નસીબ નો વળાંક - 8 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 8

"કસોટી"
પ્રેમા ના પ્રેમસંબંધ ની વાત સાંભળી એના માતા પિતા છોકરા નાં બાપ કે જે એના ગામનો મુખી હતો એની પાસે બન્ને જણ નાં લગ્ન નો પ્રસ્તાવ મૂકવા ગયાં. ત્યાં એણે અચાનક છોકરાં નાં સ્વભાવ માં બદલાવ જોયો અને છોકરા નાં મોઢે સાંભળ્યું કે એ એની દીકરી પ્રેમા ને સાચો પ્રેમ નથી કરતો અને પ્રેમા એ જ એને લગ્ન કરવા દબાવ કરેલો!!!

છોકરાના મોઢે આવું સાંભળી અમે બન્ને નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી... અમારા મન માં સવાલો થવા લાગ્યા... કે એવું તો શું કીધું ઘરમાં એના પિતાએ કે આમ અચાનક છોકરાં નાં રંગ બદલાઈ ગયાં..??? અને સૌથી મોટી વાત તો એ હતી કે ઘરે જઈને પ્રેમા ને શું જવાબ આપીશું??? આમ અસમંજસ થી ભરેલા મન સાથે અમે બન્ને ધીમા પગલે ઘર બાજુ આવવા લાગ્યા.

ઘરે આવીને અમે પ્રેમા ને કઠોર હૈયું રાખી બધું જણાવ્યું...પણ પ્રેમા આ બધું માનવા તૈયાર જ નહતી... એને માનવામાં જ નહતું આવતું કે પોતે જે છોકરા ને આટલો પ્રેમ કરી રહી હતી... એણે જ એના વિશે આવું કહ્યું!! પણ, આ બધી વાતો સાંભળી પ્રેમા એકદમ સાવ બેબાકળી બની ગઈ હતી. એણે બે દિવસ સુધી જમ્યું પણ ન હતું. એ સાવ સૂનમૂન બેસી રહેતી..

ત્રીજા દિવસે અચાનક એની એક બહેનપણી અમારા ઘરે આવી અને પ્રેમા ને કહેવા લાગી કે પેલો છોકરો તારી જોડે કંઇક વાત કરવા માગે છે એને એકવાર મળવું છે એવું કહી પાદરે લઈ ગઈ ...!!

ત્યાં પેલા છોકરાં એ પ્રેમા ને કહ્યું કે જો મારી વાત ધ્યાન થી સાંભળ,તું અને તારા માતા પિતા આ ગામ છોડી ને ક્યાંક બીજે જતાં રહો..!!હું તમારાં સારા માટે જ કહું છું...!!હું તને ખૂબ જ પ્રેમ કરું છું એટલે જ તને અહી થી જતી રહેવા કહ્યું છું.. આ તો બસ છેલ્લી વાર તને જોવી હતી અને બે- ચાર પ્રેમ ની વાતો કરવાની ઈચ્છા હતી એટલે મળવાનું વિચાર્યું...!!

છોકરાં ની આવી વાતો સાંભળી પ્રેમા થોડી વાર તો સ્તબ્ધ થઈ ગઈ.. પછી પૂછવા લાગી કે તું અચાનક આવું કેમ બોલે છે??? એવું તે શું થયું કે તું આમ છેલ્લી વાર મળવાનું કહે છે... અને માં- બાપુ કહેતા હતા કે તારા બાપુ તને ઘરની અંદર લઈ ગયાં હતાં પછી થી જ તારા સ્વભાવ માં ફેરફાર આવેલો!!તો હવે મને કહે કે એવું તે શું કહ્યું તારા બાપુ એ તને કે તારે આ પગલું ભરવું પડ્યું.'

છોકરા એ થોડીવાર એકદમ નિખાલસતા થી ભરેલી નજરે પ્રેમા સામુ જોયું પછી કહેવા લાગ્યો કે, સાંભળ વ્હાલી!! મારા બાપુ એકદમ નિયમો ને ચુસ્તપણે અમલ કરવા વાળા છે... એ કોઈ પણ કાળે આપણા લગ્ન નહિ કરાવે.. અને એણે મને કહ્યું કે જો હું તારી જોડે લગ્ન કરવા હા પાડીશ તો એ તને (પ્રેમા)અને તારા પરિવાર ને મારી નાખશે.. મારા બાપુ ને એના દીકરા કરતાં એની આબરૂ ખૂબ વહાલી છે.. જેના માટે એ કોઈ પણ હદ સુધી પહોચી શકે છે...!! એટલે એના મગજ ની મને ખબર છે... હું નથી ઈચ્છતો કે આપણા પ્રેમ ના લીધે તારા નિર્દોષ માતા પિતા માર્યા જાય... એટલે જ મેં તારી જોડે લગ્ન કરવાની ના પાડેલી!! આટલું કહી છોકરા ની આંખો માં ઝળઝળીયા આવી ગયાં.

છોકરાં ની આવી વાતો સાંભળી પ્રેમા એ એકદમ એને છાતી સરસો ચાંપી લીધો અને કહેવા લાગી કે મને ખબર જ હતી કે આપણો પ્રેમ એકદમ સાચો છે... હું મા- બાપુ ની વાતો માનવા તૈયાર જ ન હતી.... કારણ કે તું કોઈ દિવસ એવું બોલે જ નહી... પણ આજે મને ખબર પડી ગઈ કે ક્યાં કારણો નાં લીધે તે આવું કહ્યું હતું.

હજુ પ્રેમા એને આગળ કંઈ કહે એ પહેલા એણે જોયું કે એ છોકરો સાવ એકદમ પ્રેમા નાં ખભે માથું રાખીને જુકી ગયેલો હતો.... પ્રેમા ઉપર જ એ છોકરાં નો બધો જ ભાર આવી રહ્યો હોય એવું પ્રેમા એ અનુભવ્યું..

પ્રેમા એ જેવો એ છોકરાને છાતી થી અળગો કર્યો...ત્યાં એ છોકરો સાવ છેલ્લા શ્વાસો લઈ રહ્યો હતો.. છોકરા ની આવી હાલત જોઈ પ્રેમા ને તો અચંબો થયો અને સાવ બેબાકળી બની ગઈ... અને એ છોકરાના ગાલ ઉપર હાથ મૂકી કહેવા લાગી,... શું થયું તને?? કઈક બોલ આવું કેમ કરે છે???

આમતેમ જોતા ખબર પડી કે તેના હાથ માં નાની ઝેર ની શીશી હતી.... આ ઝેર ની શીશી જોઈ પ્રેમા ની આંખો એકદમ પહોળી થઈ ગઈ.. એને ખબર તો પડી જ ગયેલી કે એ છોકરો ઝેર પી ગયો....

પ્રેમા કહેવા લાગી આવું કેમ અને ક્યારે કર્યું??? છોકરો છેલ્લા શ્વાસ લેતા લેતાં બોલ્યો.... હવે તું જ મારી જિંદગી માં નહિ હોય તો હવે એ જિંદગી શું કામની!! અને મારી વાત સાંભળ તને આપના પ્રેમ નાં સોગંધ છે કે તારું ધ્યાન રાખજે અને આજે જ તારા માં- બાપુ ને લઈને બીજા ગામમાં જતી રહેજે... નહિતર મારા બાપુ..... આટલું કહી છોકરા ની આંખો બંધ થઈ ગઈ અને એ ભગવાન ને પ્યારો થઈ ગયો.


પ્રેમા ને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી... પણ હવે પ્રેમ ના સોગંધ ખાતર પ્રેમા અમને (માલધારી દંપતી)લઈને આ જંગલ માં આવી તો ગઈ.... પણ પેલા છોકરાં નાં વિરહ માં વધુ દિવસો જીવી ન શકી... થોડાક દિવસો પછી પ્રેમા પણ અમારા ગામના પાદર માં જઈને કે જ્યાં પેલા છોકરાં એ શ્વાસ તોડ્યો હતો ત્યાં એક કૂવો હતો તેમાં પડી ને અમને દિકરી વિહોણા કરીને ઈશ્વર ના દરબાર માં જતી રહી... ત્યારના અમે બન્ને જણ આ જંગલ માં જ રહીએ છીએ.

પોતાની દીકરી નો આવો કરુણ પ્રસંગ ફરી વગોળવો એ તો કોઈ કઠોર હૈયા નાં માનવ નો જ ગજો છે!!!! આમ દિકરી પ્રેમા ને યાદ કરી બન્ને માલધારી દંપતી રડવા લાગ્યા.

એ બન્ને ને રડતાં જોઈ સુનંદા અને અનુરાધા બન્ને એને આજુબાજુ થી વળગી ગઈ અને કહેવા લાગી, માડી- બાપુ અમને માફ કરજો... આવો કરુણ પ્રસંગ અમે ફરી તમારા મોંઢે વગોળવ્યો!!!

આમ,અડધી રાત થઈ ગઈ હતી એટલે હવે માલધારી એ બધું ભૂલી જઈ હવે ત્રણેય ને ટકોર કરતા કહ્યું કે જો હવે જે નસીબ માં હતું એ થઈ ગયું.. આપણે કોઈ વિધાતા નાં લેખ માં મેખ નાં મારી શકીએ.. અત્યારે હવે રાત ખૂબ થઈ ગઈ તો બધા સૂઈ જાવ... સવારે ઉઠવું પડશે..

આમ રાજલ બન્ને બહેનો ને નેહડા માં લઇ ગઇ અને ત્રણેય સૂઈ ગઈ....

હવે, આવો પ્રેમા નો કરુણ પ્રસંગ સાંભળી સુનંદા અને અનુરાધા ઉપર શું અસર થશે???


જાણો આવતાં.... ભાગ-9...."અણધારી સવાર" ... માં