્યારેક અન્તાક્ષરી.. ક્યારેક પત્તા.. તો કયારેક દમશેરા.. સામેના બંગલામાં રહેતા ડોક્ટર કાકા,એમના વાઈફ ડો. માસી, બાળકો મિતાલીને અભય પણ સાથે ભળતા. અભય અને મિતાલી મોટા.. પણ લગભગ ચારેય બાળકો સાથે જ રમતા. 

ડો. માસી તો સવારમાં હોસ્પિટલ માટે નીકળી જાય.. બંને બાળકોને સ્કૂલબસમાં મૂકવા બાઈ આવતી. અભય સામેથી પૂછતો.. ભાભી.. પલાશના ટિફિનમાં શું મૂક્યું છે. ?બંને પરિવારોમાં બહુ સંપ હતો. 

પહેલા દાદા અને ટૂંક સમયમાં પપ્પા પણ પરલોક સિધાવ્યા. બધી જવાબદારી આશુ પર આવી.. આશુને નવું સાહસ કરવું હતું. ગામની બહાર નવી ફેકટરી નાખી. સવારે પેઢી પર જતો.. બે વાગે સ્કૂટર લઇ ફેક્ટરી પર નીકળી જતો.. 

"વૈદેહી.. આજે તું ફેકટરી પર જશે. ?. મારે આજે કોર્ટમાં કામ છે. અને ફેક્ટરી પર આજે બાયર્સ આવવાના છે. એમને માલના સેમ્પલ દેખાડવાના છે. માલિકનું રહેવું જરૂરી છે. "

"હું.. ? મને તો કઈં ખબર નથી.. હું શું કરીશ જઈને.. "

"ખબર કેમ ન પડે. ભણેલી નથી તું.. ? કરવાનું તો બધું મેનેજર સુભાષ કરશે.. તારે તો ફક્ત માલિક તરીકે ઉભા રહેવાનું છે. "

"પણ મને એ બધુ નહીં ફાવે. "વૈદેહીએ સાસુ સામે જોયું. "કામ કામને શીખવાડે. બેટા. આશુ કહે છે તો જા ને.. મોહાને પલાશની ફીકર નહીં કરતી. હું છું ને.. "

બસ ત્યારથી વૈદેહી ફેક્ટરી જતી થઈ.. ગાડી ચલાવતી થઈ.. બેંકમાં. ઓફિસમાં.. કોર્ટમાં. આશુની સાથે ખભે ખભો મિલાવતી થઈ ગઈ. 

એક દિવસ આશુએ ધડાકો કર્યો. આ નાના ગામમાં કઈ વળે નહીં. આપણે અમદાવાદ શિફ્ટ થઈ જઈએ. મોહાને તો આપણે ભણવા ત્યાં મૂકી જ છે. હવે પલાશ પણ કોલેજમાં આવશે. 

'અહીની આપણી પેઢી.. ફેક્ટરી.. એનું શું. ?"

"મારી બે ત્રણ વેપારી સાથે વાત થઈ છે.. હું નવો બિઝનેસ સેટ કરવા માંગું છું. અહીંની પેઢી તો ચાલતી રહેશે.. મેહતાજી છેને.. હું પણ આવતો જતો રહીશ. "

આશુની મહત્વાકાંક્ષા એને અમદાવાદ લઈ આવી. એક પછી એક સફળતાની સીડિયો ચડતો ગયો. એની આંખોએ જોએલા સપના પૂરા થયા હતા. મેહનત પણ એવી કાળી કરી હતી. વૈદેહી દરેક પગલે સાથે જ હતી,તેના દરેક સાહસમાં. સવારથી બંને ગાડી લઇ સાથે ફેક્ટરી પર નીકળી જતા. છેક સાંજે આવતા. ઘર નીલાબહેને સંભાળી લીધું હતું. 

મોહા કમ્પ્યુટર એન્જીનીયર થઈ.. તરત એને ઇન્ફ્રોસીસમાં સારી જોબ મળી ગઈ.. પલાશ હોશિયાર બહુ.. પણ નસીબનો બળિયો.. છ વાર એક્ઝામ આપી.. સીએની છેલ્લી પરિક્ષામાં નીકળી ન શક્યો. અંતે થાકીને પપ્પાની ફેકટરીમાં જવાનું ચાલુ કર્યું. 

