nari tu na haari - 1 books and stories free download online pdf in Gujarati

નારી તું ના હારી... - 1

નારી 'તું' ના હારી..

આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ વાંચીને કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી પુરી કોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..😅) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ.

ઘણી જગ્યાએ પાત્રને ન્યાય આપવા માટે મેં જે મારી નજર સમક્ષ નિહાળ્યું છે, અનુભવ્યું છે અને મારી આખો સમક્ષ ઘટી ગયું છે એ જ શબ્દસહ લખવાનો પ્રયત્ન કર્યો છે તો એના માટે કોઈની લાગણી દુભાય કે સહજ ખોટું લાગે તો હું દિલથી અત્યારે જ માફી માગું છું. લેખકની આ વિશાળ દુનિયામાં ડગ માંડતું બાળક સમજી માફ કરશો.

દરેક સ્ત્રી કે જે પોતાનામાં રહેલી એક સ્ત્રીને ખરેખર જીવી રહી હોય કે પછી એને પરાણે મારી મચડીને જીવાડવામાં આવી રહી હોય એ પોતાને જાતે જ નક્કી કરવું રહ્યું પણ આ વાર્તા થકી, વાર્તાના પાત્રો થકી કે પછી એના સવાંદ થકી કઠણ હૈયે પોતાની જાતને એ જ સવાલ પૂછતાં ખચકાટ અનુભવાય તો સમજવું કે ક્યારેક આ દિલમાં પણ સ્વમાનનું વલોણું વલોવાયું છે.

આ નવલકથામાં વાત છે એક નાનકડી બાળાની, એની અપેક્ષાઓની, એના ભોળપણની, એની મસ્તીની અને મોટી થતા થતા એની જીંદગીમાં આવતા દરેક નાના મોટા સંઘર્ષની અને અચરજ પમાડે એવી વાત કે આ બધાથી હાર્યા, કંટાળ્યા કે ડર્યા વગર એકદમ સહજ અને સાહસિકતાથી દરેક પડાવને આત્મબળ થકી જ પાર પાડનારી આ માનસી એટલે કે "મનુડી" ની આ વાત છે.

વાંચતા રહેશો અને અંત સુધી બન્યા રહેશો એવી આશા...

***

" મમ્મી મને ભૂખ લાગી છે..કંઇક ખાવાનું આપ ને..!" અમીએ ધીમેથી એની પાસે બાંકડા પર બેઠેલી એની મમ્મીને કહ્યું.

" મમ્મી...તને કવ છું..સાંભળને..!" થોડા કહટાતા અવાજે અમી ફરીથી બોલી.

" હેન.. હા બોલ બેટા..." અમીની મમ્મી માનસી કોઈ ગહન વિચારોમા ગળાડૂબ હતી એટલે બીજીવાર જ્યારે પાંચ વર્ષની અમીએ માનસીના ખભા પર હાથ મૂકીને કહ્યું કે મને ભૂખ લાગી છે ત્યારે એના અસ્તિત્વએ જાણે એને જાકારો આપ્યો.

" મને ભૂખ લાગી છે.."

" આ..લે.." બન્ને આંખોના પલળી ગયેલા ખૂણા સાથે બાજુમાં પડેલી એક પ્લાસ્ટિકની થેલીમાંથી બિસ્કિટનું એક પેકેટ કાઢીને એણે અમીને આપ્યું.

ભાવનગરના વિક્ટોરિયાની દીવાલને અડીને મુકવામાં આવેલા બાંકડા પર માનસી અને એની પાંચ વર્ષની દીકરી અમી બેઠા હતા. રાતના અઢી વાગ્યા હતા. દિવાલ પાછળના જંગલોની રાતની શાંતિ માનસીને કોરી ખાતી હતી. વાતાવરણમાં જાણે કોઈ અકળાવનારો ઉચાટ હતો. મન કેટલાય વિચારોમાંથી એકસાથે પસાર થઈ રહ્યું હતું. કેટકેટલાય સંકલન અને વિકલનમાં એ જાણે એવી રીતે ગૂંચવાઈ ગઈ હતી કે હવે કોઈ અચળ પણ એને બહાર કાઢી શકે એમ નહોતો.

