nari tu na haari - 2 books and stories free download online pdf in Gujarati

નારી 'તું' ના હારી... - 2



ઘણીવાર બાપુના અવસાન પછી બપોરે વાડીએ ભાથું ખાતી વખતે કે પછી સાંજે વાળું વેળાએ મોહનભાઈ અને એમના બા વાતુંએ ચડતા. મોહનભાઈના બા બીજી ઘણી વાતો કરતા પણ એમના બાપુની વાત બહુ ઓછી કરતા જેથી કરીને માં દીકરો સામસામે ના રડી પડે.

એક દિવસ એમણે સાંજે વાળું વખતે એની બા ને પૂછી જ વાળ્યું, " હે બા..તને કવ.."

" હ..બોલ ને બટા.." મોઢામાં કોળિયો મુકતા એની બા એ જવાબ આપ્યો.

" બા..આ બાપુ જારે હોય તારે મને કે'તા કે, તારે શેરમાં જાવું હોય તો તું વય જાજે...લગન થાય પસી શહેરમાં જાવું હોય તો જાજે.." આજ સુધી જે સાંભળ્યું હતું એનો વળતો સવાલ આજે મોહનભાઇ પૂછી રહ્યા હતા.

" હા.. કે'તા ને..! કેમ તારે જાવું સે?" બીજો કોળિયો મોઢામાં મુકતા પહેલા એમના બા નો હાથ અટકી ગયો અને એમણે તરત જ મોહનભાઇ સામે એવી રીતે જોયું કે જાણે મોહનભાઇ હા પાડે તો એ અત્યારે જ રડી પડશે. એમના બા ની આંખોના મંડાણ સીધા મોહનભાઇના મુખ પર જ મંડાઈ ચુક્યા હતા. એમની રહિસહિ આશાઓ જાણે આ સવાલની સાથે ધોવાઈ જતી હોય એવું લાગતું હતું. એમની એકદમ લાચાર નજર જોઈને મોહનભાઈને જાણે કોળિયો ગળા નીચે ઉતારવામાં પણ કષ્ટ પડ્યું હોય એવું લાગ્યું.

" અરે..ના ના બા...કેવી વાત કરેસ તું..તને આમ એકલી મુકીને હું થોડો વયો જાવ.." મોહનભાઇએ તરત કહ્યું.

" ગામ આખું હુ વાતું કરશે પસી...ખબર સે તને!"

" આતો હું અટલે પુસતો તો કે, બાપુ જારે હોય તારે કેમ એવું કે'તા..?"

" ઇ તો કે જ તે ને..! એને બોવ હરખ હતો શેરમાં જાવાનો..." આટલું ત્રુટક ત્રુટક બોલતાની સાથે જ એમના બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મોઢામાં મૂકેલું રોટલાનું બટકું દૂધનો ઘૂંટડો પણ ના પામી શક્યું ને મોઢું ખુલતા જ લાળ ટપકી ગઈ. આસુંડાની એકદમ ધાર થઈ ગઈ અને હાથ એને છુપાવવા આખો પર પહોંચી ગયો.

મોહનભાઇ બાપુના ગયા પછી હંમેશા કોશિશ કરતા કે બા ની સામે ક્યારેય બાપુની વાત ના આવે. એવું લાગે તો એ ઘરના કોઈક ખૂણે કે પછી વાડીએ એક શેઢે જઈને પણ એકાંતમાં રડી લેતા. અને એમના બા નું પણ એમ જ હતું, રાતે ગોદડું ઓઢીને છાનાં માના રડતા ક્યારેક એમનું ઓશીકું પણ પલળી જતું.

ક્યારેક રાતે ધણીની યાદમાં એમનાથી રાતે ડૂસકું પણ નીકળી જતું અને મોહનભાઇ જાગી પણ જતા અને ખબર પડી જતી કે બા રડે છે પણ એ હલ્યા વગર એમ જ પડ્યા રહેતા અને જાણે કંઈ થયું જ નથી એમ રાખીને ભીની આંખોએ સુતા રહેતા. બસ રાતના એ અંધકારમાં પાંપણ પર આસુઓનો ભાર લઈને રાતોની રાતો કાઢતા મોહનભાઇ જાણે શીખી ગયા હતા. જો એ ઉભા થઇને બા પાસે જાય તો પછી એકબીજાને કંટ્રોલ કરવા અઘરા પડી જાય અને આવું પહેલા પણ બની ચૂક્યું હતું. પછી તો કોણ કોને છાનું રાખે એવી હાલત થતી કેમ કે એકબીજાને સધિયારો આપવા માટે એ બન્ને જ તો હતા અને એમની સાથે બીજું કઇ હતું તો બસ બાપુની આ ઘરમાં રહી ગયેલી યાદો.

આજે પણ આસુંઓને ક્યાંય સુધી રોકવાની કોશિશ કરવા છતાં પણ એમના બા થી ના રહેવાયું. બીજી બાજુ પડખું ફરીને એમણે આસુંડા લૂછી લીધા. કેટલાય કષ્ટ સાથે જાણે દવા ગળતા હોય એમ મોઢામાંનું બટકું એમણે ગળા નીચે ઉતાર્યું. અને હવે એ કાંસાની થાળીમાં વધેલું વાળું એમ જ વધ્યું રહેશે એ તો પાક્કું હતું. મોહનભાઇને થયું કે વાળું વખતે આ ખોટો સવાલ પુછાઇ ગયો છે પણ...એમને લાગ્યું કે હવે પગ પલળી જ ગયા છે તો નાહી લેવામાં વાંધો નહીં..હવે શરૂઆત કરી જ છે તો વાત પૂરી જ કરી લઈએ એમ વિચારીને એમણે પૂછ્યું, " બાપુને કેમ શેરમાં જાવું તું.., ઇ ગયા કેમ નય તો..?"

થોડીવાર એમના બા એમની સામું જોઈ રહ્યા. એમની આખો હજી પલળેલી હતી. જાણે એમની અંદરની આંખો દ્વારા એ કોઈ ભૂતકાળને યાદ કરવાની કોશિશ કરતા હોય એવું એના મુખ પર જણાતું હતું. મનમાં થોડીવાર એ શબ્દો ઘડી રહ્યા હોય એવું લાગ્યું. શબ્દોનો ભાર એમના મુખ પર સ્પષ્ટ વર્તાતો હતો. પછી એક ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું, " તાર બાપુનો એક ભાઈબંધ હતો મનજી. આપડા ગામને પાદર એની દુકાન હતી. આય ગામમાં જ બધુ ફરસાણ બનાવતો તો. તાર બાપુ એની દુકાને જ બેઠા હોય..એને હાથોહાથ કામ પણ કરાવે..એટલે મનજીને ય ટેકો રેતો."

" પસી તો ધીમે ધીમે તાર બાપુને ય હંધુય બનાવતા આવડી ગયું..રોજ તાર બાપુ નવરા પડે એટલે ન્યા જ હોય, કારેક તો ખાવાં ટાણે એને મારે બોલાવા જાવા પડતા."

" પસી હું થયું બા.."

" પસી હુ ઇ જ...જે થાવાનું હતું.." થાળીને થોડો હડસેલો મારીને એક પગ લાંબો કરીને બીજા પગને થોડો ઉપર કરી ગોઠણ પર હાથ મુકતા એમના બાએ કહ્યું.

" તાર દાદાને નો'તી ખબર કે તાર બાપુ રોજ ન્યા જાય સે..મને પુસે તો હું સાનુ રાખતી તાર દાદાથી.."

" એકવાર તાર બાપુએ મને માંડીન વાત કરી કે આપડે શહેરમાં વય જાવી અને ન્યા આની જેવી જ ફરસાણની એક દુકાન કરવી."

" મેં તાર બાપુને બોવ હમજાવા કે તમે આય રયને જે કરવું હોય ઇ કરો ને..! શેરમાં તો તમાર બાપુ જાવા ય નય દે..પણ તારા બાપુની વાત ય હાસી હતી કે આય તો મનજીની દુકાન સે..હવે ઇ નવી કરે તો બેમાંથી એકેયનું હાલે નય..અને ઉપરથી શેરમાં ફદીયા(રૂપિયા) ય જાજા મળે.."

" ઠેક..એટલે બાપુ મને દર વખતે કેતા.." મોહનભાઇ એવી રીતે બોલ્યા જાણે એમને બધી વાતનો તાળો મળી ગયો હોય.

" પણ મારા કેટલુંય હમજાવા સતાય..તારા બાપુ એકના બે નો થયા અને એક દી' તારા દાદાને વાત કરી દીધી..પસી તો.." એમના બા બોલતા બોલતા વચ્ચે જ અટકી ગયા.

" પસી? હું કીધું દાદાએ..?"

" તારા દાદાનો મગજ ગરમ થય ગયો..કીધું કે..તારો બાપો અને આ પાસળ બધા ડોહલા મરી ગયા આ વાડીયુમાં કામ કરી કરીન.. બધા હુ ગાંડીના હતા તે આમા બળધાની જેમ કામ કરુ હશે..આ જમીન જ આપડા હાટુ હંધુય સે..ન્યા શેરમાં જયને તો ઇ બધા રોટલો નય ખાઈને તમારું આ ફરસાણ ખાહે ને તો તમને બે ટકનો રોટલો મળશે અને આય તો ખાલી તારી આ જમીનનું ધ્યાન રાઈખ આ માવડી આખી જીંદગી રોટલા નય ખૂટવા દે..."

" આયવા વળી નવી નવાય ના શેરમાં જાવા વાળા..હજી હુધી કામ માથે આયવું નથ ને એટલે આ બધા વિશાર આવે સે.."

" અને ઇ જ દા'ડે તાર બાપુને ય તારા દાદા વાડીએ લેતા ગયા અને પસી વાડી સિવાય હંધુય બંધ થય ગયું...મનજીની દુકાને જાવાનું ય બંધ..ઇ પસી કોઈ દી' તાર બાપુએ શેરમાં જાવાનુ નામ નો'તું લીધું ને ઇ વાત સપનું બનીન ઠાઠડી હુધી એના મનમાં રઇ ગઈ.." એમના બાની આંખો ભીની થઇ ગઇ.

" ઠેક..હવે મને હમજાણુ.. કે બાપુ મને કેમ કે'તા..પણ બા મારે કાઈ નથી જાવું...આપડે આય જ બરાબર સી..હું કેવું તારું?" મોહનભાઇ એમના બાને સાંત્વના આપતા.

***

વીસ વર્ષની ઉંમરે તો મોહનભાઇના લગ્ન બાજુના જ ગામના સવિતાબહેન સાથે થઈ ગયા હતા. લગ્નના થોડા દિવસ બધું ઠીક ઠાક ચાલ્યું પણ કામનો ભાર અને પાઇ પાઇ બચાવીને ચાલતું આ ઘર કદાચ સવિતાબહેન માટે વિસ વર્ષ વ્યાજ ભર્યા પછીની આખી જીંદગી ખોટ ખાધા સમાન સાબિત થયું. શરૂઆતના બે વર્ષ સાસુ વહુ વચ્ચેની કચકચ અને વરવધુના ઝઘડા આમનામ ચાલતા રહ્યા પણ મોહનભાઇને એમ કે ઘર હોય ત્યાં તો આ બધું ચાલતું જ રહેવાનું એટલે એમની જતું કરવાની ભાવનાએ દિવસો પછી દિવસો કાઢી નાખ્યા. પણ કદાચ આ કસોટી જાણે મોહનભાઈની પરીક્ષા લઈ રહી હોય એમ એનાથી છુટકારો એમને મળ્યો જ નહીં.

દીકરીના જન્મ પહેલા પણ રાતે બન્ને માણસો વચ્ચેની રૂમમાં ચાલતી બોલાચાલી મોહનભાઇના બા સાંભળતા રહેતા. એકબાજુ પોતાની જનની અને બીજી બાજુ જીવનસંગીની આ બન્ને વચ્ચે ડગમગ ચાલતા મોહનભાઇએ હજી બહુ લાંબી સફર આ રીતે કાપવાની છે એવો વિચાર આવતા જ ક્યારેક વાડીના શેઢે એકલા બેઠા બેઠા એમની આંખોમાં આંસુ આવી જતા. આમ છતાં એ બન્ને ત્રાજવાને સમતોલ રાખવાની પુરી કોશિશ કરતા.

પોતાના બાપુએ આટલું બધું સહન કર્યું છે તો પોતાના માટે તો આ કઇ ના કહેવાય એમ સમજીને કઠણ હૈયે એ બધું સહન કર્યે જતા હતા.

હજી લગ્ન થયાને થોડા જ મહિના થયા હતા ત્યાં જ રિસામણાં અને મનામણાં ચાલુ થઈ ગયા હતા. નાની નાની વાત ક્યારેક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી. સાસુ વહુના ઝઘડામાં મોહનભાઇને મારી મચડીને વચ્ચે લાવવામાં આવતા અને પછી ઘણીવાર તો મોહનભાઇ રાતે બહાર આવીને એકલા સુઈ જતા. ઘણીવાર સવિતાબેન બીજે દિવસે સવારે કહ્યા વગર જ પિયર ચાલ્યા જતા અને મારે હવે પાછું આવવું જ નથી એમ કહીને હઠ પકડીને બેસી જતા. પછી વડીલો એમને સમજાવીને મૂકી જતા અથવા ક્યારેક મોહનભાઇ એમને તેડવા જતા.

એક વખત જ્યારે મોહનભાઇને ગુસ્સો આવ્યો ત્યારે એમણે એમના બા ને ચોખ્ખી ના જ પાડી દીધી, " મારે એને નથ લાવવી..રોજનો એકનો એક કકળાટ હવે નથી પોહાય એમ.."

" મોહન, એવું નો હાલે... ક્યાં હુધી આમ એકલા જીંદગી કાઢીશ.." એમના બા એમને સમજાવતા.

" હું જીવી લઈશ બા..." મોહનભાઈની આંખમાં ઝળઝળિયાં આવી જતા એ એમના બા જોઈ શકતા.

" બટા, જીંદગી જીવવા એક હાથમાં બીજો હાથ જોઈએ. થોડોક પ્રેમ, થોડોક રોષ, થોડીક રોકટોક આ બધાથી જ તો જીંદગીનું વર્તુળ એકદમ પૂર્ણ થાય છે અને આ બધા વચ્ચે જો નફરત ને ધિક્કારનો એક બિંદુ જેટલો પણ અવકાશ રહી ગયો ને તો જીંદગીના વર્તુળમાથી પ્રેમ-લાગણી ક્યારે બેઘર થઈ જશે એની ખબર પણ નહીં પડે. જેમ આપડે એક બળધાને જોતર બાંધીને ગાડુ નો હાલે..બેયનું હોવું જરૂરી સે એમ જ આ જીંદગીમાં સે..એકબીજા વગર તમે બેય અધૂરા સો એટલું હમજી લે.." આટલું બોલતા તો એમની બા ને પણ બાપુની યાદ આવી જતી અને એમની આખો પણ ભીની થઈ જતી.

" પણ આ સેલ્લી વાર સે હવે બા..."

" તું એક કામ કર..તમે સોકરાનું કાંઈક વિશારો... કદાશ ભગવાન કરે ને સોકરાના આગમનથી બધું હરખું થય જાય તો.." એમના બા એ ઉપર આકાશમાં જોતા કહ્યું. એક માં ની દીકરા પાસેથી સહજ પુત્રની માગણી એ રોકી ના શકતા.

" હા.. હવે ઇ એક બાકી રયુ સે.." અંતે એક ઊંડો નિસાસો નાખીને મોહનભાઇ એમને તેડી લાવેલા.


ટુક સમયમાં નવા ભાગ સાથે મળીએ...આપના પ્રતિભાવની આશા સહ જય શ્રી કૃષ્ણ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED