Amas Ni Bhayanak Rat books and stories free download online pdf in Gujarati

અમાસ ની ભયાનક રાત

મારી બિહાર ના ભાદલપુર નામના શહેર માં નોકરી લાગી હતી. આ શહેર મારા માટે એકદમ નવું હતું. મારે અહીં આવ્યાને માત્ર સાત દિવસ જ થયા હતા. આ શહેર માં મારી એક જ સાથી હતી તે હતી મારી સ્કુટી. તે દિવસે મારે ઓફિસે કામ ના લીધે ઘરે નીકળવામાં ૧૦ વાગી ગયા હતા.

હું મનમાં વિચાર કરતી હતી કે ," અરે યાર આજે તો ખૂબ મોડું થઈ ગયું છે. અને આ શહેર પણ મારા માટે એકદમ નવું છે બસ હું સહી સલામત ઘરે પહોંચી જાવ તો સારું". મે તો મારી સ્કુટી આગળ ચલાવી . પણ આગળ જતા મે જોયું કે રસ્તા સાવ સૂમસામ હતા. મે મન માં વિચાર કર્યો

" આ રસ્તા પર કોઈ દેખાતું કેમ નથી !! હજી તો દસ જ વાગ્યા છે , રોજ તો ૧૦ વાગ્યા સુધી પણ અહી લોકો ની અવર જવર જોવા મળે છે. ખબર નહિ ચાલો આજે કદાચ મારા સિવાય બધા સુઈ ગયા લાગે છે." પછી હું મન માં થોડુક હસીને ગાડી આગળ ચલાવવા લાગી."

ત્યાં આગળ એક ભાઈ પોતાની દુકાન બંધ કરીને જઈ જ રહ્યા હતા , તેમણે મને જોઈ ને બૂમ પાડી મને બોલાવી , હું તેમની પાસે ગઈ મને લાગ્યું કદાચ તેમને મારું કઈ કામ હશે .

તે મારી પાસે આવી બોલ્યા ," બેટા ! તું આટલી રાતે અહીં શું કરી રહી છે ? તને ખબર નથી આજે અમાસ ની રાત છે ?

મેં કહ્યું , " નહીં કેમ અમાસ ની રાત્રે બહાર ના નીકળાય ?" એમ કહી હું હસવા લાગી.

તે વ્યક્તિ બોલ્યો ," બેટા તું શહેર માં નવી આવી લાગે છો, અમાસ ની રાત્રે આટલે મોડે સુધી આ શહેર માં બહાર નીકળવું સારું નથી. તું જલ્દી તારાં ઘરે પહોંચી જા અને કોઈ તને બોલાવે તો ઊભી નો રહેતી ,"

મને તેમની વાત નો વિશ્વાસ આવ્યો નહિ. તે વાત નજરઅંદાજ કરી હું મારી સ્કુટી લઈ આગળ વધવા લાગી હતી. થોડો સમય થતાં અચાનક ઠંડો પવન ફુંકાવા લાગ્યો , આકાશ માં કાળા વાદળાં છવાઈ ગયા. વીજળી ના ચમકારા સાથે વાદળાં નો ગડગડાટ થવા લાગ્યો હતો. એવું લાગતું હતું કે હમણાં જ જોરદાર વરસાદ તુટી પડશે. હવે એ રાત ખૂબ ડરાવની થતી જતી હતી. કુતરા ના રોવાના અવાજ આવી રહ્યા હતા. આજુબાજુ એક પણ પ્રાણી કે કોઈ માણસ દેખાતું નહોતું. મને આ બધું જોઈ ખૂબ જ આશ્ચર્ય થતું હતું.

હવે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો. હું આગળ વધી રહી હતી. ત્યાં મને એક સ્ત્રી દેખાણી . તેની સાથે એક નાનું બાળક હતું. તે બંને ત્યાં વરસાદ માં પલળી રહ્યા હતા. તેને હાથ ઉંચો કરી મને ગાડી ઉભી રાખવા કહ્યું. પહેલાં મે તેની સામે જોયું નહિ કદાચ તે પહેલાં વ્યક્તિ ના કહેવાની અસર હતી. પણ થોડીક વાર વિચારતા મને એવું લાગ્યું કે હું કંઇક ખોટું તો નથી કરી રહી. તે સ્ત્રી ને કદાચ સાચે જ મારી મદદ ની જરૂર હશે તો . મને તેના પર દયા આવી. મે ગાડી પાછી વળી તેની પાસે જઈ ઊભી રાખી.

