આભનું પંખી - 4 Kamini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આભનું પંખી - 4

પ્રકરણ-૪

રાતના ઘેરો અંધકાર મીરાની આંખમાં અંજાયો હતો. રાતની ઊંઘમાં દૈહિક અને માનસિક અનેક સમસ્યાઓ શમી તો નથી જતી, પણ ભૂલાઈ અવશ્ય જવાય છે. મીરાંની આંખોમાં આજે ઉંઘ પણ નહોતી. સામેની બારીમાંથી તારા મઢેલું આકાશ દેખાતું હતું. 

યાદ આવ્યું.. ગામનું ખુલ્લું તારા મઢેલું આકાશ... મીરાદી.. આ તારા સાચા હોય.. ? હાસ્તો.. તો પછી સવારે કેમ જતા રહેં.. ? વૈદેહીના પ્રશ્નો અનંત હતા.. જતા ના રહેં પણ સૂરજનાં તેજ પ્રકાશમાં દેખાય નહીં. સામાન્ય કરતા જરાક અલગ જ હતી વૈદેહી. હમેશાં હસતી.. ક્યારેય એના મોઢાં પર ફરિયાદ ન હોય.. સહનશીલ તો એટલી જાણે ધરતી.. મીરા કહેતી.. તારું નામ વૈદેહી એકદમ બંધ બેસતું છે. 

આખુ ઘર તાવમાં સપડાયું હતું.. મા, દાદી, વિનય અને પોતે.. વૈદેહી દોડી દોડી બધાની સેવા કરતી હતી.. બધાં માટે ચા કરવી, દવા આપવી, ગરમ પાણીની થેલી,.. એક બૂમ મારો.. કે હાજર. પપ્પાએ ઘરે જ ડોકટરને બોલાવ્યા.. ડોકટરે બધાને તપસ્યા.. દવા આપી. દાદી કહે.. આ છોકરીને પણ જોઈ લો. સવારથી બધાની સેવામાં લાગી છે.. પાછી એ માંદી ન પડે. ડોકટરે એનો તાવ માપ્યો તો ૧૦૨ ડીગ્રી.. ! અમારા બધાથી વધુ.. આવા તાવમાં હસતા મોઢે બધાની સેવા કરતી હતી.. આવી તો કેટલીય યાદો હતી વૈદેહી સાથેની.. 

નાનપણમાં જ માએ શ્રદ્ધાના બીજ રોપ્યા હતા. ભોળા શંકર ભગવાન પર બહુ શ્રદ્ધા બંને બહેનોને.. સાકરિયા સોમવારના વ્રત સાથે જ તો કર્યા હતા.. શંકરનું એ મંદિર,એના પ્રાંગણમાં મહેકતું ચંપાનું વ્રુક્ષ.. અને પેલો કુંવો.. જેમાં સાકરના પ્રસાદની પડીકી નાખી, બંને સાથે જોરથી બોલતી .. હર હર મહાદેવ.. આ મહાદેવ જ ફળ્યા હતાને. 

વૈદેહીના લગન થયા ત્યારે મીરા, બહેન માટે ખૂબ ખુશ હતી. સમૃદ્ધ પરીવાર.. સમજદાર પતિ, પ્રેમાળ સાસરું, નગરશેઠની પોત્રવધુ હતી એ હવે.. દોમ દોમ સાહ્યબી હતી. વૈદેહી પણ દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી પરીવારમાં. તેનું ઠરેલપણું, સમજદારીના વખાણ બધે થતા. 

પહેલી વાર પીયર આવી ત્યારે કેવું સુખથી ભરેલું મોઢું હતું એનું.. કોની નજર લાગી હશે.. ? એ વૈભવ, જાહોજલાલી બધું એક ઝાટકે જતું રહ્યું.. વૈદેહીએ કોઇ દિવસ ફરિયાદ નથી કરી એની.. અને હવે આશુતોષની બીમારી.. 

મીરાને થયું મારે જવું જોઈએ.. એ ભલે ના પાડે. અત્યારે પોતે મોટી બહેન.. માબાપની જગ્યા પર છે.. કાલે જ માધવને વાત કરી ટિકિટ મંગાવી લઉં. એક વાર વૈદેહી પાસે જઈ આવું.. મીરાએ નક્કી કર્યું.. પછી જ એને ઉંઘ આવી. 

સવારે જ મીરાંએ માધવને કહ્યું.. "મારે અમદાવાદ જવું છે".. "અત્યારે. ? અત્યારે જવું છે.. ?"

" મજાક છોડો.. આશુતોષને પગમાં બે વાર ઓપરેશન કરાવ્યું. એને જોવા મારે જવું છે. "

" ભલે, તું કહે ત્યારની આપણી બેની ટિકિટ કઢાવી લઉં.. હું પણ આવીશ. "

મીરાએ ફોન કર્યો વૈદેહીને.. "કેમછે આશુતોષને. ?

"ઠીક છે. હજુ ઘા રૂઝાતો નથી. ડોકટરે હજુ ટાંકા લીધા નથી. ડ્રેસિંગ કરીને પાટો બાંધી દીધો છે. કહે છે પહેલા ઘા રૂઝાવા દો. પછી ટાંકા લેશું. "

"ઓહ.. તો બહુ દુખાવો હશેને.. ?"

"એજ વાંધો છે ને. દુખાવો નથી થતો.. ડાયાબિટીઝને કારણે ચામડી બધિર થઈ ગઈ છે. કોઈ સેન્સેશન જ નથી. બહારથી ખબર ન પડે પણ અંદર સડો વધતો જાય. "

"તો હવે.. કેમનું કરવાનું. ?"

"વેટ એન વોચ.. એકાંતરે ડ્રેસિંગ કરાવવા જઈએ છીએ. ભગવાનને પ્રાર્થના કરું છું, ઘા રુઝાઈ જાય.. એ સિવાય તો શું કરી શકું. "

"વૈદેહી, મેં આજે જ માધવ સાથે વાત કરી. અમે બંને આવીયે છીએ. ટિકિટ મળે એટલે ફોન કરું. "

સવારે મીરાએ વાત કરી.. "આઠમી માર્ચે સવારે અહીં મુંબઈમાં જ મારો એક પ્રોગ્રામ છે. અને હા, સાંજે  મેં આશુતોષના સારા સ્વાસ્થ માટે ઘરે પૂજા રાખી છે. કથા રાખી છે. એ દિવસે હોળીની પૂનમ છે ને. "

"સારું કર્યું. તો હવે ટિકિટ ક્યારની લઉં. ? આવતા રવીવારે.. પંદર તારીખની લઉં. ?"

"હા. પંદરમીની રાતની અથવા સોળમી સવારની જે મળે તે ટિકિટ લઇ લેજો. આવા સમયે આમેય ત્યાં બહુ રોકાવું ઠીક નથી. બીજા દિવસની રિટર્ન ટિકિટ પણ લઇ લેજો. "

 

મીરાને સંગીત અને સાહિત્યમાં રુચિ હતી. બધી જવાબદારીઓ પૂર્ણ થઈ પછી પોતાના સમયનો ઉપયોગ કરી પોતાના આ શોખ પૂરા કરી રહી હતી.. કહે છે ને લાઈફ બીગેન્સ એટ ફોર્ટી. બીજી ઈનીંગ્સને ભરપૂર માણી રહી હતી.. મા પાસેથી બંને બહેનોને સુરીલા કંઠનો વરસો મળ્યો હતો. સુગમ સંગીતના વર્ગોમાં જતી. સાહિત્યિક કાર્યક્રમોમાં જતી.. 

જીવનના ઉત્તરાર્ધમાં જો આવી કોઈ મનગમતી પ્રવૃત્તિ ન હોય તો જીવન અકારું થઈ જાય છે.. યુવાન સંતાનો પોતાની રીતે ગોઠવાઈ ગયા હોય.. જીવનમાં એક ખાલીપો સર્જાઈ જાય.. પછી એ ખાલીપો માનસિક અને શારીરિક સંતાપમાં પરિવર્તિત થઈ જાય.. ભારતીય સ્ત્રીઓ પચાસ વરસની ઉમર સુધી ઘર પરિવારમાં એવી રચીપચી રહેં છે કે પચાસ પછી તેમને કઈ નવું સુજતું નથી. 

આંઠ માર્ચ .. વિશ્વ મહિલા દિન. આખા વિશ્વમાં આ દિવસે નારીને લગતા પ્રોગ્રામ થશે.. ભાષણો, ડીબેટ,નારીના ઉદ્ધાર અને ઉત્થાન માટેના ઉપાયો ચર્ચાશે. મીરાં એક સાહિત્ય સંસ્થામાં સેક્રેટરી હતી. એ સંસ્થાનો એક કાર્યક્રમ આઠમી માર્ચે સવારે યોજવામાં આવ્યો હતો. અને તેજ દિવસે ઘરે પૂજા હતી. 

નારી દિવસના ઉપલક્ષમાં બીજો કાર્યક્રમ પંદરમી માર્ચે હતો. તેમાં સ્ત્રીઓએ લખેલા.. સ્ત્રીઓએ સંગીતબદ્ધ કરેલા ગીતો સંસ્થાની બહેનો રજુ કરવાની હતી. મીરા હમણા તેના રિહર્સલમાં વ્યસ્ત હતી. સેક્રેટરી હોવાના કારણે કાર્યક્રમની રૂપરેખા,હોલનું બુકિંગ,બેનર.. એ બધા કામો પણ તેણે જ જોવા પડતા. 

સાંજના રિહર્સલમાંથી ઘરે આવતા મીરા છોકરાઓ માટે પિચકારી લેવા ગઈ,પૂજામાં આવશે ત્યારે આપી દેવાશે. એક ઘરાક પૂછતો હતો.. "યે પિચકારી ચાઈના કા હે.. ?"

દુકાનદાર કહેતો હતો.. "નહીં સાબ, યે કોરોના વાલા પિચકારી નહીં હે. ઇસમેં કોરોના વાલા કોઈ બાત હી નહીં હે.. "એ બંને નો સંવાદ સાંભળી મીરાને હસવું આવ્યું.. 

ઘરે આવી.. કે માધવનો ફોન આવ્યો.. "દીપકનો ફોન હતો આજે. એ લોકો આવતા અઠવાડિયે અમદાવાદ જવાના છે. કહેતો હતો કે તમે આવો છો,તો બેચાર દિવસ મારે ઘરે આવજો. દેવાંગે નવું ઘર લીધું છે.. "

"ભલે, તમને ઠીક લાગે તેમ. ".. દીપક માધવનો બચપનનો દોસ્ત.. એકજ બિલ્ડીંગમાં રહેતા.. કાલાંતરે બીજે રહેવાનું થયું પણ દોસ્તી અતૂટ.. તેનો મોટો દીકરો સાહિલ હાલમાં અમેરિકા હતો અને નાનો દીકરો દેવાંગ અમદાવાદ હતો. 

રાતના પાછો દેવાંગનો ફોન આવ્યો.. મારા ઘરે આવ્યા વગર જશોતો નહીં ચાલે. આવવાનું જ છે.. યોગાનુયોગ પપ્પા મમ્મી પણ અહિયાં જ હશે. 

મિત્રોની એક અલગ દુનિયા છે. બધાં સબંધોથી અલગ.. દર રવિવારે બધા મિત્રો મળતા. હસી મજાક મસ્તી.. જીવનરસમાં બળ પૂરાતું.. કોઈ સ્વાર્થ વગરનો સંબંધ. મીરાને લાગતું.. આ બે ચાર કલાક જીવનમાં ' જીવન' પૂરે છે.. 

મીરાએ વૈદેહીને ફોન કર્યો.. અમારી સોળમી તારીખની ટિકિટ આવી છે.. વીસમી માર્ચની રિટર્ન ટિકિટ છે. અહીથી કઈં લાવવું હોય તો કહેજે. 

મહિલાદિનનો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો. એક લેખક જીવનને કેટલા નજીકથી જોઈ શકે છે. ! નારીના મનની સૂક્ષ્મ વાતો, એનું મનોજગત.. આબેહુબ મંચસ્થ થયું હતું.. નારીની સંવેદના, એક જમીનથી બીજી જમીનમાં રોપાયાની વેદના એક નારીજ સમજી શકે. કેટલા પ્રશ્નો છે સ્રીઓના.. કદાચ પુરુષોના પણ હશે.. પણ તેમને એનું નિરાકરણ લાવવામાં કોઈની મંજૂરી નથી લેવી પડતી. જયારે સ્ત્રી.. દરેક ક્ષેત્રમાં.. પછી તે પોતાના ડ્રેસિંગ વિશે કેમ ન હોય.. પુરુષોની મંજૂરીની મહોતાજ હોય છે.. સમાજમાં દેખીતા સુધારા થયા છે. પણ હજુ સુક્ષ્મ તકલીફો રહેલી જ છે.. અને કદાચ હમેશાં રહેશે.. 

પ્રોગ્રામ પત્યો કે મીરા ભાગતી ઘરે આવી.. સાંજના પૂજા હતી. તેની તૈયારી કરવાની હતી.. પૂજામાં માધવના મિત્રો,રીચા અને દિવ્યા.. બંને દીકરીઓને પરિવાર સહીત આમંત્રિત કર્યા હતા.. સવારે જ માધવે પૂછ્યું.. તું જાય છે, તો બધું સાંજનું કેમનું થશે.. ?

ઘેર પહોંચી સાંજની તૈયારીમાં પરોવાઈ. સમયસર બધું કામ પત્યુંને પૂજારીજી પધાર્યા. 

દીપકે બીજા મિત્રો.. રાજાન અને નિલેશને આગ્રહ કર્યો.. તમે પણ અમદાવાદ આવી જાઓ. બધા  મિત્રો બે દિવસ સાથે રહીએ. રાજનની પત્ની શિખા સ્કૂલમાં ટીચર હતી.. "મારે તો સ્કૂલ ચાલુ હોય. કેમ અવાય"

"તો રજા મૂકી દે".. "ના હમણા પરીક્ષાનો સમય છે.. રજા ન મળે. "

દીપક હસ્યો.. ન આવવાના બહાના છે બધા. 

પૂજા સરસ થઈ. મીરાએ ઈશ્વર પાસે હાથ જોડી આશુતોષની સારા સ્વાસ્થની કામના કરી. 

શુક્રવારે પ્રોગ્રામની છેલ્લી રીહર્સલ હતી. બધા સમયસર આવી રહેજો. ગુરુજી સરયુબેનએ પહેલા જ કહી દીધું હતું.. આજે મ્યુજીશિયન સાથે રીહર્સલ છે. પ્રોગ્રામ સરસ થવો જોઈએ. 

મીરાં સમય કરતા થોડી વહેલી પહોંચી. કોસ્ચ્યુમ બાબત વાત કરવાની હતી. ત્યાં તો મોકાણના સમાચાર હતા. !

સરયુબેન કહે .. મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશન જાહેર મેળાવડા પર પ્રતિબંધ મુકવાનું વિચારે છે. શહેરના સિનેમાઘરો અને મોલ પણ સોમવારથી બંધ થવાના છે.. 

કેમ. ? મીરાને નવાઈ લાગી.. "કોરોના.. કોરોના"સરયુબેન સૂરમાં ગાતા હતા. 

ભારે કરી. કોરોના એ.. બધું "કરો.. ના" કરી નાખ્યું.. આપણો પ્રોગ્રામ તો રવિવારે છે.. લેટ્સ ફિંગર ક્રોસ.. કેટલી મહેનત કરી છે આ પ્રોગ્રામ માટે.. બધી નકામી જશે?

કી બોર્ડ વગાડનાર રાહુલ કહેતો હતો.. અમે અમેરિકા પ્રોગ્રામ આપવા ગયા હતા. ત્યાંના પણ છેલ્લા બે દિવસના બધાં પ્રોગ્રામ કેન્સલ થયા. એટલે અમે નીકળી ગયા. હું કાલે સવારે જ આવ્યો ત્યાંથી. એરપોર્ટ પર ચેકિંગ બહુ છે. 

ત્યાંજ મીરાના મોબાઈલ પર મેસેઝ આવ્યો.. પ્રોગ્રામ માટેના હોલમેનેજરનો હતો... 'મુંબઈ કમિશનરના આદેશ અનુસાર રવિવારનો તમારો કાર્યક્રમ રદ્દ કરવામાં આવે છે. '

પત્યું.. જિસકા ડર થા બેદર્દી વહી બાત હોગઈ.. બધાના મૂડ ઓફ થઈ ગયા. 

મીરાં ઘેર પહોંચી. ને વૈદેહીનો ફોન આવ્યો.. તમે લોકો ન આવો તો સારું. મોહા બીજી તારીખે અમેરિકાથી આવી, પછી તેને આઈસોલેશનમાં ચૌદ દિવસ રાખવામાં આવી છે. તે પણ આવી નહીં શકે. તેને જ ખાસ કહ્યું છે કે માસીને કહેજે, ન આવે.. નકામા હેરાન થશે. 

મીરાં બબડી.. આ કોરોનાએ તો બધાનું કરી નાખ્યું.. !એને ક્યાં ખબર છે.. કોરોના હજી શું કરવાનો છે!