સામેની બાજુ પર રહેલા પેટ્રોલપંપને લીધે ક્યારેક ક્યારેક વાહનની અવરજવર ચાલુ હતી. ઘણીવાર ખાલી રસ્તા પરથી આ સમયે પુરઝડપે નીકળતા કોઈ વાહનને લીધે માનસીના કાન પાસેની ખુલ્લી લટ હવામાં લહેરાતી અને માનસી ફરી વિચારોમાંથી હોશમાં આવતી. તો કયારેક સામે છેડે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા આવતી વખતે ગાડીઓના ઇન્ડિકેટરનો અવાજ એની શાંતિભંગ કરતો.

"જીતુ વાઘાણી તરફથી મળેલ સપ્રેમ ભેટ.." લખેલા આરસના બાંકડા પર માનસી પલાઠી વાળીને બેસેલી હતી. બાજુમાં અમી થોડી થોડીવારે માનસીના ખોળામાં માથું મૂકીને સુઈ જતી તો થોડીવારમાં બાજુમાં બેસીને નીકળતા વાહનોને એકીનજરે જોયા કરતી. માનસીની આંખો થોડી થોડીવારે બધું યાદ કરીને પલળી જતી હતી અને ફરીથી પવનને લીધે આંસુઓ સુકાઈને એના ઉઝરડા પડી જતા હતા.

સામેથી નીકળતા વાહનોની સ્પીડ જાણે એના બધા જ અરમાનોને વીંધીને નીકળી જતી હોય એવું લાગતું હતું. એના વિચારોની સ્પીડ પણ આજે રોજ કરતા વધારે હતી. ભાવનગરની આટલી રાતની આવી શાંતિ એણે આજ પહેલા ક્યારેય મહેસુસ નહોતી કરી. આ શાંત રસ્તા, આવી અજાણી કાળી રાત, ક્યાંક ક્યાંક ચમકતા તારાઓ, પાછળથી ક્યારેક ક્યારેક આવતા હવાના સુસવાટા, અને તમરાના તિક્ષ્ણ અવાજ વચ્ચે પણ માનસીની અંદરનો ખાલીપો એને થોડીવાર પણ ઊંઘવા દે એમ નહોતો. આજની આ કાળી રાત જો કે એના માટે પહેલીવાર તો નહોતી જ પણ કાલ સવારનો સુરજ એની જીંદગીમાં શુ નવું લઈને આવશે એની પોતાને પણ ખબર નહોતી.

નાનપણથી જ એક ખેડૂતના ઘરમાં જન્મેલી માનસી જીંદગીના એક પછી એક પડાવ ચડતા ઉતરતા આજે અહીં સુધી આવી ગઈ હતી. બાળપણની એકદમ ગામડાની બોલી અને " ડોબી..તને ક્યાં કાઈ ભાન સે.." ના મહેણાં ટોણા સાંભળતી માનસી મોટી થતા સમજણી અને શહેરના લોકો સાથે આરામથી દૂધમાં સાકરની જેમ ભળી જાય એવી થઈ ગઈ હતી. ગામના લોકોને પણ આશ્ચર્ય થતું કે આ મનુડી ગાંડી શહેરમાં જઈને આટલી બધી કઇ રીતે સુધરી ગઈ.

આજે એને યાદ હતું એ બાળપણથી લઈને અહીં સુધી થયેલા બધા અનુભવ અને ખાટીમીઠી વાતો યાદ આવતા એ એની આખોમાંના આસુઓના સમુદ્રને ઉછાળા મારતા નહોતી રોકી શકતી.

***

ભાવનગરથી ત્રીસેક કિલોમીટર દૂર એક ગામમાં ખેડૂતના ઘરમાં જન્મેલી માનસી અને એની નાની બહેન હિના બસ બે જ દીકરીઓ હતી. પિતા મોહનભાઇ અને માતા સવિતાબહેને સાસુના મહેણાં સાંભળવા છતાં હવે કોઈ સંતાન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

" બે દિકરીયું તો હમણાં મોટી થઈને હાહરે વય જાહે..પસી ગઢપણમાં કોઈ બાપોય રોટલા નઇ ઘડી દે..સોકરો હોય તો ટેકો તો રે.."

" ક્યાં હુધી આમ હળ જુત્યા કરીશ..આ બાવડાં કામ આપવાનું બંધ કર દેહે પસી આ મડદું હું કામનું..!"

" એલા..મોહના. આ પેલા ખોળે બેય દીકરી આવી એમાં તું હારી હુ ગયો..ઓલા મનજીને ચાર દીકરી પસી દીકરો આયવો તોય મૂછે તાવ દેતો ફરે સે.." ઘરના તો ઠીક હવે બાકી રહી ગયા હતા તો ગામના લોકોના પણ રોજના નવા નવા મહેણાં સાંભળીને મોહનભાઇ કંટાળી ગયા હતા પણ એમ છતાં એ એકના બે ના થયા.

દીકરા મોહન પર બધી જ જવાબદારીનો પોટલો નાખીને એમના પિતા પંદર વર્ષની ઉંમરે જ એમને છોડીને ગુજરી ગયા હતા. ગામમાં રહેલી ત્રીસેક વીઘા જમીન વાવવાની જવાબદારી મોહનભાઇ પર એમના મનમાં કોઈ સપનાના બીજ વાવ્યા પહેલા જ આવી ગઈ હતી. ભણવાની ઈચ્છા તો હતી જ નહી અને જવાબદારી હવે ભણવા દે એમ પણ હતી નહીં. મોહનભાઇના બા એ પણ એ જ દિવસથી પાલવનો છેડો કાખમાં ખોસી દીધો હતો.

પંદર વર્ષની ઉમર સુધીમાં કેટલાય સપના, કેટલીય આશાઓ અને ખુશીઓ હજુ સુધી એ મોહનના બાળપણમાં ભરપૂર છલકાતા હતા. હજી તો એનામાં સમજણની કૂંપળો ફૂટવાની શરૂ થઈ હતી. અનુભવ, આવડત, બુદ્ધિક્ષમતાના બીજ રોપાઇ રહ્યા હતા. શિખામણનો દોર હજી ચાલતો જ હતો. ખુશીઓ ક્યાંથી મળે એના સરનામાં હજી મળ્યા જ હતા કે એક ઝાટકે અણધારી પરિસ્થિતિનું એવું ઘોડાપુર આવ્યું ને એ કોઈ જ સરનામાનો પત્તો ના મળ્યો. એકના એક દીકરા તરીકેનો એમનો ઉછેર હમેશને માટે કોઈ દબાણ કે જબરદસ્તી વિનાનો સાબિત થયો હતો.

એમના પિતાએ કોઈ દિવસ રોકટોક નહોતી કરી કે નહીં કયારેય કોઈ કામ કરવાનું દબાણ, એમ છતાં મોહનભાઇ પિતા સાથે વાડીએ જતા અને એમને મદદ કરતા.

પણ પંદર વર્ષની ઉંમરે પિતાના અવસાન બાદ ગામના વાળંદ પાસે મોહનભાઈના માથાના બધા વાળની સાથે એમણે બધા જ શોખ અને સપનાં પણ ઉતારી નાખ્યા. પંદર વર્ષે જ માથા પર ફાળિયું અને પેટે પાટા બાંધીને મોહનભાઇએ વાડીમાં મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું. સપનાઓની ગાડીને બ્રેક લાગી અને મહેનતની ગાડી હવે પુરઝડપે નીકળી ગઈ હતી.

ક્યારેક ક્યારેક બપોરે લીમડાના ઓથાયે ખાટલો ઢાળીને સુતા તો પછી ક્યારેક રાત્રે વાડીમાં ધોરીયે પાણી વાળતા તેઓ આંખોના આસુંઓને પણ વાળી લેતા. ભીની આંખે તરત જ એના બાપુની યાદ સડસડાટ કરતી આવી જતી. જ્યારે કયારેક મોહનભાઇ એમના બાપુ સાથે રાતના વારામાં વાડીએ જતા ત્યારે એમના બાપુ કહેતા, " મોહન તું આય હુતો રેજે..હું એક નાકુ વાળીને આવું.."

