નસીબ નો વળાંક - 9 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 9

પોતાની દીકરી પ્રેમા નો કરુણ પ્રસંગ કઠોર હૈયે બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને સંભળાવી બન્ને માલધારી દંપતી ભાવુક થઇ ગયા હતા. બન્ને ને આમ ઉદાસ જોઈ બન્ને બહેનો એમને સહારો આપવા માટે બન્ને બાજુ એ થી વળગી ગઈ.. જાણે કે જંગલ ના પ્રકૃતિ તત્વો પણ આ માલધારી દંપતી નો કરુણ પ્રસંગ સાંભળી ભાવુક થઈ ગયા હોય તેમ વાતાવરણ માં સાવ નીરવ શાંતિ છવાયેલી હતી.

હવે માલધારી એ વાત વાળવા માટે ટકોર કરતા રાજલ ને કહ્યું કે,' હવે મોડી રાત થઈ ગઈ.. હવે નિરાંતે સૂઈ જાવ.. વળી સવારે પણ વહેલા ઉઠવું પડશે.. જે નસીબ માં હોય એ સ્વાભાવિક રીતે ભોગવવું જ પડે...' આટલું કહી દેવાયત પોતાની માથે પહરેલી પાઘડી ઉતારીને ખાટલા નીચે મૂકવા લાગ્યો.. રાજલ પણ બન્ને બહેનો ને લઈને અંદર નેહડા માં સુવા જતી રહી.

હવે આગળ....

"અણધારી સવાર "

કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે આહલાદક જ હોય છે, પરંતુ એ દિવસે હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ દેખાઈ રહી હતી. શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હતી. ઠંડો ઠંડો ઉત્સાહ ને જગાવતો પવન વાય રહ્યો હતો. એજ ઉત્સાહ માં પોપટ ઉડાઉડ કરી મીઠા ગીત ગાય રહ્યા હતા.આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ ગયું હતું..ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાય ને સમગ્ર પ્રકૃતિ તત્વો ને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યા હતા. આકાશ સોનેરી રંગે રંગાઈ ગયું હતું. હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરી રહી હતી.રાતભર કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતના જાગૃત થઈ રહી હતી..વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ગયા હતા અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમી રહી હતી..પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકી રહ્યા હતા. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ગયા હતા અને મીઠાં ગીતો ગાઈ ઊગતી પરોઢનું સ્વાગત કરી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું.એમાં પણ ઝાકળના બુંદની સાથે ધુમ્મસછાયું વાતાવરણ સ્વર્ગ ના દેવતા ઓ ને પણ ઈર્ષ્યા થઈ જાય એવું મન મોહી લે એવું જ હતું!!!

આવાં અદભૂત કુદરત ની શિલ્પકળા થી ભર્યાં વાતાવરણ માં એકાએક સૂર્ય ના કિરણો નેહડા ની વાંસ ની લાકડીઓ ની વચ્ચે રહેલા ખાચા માંથી પસાર થઈ અંદર સુધી આવવા લાગ્યા હતા... મોડી રાત સુધી બધાએ ભૂતકાળ નો પ્રસંગ વગોળ્યો હતો એટલે હજુ સુધી ત્રણેય (રાજલ, અનુરાધા અને સુનંદા) સૂતી હતી. એવામાં એક સૂર્ય નું કિરણ સુનંદા ના ચહેરા ઉપર જ પડી રહ્યું હતું... એટલે સુનંદા ની આંખો એકાએક ખુલી ગઈ. ત્યારબાદ એણે આજુબાજુ નજર કરી તો રાજલ અને અનુરાધા હજુ સૂતા હતા. રાતે મોડે સુધી જાગેલા હોવાથી એમને હજુ ઉઠાડવા નથી એવું મનમાં વિચારી સુનંદા હળવે થી ઉભી થઈ અને નેહડા ની બહાર જવા લાગી.

બહાર આવી ને જોયું તો આજે તો દેવાયત પણ હજુ હેમંત ની પરોઢ ની તાજગી સાથે ગાઢ નિંદ્રા માં સૂતો હતો. આમ દેવાયત ને નિખાલસતાથી જોઈ સુનંદા થોડીવાર તો એકદમ ભાવુક થઇ ગઇ અને પોતાના સ્વર્ગસ્થ બાપ દેવદાસ ને યાદ કરવા લાગી... ત્યારબાદ એ સવારનો નૈસર્ગિક માહોલ માણવા લાગી..

હવે અચાનક એને યાદ આવી ગયું હોય એમ એ મનમાં વિચારવા લાગી કે હજુ બધા સૂતા છે ત્યાં હું શિરામણ બનાવી લવ અને પછી બધાને ઉઠાડું!!આમ વિચારી સુનંદા હળવે થી નેહડાની અંદર ગઈ અને ચૂલા તરફ જઈ આમતેમ ફાંફા મારવા લાગી અને અંતે બધું શિરામણ બનાવવાની સામગ્રી ગોતીને બનાવવાની શરૂઆત કરી...

જેવી સુનંદા શિરામણ બનાવી ને ઉભી થઈ અને પાછળ ફરી કે એણે જોયું કે રાજલ એની પાછળ જ ઊભી હતી. થોડીવાર તો એ સાવ ડરી ગઈ.. પણ પછી રાજલે એની નજીક આવી એના માથે હાથ ફેરવ્યો અને કહેવા લાગી કે તું શિરામણ બનાવી રહી હતી ત્યારે જ હું જાગી ગયેલી.. પણ હું તારા શાણપણ અને સુશીલ સ્વભાવ ને જોઇને મનમાં તારી જનેતા ને ભાગ્યશાળી બતાવી રહી હતી.. ખરેખર બેટા, તારા માતા-પિતા ખૂબ જ ભાગ્યવાન હશે અને એમણે નક્કી આગળના જનમ માં પુણ્ય કર્યા હશે.. એટલે જ એમને તારા જેવી ડાહી દીકરી આપી..."આમ કહી રાજલ એની સામે ભાવુક નજરે જોવા લાગી.

આ બાજુ હવે દેવાયત અને અનુરાધા પણ જાગી ગયા હતા.. એટલે થોડીવાર પછી બધાએ ભેગા શિરામણ કર્યો અને ત્યારબાદ દેવાયત રોજની માફક ઘેટાં બકરાં ચરાવવા જવા માટે ઘેટાં ને છોડવા બહાર આવ્યો.. ત્યારબાદ સુનંદા અને અનુરાધા એકબીજા સામે જોઈ અને કંઇક ઈશારો કરી રહી હોય એવું જણાઈ રહ્યું હતું. એવામાં રાજલ ની નજર આ બન્ને બહેનો પર પડી.. જાણે કે રાજલ પણ એ બન્ને ની ઈશારા માં થતી વાત સમજી ગઈ હોય એમ થોડીવાર મનમાં ને મનમાં હસી અને પછી ખોખારો ખાતા કહેવા લાગી... "આમ, એકલા એકલા શું ગણગણ કરો છો.. મને પણ કંઇક તમારી વાતો માં ભાગીદાર બનાવો!! હું પણ તો જાણું કે એવું તે શું રંધાય રહ્યું છે આ બન્ને રાજકુમારીઓ ના મનમાં ???"

રાજલ ની આવી મીઠી ટકોર સાંભળી સુનંદા જાણે કે થોડી વ્યાકુળ હોય એમ થોડું માથું નીચે જુકાવી અને હિચકિચાટ થી બોલવા જતી જ હતી કે અનુરાધા એ વચમાં વેણ ઝીલી લીધા અને કહેવા લાગી,"માડી આ મારી બેન કંઈ કહી નઈ શકે પણ હવે મારાથી નઈ રહેવાય કીધા વગર, એટલે હું જ કહી દવ..!! તો વાત જાણે એમ છે કે માડી ,હવે અમે આવ્યાં એને બે દિવસ થઈ ગયા અને વળી અમે તો માત્ર એક દિવસ વિસામો ખાવા માટે અહી રોકાયેલા... પણ હવે......"આટલું કહી અનુરાધા હિચકિચાવા લાગી...!!

રાજલ તો આ બન્ને ના ઈશારાઓ થી એની સંઘળી વાત સમજી ગઈ હતી એટલે એણે હસતા મોઢે કહ્યું કે, તમારે હવે ક્યાંય પણ જવાની જરૂર નથી... આજથી તમે બન્ને જ મારી દિકરીઓ અને અમે તમારા માં- બાપ. ... તમે અમારા ઘરે ભગવાન ની ઈચ્છાથી પધારી છો.. આમ પણ તમે બન્ને માં- બાપ વિહોણી અને અમે સંતાન વિહોણા'.. આટલું કહી રાજલ નું હૈયું ભરાય ગયું હોય એમ એ થોડી ભાવુક બની ગઈ અને પોતાને હિમ્મત આપતાં ફરી કહેવા લાગી કે,' જો તમે બન્ને અમને ફરી માતા- પિતા બનવાનું સુખ આપવા ઇચ્છતી હોય તો હવેથી ક્યારેય અમને છોડીને જવાનું નામ નહિ લ્યો..!!

રાજલ ની આમ ભાવવિભોર થઈને કહેલી વાતો સુનંદા અને અનુરાધા ના હૈયે બેસી ગઈ એટલે એમને બન્ને એ પણ રાજલ ની વાત નો સ્વીકાર કર્યો અને કીધું કે, માડી!! આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે!!! આજે ઈશ્વરે ફરી અમને અમારા માતા પિતા જોડે જ ભેટો કરાવી દીધો !!

આ માં- દિકરીઓ ની વાતો દેવાયત ક્યારનોય બહાર ઊભા ઊભા સાંભળી રહ્યો હતો... આથી એ પણ નેહડા ની અંદર આવ્યો અને ત્રણેય ની વાતો ને સહકાર આપતા કહેવા લાગ્યો.. કે,તો હવે તમારા મા- દિકરીઓ ની વાતો પૂરી થઈ હોય તો હવે ઓલા મારા વાલીડાઓ ને ચરવા લઈ જવાની તૈયારી કરવા કોઈ મારી મદદ કરશો???

આ સાંભળી અનુરાધા તો સાવ હરખઘેલી થઈ ગઈ હતી કારણ કે એને તો આવતાની સાથેજ ઘેટાં બકરાં સાથે લગાવ થઈ ગયો હતો. એટલે એણે તરત જ અધીરાઈ થી કહ્યું,"હા હા બાપુ!! કેમ નહિ?? હું આવુને તમારી જોડે!! આપણે બાપ- દીકરી જ હવેથી આ વાલિડાઓ(માલધન) ને ચરાવવા રોજ જાસુ..!!

આમ હવે સુનંદા અને અનુરાધા ને તો જાણે નવો અવતાર મળી ગયો હતો.... પેલા માલધારી દંપતી પણ હવે સંતાન ખોટ વીસરી ગયા હતા...

ધીમે ધીમે બધું જ સરસ ચાલી રહ્યું હતું... પણ કહેવાય છે ને કે "ચાર દિવસની ચાંદની જાતા નહીં લાગે વાર, આજે સુખ નો દહાડો તો કાલે વળી દુઃખ ની સવાર" ... આ માલધારી દંપતી જોડે પણ કંઇક એવું જ બન્યું.


હજુ માંડ આ ભાગ્યવાન દંપતી ની શેર માટી ની ખોટ પૂરી થઈ ગઈ હતી અને બન્ને બહેનો ને પણ હેતાળ ખોળાની માવજત મળી હતી.. ત્યાં વળી એમના નસીબે એક નવો વળાંક આવીને ઊભો રહ્યો.

હવે કેવો હશે આ નવો વળાંક?? હસતાં ખેલતા પરિવાર જોડે એવું તે વળી શું થવાનું હશે??

જાણો આવતાં..... ભાગ-૯....."દુઃખ ની સવાર"... માં