મે પૂછ્યું ," તમારે કઈ જગ્યા એ જવું છે? "
તેને કઈ બોલ્યા વગર આગળ રસ્તા તરફ આંગળી ચીંધી. મેં તેને ફરી પૂછ્યું," તમારે એ તરફ જ જવું છે ? ત્યાં તમારું પણ ઘર છે? તમે ક્યાં રહો છો? "
પણ તેને મને કંઈ જવાબ આપ્યો નહિ. તે બસ એ તરફ આંગળી બતાવી રહી હતી. ત્યાં તેનું બાળક રડવા લાગ્યું. તે તેને છાનું રાખવાની કોશિશ કરવા લાગી. મેં તેને કહ્યું ," તમારે એ બાજુ આવવું હોય તો મારી ગાડી માં બેસી જાવ ". તે કઈ પણ બોલ્યા વગર ગાડી માં બેસી ગઈ .

હું જેમ આગળ વધી રહી હતી તેમ તેના બાળક નો રડવાનો અવાજ વધી રહ્યો હતો. તે સ્ત્રી હવે કંઇક બડબડવા લાગી . તે ભાષા હું સમજી શકતી નહોતી. હવે તો તેનો અવાજ પણ મોટો થવા લાગ્યો. મને કઈ સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. મે અચાનક બ્રેક લગાવી અને પાછળ જોયું. પણ હું શું જોવ છું.... ત્યાં કોઈ હતું જ નહિ. હું ખૂબ ગભરાઈ ગઇ કે તે સ્ત્રી અને તેનું બાળક બંને ગયા ક્યાં?? મેં તો ફટાફટ મારી ગાડી ચાલુ કરી અને ફૂલ સ્પીડ માં ભગાડી.

પણ ત્યાં તરત જ મને એવું લાગ્યું કે કોઈક મારી પાછળ બેઠું છે , મે પાછળ વળી ને જોયું તો તે પેલી સ્ત્રી જ હતી. હું તો ખૂબ એટલે ખૂબ ગભરાઈ ગઇ અને પાછળ જોયા વગર ગાડી ભગાડવા લાગી. પણ હું શું જોવ છું મારી ગાડી હજુ તે ને તે જ જગ્યા પર હતી. ગાડી તો ચાલી રહી હતી પણ જગ્યા બદલાતી નહોતી. એવામાં અચાનક મારી ગાડી બંધ પડી ગઈ. હું ઉતરી ને આજુબાજુ જોવા લાગી પણ કોઈ દેખાતું નહોતું.

ત્યાં સામેથી પેલી સ્ત્રી ચાલતા ચાલતા મારી સામે આવી રહી હતી. તેની સફેદ સાડી લોહી થી તરબોળ હતી. તેના હાથ માં તેનું બાળક હતું તે પણ લોહી થી લથપથ હતું. તે સ્ત્રી ના પગ ઊંધા થઈ ગયા હતા. તેના ચહેરા પર માથા પરથી લોહી ઉતરી રહ્યું હતું. આંખો એકદમ લાલ ઘૂમ હતી. તેનો ચહેરો ખૂબ જ ભયાનક લાગી રહ્યો હતો.

તે મારી નજીક આવી રહી હતી. એવામાં મે પાછળ જોયું તો તેના જેવી જ બીજી કેટલીક સ્ત્રીઓ પાછળ થી મારી નજીક આવી રહી હતી. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. હું મન માં ભગવાન નું નામ લેવા લાગી હતી. તે સ્ત્રીઓ અચાનક ઊભી રહી ગઈ અને બધી સ્ત્રીઓ એક સાથે હસવા લાગી હા... હાહાહા... આખું આકાશ તેમના ભયાનક હાસ્ય ના અવાજ થી ગુંજી રહ્યું હતું.

મને સમજાતું નહોતું કે હું શું કરું , મારી પાસે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. તે સ્ત્રીઓ હસતા હસતા મારી નજીક આવી રહી હતી. થોડાક સમય માં તે મારી સાવ નજીક પહોંચી ગઈ. તેને મારું ગળું દબાવવા પોતાના હાથ મારી ડોક તરફ લંબાવ્યા તે જેવી મારી ડોક ને અડી તે ના હાથ બળવા લાગ્યા. તે મારાથી દૂર ખસી ગઈ અને જોર જોર થી રડવા લાગી. મે આ જોઈ ને તરત મારી ડોક સામે નજર કરી તો મારી ચુંદડી ની નીચે એક દોરો હતો. જે મને હનુમાનજી ના દર્શન કરવા ગયા ત્યારે એક પૂજારી એ પહેરાવ્યો હતો.

મે તેને હાથ માં પકડી લીધો આ જોઈ ત્યાં ની બધી સ્ત્રીઓ પેલી સ્ત્રી ની જેમ જોર જોરથી રડવા લાગી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ. હું તો સમય બગાડ્યા વગર મારી સ્કુટી ત્યાંથી ભગાડી અને જ્યાં સુધી મારું ઘર ના આવ્યું ત્યાં સુધી પાછળ જોયા વગર ઊભી જ રહી નહિ. પછી તો એ આખી રાત મને ઊંઘ આવી નહોતી. હું તે ભયાનક સાંજ વિશે જ વિચાર્યા કરતી હતી.

બીજા દિવસે હું સૌથી પહેલા તે દુકાન પર જે વ્યક્તિ મળ્યો હતો તેની પાસે ગઈ અને બધી વાત જણાવી અને તે જગ્યા નું રહસ્ય શું છે એ પૂછવા લાગી.

તે વ્યક્તિ એ મને બધી વાત જણાવતા કહ્યું કે," ઘણા વર્ષો પહેલા આ શહેર માં એક બળદેવસિંહ નામનો એક લૂંટારો રહેતો હતો. તેનું આ શહેર પર રાજ ચાલતું. એ સમયે આ નાનું એવું જ શહેર હતું. તે લૂંટારો ધન નો તો લોભિયો હતો જ એની સાથે તે સ્ત્રી ની પણ કામના કરતો. ગમે ત્યારે કોઈ પણ સ્ત્રીઓ ને ઉપાડી જતો.

એક દિવસ શહેર ની બધી સ્ત્રીઓ એ ભેગા મળીને તે લૂંટારા ને સબક શીખવાડવા નો નિર્ણય લીધો. તે બધી સ્ત્રીઓ તે જગ્યા એ લૂંટારાઓ ના આવવાના સમયે એકઠી થઇ. તે દિવસે અમાસ ની રાત હતી. તે લૂંટારા ઓ જ્યારે એ જગ્યા એ આવ્યા ત્યારે બધી સ્ત્રીઓ એ પથ્થર થી તે બધા લૂંટારાઓ ને ખૂબ જ માર્યા. આ જોઈ તે બધાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમના પર ગોળીબાર કરી મૂક્યો હતો. કહેવાય છે કે તે લૂંટારા ઓ એ તેમના નાના બાળકો ને પણ મૂક્યા નહોતા.

તે દિવસ પછી આ સ્ત્રીઓ ની આત્મા આ શહેર માં ભટકે છે. તેઓ આડા દિવસે કોઈને નુકસાન પહોંચાડતો નથી. પણ કહેવાય છે કે અમાસ ની રાત્રે તે સ્ત્રીઓ તે ઘટના ના લીધે ખૂબ જ ભયાનક બની જાય છે અને ત્યાંથી જે નીકળે તેને છોડતી નથી."

મે પૂછ્યું કે ," તો પહેલા લૂંટારાઓ નું પછી શું થયું? "

તે વ્યક્તિ બોલ્યો ," કહેવાય છે કે બીજી અમાસની રાત્રે તે બધા લૂંટારાઓ ની લાશ નદી માંથી મળી હતી. તેમની ખૂબ ક્રૂર રીતે હત્યા કરી હતી."

આ બધું જાણતા હું ખૂબ જ ગભરાઈ ગઇ હતી. પછી હું એ જ દિવસે મારી નોકરી છોડી ને મારા અસલ ગામે પાછી ફરી ગઈ હતી. એ પછી ક્યારેય મે તે શહેર તરફ પાછું વળીને જોયું નથી. તે ભયાનક રાત હું કદી ભૂલી નહીં શકું. આશા રાખું છું કે તમારે ક્યારેય આવી રાત નો સામનો ના કરવો પડે.

સંંપૂર્ણ
*****************

બીજા રસપ્રદ વિકલ્પો