આશુતોષનું કામ પણ બહુ વધી ગયું હતું.. હવે માલ એક્ષ્પોર્ટ પણ થતો. કામના કારણે બહાર જવાનું પણ બહુ થતું. વૈદેહી અને આશુતોષ ગાડી લઈને નીકળી પડતા. રાત પડતા પાછા આવી જતા. 

રાતના ડ્રાઈવ શું કામ કરો છો. ? મીરા ચિડાતી.. રાતના કોઈ હોટેલમાં રાતના સૂઈ રહેતા હોવ તો.. 

સવારે પાછી ફેકટરી પર જવાનુંને દીદી.. વૈદેહી આશુતોષનો બચાવ કરતી.. 

આમ જ દિવસો પંખ લગાવીને ઉડતા હતા.. પોશ એરિયામાં પેન્ટ હાઉસ લીધું.. ત્રણ ગાડીઓ હતી.. સુખ અને સમૃદ્ધિમાં આળોટતી હતી વૈદેહી. આશુતોષને સંતોષ હતો.. પૂર્ણ સંતોષ. જીવનમાં જે ઈચ્છીયું એ મેળવ્યું.. હવે તો પલાશ પણ ઘડાતો જતો હતો.. 

મોહાને સરસ ઠેકાણે પરણાવી.. રાજ જેવો જમાઈ મેળવી વૈદેહી હરખાઈ ગઈ.. પલાશના લગ્ન પણ રિસોર્ટમાં ધૂમધામપૂર્વક કર્યા.. 

કઈ કેટલાયને મદદ કરતી વૈદેહી.. કેટલી સખાવાતોમાં દાન આપ્યા. ફેકટરીના દરેક મજૂરના બાળકોને ભણાવવાની જવાબદારી એને લીધી હતી. વરસમાં એક વાર બધી જ મજૂર બાઈઓને વૈદેહી જાત્રાએ લઇ જતી. ક્યારેક મથુરા વૃંદાવન.. ક્યારેક દ્વારકા.. સોમનાથ.. તો ક્યારેક ત્રંબકેશ્વર.. એ ગરીબ બાઇઓના મોઢાં પરનો આનંદ જોઈ વૈદેહીને પોતાના જીવનનું સાફલ્ય લાગતું.. 

'એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી' .. કિસ્મતે પલટો ખાધો.. એક્સપોર્ટનો મોટો કંસાઈંટમેન્ટ રીજેક્ટ થયો.. મોટા પાયે નુકસાની થઈ. બેન્કમાંથી સમન્સ આવવા લાગ્યા. વકીલે સલાહ આપી.. નાદારી નોધાંવી દયો.. એક વાર ઘર ભેગું કરી નાખો બધુ.. પણ ખમીરવંતો ગુજરાતી. ! આશુતોષે વાત નકારી.. 

મારા ઘરની ચાવી આ રહી.. ફેકટરીની જગ્યા ભાડાની છે.. પણ મશીનરી છે.. બધું લઇ લો.. મને મુક્ત કરો.. તેને મેનેજરને કહ્યું.. હજુ આ બાવડામાં જોર છે. ઈશ્વરની ઈચ્છા હશે તો કાલે બીજી ફેક્ટરી થશે. મને મારા માથા પર કોઈનો કરજ ન જોવે.. બધુ સોંપી ભાડાના ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા. 

પલાશ બહુ નાસીપાસ થઈ ગયો.. વૈદેહી હિમ્મત આપતી.. ચડતી પડતી તો આવ્યા કરે.. આ દિવસો પણ નહીં રહેં. પલાશને ફીકર હતી સેજલની,પોતાના આવનારા બાળકની. એને હવેપોતાનું ભણતર અડધેથી મૂકવાનો બહુ અફસોસ થતો. સી. એ. ની ડીગ્રી હોત અત્યારે પાસે, તો ક્યાંક જોબ તો મળત.. અલગ અલગ બે ત્રણ ધંધો કરવાની કોશીશ કરી પણ કઈં જામ્યું નહીં. ધંધો કરવા મૂડી જોઈએ.. ધીરજ જોઈએ.. જે એની પાસે નહોતી. 

અંતે તેના એક મિત્રે ઓફર મૂકી.. દુબઈમાં એક સારી જોબ છે... જો તું જાયે.. થાકેલા, હારેલા પલાશે તરત હામી ભરી દીધી. સેજલ અને નાનકી માહીને મૂકી તે એકલો દુબઈ ગયો. 

આશુતોષ એની રીતે મહેનત કરતો હતો. પણ નસીબ આડે પાંદડું આવું હતું.. જે હટવાનું નામ નહોતું લેતું. 

કાલની સવાર કેમની ઉગશે.. વૈદેહીને ચિંતા થતી.. ઘર ચલાવવા કઈક તો કરવું રહ્યું. પોતે કોઈ જોબ પણ લઇ શકે. પણ અત્યારે સેજલ અને નાના બાળકને છોડીને કેમ જવાય.. આશુ પણ મુંજાયેલો છે. તેને પણ મારી જરૂર છે. દસથી આંઠની નોકરી મારે કરવી નથી. 

ઘણી ગડમથલ પછી એને નક્કી કર્યું કે પોતે ટિફિન બનાવશે. આ સોસાઈટીમાં ઘરથી દ્દૂર જોબ કરવા માટે ઘણાં પુરુષો રહેતા હતા.. તો હસબંડ વાઈફ બંને જોબ કરતા હતા.. ઘણાં વિદ્યાર્થી ભણવા માટે ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા. 

બીજે જ દિવસે સવારે સોસાઈટીના દરેક ઘરને દરવાજે 'શ્રીજી ટિફિન સર્વિસ'નું હેન્ડમેડ પેમ્પલેટ હતું. !દસ વાગ્યામાં તો એનો ફોન રણકવા લાગ્યો.. 

ધીરે ધીરે દુકાન ચાલી નીકળી. હવે વૈદેહીનો દિવસ સવારે ચાર વાગ્યામાં શરું થતો... ઉઠીને પહેલું કામ કૂકર મુકવાનું.. પછી જ બ્રશ... સવારે નાસ્તાના ખૂબ ઓર્ડર રહેતા.. પછી લંચ અને ડીનર.. શ્વાસ લેવાનો વખત પણ મળતો નહીં. આખો દિવસ ફોન રણકતો રહેતો. 

શરુવાતમાં તો આશુતોષ પોતે ટિફિન ડિલીવરી માટે જતો.. રસોઈનો મોરચો બા અને વૈદેહી સંભાળતા. બે ત્રણ મહિનામાં તો સરસ કામ જામી ગયું.. દિવસના સાઈઠેક ટિફિન થઈ જતા, વૈદેહીએ બે ત્રણ બાઈઓ અને એક ડીલીવરી બોયને કામ પર રાખી લીધો. આશુતોષ હિસાબ રાખતો.. ખૂટતો માલ ફોન પર ઓર્ડર કરતો. 

છ મહિનામાં સેજલ અને માહી પણ દુબઈ ગયા.. હવે તો ઘરમાં ત્રણ જ જણ.. નવરી પડેલી વૈદેહીએ   પાર્ટીનાઓર્ડરપણલેવાનાચાલુ કર્યા. બપોરનો સમય સુકો નાસ્તા. ચકરી.. સેવ.. પૂરીબનાવવામાં જતો. નીલાબહેનના હાથનો મોહનથાળ.. ગોળપાપડી.. કોપરાપાક.. કાજુકતરીની ખૂબ ડીમાંડ રહેતી. જેને કામ કરવું જ છે, તેને મળી જ રહે.. વૈદેહી પાછી બેઠી થઈ ગઈ. તેની આ ટિફિન સર્વિસે ડગમગતી નાવને પાછી સ્થિર કરી દીધી. 

ટન ટન ટન ટન... ઘડિયાળમાં ચારના ટકોરા થયા.. વૈદેહી ઝબકી ગઈ.. ઓહ ચાર વાગી ગયા. તેને સુતેલા આશુતોષ સામે જોયું. નાઈટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં એક નિર્દોષ બાળક જેવો દેખાતો હતો.. ઉઠીને પૂછશે.. હજુ ટાંકા નથી લીધા.. ? હવે મારે કેટલો વખત સૂઈ રહેવાનું છે.. ?

વૈદેહી પાસે આનો કોઈ જવાબ નથી..