મોહનભાઇ કેટલીય વાર સુધી એમના બાપુ સામે જોઈ રહેતા. બાપુની આંખોમાં મોહનભાઇ પ્રત્યેની લાગણી, પ્રેમ અને ઉછેર ભરીભરીને છલકાતો હતો અને ક્યારેક મોહનભાઇ લાગણીવશ પૂછતાં, " બાપુ આજે હું નાકુ વાળવા જાવ?"

" ના બટા..તું આયા હુતો રેજે..ન્યા અંધારામાં તારે નથી જાવું..કાળા અંધારે અયા વીંછી ને એરુ આંટા મારતા હોય...કવડી જાય.."

પછી મોહનભાઈના બાપુ ઓશિકાના બદલે એક હાથની હથેળી પર માથું રાખીને આખી રાત જાગ્યા કરતા અને કંઈક વિચાર્યા કરતા. નાકુ વાળવાનો ટાઈમ થાય એટલે એક આંટો મારતા આવે અને ફરી પાછા એ જ મુદ્રામાં આવીને કઈક વિચાર્યા કરે. મોહનભાઈને ઘણીવાર એમનામાં કઈક અધૂરપ દેખાયા કરતી. કંઇક એવું લાગતું કે જેનો એના બાપુને કઈક અફસોસ રહી ગયો હોય. ઘણીવાર એના બાપુ પોતાની જાત સાથે જ લડી રહ્યા હોય, પોતાને સાબિત કરવા ઝઝૂમી રહ્યા હોય, પોતાના દિલને જ સાંત્વના અને દિલાસો આપી રહ્યા હોય એવું લાગતું. ક્યારેક એમને લાગતું કે કદાચ એના બાપુના સપના પુરા નહીં થયા હોય..અને એ સપના જાણે મારામાં જોઈ રહ્યા હોય એટલે જ પોતાના સપનાઓને ક્યારેય એ આમતેમ રઝળવા નહીં દે.

પણ મોહનભાઇ ક્યારેય એ વાત વિશે એના બાપુને પૂછી ના શક્યા. બાપ-દીકરા વચ્ચેનો સંબંધ પહેલેથી જ એવો રહ્યો હતો કે મોહનભાઇ કંઇક વાત કરવા માટે પણ થરથર કાપતા અને એના બા વાયા જ બધી વાતો બાપુ પાસે પહોંચતી. આ બાપ ભલે પોતાની સામે દીકરાના વખાણ ના કરે પણ એનો ગર્વ હંમેશા દીકરાના ઘડાતા જતા મજબૂત બાંધા પર હિલોળા લેતો હોય છે એ મોહનભાઇ સારી રીતે સમજતા હતા.
બપોરે લીમડાના છાયે સૂતી વખતે એકદમ સફેદ આકાશમાં જાણે મોહનભાઈનું ભવિષ્ય જોતા હોય એમ એમના બાપુ કહેતા, " મોહન, તારા લગન થાય પસી તારે શહેરમાં કમાવા જાવું હોય તો વયો જાજે...હું ને તાર બા આય વાડીએ પડ્યા રેહુ..."

" પણ ન્યા જય ને હું કરીશેય હુ?" દસ બાર વર્ષના મોહન પાસેથી એમના બાપુને આ સવાલ સિવાય બીજી અપેક્ષા પણ શું હોય?

" તને જે ગમતું હોય ઇ..."

આ કહેતા કહેતા એમના બાપુની આંખના ખૂણા જાણે ભીના થઈ જતાં. આકાશમાં સપનાઓના વાદળો આમતેમ આંટા માર્યા કરતા એ જોતા. મોહનભાઇ બસ એમના બાપુની આંખોમાં જોયા કરતા પણ વળતો કોઈ પ્રતિભાવ ના આપતા. મોહનભાઈએ ભવિષ્યમાં શહેર તરફ જવાનું ક્યારેય વિચાર્યું પણ નહોતું અને એના બાપુથી અલગ રહેવા એ માગતા પણ નહોતા.

***

સવારના ચાર વાગવા આવ્યા હતા. માનસીની આંખોમાં હજી આંસુ હતા. અમી એના ખોળામાં માથું મુકીને સૂતી હતી. માનસીએ અમીના માથામાં હાથ ફેરવ્યો, પછી એના વાળમાં આંગળીઓ નાખીને એ વિચારતી રહી કે આજે મારા લીધે આ પાંચ વર્ષની બાળકીને કેટલું સહન કરવું પડે છે. જો કે આજે જે કાંઈ બન્યું હતું એ અમીની નજર સમક્ષ જ બન્યું હતું તો એનાથી અમી અજાણ તો નહોતી જ... પણ આટલી ઉંમરમાં એ આ બધું જોઈને હેબતાઈ ગઈ હતી. રોજે બોલવાથી ના થાકતી અને ખીખિયાટા નાખતી અમી આજે એકદમ સુનમુન થઈ ગઈ હતી. માનસીના ખોળામાં સુઈ ગયેલી અમીના મુખ પરના તેજ કરતા આજે ઉદાસી વધારે છલકાતી હતી. માનસીની જીંદગીમાં રોજે જ ઊગતું સૂર્યમુખીનું ફૂલ આજે જાણે કરમાઈ ગયું હતું.

માનસીને સમજાતું નહોતું કે હવે આ પરિસ્થિતિમાં એને શુ કરવું, કોને કહેવું, અને કઈ રીતે કહેવું. કોણ સમજી શકશે એના કરતાં પણ વધારે એને એ વાતનું ટેનશન હતું કે કોને એ સમજાવી શકશે. આ અનિશ્ચિતતાની અંધારી રાત પછી જો વિશ્વાસનો સુરજ ઉગે તો માનસી બસ એની જ રાહમાં હતી.

રસ્તા પરથી એક ટ્રક પુરઝડપે પસાર થયો એટલે અમી ઓચિંતાની જાગી ગઈ. તરત જ એણે માનસીની સામું જોયું અને પોતાની માં ના ખોળામાં જ માથું મૂકીને સૂતી છે એ સાબિત થતા જ એને જાણે હાશકારો થયો. પછી બેઠી થઈને ફરી બાજુમાં બેસીને એકધારી માનસીની સામે જોઈ રહી.

માનસી બાંકડા પરથી ઉભી થઇ અને થોડું આગળ ચાલી રસ્તા તરફ આગળ વધતી હતી.

" મમ્મી..." પાછળથી અમીનો અવાજ સંભળાયો.

બસ આ એક જ અવાજ હતો કે જે માનસીને અંદરથી રોકી રહ્યો હતો જાણે એને કોઈ ગુરુત્વાકર્ષણબળની જેમ એની નજીક જ ખેંચી રહ્યો હતો. કદાચ જો આજે અમી ના હોત તો સવારે ભાવનગરની આવૃત્તિમાં એક્સિડન્ટ કેસમાં માનસીનું નામ પહેલા પેઈજ પર હોત. આ વિચારોના વાવાઝોડા, મગજમાં ચાલતું ઘમાસાણ યુદ્ધ, તરછોડાઈ ગયેલી જીંદગી અને આ આબરૂના લીરેલીરા એનાથી વધારે ઝીરવી શકાય એમ નહોતા.

" હા.. બેટા. અહીંયા જ છું હું.." માનસીએ આંખોમાંથી આંસુ લૂછતાં લૂછતાં ફિક્કા હાસ્ય સાથે જવાબ આપ્યો. અમી એકીનજરે એને જોઈ રહી.

માનસીએ બાંકડા પર પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પાણીની બોટલ કાઢી અને મોઢા પર બે છાલક મારીને આસુંઓને વહેવા મેદાન મોકળું કરી નાખ્યું. સાડીના પાલવના છેડેથી મોઢાની સાથે સાથે એક ઊંડો શ્વાસ લઈને જાણે પોતાના ભવિષ્યને પણ ઉજળું કરી લેવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો.

શુ હશે માનસીની કહાની..?

જાણવા માટે બન્યા રહો આગળના ભાગ સુધી...આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ જય શ્રી કૃષ્ણ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED