Aabhnu Pankhi - 1 books and stories free download online pdf in Gujarati

આભનું પંખી - 1

પ્રકરણ-1

અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. એરપોર્ટ પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું. 

"આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ તો વાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. "

"કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. "

આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?"

વૈદેહી હસી. 'પથરા'.. પણ બોલી નહીં. આશુતોષને અત્યારે વધારે ગુસ્સે નથી કરવો. આમેય ભારેલો અગ્નિ છે. ગમે ત્યારે ભભૂકી ઊઠશે. કહેવાય નહીં કઈ અત્યારે એને. 

મા, હું ટિકિટ કઢાવું છું. તું અને પપ્પા આવી જાઓ. મોહાનો ફોન આવ્યો.. આશુતોષે નામાં માથું હલાવ્યું. ના પાડી દે એ છોકરીને. વૈદેહી એમ કહી શકે તેમ નહોતી. નકામું દીકરીનું દિલ દુભાય. 

" બેટા, મારા હાથ ખરાબ છે. હું થોડી વારમાં તને ફોન કરું. "

"સાંભળ મમ્મી, બહાનાબાજી નહીં ચાલે. જો પપ્પા ના પાડતા હોય તો હું રાજ પાસે ફોન કરાવું. દીકરી મહિના માટે અમેરિકા જાય છે, તને એને મળવાનું મન નથી થતું. ? ઓકે.. તને નથી થતું, પણ મને તો થાય ને. અત્યારે હું નીકળી શકું એમ નથી. તો તમે તો અહિયાં આવી જાઓ. હું અમેરિકાથી આવીશ ત્યારે તમે નહીં હશો. તો હમણા તો આપણે મળી લઈએ. "

" જો બેટા, મનેય તને મળવાનું મન તો થાય જ ને. પણ અહીં બા એકલા છે. "

"જો મમ્મી, બાનું બહાનું તો બતાવતી જ નહીં. દુબઈ બાને લઈને જવાની છે. ? ત્યારે તો એકલા જ રહેશે ને બા. "

"હા, એટલે કે.. " વૈદેહીને સમજાયું નહીં હવે શું કહે.. "ઘડી ઘડી બાને એકલા કેમ મૂકાય.. ?"

"કમઓન મમ્મી, મારે તારું કોઈ બહાનું નથી સાંભળવું. બે દિવસ બા એકલા રહી શકે છે. ને પેલી તારી 'પલ્લુ' તો છે જ ને. હું ટિકિટ કઢાવીને મોકલું છું. એટલે બહાના બંધ કરી, પપ્પાને કેમ મનાવવા એ વિચારવા માંડ" હસીને મોહાએ ફોન મૂકી દીધો. 

ખરી છે આ છોકરી. બાપ દીકરી વચ્ચે કાયમ મારો મરો થાય છે. 

"મોહા મહિના માટે કંપનીના પ્રોજેક્ટ પર અમેરિકા જાય છે. એ આવશે, ત્યારે આપણે દુબઈ હશું. તો પછી જઈ આવીએને હમણા. બે જ દિવસનો તો સવાલ છે. "

આશુતોષે વૈદેહી સામે જોયું.. " તમે મા દીકરીએ નક્કી કરી જ નાખ્યું છે. તો હવે મને નહીં પૂછ. તમારે જેમ કરવું હોય તેમ જ કરો. "

ચાલો, એક મોરચો જીત્યો, હવે બાનો બીજો મોરચો જીતવાનો.. જોકે એ પ્રમાણમાં સહેલો છે. સનીને જોશે કે આશુનો આખો મૂડ બદલાઈ જશે,એ તેને ખબર હતી. આશુતોષને વતાવ્યા વગર, એ બા પાસે ગઈ.. 

" ખુશીથી જાઓ. મોહા મહિના માટે જવાની છે, તો તેનો ભાવતો થોડો નાસ્તો બનાવી નાખું. ? એને સાસરે પણ કઈ લઇ જવું પડશે ને. થોડી શીંગ શેકી શીંગપાક કરી નાખું. સની માટે થોડી મગજની લાડુડી લઇ જા. છોકરો રાજી થશે. "

આખી બપોર નાસ્તો બનાવવામાં ગઈ. તેમાં આશુતોષ વધારે અકળાયો. કયાંય જવાનું હોય કે તમારો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય. હવે કોઈ મને કહેશે, કે માર્કેટમાંથી શું લાવવાનું છે.. ?

"જા, તું હવે બહાર જા. આશુ અકળાયો લાગે છે. બાકીનું હું પતાવું છું. " દીકરાના સ્વભાવને ખૂબ ઓળખાતા હતા નીલાબહેન.. 

સવારની ફ્લાઈટ હતી. રાતતો અજંપામાં ગઈ... ઉંઘ આવી ન આવી ને વૈદેહી ઉઠી ગઈ. 

હૈદરાબાદ એરપોર્ટ પર રાજ લેવા આવ્યો હતો. ઊંચાં, હેંડસમ રાજના ચેહરા પર ખાનદાની અમીરીની ખુમારી ઝળકતી હતી. "હલો પપ્પા, કેમ છો મમ્મી. "તે બંનેને પગે લાગ્યો. 

ઓડી હૈદરાબાદની સડકો પર દોડતી હતી. વૈદેહી બહાર જોઇ રહી. હૈદરાબાદ હંમેશાથી એને ગમતું. જેટલી વાર આવતી, એ આ શહેરના પ્રેમમાં પડી જતી. પહોળા સ્વચ્છ રસ્તા, ત્યાંની મીઠી ભાષા, અને સહુથી વધારે તો ત્યાનું ખાવાનું.. નવાબોના આ શહેરમાં એક તહજીબ હતી. 

"મોહા ન આવી લેવા. ?" આશુતોષે પૂછ્યું. 

" એ તો ઓફિસે ગઈ છે પપ્પા. "આશુતોષે વૈદેહી સામે જોયું... જોયું, આપણને બોલાવી બહેન તો ઓફિસે ઉપડી ગયા છે... "ત્રણ વાગ્યા સુધી આવી જશે. "

"કેમ આજેય ઓફિસે? આજનો દિવસ પણ રજા નો મળે. ?"

"આજે રાતની એની ફ્લાઈટ છે અમેરિકાની. થોડા મહત્વના કાગળિયા લેવાના હતા. એટલે ગઈ છે. "

એરપોર્ટનો મોટો બ્રીજ વટાવી ગાડી આગળ વધી. ઘર સિટીની બહાર હતું,  ટ્રાફિક ભર્યા રસ્તા પર રાજ સિફતથી ગાડી ચલાવતો હતો. સવારથી આટલો ટ્રાફિક.. ? તો સાંજના શું હાલત થતી હશે. 

"બાકી.. કેવું ચાલે છે કામકાજ.. "

"ચાલે છે. હમણાં ચાઈનાતો સપડાયું છે કોરોનામાં .. કોઈ માલ ઈમ્પોર્ટ નથી થતો. "

"બહુ ખરાબ હાલત છે.. ત્યાંની.. કહે છે હજારોની સંખ્યામાં લોકો આ બિમારીના શિકાર થયા છે.. "

"તે થાય જ ને.. કેવું આડું અવળું બધું ખાધા કરે છે.. ઉંદર.. ગરોળી.. વાંદા.. મને તો સાંભળીને પણ ઉલ્ટી જેવું થાય છે. "

રાજ હસી પડ્યો.. " મમ્મી, એ લોકોનો ખોરાક જ એ છે.. તો ખાય જ ને. આજના થોડી ખાય છે. "

"પણ ચામાચીડિયું ખાવાનું.. ?આ ચામાચીડિયું ખાવાથી જ આ રોગ ફેલાયો છે ને "

"શું ખબર.. સાચી વાત તો બહાર આવશે જ નહીં. સાચી વાત બહાર લાવવા માટે ત્યાંના જ એક વૈજ્ઞાનિકને સત્તાવાળાઓએ ખલાસ કરી નાખ્યો. ત્યાંની સરકાર... " ત્યાં જ એક સ્કૂટર વાળો રાઈટ સાઈડથી ઓવરટેક કરવા ગયો.. રાજે જોરની બ્રેક મારી. બચી ગયો.. મરત હમણા.. 

" અહીં પણ લોકો આવા ઓવરટેક કરે છે.. ! મને એમ કે ખાલી અમારા અમદાવાદીયા જ આવું કરતા હશે. "

"પપ્પા, માણસ બધે સરખો જ છે.. અમદાવાદ હોય કે અલ્લાહબાદ. 

"અલ્લાહાબાદ નહીં, પ્રયાગરાજ કહીએ હજૂર " રાજ ખુલ્લા અવાજે હસી પડ્યો . 

ગાડી પાછી ઝડપથી દોડવા લાગી. 

"પપ્પા,એક ગૂડ ન્યુઝ છે. અમે નવો ફ્લેટ લીધો. "

"સરસ.. ક્યાં લીધો. ?

"અમે અત્યારે રહીએ છીએ, એ સોસાયટીમાંજ બીજી બિલ્ડીંગમાં.. સરસ, ફર્નિશ્ડ ફ્લેટ મળી ગયો. આમેય લેવાનો તો હતો. આ તો સરસ ડીલ મળી. હજુ તો ફૂલ પેમેન્ટ આપવાનું બાકી છે. બાનાની રકમ આપી દીધી છે. એકાદ મહિનામાં થઈ જશે પેમેન્ટ. "

ગાડી સોસાયટીના ગેટમાં પ્રવેશી. એકવીસ માળના મોટા મોટા છ બિલ્ડીંગ હતા. વચ્ચે મોટો  સ્વિમિંગ પૂલ હતો. મોટું ગાર્ડન, વોકિંગ એરિયા.. ક્લબ હાઉસ. વેલ મેઈન્ટેન સોસાયટી હતી. નીચે બેઝમેન્ટમાં પાર્કિંગ એરિયા હતો. ગાડી પાર્ક કરી રાજે દરવાજો ખોલ્યો. "પપ્પા.. આ તરફ. તમે લીફ્ટ તરફ જાઓ. હું સામાન લઈને આવું છું. "

ઘરે પહોંચી હજુ ફ્રેશ થયા, ત્યાં સની આવી ગયો. આવીને નાનાને વળગી પડ્યો. "ઓ. થેન્ક્સ નાના.. તમે આવ્યા. "

મોહા આવી ત્યારે ત્રણ વાગવા આવ્યા હતા. આવીને પપ્પાને ભેટી પડી.. "શું આશુતોષ રાણા, તમારે તો નહોતું આવવું ને. "

"એવું નથી બેટા.  એ તો.. "

"મને બધી ખબર છે. આખરે તો ઠાકોરના વંશજોને. દીકરીના ઘરનું પાણીએ ન પીવાય.. અને દીકરાને ઘેર.. એટલે લાંબે.. ત્રણ મહિના માટે જવાય ને.. પલાશ તો દી.. ક.. રો.. ને. 

"શું મોહા,આવતાવેંત શરું થઈ ગઈ.. અમે ક્યારના તારી રાહ જોઈ રહ્યા છીએ. "

આવો મમ્મી, મોહા વૈદેહીને પગે લાગી. થેન્ક્સ,તું આવી,ને પપ્પાને પણ લાવી. "

તને એટલો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આખી ઓફીસમાંથી તને તને એકલીને સિલેક્ટ કરી છે.. કોન્ગ્રેઝ્યુલેશન. મને તારા પર બહુ ગર્વ છે. 

બધુ તારા કારણે મા, તે મને એ કાબેલ બનાવી. એટલે હું અહીં પહોંચી શકી છું. "

"ભઈ, અમારો પણ થોડો ઘણો હાથ ખરો હો. " આશુતોષે ખોંખારો ખાધો. 

થોડો ઘણો નહીં, પપ્પા.. પૂરે પૂરો. હું બહુ ઋણી રહીશ તમારી. તમે મારા કેરીયર માટે ગામ પણ છોડી દીધું. મારા માટે બહુ ભોગ આપ્યો છે તમે.. " મોહાની આંખ ભરાઈ આવી. 

હવે આ ઈમોશનલ ડાયલોગ બંધ થાય.. તો જમવા જઈએ.. ?સખત ભૂખ લાગી છે. "રાજ ટીપીકલ અંદાજમાં બોલ્યો. 

જમતા વાતો થતી રહી. વચ્ચે પલાશનો ફોન પણ આવી ગયો. "હે મોહલી.. અંતે તે મમ્મી પપ્પાને ત્યાં બોલાવી જ લીધા ને.. " "હાસ્તો, તારા એકલાના પપ્પા છે. ?તારે ત્યાં આવે, તો મારે ત્યાં કેમ નહીં. " વૈદેહી ભાઈ બહેનનો મીઠો ઝઘડો જોઈ રહી. 

અંતે એ વાત નીકળી, જેનો આશુતોષને ડર હતો. વાતની શરૂવાત મોહાએ કરી.. 

"પપ્પા, તમે લોકો રહેવા અહીં આવી જાઓ ને. "

" જો મોહા, મેં તને પહેલા પણ કહ્યું છે કે અમદાવાદ છોડવાનો મારો કોઈ ઈરાદો નથી. અહિયાં આવીને શું કરું હું. ?".. "તો ત્યાં શું કરો છો. ?"

"પ્રતાપભાઈએ કહ્યું છે મને.. ફેકટરીમાં મારી જરૂર છે. ચાલુ થશે એટલે બોલાવશે મને.. "

" મારે તમને પેલા પ્રતાપભાઈની ફેકટરીમાં નથી જવા દેવા. "

"કેમ.. કેમ. તને શું.. "આશુતોષ બોલવા ગયો, વૈદેહી વચ્ચે પડી. "જો મોહા, હમણા તું જાય છે મહિના માટે. પછી અમે ત્રણ મહિના માટે જવાના છીએ. હવે જે થશે,તે ચાર મહિના પછીજ થશે. તો અત્યારથી આ વાત પર ચર્ચા કરવાનો શો અર્થ. "

"પણ મા, વિચાર તો કરાય ને. વિચાર કરતા કરતા ચાર પાંચ મહિના નીકળી જાય.. "

" સારું, અમે વિચાર કરશું હકે.. "વૈદેહીએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો. " સની, તારા નાનાને સ્વિમિંગ પૂલ દેખાડવા લઇ જવાનો હતો ને.. "

મા દીકરી એકલા પડ્યા. "કેમ છે મા. ?" " સારી જ છું. "

"હા સીતામાતા, તું તો સારી જ હોવાની. ખરી સહનશક્તિ છે તારામાં. મને પણ તારા જેવી શક્તિ આપ ને. " મોહા માને વળગી પડી. 

મોડી રાતે બધા સોહાને મુકવા એરપોર્ટ પર જવા નીકળ્યા. બૂટ પહેરતા આશુતોષના મોઢાં પર પીડાના ભાવ આવ્યા. "શું થયું પપ્પા. ?" મોહાની ચકોર નજરએ જોયું. 

"કઈ નહીં, ચાલ મોડુ થશે. હજુ તારે મોટા ઘરે પગે લાગવા જવું છે. "

એરપોર્ટ પહોંચી ગાડીમાંથી ઉતરતા મોહાએ નોંધ્યું.. પપ્પાના ચેહરા પર પીડાના ભાવ ઉપસી આવ્યા. " શું થાય છે પપ્પા. " "કઈ નથી. "

હવે મોહાએ પરાણે બેંચ પર બેસાડી તેમનો પગ જોયો.. પગનો અંગુઠો એકદમ લાલ ! "આ શું થયું.. " મોહાએ વૈદેહી સામે જોયું. 

"એને શું પૂછે છે? મને પણ ખબર નથી.. ક્યારે થયું. ?"વૈદેહીએ પગ તપાસ્યો. દુઃખે છે તમને . ?

"ના,".. "રાજ, કાલે સવારે જ પપ્પાને ડો. શેટ્ટી પાસે લઇ જજે. 

"અરે, કાલે રાતના તો અમે નીકળશું.  અમદાવાદ જઇને બતાવી દઈશ. "

"ના, મેં કહ્યુંને કાલને કાલ બતાવજો".. "ભલે મારી મા.. અત્યારે તું નીકળ.. "મોહા પપ્પા મમ્મીને વળગી પડી. હવે ક્યારે મળીશું.. કોને  ખબર.. ?

કાળદેવતાના ગર્ભમાં શું હતું.... કોને ખબર હતી.. ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED