nari tu na haari - 5 books and stories free download online pdf in Gujarati

નારી 'તું' ના હારી... - 5

(આગળના ભાગમાં જોયું કે માનસી ઉબકા કરતી હતી અને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી...)

બીજું કંઇ જ વિચાર્યા વગર તરત જ મોહનભાઇ માનસીને તેડીને દવાખાના તરફ ઝડપથી ચાલવા લાગ્યા. સાંજનો સમય થઈ ગયો હતો. ગામડાના દવાખાને એટલી તો કોઈ સુવિધા હોય નહીં પણ એમ છતાં ત્યાં પહોચીને માનસીને તરત જ બેડ પર સુવડાવી દીધી.

ડોકટરે એને પીઠ પર હાથ ફેરવવા કહ્યું કે જેથી એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે.

" કેરોસીન પીધા પછી આને કઇ પાયું તું?" ડોકટરે પૂછ્યું.

" નય.." મોહનભાઇએ માનસીની પીઠ પર હાથ પસવારતા કહ્યું. એટલી વારમાં પાછળથી સવિતાબેન પણ આવી ગયા.

ડોકટરે પેલા એનું મોઢું સાફ કર્યું અને પછી માનસીને દૂધ પાવા માટે કહ્યું. સવિતાબેન બાજુમાંથી દૂધ લઇ આવ્યા. ગામડામાં તો જાણે ના પાડવાના રિવાજ જ ક્યાં છે. દરેક વ્યક્તિ આવી પરિસ્થિતિમાં એકબીજાની પડખે જ ઉભી હોય.

ધીમે ધીમે માનસીને થોડી રાહત થઈ. અને કઈક દવા આપીને વધારે પાણી પીવાની સલાહ આપી ડોકટરે રજા આપી. મોહનભાઇ માનસીને તેડીને ઘરે આવ્યા ત્યાં એમના બા એ વાળુંની તૈયારી કરી નાખી હતી. માનસીને તો આવીને તરત જ સુવડાવી દીધી.

પહેલા તો એ તરત જ સુઈ ગઈ પણ રાતે અચાનક એને ઉલટી શરૂ થઈ ગઈ. મોહનભાઇએ જોયું કે એના મોઢામાંથી તો લોહી પણ નીકળતું હતું. રાતના ત્રણ વાગ્યા હતા. મોહનભાઈએ હવે ભાવનગર જવાનું નક્કી કરી નાખ્યું. માનસીને એક બે કલાક એમ જ તેડીને આંટા માર્યા અને સવારના છ વાગ્યા ત્યાં એને લઈને નીકળી ગયા.

માંડ કરીને ગામડેથી વાહન મળ્યું એટલે આઠ વાગ્યા આસપાસ મોહનભાઈ ભાવનગરના સરકારી દવાખાને પહોંચ્યા. માનસી લોથપોથ થઈ ગઈ હતી. માનસીને દાખલ કરી અને બાટલા ચડવાના શરૂ થયા. ડોક્ટરનું કહેવું હતું કે તમે લાવવામાં ઘણું મોડું કરી નાખ્યું છે પણ છતાં સમયસર આવી ગયા છો બાકી આ બેનને કોમામાં જતા વાર ના લાગત.

બે દિવસ સતત માનસીને ત્યાં રાખ્યા પછી ત્રીજા દિવસે સવારે રજા આપી ત્યારે મોહનભાઇ માનસીને લઈને ઘરે આવ્યા. દિવસ રાત ત્યાં જ માનસીના બેડના ટેકે મોહનભાઇ બેસી રહ્યા. આ બાજુ મોહનભાઇના બા ચિંતા કરતા હતા પણ ફોન તો હતા નહીં એટલે અંદરો અંદર જ ઘૂંટાવાનુ નક્કી હતું.

બપોરે ખરા તડકાના મોહનભાઇ માનસીને લઈને ઘરે પહોંચ્યા. માનસી હજી દવાને ઘેનને લીધે થોડી ઊંઘમાં હતી. ધીમે ધીમે બપોર પછી માનસી એકદમ સારી થઈ ગઈ હતી. ફરી રોજની જેમ જ દોડવા લાગી જાણે કઇ થયું જ ન હોય. અને ત્યાર બાદ ઘરે બધાને હાશકારો થયો. જાણે કોઇ મોટી સમસ્યામાંથી ભગવાને પાર ઉતાર્યા હોય એવું લાગ્યું.

બીજા દિવસે વાડીએ બપોરે જમીને કુવા પાસે બેસીને મોહનભાઇ હાથમાં એક તણખલું લઈને વાડીની કાળી જમીનને ખોતરતા હતા અને સાથે સાથે આજ સુધીના માનસીને લઈને વાગેલા બધા મનના ઘાવ પરની રૂઝાઈ ગયેલી પોપડી પણ. માનસી નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધીના બાપ દીકરીના બધા જ સ્મરણો આજે એક પછી એક એમની નજર સમક્ષથી પસાર થઈ રહ્યા હતા. પોતાને જે રીતે પિતા તરફથી મળેલો પ્રેમ સમજતા ઘણી વાર લાગી ગઈ હતી એવુ હવે માનસી સાથે નહોતા થવા દેવા માગતા. ક્યાંક હવે એમને સમજાતું હતું કે પોતાના બાપુના શબ્દો પાછળની પછડાતી લાગણીઓને એ સમજી ન શક્યા.

જયારે પોતાને સમજવાની ઉમર થઈ ત્યાં સુધીમાં તો બાપુ આ બધી જંજાળ છોડીને નીકળી ગયા હતા. જીવતા તો પોતાના સપના પુરા નહોતા કરી શક્યા હવે કદાચ થઈ શક્યા હોય તો.

હવે પછીથી મોહનભાઈએ નક્કી કરી નાખ્યું કે જેટલું બને એટલું માનસીને પોતાની સાથે રાખશે. અત્યાર સુધી તો એને માં ના ધાવણની જરૂર હતી પણ હવે તો એને માં ના ભાગનું ઘડતર પણ એક બાપ બનીને આપશે. માનસીને એક દિકરાથી જરાય ઓછી નહીં સમજે. મોહનભાઈએ નક્કી કરી નાખ્યું કે આજ સુધી ગામમાં કોઈએ પોતાની દીકરીનો ઉછેર નહીં કર્યો હોય એ રીતે માનસીનો ઉછેર કરીશ. મારી દીકરીને કોઈ પર આધાર ના રાખવો પડે એવી બનાવવી છે મારે એકદમ સ્વાવલંબી. એમની આંખોમાં આંસુ આવી ગયા. એક દીકરીના ભવિષ્યની ચિંતા બાપથી વધુ કોને હોય!

અચાનક મોહનભાઇના ખભા પર કોઈએ હાથ મુક્યો. પોતાની બધી જ સમસ્યાનું સમાધાન અને પોતાની મનોવ્યથા દરેક વખતે ઓળખી લેતો આ હાથ બીજા કોઈનો નહીં પણ એની બા નો જ છે એ તરત જ ઓળખી ગયા. બન્ને હાથે આંખોના આંસુ લૂછીને એમણે પાછળની તરફ જોયું. માં ની મમતા ક્યારેય આપણને ક્યાં એકલા પાડવા જ દે છે!

" હું થયું મોહન?" એક માં ની લાગણીસભર આંખો પણ દીકરાની આંખોમાં આંસુ જોઈને રડી પડી.

" કાઈ નય બા, આ માનસીને લઈને થોડુંક વિસારતો તો કે..." મોહનભાઇએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું.

" તું એની જરાય સીંતા કર માં..આ ઉંમરે તો આવું હાલ્યા જ કરે..આપડી મનુડી બોવ જીવરી સે..એ કાઈ પાસી નઇ પડે. બસ અતારે એનું ધ્યાન રાખવું પડશે પશી તો એને કોઈની જરૂર નઇ પડે..." મોહનભાઈના બા એ પણ આંખોમાંથી આંસુ લૂછતાં કહ્યું.

" હાયલ હવે સાહે સડ..હાંજ પડે એક ઉથથલ વળી જાવાનો સે.." જતા જતા મોહનભાઇના બા બોલ્યા.

" હા..આવું.."

મોહનભાઇએ ઉભા થતા થતા બીજું સંતાન કરવાનું નક્કી કરી નાખ્યું. થોડીવાર વિચાર આવ્યો કે સવિતાથી એક માનસી સરખી સચવાતી નથી અને બીજું સંતાન કેમ કરીને સાચવશે. પણ એમ છતાં એ વિચારને ટક્કર આપીને હવે માનસીની સાથે કોઈ રમવા વાળું કહો કે પછી નવા આવનાર બાળકને સાચવવા માનસી સમજદાર થઈ ગઈ હતી એમ વિચારીને મોહનભાઇ ઉભા થયા અને મન મક્કમ કર્યું.

માનસી જયારે ત્રણ વર્ષની થઈ ત્યારે મોહનભાઇના ઘરે ફરી એકવાર લક્ષ્મીનું આગમન થયું. મોહનભાઇના બા ના મુખ પર બીજા ખોળે પણ દીકરી આવવાની થોડી વ્યાકુળતા દેખાઈ આવતી હતી જે એમના જમાનાની રૂઢિચુસ્તતા મુજબ વ્યાજબી હતી પણ મોહનભાઇને એનાથી કોઈ વાંધો હતો નહી.

મોહનભાઈએ પોતાના ભવિષ્ય વિશે ક્યારેય વિચાર્યું જ નહોતું કે દીકરીઓ સાસરે ગયા પછી અમારું શુ થશે? એ જમાનામાં પણ દીકરીઓને જન્મતાવેંત તરછોડી દેવાના અને ભ્રુણહત્યાના દાખલા વચ્ચે પોતાના ઘરે જન્મેલી દીકરીને એક લક્ષ્મીની જેમ પૂંજીને મોટી કરવામાં ક્યાંય એમનો પોતાનો નિજી સ્વાર્થ દેખાતો ન્હોતો.

માનસીનો ઉછેર હવે મોહનભાઇ પાસે વધારે થતો. સવારે ઉઠીને તરત જ એ મોહનભાઇ પાસે જ જાય અને એના હાથે જ ચા દૂધ પીવાનું. પછી મોહનભાઇ એને સાથે જ વાડીએ લઈને જાય. ત્યાં પણ માનસીના ચંચળ જીવને થોડીવાર પણ શાંતિ તો હોય જ નહીં એટલે મોહનભાઇ જે કામ કરતા હોય એ જ કામ એની રીતે કરવાની કોશિશ કરે. મોહનભાઇ ભારો બાંધીને લઈને જાય તો માનસી એના હાથમાં સમાય એટલા બે ત્રણ તણખલા લઈને જાય. મોહનભાઇના હાથમાં દાંતરડું હોય તો એને પણ જોઈએ જ. એટલે જ બધા લોકો માનસીને બહુ જીવરી છે એમ કહેતા.

એમ પણ માનસી જેને રમાડી શકે એવી નાની ઢીંગલીનું આગમન ઘરમાં થયું હતું. એનું નામ હિના રાખ્યું. મોહનભાઇને હવે વિશ્વાસ હતો કે માનસી હિનાનું ધ્યાન સારી રીતે રાખશે. એમ પણ માનસી હવે સમજદાર થઈ ગઈ હતી. પણ એમ છતાં એનો મગજ થોડી જ વારમાં ગરમ થઈ જતો. એને જે કરવું હોય તે કરીને જ રહે, કોઈનું કાઈ ખોટું સાંભળી લે નહીં. કોઈ પણ સવાલનો જવાબ ધડ અને ફડ જ હોય જાણે બધા જ સવાલોના જવાબ પહેલેથી તૈયાર જ રાખ્યા હોય. એમાં પણ એના પિતા વિશે તો ક્યારેય કોઈનું સાંભળે નહીં.

માનસીની વાણી અને બોલવાની છટા એવી હતી કે જે કઈ પણ હોય એ સાચું જ કહે અને ક્યારેક તો એની વાણી કોઈને જીવતા પણ બાળી શકે એટલી ચોટદાર હતી. ઘણીવાર મોહનભાઇ માનસીને ઠપકો આપતા પણ સાચું હોય એટલે માનસી કોઈનું પણ ના સાંભળે અને બોલી જ નાખે પછી ભલેને એના પિતા પણ કેમ ના હોય!

સમય પસાર થતો ગયો અને હવે માનસીને ગામની શાળામાં ભણવા બેસાડી દીધી. સવારે માનસી શાળાએ જાય અને બપોર પછી આવીને હિનાને રમાડે. મોહનભાઇ અને એમના બા હજી પણ રોજના નિત્યક્રમ મુજબ આખો દિવસ વાડીએ જ હોય.

ગામના લોકોના મહેણાં ટોણા મોહનભાઇ અને સવિતાબેન સાંભળતા પણ હવે મોહનભાઇએ નક્કી કરી નાખ્યું હતું કે આ બે માંડ સચવાય છે એમાં હવે કોઈ નવા પાત્રની ઘરમાં જરૂર નથી. મોહનભાઇના બા ના પણ કેટલુંય કહેવા છતાં હવે ત્રીજું સંતાન નહીં કરવાનું એમણે માંડી વાળ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી બધું જ બરાબર ચાલતું હતું. જાણે કેટલાય દિવસથી ઘરમાં કોઈ નવી મુસીબત આવી જ નહોતી એટલે આજનો સુરજ કોઈ નવી મુસીબત લઈને આવ્યો હતો.

ઉનાળાનો સમય હતો. સૂર્ય જાણે લોકોની અગ્નિપરીક્ષા લઇ રહ્યો હતો. ખેડૂતો માટે આ બે મહિનાનો સમય આઠ દસ મહિના પોતાના ખેતરમાં પાક લીધા પછી આરામ આપવાનો હતો. આ સમય હતો ધરાને એક બ્રેક આપવાનો અને મેઘરાજાની રાહ જોઈને ફરીથી નવી શરૂઆત કરવાનો.

આ દિવસોમાં મોહનભાઇ પણ ઘરે જ હતા. સવિતાબેને પણ હમણાં કઇ કામ ન હોવાથી પોતાના પિયર જવાનો પ્રસ્તાવ મુક્યો. મોહનભાઈએ એકવાર પોતાના બા ને પૂછી જોયું અને પછી એની મંજૂરીથી સવિતાબેનને બસમાં બેસાડી દીધા. માનસી મોહનભાઇની સાથે જ રહી. એમ પણ ચાર મહિનાની માનસી અહીંયા આવી એ આવી ત્યાર પછી ક્યારેય એ સવિતાબેન સાથે ગઈ જ નહોતી. સવિતાબેન ઘણીવાર રિસામણે પૂછ્યા વગર ચાલ્યા જતા પણ માનસીને ક્યારેય સાથે લઈને જતા નહીં. અને એ પછી તો જ્યારે સવિતાબેન સામે ચાલીને માનસીને લઇ જવાનું કહે તો પણ મોહનભાઇ એને જવા ના દેતા. આજે હિના સવિતાબેનની સાથે ગઈ હતી કેમ કે હજી હિનાને માં ના ધાવણની જરૂર હતી.

સવિતાબેન ગયા એને બે ત્રણ દિવસ થયા હશે. મોહનભાઇના બા એક દિવસ સવારે પોતાના કબાટમાંથી વસ્તુઓ કાઢીને સરખી રીતે ગોઠવતા હતા. જ્યારે એણે કબાટનું ખાનું ચેક કર્યું ત્યારે એણે જોયું કે એનો હાર એમાં હતો નહીં. પોતાનો હાર એ કબાટમાં લોક વાળા ખાનામાં જ મુકતા અને એની ચાવી કબાટમાં ખૂણામાં પડેલી કપડાંની થપ્પીની નીચે મુકતા.

થોડીવારમાં તો એમણે આખો કબાટ ફેંદી માર્યો પણ હાર તો ક્યાંય હતો જ નહીં. મોહનભાઇના બાપુની એકની એક યાદગીરીરૂપ આ એક હાર હતો. કેટલીયવાર સુધી શોધ્યા પછી પણ હાર ના મળતા એમણે મોહનભાઇને વાત કરી.

" મોહન, મારો હાર નથી જડતો.." એમના બા એ કહ્યું.

" ન્યા હરખું જોવો ને..ન્યા જ હશે...ઘરમાંથી બીજે ક્યાં જાય?" વાતને વધારે સિરિયસ નહીં લેતા મોહનભાઇએ કહ્યું.

" મેં આખો કબાટ વિખી નાખ્યો પણ કાઈ મળ્યો નય. તારા બાપુએ હું આવી પસી કરાવી દીધો તો.." રડમસ અવાજે એમના બા બોલ્યા.

" તમે વધારે ટેનશન લ્યો નય..મળી જાહે..સવિતાએ કદાશ આમ તેમ મુક્યો હોય. ઇ આવે એટલે પાક્કું થઈ જાહે.."

" પણ ઇ તો મેં કોઈને કીધું જ નથી કે મેં હાર આયા મુક્યો સે.." એના બા ની આંખમાંથી આંસુ દડીને નીચે પડી ગયું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED