પાપ કે પુણ્ય? – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

શ્રેણી
શેયર કરો

પાપ કે પુણ્ય? – દિવ્યેશ ત્રિવેદી

જન્મથી મૃત્યુ સુધીની નાજૂક દોર ઉપર માણસ યંત્રવત્ ચાલ્યા કરે છે. વચ્ચે ક્યાંક દોર ઢીલો લાગે છે તો ક્યાંક કઠણ લાગે છે. આસપાસની હવાના સૂસવાટા વાગે છે. ક્યારેક આંધી તો ક્યારેક હીમ. પરંતુ દોર ઉપરની અવિરત સફર એ જારી રાખે છે. કોઈક ગબડી પડે છે. પરંતુ દોર જ્યાં સુધી મૃત્યુની મંજિલે ન પહોંચે ત્યાં સુધી નથી એ દોરને ત્યજી શકતો કે નથી દોર એને ત્યજી શકતો!

યંત્રવત્ જીવનમાં પણ કેટલીકવાર એવા પ્રસંગો બને છે જે યંત્રની ગતિને અવરોધે છે. એના ગુણધર્મની વિરુધ્ધ વર્તન કરે છે. પરંતુ એની યંત્રવત્ જિંદગીમાં એ પ્રસંગ બન્યો એક જ વાર. અને જીવન સાવ ડહોળાઈ ગયું. પુનઃ તેની યંત્રવત્ ગતિ શરૂ થઈ. ફરક માત્ર એટલો જ પડ્યો કે યંત્રવત્ જીવનના એ ક્ષેત્રમાં થોડોક વધારો થયો.

બાળપણની ઉચ્છંખલ મનોવૃત્તિ દૂર થઈ. જીવન સરોવરના પાણીની માફક શાંત બની ગયું. હવે નવા કોઈ જ પ્રસંગોને સ્થાન ન હતું, જે એ પાણીને અસ્થિર કરી મૂકે. પરંતુ જીવનની અનિશ્ચિતતાઓએ એનો પીછો પકડ્યો. બાલ્યાવસ્થાની કુમાશ દૂર થઈ ગયેલી હોવાથી વાસ્તવિક સમાજમાં પ્રવેશ્યા પછીનું એનું જીવન યંત્રવત્ થઈ ગયું હતું. કામ અને કામ. પરંતુ કામમાં પણ કામ અને એક દિવસ એ શૃંખલા તૂટી.

આજની એની મનોસ્થિતિ…! અલબત્ત, એના જીવનના કાર્યક્રમોમાં એ જ સુવ્યવસ્થિતતા અને યંત્રવત્ પદ્ધતિ આજે પણ હતી. પરંતુ માનસ કોઈક જુદા જ માર્ગે આગળ વધી રહ્યું હતું! કદાચ જીવન પૂર્વ તરફ જઈ રહ્યું હતું. મન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું. જીવનના માર્ગમાં નદી, તળાવ, પર્વત, સીધી સડકને પગદંડી જે કાંઈ આવતું હતું તે જ મનના પશ્ચિમના માર્ગો પર પણ હતું. પરંતુ જીવનનો માર્ગ વિચારવા માટે ન હતો કે હજુ આગળ શું છે! અંત છે કે નહીં? માત્ર યંત્રની માફક જે આવે તે સ્વીકારીને આગળ વધવું એ જ માત્ર ધ્યેય જણાતું હતું! અને મન! મનની મનમાં હતી. ભૂતકાળનું એક કિરણ અવિરત મનને જાગૃત કરી રહ્યું હતું. કંઈક વિચારવા, કંઈક શોધવા, પ્રેરી રહ્યું હતું. પરંતુ એના જીવનના માર્ગમાં એ એવો ગૂંચવાઈ જતો કે મન એને મદદ કરવા જવાનો મોહ છોડી શકતું નહીં. છતાં પણ જ્યારે જ્યારે મન એકલતા પ્રાપ્ત કરતું કે પ્રશ્ન ઊઠતો. ‘એ પાપ છે? કે પછી પુણ્ય?’

સાત વર્ષ જેટલો સમય વીત્યો. સમય વીતવા સાથે સામાન્ય રીતે પ્રત્યેક વસ્તુનો પ્રભાવ ઓછો થતો જાય છે. એના સંબંધમાં આ પ્રસંગનો પ્રભાવ રૂઢ થતો જતો હતો. આજે આટલા વખતે એણે નિયત ક્રમ મુજબ હાથમાં બત્તી લીધી. ફૂલ મંગાવ્યાં અને ઈસુની પ્રાર્થના કરવા બેઠો. ચર્ચામાં બધાં જ હતાં. છતાં પણ એને એમ લાગતું હતું. જાણે કે તે એકલો જ છે. પાદરીનો ઉપદેશ ચાલી રહ્યો હતો. વિચારતો હતો કે પાદરીને જઈને પૂછું – એની વિદ્વત્તા જવાબ આપશે. ના..ના.. વિદ્વત્તાનો જવાબ નથી જોઈતો. છતાં પણ પૂછવા જવું. એ પાપ છે? કે પછી પુણ્ય?

રાત્રિનો ઘેરાવો શરૂ થયો. નિરવતાની ચાદર કબ્રસ્તાને ઓઢી લીધી. કોઈક ભરાયેલા પંખીનો અવાજ, ઘીમો ખખડાટ એને એકાએક ચમકાવી દેતો. પાછો શાંત થઈ જતો. કલાકો તે અહીં જ બેસી રહ્યો. હજુ બત્તી ન જલાવી. ફૂલ પણ લગભગ કરમાઈ ગયાં. ક્યાં સુધી એ ફૂલો પણ ટકે? ઊભો થયો. આસપાસ નજર કરી. થોડે દૂર ગયો. ફૂલ લઈ આવ્યો. તાજાં ફૂલ-પુનઃ કબર પાસે બેઠો. બે આંખના બે ખૂણે એક એક અશ્રુબિંદુની બાષ્પ ઊડી ગઈ. એક પ્રશ્ન છોડતી ગઈ. ‘એ પાપ છે? કે પછી પુણ્ય?’

મન આજે આ પ્રશ્નનો જવાબ મેળવીને જ જંપવા માગતું હતું. મન બેલગામ ઘોડા ઉપર નીકળી પડ્યું. ક્ષિતિજ આંબીને પાછું આવ્યું. નિરાશા જ સાંપડી. ઉત્તર ન મળ્યો અને પછડાટ ખાવા લાગ્યું. કાયમી શાંતિનો આભાસ માત્ર ઊભો થયો ને એ પ્રસંગે મનને અવ્યવસ્થિત કરી નાખ્યું. હજુ એને કાયમી શાંતિની શોધ છે અને એ જાણે છે કે કાયમી શાંતિ માત્ર એ પ્રશ્નનાં ઉત્તરમાંથી જ મળી શકશે. અત્ર તત્ર બધે જ આ પ્રશ્નનો ઉત્તર મેળવવાના પ્રયાસો કર્યા. થાકીને આજે પોતે જ નિર્ણય કરવાનો નિર્ધાર કર્યો. મન – મનને જ પ્રશ્ન કરવા લાગ્યું. ‘શું એ પાપ છે? કે પછી પુણ્ય?’

પરંતુ ઉત્તર – ન મળ્યો. મળ્યો તો સંતોષ ન થયો. હવે એને જીવનમાં ઉત્પન્ન થયેલી આ વિષાદની ક્ષણો માટે મનનો જ દોષ દેખાવા લાગ્યો. માણસ સાથે ઘડાયેલી – સંકળાયેલી લાગણીઓ કે ઈચ્છાઓનો એને કોઈ જ ખ્યાલ નહોતો આવતો. એ માત્ર મન પર ગુસ્સો કરી પૂછી રહ્યો હતો. ‘શા માટે આ ઈચ્છા પરિપૂર્ણ કરવાની? આ ઘેલછા શા માટે? હું પણ આજે તને પ્રશ્ન પૂછું છું, મન, જવાબ દે. તારા કહ્યાથી જ મેં તેમ કર્યું. તારા જ પીઠબળે – તું જ માત્ર દોષિત છે. જવાબ દે, ‘શું એ પાપ છે? કે પછી પુણ્ય?’

…અને એકાએક યંત્રવત્ કબર ઉપર બત્તી જલાવી ઊભો થયો. ફૂલ મૂકવા જતો હતો અને…

… એ દિવસે સવારે જ સદ્ગત માની છબી પાસે ગળગળા…. થઈ સુમાર્ગે જીવન વિતાવવાનો નિશ્ચય કરીને તે બહાર નીકળ્યો હતો. બહાર નીકળતાં જ સામે એ સ્ત્રી મળી. જેની ઉંમર આશરે પાંત્રીસથી નીચે કલ્પવી મુશ્કેલ હતી. સમાજ એને કોઈક ગર્ભિત દ્રષ્ટિએ નિહાળતો હતો. અપરિણિતા હતી. નાના સરખા ગામમાં રહેતી હતી. જીવન તો જો કે એનું યંત્રવત્ જ હતું. પરંતુ એના જીવનમાં જાણે કોઈક ઘણી મોટી ચીજની અછત વર્તાતી હોય તેમ જણાતું હતું. કદરૂપી સ્ત્રી હતી. તેના તરફ નજર ઉઠાઈને જોનારને સમાજ જુદી જ નજરથી જોતો હતો. કોઈ પણ પુરુષ સાથેની તેની ક્ષણ માત્રની મુલાકાત પણ જોનાર સાંખી શકતા નહીં. એ સ્ત્રીનું આછું સ્મિત – પરંતુ એ ચૂપચાપ ચાલ્યો ગયો. દિવસભર રખડ્યો. સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અકસ્માતમાં અકસ્માત એ થયો કે તે એના ઘર પાસેથી જ એ પસાર થઈ રહ્યો હતો. સામેથી વાહન આવી રહ્યું હતું. વરસાદ અને અંધકારમાં એક સહેજ ટક્કર વાગી. વાહન ચાલ્યું ગયું. વરંડામાંથી તરત જ તે આવી. હાથનો ટેકો દઈ ઘરમાં લઈ ગઈ. બારણું બંધ કર્યું. આ ક્ષણોનું મહત્વ જુદું જ હતું. તે બોલી શકે તેવી અવસ્થામાં ન હતો. આછો લેમ્પ રૂમમાં આછો પ્રકાશ પથારી રહ્યો હતો. અને એ આછા પ્રકાશની એ રૂમમાં એ સ્ત્રીની બે કદરૂપી આંખોની પાછળ એ અસહ્ય પ્યાસ છૂપાયેલી હતી, જે બહાર ડોકિયાં કરી રહી હતી. તરસ અને … તરસ અને પાણી. તરસ છીપાઈ ગઈ. ક્ષણ માત્ર બાદ એ પુનઃ સ્વસ્થ થયો. ચાલી શક્તો ન હતો. વરસાદ વધુ જોરથી પડી રહ્યો હતો. અંધકાર વધી ગયો હતો. છતાં હવે તેનામાં એ રૂમમાં રહી શકવાની હિંમત ન હતી. તે લંગડાતાં લંગડાતાં ભીંજાતો ઘેર ગયો. આખી રાત્રિ પાસાં બદલતાં વીતાવી. પરોઢિયે આંખ મીંચાઈ એની કેટલાક સમય માટે અને કોઈકની સદાય માટે…

સવારના પ્રથમ સમાચાર હતા. એ સ્ત્રીના મૃત્યુના અને ત્યારબાદ તેને પત્ર મળ્યો – “વાસના વૃત્તિ ઈષ્ટ છે કે અનિષ્ટ હું નથી જાણતી. જીવનમાં ઘણું ઈચ્છયું – મળ્યું ન મળ્યું. પરંતુ એક વસ્તુ નિશ્ચિત મળવાની હતી. ‘મૃત્યુ’ પરંતુ હું હજુ એક ચીજ વધુ માંગતી હતી. એક સ્ત્રી જેની સદા ઝંખના કરે છે. સમાજે મને કદાપિ એ ન મળવા દીધું. મારાં વિનવણા, મનામણાં કશાયની અસર ન થઈ. મેં નિશ્ચય કર્યો કે મને એક દિવસ એ મળશે અને હું સુખેથી મરી જઈશ. આજે એ મળ્યું અનાયસે, અજાણતાં, હું મેળવી શકી. બીજે પગથિયે ઊભેલા મૃત્યુને હું મળીશ.”

…સમાજ દ્વારા તરછોડાયેલી ખુદ પોતાનાથી હારેલી એ સ્ત્રીની આકાંક્ષા પૂરી કરીને સુખેથી મરવાનો મોકો આપીને પોતે એક કચડાયેલા આત્માની મુક્તિનું કાર્ય કર્યું છે. પુણ્યનું કાર્ય . . . ના…ના થાય …ના… પુણ્ય, પાપ, પુણ્ય, પાપ અને …. ફૂલ બત્તી ઉપર પડ્યાં. બત્તી ઓલવાઈ ગઈ. એ રાત્રિ પૂરતો પ્રશ્ન અંધકારમાં વિલીન થઈ ગયો.

‘શું એ પાપ છે? કે પછી પુણ્ય?’