નસીબ નો વળાંક - 13 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 13

આગળના પ્રકરણમાં આપણે જોયું કે અનુરાધા વેણુનો ઈલાજ કરાવવા યશવીર અને ગોપાલ પાસે મદદ માંગે છે ત્યારે યશવીર એને એક ઉપાય બતાવતા કહે છે કે જો એ (અનુરાધા )વેણુને એક દિવસ માટે સોંપી દે તો પોતે એનો ઈલાજ એના ગામના પશુવૈદ્ય પાસેથી કરાવી ને બીજા દિવસે અનુરાધાને પરત કરી દે...અનુરાધા ને યશવીર ની આંખોમાં સચ્ચાઈ અને સજ્જનતા દેખાણી એટલે એણે પોતાના મનને મનાવતી હોય એમ વિચાર્યું કે એક દિવસની તો ખાલી વાત છે... આવું વિચારીને એણે વેણુને યશવીર ને સોંપી દીધો.

હવે આગળ,

"અનોખો અહેસાસ"

યશવીર ઉપર ભરોસો કરીને અનુરાધા એ વેણુને એના હાથે સોંપી તો દીધેલું. પણ હવે સાંજ થવા આવી હતી એટલે હવે અનુરાધા થોડી અસમંજસમાં પડી ગઈ એના મનમાં ઘણા સવાલો ના વાદળ છવાઈ રહ્યા હતા.. વેણુ ક્યાં છે?? આવવામાં આટલુ મોડું કેમ થયું.?? આવા બધા સવાલો ના પોતે શું જવાબ આપશે એના વિચારો માં ખોવાયેલી હતી... એવામાં અચાનક એને સાંભર્યું કે આખિરમાં વેણુને થયું શું હતું?? એના પગમાંથી લોહી કેમ નીકળી રહ્યું હતું... એ તો મેં તપાસ્યુ જ નહિ... ત્યારબાદ થોડીવાર તો અનુરાધા પોતાને કોસતી રહી... અને પછી પોતાના મનને મનાવી રહી હોય એમ વિચારવા લાગી કે જે કંઈ પણ હોઈ પણ વેણુને સાજું કરવું એ જ મારી મુખ્ય ફરજ છે.... એટલે હું એની ચિંતામાં જ એ બધું જોવાનું ભૂલી ગઈ કે ખરેખર લોહી કેમ નીકળી રહ્યું હતું..?

આ બાજુ યશવીર અને ગોપાલ વેણુને લઈને એમના ગામ બાજુ જઈ રહ્યા હતાં.. એમાં યશવીર તો મનમાં ને મનમાં અનુરાધાના સ્પર્શ ને હજુ એવી રીતે અનુભવી રહ્યો હતો જાણે કે ખૂબ તરસી થયેલી ધરણીની તરસ છીપાવી ને પેલો મેહુલિયો જતો રહ્યો હોય અને એના પ્રેમની સુગંધ હજુય ભીની માટીમાં અનુભવાતી હોય.. એમ યશવીર તો એકદમ સ્વાભાવિક રીતે અનુભવાતાં અનોખા અહેસાસ ના તાંતણા બાંધવા માં વ્યસ્ત થઈ ગયો... એ સાવ બીજી જ દુનિયામાં જતો રહ્યો હોય એમ એકદમ ઊંડા વિચારોના વમળમાં ખોવયેલો હતો.. ગોપાલે યશવીરને આમ બેસુધ હાલતમાં જોઈ એનો ખભ્ભો પકડીને હલાવ્યો અને વિચારોના વમળમાંથી એને બહાર કાઢી કહેવા લાગ્યો કે.. "ઓ સાહેબ... ક્યાં ખોવાયેલા છો?? અને હા, આ બધું કરવાની શી જરૂર હતી?? પેલી છોકરીને ક્યાં ખબર હતી કે આપણે એના આ ઘેટાના... અરે નહિ નહિ..... ભૂલ થઈ ગઈ...માફ કરજે.... એના વેણું ની આવી હાલત ના જવાબદાર છીએ.. આપણે ખાલી એને ભાનમાં લાવી ત્યાંથી છટકી જવાની જરૂર હતી.. આ શું તે નવી મુસીબત માથે લઈ લીધી?? હવે એક દિવસમાં આ વેણુ ને કેવી રીતે સાજુ કરશું??.. અને તું શું આ ઊંડા વિચારોમાં પડી ગયેલો હે!!!! મને તો કંઈ નઈ સમજાતું કે આ બધું શું થઈ રહ્યું છે?? શું કરવા ગયેલા ને શું કરીને આવ્યા??"આમ ગોપાલે ક્યારનાય પોતાના મનમાં દબાવેલા સવાલોનો એકીસાથે યશવીર સામુ વિસ્ફોટ કરી નાખ્યો..!!

પહેલાં તો ગોપાલના આવા અવનવાં અને એકીસાથે પૂછેલા અઢળક સવાલો સાંભળી યશવીર થોડીવાર તો એની સામું જોઈ મરકમરક હસવા લાગ્યો અને પછી એના ખભ્ભા ઉપર હાથ મૂકી કહેવા લાગ્યો કે..,"જો સાંભળ વ્હાલા..!! પહેલાં તો તું થોડો શાંત થા..! અને નિરાંતે મારી વાત સાંભળ... ખરેખર જોવા જઈએ તો બધી જ બાજુથી વાંક આપણો જ છે.. અને આપણા લીધે જ આ બિચારા નિર્દોષ જીવને પીડા થઈ.. અને વળી તે પણ જોયું ને!! આ ઘેટાના....(અચાનક યાદ આવી ગયું હોય તેમ)... અરે આ વેણુ માટે પેલી છોકરીની લાગણીઓને??? એ (અનુરાધા) આને (વેણુ ને) પોતાના જીવથી પણ વધુ ચાહે છે અને હવે તું જ મને કહે આપણે જેને સૌથી વધુ વ્હાલ કરતાં હોય.. પછી ભલેને કોઈ ચીજ-વસ્તુ હોય કે કોઈ જીવ હોય કે કોઈ માણસ હોય.. એને આવી દર્દનીય હાલતમાં જોઈને આપણું હૈયું શું ન કાંપે?? એની આ વેણુ પ્રત્યેની લાગણીઓ એકદમ સ્વાભાવિક હતી.. અને વાત રહી આને સાજો કરવાની તો એ પણ હવે આપણી જ ફરજમાં આવે.. આપણે ગમે તેમ કરીને આને સાજુ કરવું જ પડશે...!! અને પરત પેલી છોકરીને આપવું જ પડશે!!"આટલું કહી યશવિર થોડીવાર અટકી જાય છે અને અચાનક વળી કંઇક યાદ આવી ગયું હોય એમ કહેવા લાગ્યો કે,"અરે હા ગોપાલ..!! છોકરી પરથી યાદ આવ્યું કે આપણે એનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયા!!! મને તો એ ક્ષણે કશું યાદ જ ના આવ્યું નામ પૂછવાનું તો?!!"

ગોપાલે યશવિર ની પેલી છોકરીનું નામ પૂછવા વાળી વાત સાંભળી ને એની (યશવીર ની) સામુ તીરછી નજર કરીને થોડું મલકાયો અને પછી એની મશ્કરી કરતા ભારપૂર્વક કહેવા લાગ્યો,.."અરે... હા બરોબર છે!! સાવ સાચું કહ્યું તે..!! આપણે એ છોકરીનું નામ અને ગામ બન્ને પૂછવાનું ભૂલી ગયા નઈ!!! અરે હું શું કહું છું કે તું આ વેણુ ને જ પૂછી લેને... એને તો ખબર જ હશે એની ખાસ મિત્ર નું નામ નઈ!!! આટલું કહી ગોપાલ યશવીર સામું જોર જોર થી હસવા લાગ્યો અને પછી યશવીર પણ થોડું નીચે જોઈ શરમાયો અને પછી કહેવા લાગ્યો કે,"શું ભાઈ.. તું પણ..!! હું તો ખાલી એમ જ..!!"આટલું કહી યશવિર વાત વાળતા ફરી કહેવા લાગ્યો કે,"ચાલ હવે મોડું થાય છે.. જલ્દી ગામમાં પોહોચવું પડશે!!"

હવે આ બાજુ અનુરાધા ને ઘરે આવતાં સાવ અંધારું થઈ ગયેલું એટલે ઉતાવળમાં સુનંદા અને રાજલે એને કંઈ પૂછ્યું નહિ અને ફટાફટ પશુધન (ઘેટાં-બકરાં)ને એના ઠેકાણે બાંધીને જમી પરવારી ને સુઈ ગયા.. અનુરાધા તો મનમાં ને મનમાં ઈશ્વરનો આભાર માનતા કહેવા લાગી કે,.. હે પ્રભુ !! આજે તો તે મને બચાવી લીધી ..!!મે તો શું શું વિચારેલું કે હું ઘરે શું જવાબ આપીશ?? પણ ખરેખર ઈશ્વર આજે તે મને બચાવી લીધી. અને વળી કાલે તો વેણુ પણ આવી જશે તો પછી હું નિરાંતે સુનંદા અને માડીને બધી જ હકીકત જણાવી દઈશ..આમ ત્યારબાદ ભગવાનનો પાર માનીને અનુરાધા સૂઈ ગઈ.

આ બાજુ યશવિર અને ગોપાલ ગામમાં પહોંચતાની સાથે જ વેણુ ને લઈને પશૂવૈધ પાસે ગયાં અને એને બધી જ હકીકત કહી સંભળાવી.. ત્યારબાદ વૈધજી એ વેણુનો ઈલાજ કર્યો અને કહ્યું,"જો ભાઈ આ ઘેટાં નું લોહી ખૂબ જ વહી ગયું છે.. અને વળી તમે પણ થોડા મોડા થયાં આને અહી લાવવામાં... તો આને એકદમ સાજુ થતાં ઓછામાં ઓછાં બે- ત્રણ દિવસ તો થાશે જ..!!"આમ વેણું ને સાજુ થતાં બે- ત્રણ દિવસ થાશે આવી વાત સાંભળી ગોપાલ અને યશવીર થોડીવાર તો એકબીજા સામે અચરજ થી જોવા લાગ્યા. ત્યારબાદ ગોપાલે હિચકિચાટ સાથે વૈધજીને ફરી પૂછ્યું કે શું કાલના દિવસમાં મેળ નહિ આવે?? અમારે કાલે આને સાજુ-સરખું એના માલિક ને પહોંચાડવાનું છે તો.....!! આટલું કહી ગોપાલ અટકી ગયો.. પછી વૈધજી એ થોડું વિચાર્યું અને પછી કહેવા લાગ્યા કે, જો ભાઈ..!! મને કંઈ વાંધો નથી તમારે આને આજે જ ઘરે લઈ જવુ હોય એમાં... પણ સાવ સાજું કરવું હોય તો બે-ત્રણ દિવસ તો થશે જ..!!બાકી જો તમારે આજે જ આને લઈ જવુ હોય તો હું એને ઘાવ ઉપર પીડા ન થાય એ માટેની ઔષધિ લગાવીને પાટો બાંધી દવ છું.. પણ એમાંય તમારે ત્રણ દિવસ સુધી પાટો બદલાવવા તો આવવું જ પડશે.. હવે બાકી તમારી ઈચ્છા....!!"આવું કહી વૈદ્યજી વેણુના પગમાંથી નીકળેલા લોહીને સાફ કરવા લાગ્યા..

આખરે શું નિર્ણય હશે ગોપાલ અને યશવીર નો???? શું વેણુ ને પાટો બાંધી ને પોતાની જોડે જ લઈ જશે કે વૈધુજી પાસે ત્રણ દિવસ માટે સાવ સાજુ કરવા રહેવા દેશે??


જાણો આવતાં ....ભાગ-14....."પ્રેમ ની ઝલક".... માં