nari tu na haari - 6 books and stories free download online pdf in Gujarati

નારી 'તું' ના હારી... - 6

(આગળના ભાગમાં જોયું કે મોહનભાઇના બા નો હાર એમને મળતો નહોતો અને એ ચિંતામાં હતા...)

મોહનભાઈએ એમને શાંત કર્યા. બા ને તો એક ટક ખાવું ના ભાવ્યું ને બે દિવસ તો બસ એની જ ચિંતામાં ગયા. ત્રીજા દિવસે સવિતાબેન પાછા આવી ગયા. હજી તો સવિતાબેન આવ્યા અને માંડ પોતાનો થેલો મુક્યો કે તરત જ બા એ એમને પૂછી લીધું.." સવિતા..તમે મારો હાર જોયો સે?"

" નય...કેમ હું થયું?" સવિતાબેને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો.

" બે દી' થી ગોતું સુ પણ મળતો નથી.." કપાળ પર ચિંતાની રેખાઓ ફરી એમના બા પર ઉપસી આવી.

" પણ મેં તો તમારો કબાટ ઉઘાડયો જ નથી.." થોડા અચકાટ સાથે સવિતાબેને કહ્યું.

તરત જ મોહનભાઇના બાને ઝટકો લાગ્યો. તરત જ એના આમ-તેમ ફરતા વિચારોએ એક જ દિશા પકડી લીધી. સવિતાબેનના એક જવાબ પરથી જાણે એના પર જ બધા શંકાના વાદળો ઘેરાવા લાગ્યા. એમના બા ને તરત જ લાગ્યું કે કોઈને ખબર ના હોવા છતાં સવિતાબેનને ખબર હોય કે હાર કબાટમાં જ છે તો કઈક તો લોચો હશે જ. થોડીવાર ઘરમાં આમ તેમ આંટા માર્યા પછી એમણે આ વાત મોહનભાઇને કરી.

મોહનભાઇ વાત માનવા તૈયાર નહોતા. એક ઘરની વહુ આવું કઇ રીતે કરી શકે? બીજા દિવસે સવારે મોહનભાઇના બા એ આખું ઘર વિખીને જોઈ લીધું અલબત્ત સવિતાબેનના રૂમનો કબાટ પણ. પોતાના પર બધો જ આરોપ નાખવા બદલ સવિતાબેનનું મોઢું પડી ગયું હતું. થોડી થોડીવારે મોહનભાઇ સામે ત્રાંસી નજરે જોઈને આ જે બધું થઈ રહ્યું હતું એના વિશે રોષ વ્યકત કરી લેતા હતા પણ મોહનભાઇ લાચાર હતાં.

આખા ઘરનો એક એક ખૂણો જોવા છતાં હાર મળ્યો નહીં. અને અંતે થાકીને હારીને એક જગ્યાએ બેસીને મોહનભાઇના બા આંસુઓ સારવા લાગ્યા. મોહનભાઇએ એમને શાંત રાખવાની કોશિશ કરી પણ એના બાપુને યાદ કરીને એ ફરીથી રડવા લાગ્યા. સવિતાબેને પણ શાંત રાખવાની કોશિશ કરી. માનસી ત્યા જ બાજુમાં બેઠી બેઠી આ બધું જોઈ રહી હતી.

અચાનક મોહનભાઇના બા ઉભા થયા અને ઘરમાં મંદિર પાસે ગયા. મોહનભાઇ અને સવિતાબેન પણ એમની પાછળ પાછળ ગયા. એમના બા એ મંદિરમાં જઇને દીવો કર્યો અને કંઈક માનતા કરી હોય એવું લાગ્યું.

મોહનભાઇએ બા ને પૂછ્યું, " કેમ અત્યારે બા? "

" મેલડી માં ને દીવો કરીને માનતા માની કે...જેણે હાર લીધો હશે ઇ પાસો મૂકી જાહે નકર મેલડી માં એને પોગશે.." બા એ સવિતાબેન સામે જોતા કહ્યું. જાણે એમના બા ને ખબર જ હતી કે આ હાર સવિતાએ જ લીધો છે.

સવિતાબેનના મુખ પર હવે ભગવાનનો થોડો ડર દેખાઈ રહ્યો હતો. થોડીવાર બધું આમનામ ચાલ્યુ. સવિતાબેન થોડી થોડીવારે આમ-તેમ આંટા મારી રહ્યા હતા. એ કંઈક બેચેન હોય એવું લાગતું હતું અને એ વાત મોહનભાઇ પણ સમજી ગયા હતા. સવિતાબેનન મનના વિચારો કંઈક અલગ જ દિશા પકડી રહ્યા હતા. મોહનભાઇના બા ત્રાસી નજરે સવિતાબેનની એક એક હલન-ચલન પર નજર રાખીને બેઠા હતા.

અંતે બપોર પછી સવિતાબેન ધીમેથી મોહનભાઇ પાસે ગયા. હાથમાં સાડીના પાલવના છેડાને પહેલી આંગળી ફરતે ગોળ વીંટતા, નજર સામે નજર ના મેળવી શકતી આખો સાથે, ધીમેથી મોહનભાઇને કહ્યું કે, " કદાસ હું મળવા ગઈ ત્યારે મારા થેલામાં તો નય આવી ગયો હોય ને?..માનસીએ કદાસ નાખી દીધો હોય તો..હાર જેવું કાંઈક હતું એવું લાગ્યું તો તું મને..પણ પસી મેં કાઈ ધ્યાન નો'તુ દીધું.."

ઓચિંતાની બા ની માનતાની અસર આટલી બધી થશે એ તો એમને પણ નહોતી ખબર. પણ એમ છતાં મોહનભાઇને આ વાત પર જરાય વિશ્વાસ નહોતો આવતો કે ઘરમાં ને ઘરમાં પોતાની પત્ની જ ચોર હોઈ શકે. હવે મોહનભાઇને અમુક અંદાજો તો આવી જ ગયો હતો પણ હજી જ્યાં સુધી બધું સાબિત ના થાય ત્યાં સુધી એમણે ધીરજ રાખવાનું નક્કી કર્યું. આ કામ શાંતિથી અને ફોસલાવીને પૂરું પડવાથી જ પડશે એમ સમજીને એમણે પોતાના મન પર કાબુ મેળવ્યો.

" હાયલ..આપડે ન્યા રય ગયો હોય તો લેતા આવવી.." મોહનભાઇએ સવિતાબેનને કહ્યું.

" જોયું..મને તો ખબર જ હતી...આ જ તે ભમરાળી લઇ ગઈ હશે..દાનતમેલીના હોય ન્યા બીજું હું હોય..!" મોહનભાઇના બા નીકળતી વખતે રિતસરના સવિતાબેન પર ત્રાટકયા. માનસી આ બધું જ સાંભળતી હતી અનેં બધી કડીઓ ગોઠવવાની કોશિશ કરતી હતી. માનસી એટલી તો સમજદાર થઈ ગઈ હતી કે એ પોતાની જાતે જ નિર્ણય લઈ શકે કે શુ થઈ રહ્યું છે..શેના કારણે થઈ રહ્યું છે અને એના પાછળ જવાબદાર કોણ છે?

મોહનભાઇ સવિતાબેનને લઈને ફરી એના પિયરમાં ગયા. ત્યાં પહોંચતા જ સવિતાબેન જાણે કોઈ નાટકના પાત્રને ભજવતા હોય એમ એના બા ને પૂછ્યું, " મારા થેલામાંથી હાર નીકળ્યો તો બા? "

" હા..ઇ કબાટમાં એ રયો..મને એમ કે ઇ તારો હશે...અને આયા મૂકીને જાવાનો હશે..એટલે મેં મૂકી રાખ્યો.." થોડી પણ શંકા ના જાય એ રીતે એમણે કહ્યું.

મોહનભાઇના મગજનો પારો હવે ચડી ગયો હતો. એમની સહનશક્તિનો હવે અંત આવતો જતો હતો. આ લોકો પણ આટલા નાટકબાજ હશે એની આજે ખબર પડી રહી હતી. હાર લઈને સવિતાબેન જેવા બહાર આવ્યા કે તરત જ મોહનભાઇ હાર એના હાથમાંથી લઈને ત્યાં જમવા રોકાયા વિના ચાલતા જ થયા.

" તારે આવવું હોય તો મોર(આગળ) થા...નકર તું ય આયા જ પડી રે.." જતા જતા મોહનભાઇએ સવિતાબેનને કહ્યું.

સવિતાબેનના બા એ એને જવા માટે આખથી ઈશારો કર્યો એટલે સવિતાબેન પણ એમની સાથે તરત ચાલતા થયા. રસ્તામાં બન્ને વચ્ચે કોઈ વાતચીત ના થઇ. બન્ને વચ્ચે છેક ઘર સુધી મૌન તોળાતું રહ્યું. મોહનભાઇની આંખોનો ગુસ્સો જાણે સવિતાબેનની કોઈ પણ સફાઈને બાળીને ભસ્મીભૂત કરી નાખે એવો હતો. મોહનભાઇની આખોનો રોષ જોઈને સવિતાબેને મૂંગા બેસી રહેવામાં જ ભલાઈ સમજી.

બન્ને ઘરે પહોંચ્યા કે તરત મોહનભાઇએ થેલામાંથી હાર કાઢીને એના બા ને આપીને સીધી એક સોટી જ લીધી.

" ચોરનાપેટની..હવે અમારે હું ઘરમાં ને ઘરમાં ય ધ્યાન રાખવાનું?" મોહનભાઇએ સીધી એક સોટી સવિતાબેનને મારી.

" મને તો એણે તે દી' જવાબ આપો ત્યારની ખબર પડી ગઈ તી કે આ રાંડે જ લીધો સે.." મોહનભાઇના બા પણ હવે સંયમ ખોઈ ચુક્યા હતા.

" ઘરમાં જ ચોર ગુડાણા હોય પસી હું હોય.." મોહનભાઇ લાકડી લઈને સવિતાબેનની પાછળ દોડતા હતા અને સવિતાબેન આગળ.

છેલ્લે સવિતાબેન ઘરમાં આવીને એક રૂમમાં બેસી ગયા પણ મોહનભાઇનો ગુસ્સો હજી શાંત થવાનું નામ લેતો નહોતો. મોહનભાઇ એમ એકદમ શાંત માણસ હતા પણ કોઈ ખોટું કરે તો એનાથી ભૂંડું કોઈ નહીં એવો મિજાજ ધારણ કરી લેતા. હજી પણ રૂમમાં એ સવિતાબેનને મનમાં આવે એમ બોલતા હતા.

આજુબાજુ બધા લોકો આ અવાજ સાંભળીને ઘરે આવી ગયા હતા. બધાને આ વાતની ખબર પડી ગઈ અને જાણે વાતનું બવંડર થઈ ગયું. માનસી આ બધું જ જોઈ રહી હતી. આ બધું શુ ચાલી રહ્યું હતું એ એની સમજની બહાર હતું. બસ એ રૂમમાં એક બાજુ પડેલા લોટના ડબ્બા પર બેઠી બેઠી પહેલીવાર પોતાના પિતાનો આવો મિજાજ જોઈ રહી હતી. મોહનભાઇના બા હીનાને તેડીને એકબાજુ ઉભા હતા.

આજુબાજુના લોકો મોહનભાઇને શિખામણ આપી રહ્યા હતા. અને અંતે મોહનભાઇ શાંત થયા એટલે એને એકબાજુ બેસાડ્યા. ધીમે ધીમે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. વાંક સવિતાબેનનો જ હતો એ પાક્કું થઈ ગયું હતું. પોતાના પર આવેલા આરોપનો એણે જાતે જ સ્વીકાર કરી લીધો હતો.

થોડીવારમાં સવિતાબેન હિનાને લઈને બાર નીકળી રહ્યા હતા. " ક્યાં જા સો?" મોહનભાઈએ પૂછ્યું.

" મારે નથ રેવું..કૂવામાં પડી જાવું સે.." સવિતાબેન આટલું બોલીને ચાલતા થયા.

" ઓલી સોડીને મુક્તી જા..પસી તારે જ્યાં જાવું હોઈ ન્યા જા.." મોહનભાઈએ હિનાને સવિતાબેન પાસેથી આચકી લીધી

માનસી આ સાંભળીને રડવા લાગી. "મમ્મી...મમ્મી.." કરતી એ એની પાછળ દોડવા જતી હતી પણ મોહનભાઇના બા એ એને પકડી લીધી.

સવિતાબેન ચાલતા થયા અને મોહનભાઇ દરવાજે ઉભા ઉભા એકધારું જોઈ રહ્યા. એની આંખોમાં હજી ગુસ્સો હતો કે એનો પોતાનો વાંક હોવા છતાં વાતને સ્વીકારવાને બદલે વાત વધારતી જાય છે.

" મોહન, આ ભહતા કૂતરા કવડે નય.." એમના બા એ કહ્યું. એને જાવું જ હોય તો કઇને નો જાય. મોહનભાઇને પણ ખબર હતી કે આની પહેલા બે ત્રણ વખત સવિતાબેને હાથમાં મોનોકોટો દવાની બોટલ લઈને દવા પી જવાના ધજાગરા કરેલા હતા પણ પીધી નહોતી ક્યારેય.

મોહનભાઇ હજી ત્યાં જ ઉભા ઉભા જોઈ રહ્યાં હતાં. વિચારોનું ઘોડાપુર હજી શમવાનું નામ નહોતું લેતું. પોતાની દીકરી પર આની શુ અસર થઈ હશે એના હજી એને વિચાર આવતા હતા.

" મોહન, અંદર વયાવ..ગાંડાના ગામ નો હોય..એવા પાસળ ખોટી બળતરા નો હોય.." મોહનભાઇના બા એ કહ્યું.

એક કલાક જેવું થયું હશે અને સવિતાબેન પાછા આવી ગયા. આવીને રૂમમાં બેસી રહ્યા. કોઈએ એને બોલાવ્યા નહીં અને બીજા દિવસથી બધું રોજની જેમ બરાબર ચાલતું થઈ ગયુ. મોહનભાઇને નવાઈ લાગી કે કોઈ આટલું બધો ઢોંગ કઇ રીતે કરી શકે. આટલા મોટા ગુનામાથી તમારી જાતને એક દિવસમાં બહાર કેવી રીતે કાઢી શકો. થોડી એવી તો લજ્જા જેવું હોય કે નહીં! ખેર હવે એ તો પહેલેથી જ એવી હતી અને આખા ગામને હવે તો ખબર પડી ગઈ હતી.

મોહનભાઇના મનમાં એક વાત તો નક્કી હતી કે માનસીને આવું કઇ પણ ખોટું નહીં કરવા દઉં. હિના પણ ધીમે ધીમે મોટી થતી હતી. માનસીની નિશાળ ચાલુ થઈ ગઈ હતી. ક્યારેક એ હિનાને રમાડતી તો પછી કયારેક નિશાળેથી આવીને વાડીએ ચાલી જતી.

માનસી ભણવામાં એમ હોશિયાર હતી. હિનાને પણ હવે ગામમાં ભણવા બેસાડી દીધી હતી. બન્ને બહેનો હવે એક સાથે જ નિશાળે જતી. હવે જ્યાં જાય ત્યાં બન્ને સાથે જ હોય.

ધીમે ધીમે પાંચમા ધોરણમાં માનસી આવી ત્યારે હવે નિશાળ સવારને બદલે દસથી પાંચ વાગ્યા સુધીની થઈ ગઈ હતી. હવે તો બન્ને બહેનો મોટી થઈ ગઈ હતી એટલે સવિતાબેન પણ રોજે વાડીએ જતા રહેતા. સવારે ત્રણેય જણા કામ કરીને ભાથું લઈને વાડીએ જતા રહેતા. હિના પણ સવારે નિશાળે જતી રહેતી. સવારમાં વધારે બનાવેલી એક ભાખરી માનસી ચૂલા પાસે એક થાળીમાં ઢાંકીને ઘરનું બધું કામ પતાવીને દસ વાગ્યે નિશાળે જતી રહેતી. નિશાળ ગામને પાદર હતી અને ઘર ગામના આ બાજુના છેડે. બપોરે એક વાગ્યે ખાવાનો રીસેસ પડે એટલે માનસી ઘરે દોડતી દોડતી આવે. ચૂલા પાસે પડેલી ભાખરી લઈને કયારેક કોરું મરચું ખાંડેલું હોય તો એ નહીં તો બપોરે તડકાની ગરમ થઇ ગયેલી છાશ એક વાટકામાં લઈને ખાધું ના ખાધું તરત જ ફરી નિશાળ ભણી દોટ મુકતી.

હિના હજી નિશાળેથી આવી જ હોય એટલે બન્ને બહેનો સાથે જમે પછી ક્યારેક વાસણ ધોવાનો સમય રહે નહીં તો હિનાને કહેતી જાય, " હંજવારી કાઢીન ભાણા ઉટકી નાંખજે અને કપડાં લઇ લેજે.."

એક દિવસ માનસી રીસેસ પડી કે તરત કલાસમાંથી દોડીને બહાર નીકળી. ઘરે જવાની ઉતાવળમાં દોડીને બહાર નીકળતી હતી કે સામે એક છોકરી પણ દોડતી આવી અને અચાનક બન્ને ભટકાઈ ગયા.

માનસી ત્યાં જ પડી ગઈ. થોડીવાર આજુબાજુનું કઇ ભાન ના રહ્યું. તરત જ બધી છોકરીઓનું ટોળું વળી ગયું. થોડીવારમાં માનસી ત્યાંથી ઉભી થઇ તો બધા એને જોઈ રહ્યા હતા. મોઢા પાસે હાથ લગાડીને જોયું તો હાથમાં લોહી આવ્યું. માનસીના હોઠના નીચેના ખૂણેથી લોહી નીકળતું હતું.

માનસીએ ઉભી થઈને જોયું તો આજુબાજુ બધા જ ગોળ ફરતે ઉભા હતા અને એની સામે જોઈ રહ્યા હતા. અચાનકની લાગેલી આ ટક્કરથી માનસીને થોડીવાર કંઈ સમજમાં ના આવ્યું કે પોતે ક્યાં છે અને એની સાથે શુ બની ગયું છે...આજુબાજુના લોકો એની સામે જોઈ રહ્યા હતા અને માનસીને થોડું ચક્કર આવતા હોય એવું લાગ્યું.

તરત જ કોઈ સાહેબને બોલાવી લાવ્યું અને માનસીને દવાખાને લઇ ગયા. દવાખાને જતા જતા સાહેબના કહેવાથી એક છોકરીએ મોહનભાઇને બોલાવી લાવવા ખેતર ભણી દોટ મૂકી કેમ કે લોહી ઘણું વહી ગયું હતું.

દવાખાને પહોંચતા જ ડોકટરે હોઠ પાસે સાફ કર્યું અને માનસીને ત્રણ ટાંકા પણ આવ્યા. ત્યાં સુધીમાં મોહનભાઇ પણ બધું કામ પડતું મૂકીને આવી ગયા.

( વધુ આગળના ભાગમાં...આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ જય શ્રી કૃષ્ણ...)

બીજા રસપ્રદ વિકલ્પો