nari tu na haari - 7 books and stories free download online pdf in Gujarati

નારી 'તું' ના હારી... - 7

( માનસીને ત્રણ ટાંકા આવ્યા હતા. મોહનભાઇ દવાખાને આવી પહોંચ્યા હતા અને માનસીને લઈને ઘરે આવ્યા..)

બે ત્રણ દિવસ માનસી ઘરે જ રહી પછી ફરી નિશાળે જવાનું ચાલુ કરી દીધું. માનસી ભણવામાં પણ જેટલી હોશિયાર એટલી જ ચપળ હતી. કોઈ છોકરીને પણ કોઈ પ્રોબ્લેમ હોય કે પછી કોઈ છોકરા હેરાન કરતા હોય તો એ માનસી પાસે જ જાય. અને માનસીને તો ક્યાં કોઈની બીક હતી જ..એ તો ચોખ્ખું જ કહેતી કે.." આપડને સોકરીયુંનો અવતાર મળ્યો સે તે હું થઇ ગયું..બીવાનું થોડીન હોય..આપડે કોઈના બાપની હાડીબાર નથ.."

મોહનભાઇએ પણ માનસીને પહેલેથી જ શીખવેલું કે.."ક્યારેય ખોટું કરવાનું નય અને ખોટું સહન કરવાનું નય..ખોટું થાતું હોય ન્યા ગમે ત્યારે લડી લેવાનું..પસી કાઈ થાય તો આ તારો બાપ બેઠો સે તમતારે મુંજાતી નય તું..અરે! તું તો માર હાટુ સોકરાથી ય વિશેષ સો..તું તો મારા કાળજાનો કટકો સો.."

એટલે માનસીને કોઈ પણ છોકરાને સીધું મોઢે જ જાપટી દેતી. એના શબ્દો સાંભળીને તો મરદના ફાડીયા પણ નીચું મોઢું કરીને શરમના માર્યા સાંભળી લેતા. માનસીનો રોફ એવો હતો કે વાડીએ ગમે ત્યારે એકલી જતી અને એકલી આવતી. બાકી ગામમાં કોઈ માં-બાપ પોતાની છોકરીને એકલી વાડીએ મોકલતા પણ અચકાતા.

માનસી દસ વાગ્યે નિશાળે જતી અને રીસેસમાં આવીને ખાઈને પાછી નીકળી જતી. હિના બપોર વચ્ચે ક્યારેક ઘરે દરવાજો બંધ કરીને સુઈ જતી તો ક્યારેક તાળું મારીને એની બહેનપણીઓ સાથે રમવા નીકળી જતી. સાંજે પાંચ વાગે માનસી આવે ત્યારે રસ્તામાંથી હીનાને શોધતી આવે. ક્યારેક હિના ઘરે જ હોય અને ફળિયામાં પડેલા પાંદડા વાળતી હોય.

સાંજે મોહનભાઇ અને એ લોકો ઘરે આવે ત્યાં સુધીમાં માનસી અને હિના રાંધવાની થોડીઘણી તૈયારી કરી રાખતા. માનસીને એમ બધુ જ રાંધતા આવડતું. ભણવામાં પણ એટલી જ હોશિયાર માનસીને આગળ ભણવાની પણ બહુ ઈચ્છા હતી કેમ કે ગામમાં તો માત્ર બાર ધોરણ સુધી જ હતું. પછી આગળ તો ગણ્યે ગણાય એટલી છોકરીઓ ભણવા બહાર જતી. માનસી ઘણીવાર સાંજે મોહનભાઇને કહેતી કે મારે પણ આગળ ભણવા માટે બહાર જવું છે અને મોહનભાઇને પણ એને ભણાવવી જ હતી.

માનસીને એની નિશાળમાં અને ગામમાં બધા "મનુડી" જ કહેતાં અને હિનાને 'હિનુડી'. માનસીનો સ્વભાવ થોડો અતડો હતો. લોકો સાથે એને વધારે ભળતું નહીં. અને એનું ધાર્યું જ કરવાના એના વર્તનને લીધે લોકો એને મનુડી ગાંડી જ કહેતા. માનસી કામ બધું જ કરતી પણ જયારે કોઈ વસ્તુનું વેન કરતી ત્યારે બસ એની પાછળ જ પડી જતી અને ક્યારેક તો એમાં જ આખો દિવસ નીકળી જતો. હિના જેમ જેમ ભણવામાં આગળ આવતી ગઈ એમ ખબર પડી કે એ માનસી જેટલી હોશિયાર નહોતી.

હવે તો માનસી દસમા ધોરણમાં આવી ગઈ હતી. અને હિના સાતમા ધોરણમાં. દર શનિવારે માનસીને અડધા દિવસની જ નિશાળ હોય એટલે શનિવારે મોહનભાઇ અને એ લોકો ભાથું લઈને ના જાય. માનસી સવારે સાત વાગ્યે નિશાળે જાય અને અગિયાર વાગે આવીને ભાથું બનાવે અને પછી એ ભાથું લઈને વાડીએ ચાલી જાય. રવિવારે તો આખો દિવસ વાડીએ જવાનું નક્કી જ હોય. દસમા ધોરણમાં પણ વાડીનું કામ અને ભણવાનું બન્ને એકસાથે કરતી જતી હતી.

માનસી અને હીના બન્ને બહેનોને બહુ સારું એવું ભળતું. ઘણી છોકરીઓને આ બહેનોની ઇર્ષ્યા થતી. માનસીને ક્યારેક એની બહેનપણી સાથે બહાર જવું હોય એટલે હિના એની સાથે જવા તૈયાર જ હોય. માનસીની સાથે નહીં જવા માટે હિનાની એક જ શરત હોય, ' મને મધ સટાડ.. તો નય આવું તાર હારે.."

હિના પણ એટલી જ ચાલાક અને ચપળ એટલે માનસીને સતાવવાનો એ પૂરો પ્રયત્ન કરતી. પછી માનસી એક સળી લેતી અને મધપૂડાની વચ્ચે ધીમેથી મધ પરની માખ હલે નહીં એવી રીતે સળીને છેક સુધી સરકાવતી અને પછી બહાર કાઢીને સીધી દોટ મુક્તી એટલે મધમાખીઓ પાછળ આવે નહીં.

પછી એ સળી એ હિનાને ચટાડતી ત્યારે જઈને હિના માનતી અને પછી એને જવા દેતી. માનસીને પણ આમાં જાણે આટલી બધી કડક સુરક્ષા વચ્ચેથી પણ સોનાનો હાર ચોરી લીધા જેવી મજા આવતી.

ઘણા ગામવાળા એને કહેતા કે, " મનુડી, દહમૂ સે...વાસવા લખવાનું કર નકાર નાપાસ થાસ..." અને માનસીના સીધા જ ઘડેલા જવાબ હોય. જો કોઈ મોટી ઉંમરનું હોય તો, " તમે તમારા સોકરાનું કરો પેલા.." અને જો એની ઉમરનું હોય તો, " તું તારું કર.."

માનસી એકવાર વાંચતી ત્યાં એને યાદ રહી જતું. કયારેક રાતે દિવાની લાઈટે પણ એ વાંચી લેતી. ક્યારેક મોડું થઈ જાય અને લાંબા સમય સુધી એકધારું નીચે જોઈને વાંચવાને લીધે એ નાકમાં આંગળી નાખે કે દિવાની મશ એના હાથમાં આવતી. દિવસે ના મેળ પડે તો સાંજે પણ એ એનું લેશન પૂરું જરૂર કરતી. દસમા ધોરણની પરીક્ષા હવે નજીક આવી.

માનસીને ખબર હતી કે મોહનભાઇને ક્યારેક ક્યારેક પેટમાં દુઃખતુ. ક્યારેક ક્યારેક સાંજે મોહનભાઇ વળ ખાતા હોય એ માનસી જોતી પણ એની લાચાર આખો એક બાપને આવી રીતે કહટાતા જોવા સિવાય બીજું કઇ ના કરી શકતી. ક્યારેક ક્યારેક વાડીએથી થાકીને આવેલા મોહનભાઇના પગ દબાવી આપતી. અને ક્યારેક પેટ પકડીને ગુંડલુ વળીને પેટ પર હાથ રાખીને સુતા અને આંખમાંથી આંસુઓની ધાર સાથે પોતાની અંદરના કષ્ટને બહાર કાઢતા મોહનભાઇને જોઈને માનસીની આંખમાંથી પણ દડદડ આંસુઓની ધાર થઈ જતી.

તરત જ એ મોહનભાઇની પાસે દોડી જતી અને પૂછતી.." પપ્પા, તમને હું થાય સે..? હાલો દવાખાને લઇ જાવ તમને.."

" ઇ ગેસ થયો હશે...હમણાં હરખું થઇ જાહે..તું ટેનશન લે મા તમતારે.." મોહનભાઇનો દર વખતનો બસ આ એક જ જવાબ રહેતો.

પંદર વર્ષની માનસીને કઇ સમજમાં ન આવતું અને અત્યાર સુધી દર વખતે આ પરિસ્થિતિમાં ભગવાનનું નામ લેતી માનસીને હવે ધીમે ધીમે ભગવાન પરથી પણ વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો.

માનસી મોહનભાઇને મહિને એક વાર મુંબઇ દવા લેવા જતા જોતી. અને દર મહિને એમને જવું જ પડતું એ પણ માનસીને ખબર હતી. જ્યારે મુંબઇથી મોહનભાઇ આવે એટલે એને પૂછતી, " પપ્પા તમે ક્યાં ગયા તા..?"

" રિપોર્ટ કરાવવા" મોહનભાઈ ટૂંકમાં જ જવાબ આપતા.

મોહનભાઇને માનસી બહુ વ્હાલી હતી. માનસીના બધા જ શોખ મોહનભાઇએ પહેલેથી જ પુરા કરેલા. માનસીને બસ એટલી જ ખબર હતી કે એના પપ્પાને પેટમાં દુઃખે છે. માનસી ઘણીવાર સાંજે મોહનભાઈને કહેતી કે હું મોટી થઈને આગળ ભણીને ડોક્ટર બનીશ અને પછી તમારો ઈલાજ હું કરીશ. પછી તમારે મુંબઇ જવાની પણ જરૂર નહીં રહે.

મોહનભાઈ એના જવાબમાં માત્ર હસતા. ક્યારેક મનમાં વિચારતા કે કદાચ ત્યાં સુધીમાં મોડું ના થઇ જાય. પણ માનસીની આંખમાં દેખાતી ડોક્ટર બનવાની અગ્નિજવાળાથી એ જાણે અંજાઈ જતા. એ બાપ પોતાની દીકરીના ભવિષ્યની આટલી મજબૂત આશાઓને પુરી કરવા એના માથા પર આશીર્વાદનો હાથ મૂકીને જાણે શરીરમાં અંદર એક અદભુત ઊખરાટો અનુભવાતો. માનસીની આટલી મહેનત પર વિશ્વાસના શ્વાસ ભરવાનું એ ક્યારેય ચૂકતા નહીં. ક્યારેય દીકરીઓને ઓછી આંકીને એમના સપનાઓને કચડવાનો પ્રયાસ સુદ્ધા એમણે કર્યો નહોતો.

દસમા ધોરણની માનસીની બોર્ડની પરીક્ષા આવી ગઈ. માનસીએ સારી એવી તૈયારી કરી હતી. હવે બોર્ડની પરીક્ષા દેવા જવા માટે એનો નંબર બે ગામ મૂકીને આવ્યો હતો. માનસીએ નક્કી કર્યું કે એ સાઇકલ લઈને ત્યાં જશે ને એની સાથે બીજી બે ત્રણ છોકરીઓ પણ તૈયાર થઈ એટલે મોહનભાઇએ પછી કોઈ આનાકાની કરી નહીં. બાકી મોહનભાઇનો વિચાર છકડો બંધાવી લેવાનો હતો કે જેથી જેટલા દિવસ પેપર હોય એટલા દિવસ છકડો મૂકી જાય અને લઇ જાય.

આજે પેપરનો પહેલો દિવસ હતો. માનસી મોહનભાઇ, સવિતાબેન અને એના બા ને પગે લાગી રહી ત્યાં જ દરવાજા બહાર બે ત્રણ છોકરીઓ નવા કપડાં પહેરીને તૈયાર થઈને સાઇકલ લઈને માનસીની વાટે ઉભી હતી. માથામાં બિંદી લગાવીને, છુટા વાળ રાખીને અને પાવડર લગાવીને જાણે લગ્નમાં જવાનું હોય એમ બધી છોકરીઓ તૈયાર થઈને આવી હતી.

માનસીને એવો કોઈ શોખ હતો નહીં. એ તો બસ મોટે ભાગે ડ્રેસમાં જ હોય. પણ એમ છતાં એના મુખ પરના હાસ્ય સાથે લાઈનસર જાણે નકશીકામ કરીને કોતરેલા હોય એવા સફેદ દાતની લાઇન કોઈને પણ આકર્ષી લે એવી હતી. સાથે સાથે વાડીમાં કામ કરીને થઈ ગયેલો શ્યામ પણ નમણો ચહેરો,એની મોટી આખો, નાકની એકદમ સિમ્પલ નથણી અને કાનમાં ખોટી બુટ્ટી સાથે પણ પહેલી જ નજરમાં ગમી જાય એવી હતી માનસી.

પણ સવિતાબેનના ઢંગધડા વગરના વાળ ઓળી દેવાની રીત, ખુલ્લા ડ્રેસ સિવડાવવાની કે જેથી ભવિષ્યમાં લાંબો સમય ચાલે એવી નીતિઓએ માનસીની અસલી સુંદરતાને લોકો સુધી બહાર આવવા જ નહોતી દીધી. આજે પણ માનસી એકદમ કોઈ તૈયાર થયા વગર ક્રીમ રંગનો ડ્રેસ પહેરીને નીકળી હતી.

માનસી તરત જ સાઇકલ લઈને નીકળી ગઈ. પહેલું પેપર માનસીનું તો ઘણું સારું ગયુ હતું. માનસી બહાર આવી ત્યાં બધા પૂછવા લાગ્યા, " અય..મનુડી તાર પેપર કેવું ગયું?"

" મારે તો હારું ગયું.." માનસીને ક્યારેય એના ભણતર વિશે અભિમાન નહોતું. દર વખતે એનો બસ આ એક જ જવાબ હોય.

" એલી તમાર બધ્યું ને કેવું ગયું?" માનસીએ પણ પૂછ્યું.

" અમારે તો હું હોય...પાસ થઈ જાવી એટલે ઘણુંય..આપડે ક્યાં નોકરી કરવી સે.."

" એમેય બાપા હવે આગળ ભણવા તો મોકલવાના સે નય...તો ખોટી મેનત કરીને હું? "

બધાયના અલગ અલગ જવાબ માનસી ખાલી સાંભળતી પણ એના સામે હસીને એ વાતને નકારી દેતી. પોતાના સપના એ હંમેશા એના મનના મહેલમાં સજાવીને રાખતી અને એ મહેલમાં પ્રવેશવાની મંજૂરી માત્ર પોતાને અને એના પપ્પા મોહનભાઇને જ હતી.

" અલી..ઓલો રાહુલ્યો મારી પાસળ જ હતો.." એમાની એકે કોણી મારીને બીજીને કહ્યું.

" કયો રાહુલ્યો વળી?" સામે ફરી પ્રશ્ન પુછાયો.

" ઓલા મોટી ડેલીમાં રે ઇ..વશરામદાદાનો હવે.."

" ઠેક ઇ?"

" હા..ઇ સિઠ્ઠી લઈન આવો તો..સેલ્લે તો ઈશારો કરીન મને ય આપતો તો પણ પસી મેં નો લીધી બાપા..! પકડાઈ ગયા હોવી તો?" લવકા કરતી કરતી એ છોકરી હજી બોલતી હતી.

વાતો કરતી કરતી ચારેય બહેનપણી સાઇકલ લઈને ઘરે આવવા નીકળી ગઈ. ગામમાં આવવનો રસ્તો તો વાડીઓ વચ્ચેથી પસાર થતો જતો. અડધે પહોંચ્યા હશે કે પાછળથી એના જ ગામના ચાર પાંચ છોકરાનું ટોળું આવ્યું. એ લોકો પણ પરીક્ષા આપીને પાછા ફરતા હતાં. પેલા છોકરાઓએ થોડી વાયડાઈ કરી અને આ ચાર બહેનપણીની સાઇકલ આગળ હતી એટલે એકધારી ટંકોરી વગાડવા લાગ્યા.

ચારેય બહેનપણીએ સાઇકલ કેડાની એકબાજુ શેઢે લઇ લીધી અને ઉભી રહી ગઈ. એમાંથી એક તો એક સાથે આટલી ટંકોરી સાંભળીને સાઈડમાં લેતી વખતે પડતા પડતા રહી ગઈ. અને પછી એ છોકરાઓનું ટોળું બધી સામે હસતા હસતા નીકળી ગયું. માનસીએ પેલી છોકરીને ઉભી કરી. એને તો ખૂબ ગુસ્સો આવ્યો કેમ કે એનાથી આવું ખોટું તો ક્યારેય સહન જ નહોતું થયું. પણ એ દિવસે એણે જતું કર્યું.

બીજા દિવસે રજા હતી અને પછીના દિવસે પેપર હતું. નિત્યક્રમ મુજબ માનસી અને એની ત્રણ સહેલીઓ સાઇકલ લઈને નીકળી ગઈ. પેપર પૂરું થયું અને ફરી પાછા વાતોના વડા કરતી ચારેય બહેનપણીઓ ઘર તરફ આવી રહી હતી.

એ દિવસની જેમ જ આજે પણ એ જ જગ્યાની આસપાસ પેલા છોકરાઓનું ટોળું એમની સાથે થઈ ગયું. ફરી એ દિવસની જેમ જ પાછળથી બધાએ એકસાથે ટંકોરી વગાડવાનું ચાલુ કરી દીધું. આજે તો માનસીના મગજનો પારો ગરમ થઇ ગયો હતો. એ ચારેય આજે પણ હટી ગઈ અને સાઈડમાં સાઇકલ ઉભી રાખી દીધી.

ત્યાં એમની પાસેથી પસાર થતા એક છોકરો બોલ્યો, " ઉભું જ રેવું પડે.."

અને પછી માનસીથી ના રહેવાયું. અપમાન તો એનાથી સહેજે સહન થાય એમ નહોતું. તરત જ એનું લોહી ઉકળવા લાગતુ અને હાથમાં ખાલી ચડવા લાગતી. કા તો પછી શબ્દોથી અને કા તો પછી શરીરથી જ્યાં સુધી સામે વાળાને પહોંચી ના જાય ત્યાં સુધી એ લડી લેતી.

અને આજે કદાચ સમય આવી ગયો હતો એક નારી ને ચામુંડાનું રૂપ ધારણ કરવાનો, અન્યાયને પડકારવાનો, સત્ય સામે લડવાનો, કોઈના હેઠળ દબાઈને જીવવાને બદલે બાયું ચડાવીને દોટ મુકવાનો, પુરુષોના સ્ત્રી પ્રત્યેના એક ખોટા ઘમંડને ધૂળ ચટાડવાનો, પુરુષોની ખોટી વાતમાં પણ દબાઈ જતા, મૂંઝાઈ જતા, મૂંગા થઈ જતા, હારી જતા શબ્દોને ભાર આપીને એક અવાજ ઉઠાવવાનો.

" તારી માં ને આણે.." આટલું બોલીને સાઇકલનો ઘા કરી દીધો માનસીએ. હજી તો એની બીજી સહેલી એને પકડે એ પહેલાં જ બાજુમાં વાડમાં એક મોટો પથ્થર પડ્યો હતો એ લઈને જેમ કોઈ રેસમાં રનિંગ લે એમ થોડું આગળ દોડીને ફેરવીને ઘા કરી દીધો.

" અય મનુડી...હું કરે સો..?" બીજી બહેનપણી દોડતી એની પાસે ગઈ.

બધા છોકરાએ માનસીનું આ રૂપ ધારણ કરેલું જોઈને સાઈકલો મારી મૂકી. બાજુમાં ઉભેલી પેલી ત્રણ છોકરીઓ જોતી જ રહી ગઈ કે એક સ્ત્રીથી પણ પુરુષો આટલા ડરી શકે. પણ એમને ક્યાં ખબર હતી કે માનસી જેવી છોકરીઓ ચામુંડાનું રૂપ ધારણ કરી લે એટલે ભલભલા ડરી જાય.

પેલો છોકરો બોલ્યો હતો એના માથાનું નિશાન તો માનસી અચૂક ચુકી ગઈ હતી પણ પથ્થર એની સાઇકલના પાછળના ટાયરની ચેઈનના ચક્ર પર જઈને વાગ્યો અને તરત જ ચેઈન ખડી ગઈ. પેલો છોકરો ઉતાવળમાં ચેઈન નીકળી જતા પેડલ ચુકી ગયો અને સાઇકલની આગળની દાંડી સીધી બે સાથળની વચ્ચે આવી અને બેલેન્સ ચુકાઈ જતા એ ત્યાં જ પડી ગયો.


(વધુ આગળના ભાગમાં જોઈશું..આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ જય શ્રી કૃષ્ણ..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED