સંકલ્પ - એક અતૂટ જોડાણ - 2 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 2

પ્રકરણ 2
શું જરૂરી વસ્તુઓ ભૂલી હતી એ એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. એને કઈ યાદ ન આવ્યું. છેવટે એના પપ્પાએ જ શ્રુતિને વિચારોમાં ખોવાયેલી જોઇને કહ્યું, “શ્રુતિ, ચિંતા ના કર, જે હશે એ જયારે યાદ આવશે ત્યારે જે-તે જગ્યાએથી લઈ લઈશું. અત્યારે તું બાકીની પેકિંગ પર ધ્યાન આપ”

“ઠીક છે” એમ કહી શ્રુતિ પાછી કામે વળગી. અને એની અને એના મમ્મી-પપ્પા માટેની ૩ બેગો એણે ઝટપટ તૈયાર કરી દીધી અને ઘરના લાડુ, થેપલા, ફરસી પૂરી એ બધું મૂકી દીધું અને બેગ પેક કરી વજન ચેક કર્યું. વિમાનમાં જવાનું હોઈ એ ચેક કરવું જરૂરી હતું. પણ જે વજનની મર્યાદા હતી એ કરતા વજન ખુબ અધિક નીકળ્યું. છેવટે અનિચ્છાએ પણ એને લગેજ સિવાય પોતાની સાથે રાખવા માટે મોટી બેગ લેવી પડી કે જેથી બધો સમાન મૂકી શકાય. ત્રણ ટ્રાવેલ બેગ, બે બેગ પેક અને એક બેગ. સામાન ખુબ વધુ હતો પણ વજનની મર્યાદા દુર થઇ ગઈ. જેમ-તેમ કરી રાત્રે ૧ વાગ્યે પૂરું કરી, એ સૌ સુઈ ગયા.

સવારે ૭ વાગ્યાની ફ્લાઈટ હતી, પણ એરપોર્ટ પહોચવા જલ્દી ઉઠવું પડે. એટલે સવારે ૪ વાગ્યે ઉઠી ગયા. ત્યારબાદ બાકી બધું થયું ને છેવટે ઘરેથી જલ્દી નીકળી એરપોર્ટ પહોચ્યા. ત્યાં બધાની સારા પ્રવાસની શુભેચ્છાઓ લઇ શ્રુતિ, શૈલેશભાઈ અને ચંદ્રિકાબહેન તથા એમના ખાસ ભાઈબંધ સમીરભાઈ અને એમના પત્ની શીલાબેન તથા શ્રુતિના માસી સવિતાબેન બધા આ પ્રવાસમાં સાથે નીકળ્યા. તેમનું મિલન એરપોર્ટ પર જ થયું. દિલ્હી જતી વખતે આમ તો થોડી મૂંઝવણ હતી જ. કઈ રીતે આ પ્રવાસ જશે અને કઈ રીતે પૂરો થશે એ વિશેની ગભરામણ ખબર નહી શ્રુતિને પહેલાથી જ થઇ રહી હતી. જાણે એની અંતરાત્મા એને કોઈ ચેતવણી આપી રહી હોય. અગાઉના થોડા સમયમાં જ એ બધા ફ્લાઈટમાં પોતાની સીટ પર બેસી ગયા. અને આ રોમાંચકારી સફર શરુ થયો. શ્રુતિ જે થોડા સમય પહેલા ગભરામણ અનુભવતી હતી. એ છોડી હાલ બધું જ ધ્યાન એણે બારીની બહાર શહેરનો મિનીએચર નજારો એન્જોય કરવામાં આપ્યુ. અને ત્યારબાદ વાદળોમાં ઉડાન અનુભવી. અને ૧.૫ કલાકના સમયમાં તો ફ્લાઈટના લેન્ડ થવાની જાણકારી મળી. દિલ્હીમાં જુન મહિનામાં આમ તો વાતાવરણ સ્પષ્ટ હતું. પણ સવારના ૮ વાગ્યે જ ખુબ આકરી ગરમી અનુભવી શકાતી હતી. પ્લેન લેન્ડ થયાના ૧૦ મિનીટ પછી ઉતરવાનો સંકેત મળ્યો. અને એ બધા ઉતરી બસમાં બેસી ગયા અને એરપોર્ટની અંદર પોતાનો સામાન લેવા ગયા.

એરપોર્ટમાં અંદર ગયા ત્યારે ખુબ કલાત્મક એક દીવાલ નજર આવી. જ્યાં આવનારા લોકો અચૂક ફોટોસેશન કરાવતા. કોપર અને ગોલ્ડન લુકઆઉટ દેખાતી આ દીવાલ પર હાથની અલગ-અલગ મુદ્રાઓ બનેલી હતી. જાણે ભારતીય સંસ્કૃતિનું સાક્ષાત દર્શન. શ્રુતિ અને બાકી બધાએ ત્યાં ફોટો પડાવ્યા અને ત્યારબાદ સામાન લેવા આગળ વધ્યા. અને અચાનક એને યાદ આવ્યું કે પ્લેનમાં તો સમાન માટે ક્યાં બેલ્ટ પર જવું એની કોઈ જાહેરાત થઇ જ નથી અથવા એણે એવું કઈ સાંભળ્યું નથી. અને એ સામાન ક્યાં મળશે એની જાણકારી ક્યાં મેળવવી એ વિષે વિચારતી એ અન્ય ફ્લાઈટના પેસેન્જરને જોવા લાગી. ફોટોસેશનને કારણે એ આમાં મોડી પડી. ત્યારબાદ જે પ્લેનમાં એ લોકો આવ્યા હતા એના અમુક કર્મચારીઓ નજરે પડતા શ્રુતિએ એમની સાથે પૂછ-પરછ કરી. અને જાણવા મળ્યું કે એમનો સામાન બીજા ટર્મિનલના કન્વેયર બેલ્ટ પર આવવાનો હતો. એટલે બધાને આ વાત જણાવી શ્રુતિ ફટાફટ એ તરફ ભાગી. બાકી બધા આધેડ ઉંમરના હતા એટલે એમને આવતા કદાચ વાર થશે અને ત્યાં સુધી સામાન કોઈ અન્ય જગ્યાએ પહોચી જાય એ પહેલા લઇ લેવો જરૂરી હતો.

એ ભાગીને ત્યાં પહોચી ત્યાંથી ઘણા-ખરા લોકો પોતાનો સમાન લઇ જઈ ચુક્યા હતા. એ ફટાફટ પહોચી અને જોયું તો એક સરદારજી કાકા એક કાળી બેગ લઇ જઈ રહ્યા હતા. એમણે જેવી જગ્યા છોડી શ્રુતિ ત્યાં ઉભી રહી ગઈ અને બધાનો જે-જે સામાન એને યાદ હતો એ એને લીધો. હજી એની બે બેગ આવી નહતી. ત્યાં જ બાકી બધા આવી ગયા અને શ્રુતિએ એમનો સામાન કન્ફોર્મ કર્યો. કાકા અને કાકીની બધી બેગ આવી ગઈ હતી પણ માસીનો એક થેલો બાકી હતો. માસીએ એક આવનાર કાળો થેલો લીધો. એ શંકા સાથે આ થેલાને જોઈ રહ્યા હતા. શ્રુતિએ આ જોયું અને પૂછ્યું, “માસી કઈ તકલીફ છે?”

એની માસી એ થેલાની ઓળખ માટે હજુ એને ફંફોસી રહ્યા હતા, શ્રુતિની વાત એમને સાંભળી પણ હજુ જાણે વિશ્વાસ ના હોય અને કોઈ પરેશાન ન થાય એ માટે માટે ફરી થેલાનો બહારનો ભાગ એમણે ચેક કર્યો અને છેવટે કહ્યું, “જો ને શ્રુતિ, મને લાગે છે કે આ મારી બેગ નથી. મારી બધી બેગો પર ઓળખણ માટે મેં નળાછડી બાંધી છે. પણ આમાં એ ક્યાય નથી. કદાચ મારી બેગ કોઈ બીજું લઇ ગયું હોય!”
આ સાંભળી શ્રુતિના હૃદયના ધબકારા વધી ગયા. એણે એના હાથમાં લઈ એ બેગ જોઈ અને કઈક યાદ આવ્યું, “માસી હું આવી ત્યારે એક અંકલ આવી જ બેગ લઇને જતા હતા. શું ખબર કદાચ એ ભૂલથી તમારી બેગ પોતાની સમજીને લઇ ગયા હોય.”
હવે એના માસી પણ ચિંતા કરવા લાગ્યા. શું કરવું એ ખબર ન પડી એટલે શ્રુતિએ જ કહ્યું, “હું હાલ બહારના રસ્તા પર જાઉં છુ, ક્યાંક તો વચ્ચે મળી જશે. હમણાં જ ગયા છે તો!” માસીની હા અને પોતાના પિતાને બે બેગ લઇ લેવાનો હવાલો સોંપી એ તેજ ગતિથી ત્યાંથી દોડી ગઈ. આમ તો દિલ્હી એરપોર્ટ અતિવ્યસ્ત એરપોર્ટમાનું એક છે. આવો કોઈ માણસ જેનો ચહેરો પણ શ્રુતિને યાદ નહતો એ કદાચ જ મળે. અને પાછુ નીકળવાના અઢળક દરવાજા, એ અંકલ ક્યાં ગયા એ કોને ખબર? તેમ છતાં શ્રુતિ માસીની ચિંતા જોઈ નીકળી પડી.

ઘણા બધા દરવાજાઓ વટાવી એ છેક છેલ્લા દરવાજા પર પહોચી. ત્યાંથી બહાર નીકળી જશે તો કદાચ અંદર નહી આવી શકાય. આ વાત એક પળ માટે વિચારી એ ત્યાં ઉભી રહી પણ તરત બેગનો વિચાર આવતા સડસડાટ બહાર નીકળી ગઈ. બહાર તો એટલા બધા લોકો હતા પણ કોઈ સરદારજી અંકલ જેમના હાથમાં કાળી બેગ હોય એવું કોઈ ન દેખાયું. છેવટે એણે એના જીન્સના પોકેટમાંથી ફોન કાઢ્યો અને એના પપ્પાનો નંબર ડાયલ કર્યો. પણ અનરીચેબલ.... અઢળક પ્રયાસ પણ બધા નિષ્ફળ. કઈ રીતે કહેવું કે બેગ નથી મળી? અને પોતે કઈ જગ્યાએ છે? એની જાણકારી પણ કઈ રીતે આપવી? બસ એ અંદર તો જઈ શક્તી નહતી. એટલે ગેટ સામે જ બહાર ઉભી રહી. ૧૫-૨૦ મિનીટ નીકળી. પણ સામેથી કોઈ આવતું દેખાયું નહી.

છેલ્લે એની પર એના પપ્પાનો ફોન આવ્યો, “શ્રુતિ, ક્યાં છે તું?”
“જય શ્રી કૃષ્ણ પપ્પા, સોરી માસીની બેગ તો મળી નથી.”
“અરે બેગ મળી ગઈ. તું ક્યાં છે? એ બોલ”
“મળી ગઈ! કઈ રીતે? ક્યાં હતી?”
“બધું ફોન પર જ જાણવું છે તારે! પહેલા બોલ ક્યાં છે તું? પછી બહાર આવીએ એટલે બધું પૂછજે.”
“ઓકે. હું અહી ૪ નંબરના એક્ઝીટ ગેટ પર છુ.”
“ઓકે”
“આવશો એટલે સામે જ દેખાઇશ. ઓકે... હેલો... હેલો...” વાત પૂરી થાય એ પહેલા ફોન કટ થઇ ગયો. “આ પપ્પા પણ! વાત પૂરી નહી થવા દેતા એ પહેલા કટ... સામેવાળાને કઈ કહેવું હોય! પણ ના કામ પુરતી વાત સાંભળી મૂકી દેવાનો. પછી બીજી વાર ફોન કરવાનો” શ્રુતિ હજી આ વિચારી જ રહી હતી કે સામેથી એનું આખું ઝુંડ આવતું દેખાયું. એ સામે ઉભી હતી એટલે તરત દેખાઈ અને બધા એની તરફ જ આવી ગયા.
એરપોર્ટમાંથી બહાર આવ્યા એટલે તરત દિલ્હીની ગરમીનો અહેસાસ બધાને થવા લાગ્યો. શ્રુતિ ક્યારની તરસી થઇ હતી પણ સામાન બધો અંદર હતો. જેવા એના પપ્પા સામાનની ટ્રોલી લઈને નજીક આવ્યા. એવું જ એણે સૌથી પહેલા પાણીની બોટલ ઉઠાવી અને પાણી પીધું. પછી એના માસી તરફ જોયું.

“જોને શ્રુતિ જે બેગ મે ત્યાંથી લીધી હતી એ જ મારી બેગ હતી. પણ સુનીતાએ આ વધારે સામાનના ચક્કરમાં છેલ્લી ઘડીએ મને આપી એટલે નડાછડી ન બંધાઈ. આ તો એ લોકોએ ત્યાં બેગની સ્ટ્રીપ તોડી આપી ત્યારે ખ્યાલ આવ્યો. એ ચક્કરમાં તને આટલી દોડાવી પડી.”
આમ તો શ્રુતિ શાંત છોકરી હતી પણ એને પણ આવા સમયે માસી પર બહુ ગુસ્સો આવ્યો. છેવટે “તમારી બેગ તો તમને મળી ગઈ ને! બસ પછી.....” એમ કહી એણે પોતાનો ગુસ્સો શાંત કર્યો.

શ્રુતિના પપ્પા અને એના કાકા-સમીરભાઈ હોટેલ સુધી ટેક્સી બુક કરવા ગયા હતા, એ પાછા આવી રહ્યા હતા. એમને આવતા જોયા કે શ્રુતિએ નોટીસ કર્યું. એના પપ્પા એક પગથી થોડું લંગડાતા ચાલી રહ્યા હતા. આમ બહુ ફર્ક લાગી રહ્યો નહતો. પણ શ્રુતિ સમજી ગઈ કે એના પપ્પાના પગે કોઈ તકલીફ થઇ છે. જેવા એના પપ્પા નજીક આવ્યા કે, “પપ્પા, તમે કેમ આમ ચાલી રહ્યા છો? પગે કઈ તકલીફ છે કે શુ?”
“હા બેટા, સામાન ત્યાંથી ઉચકતા પગે થોડો ઝટકો આવ્યો.” એના પપ્પા આટલું બોલ્યા કે શ્રુતિનું ચહેરો ઉતરી ગયો એ વાત તરત નોટીસ કરી કે એ તરત બોલ્યા, “બેટા તું ચિંતા ન કર, આ તો હાલ ઠીક થઇ જશે.”

એ દિવસ આખો એવો જ ગયો, ટેક્સી કરી હોટેલમાં ગયા તો ગ્રુપના અન્ય સદસ્યો જે ટ્રેનમાં આવવાના હતા, એ હજુ આવ્યા નહતા. જમવાનો સમય છતાં જમવાનું બપોરે ૨ વાગ્યા પછી મળ્યું. બહાર ઉનાળાની ગરમી દિલ્હીમાં એટલી સખ્ત હતી કે ફરવા જવાનું મન નહતું. તેમ છતાં બપોરે ૪ વાગ્યા પછી બધા ફરવા નીકળ્યા. અક્ષરધામ મંદિરની ભીડ જ એટલી હતી કે ત્યાના કોઈ આકર્ષણો જોઈ શકાયા નહી. ક્યાંક ખૂણે બેસી સાંજના ૮ વગાડવા પડ્યા. ગ્રુપના અન્ય સદસ્યો તો શોધે ન જડે. બસ શ્રુતિ અને એના ગ્રુપના ૮ જણ જ ફક્ત સાથે હતા. શ્રુતિ એનો પરિવાર સમીર અંકલ અને એમના પત્ની તથા ટ્રેનમાં આવનાર પપ્પાના ખાસ ભાઈબંધ રાજુભાઈ એમના પત્ની અને એમની જુવાન દિકરી શ્વેતા. બસ આ ૮ જણ. બાકી બધાએ આવવામાં જ ૯ વગાડ્યા. ત્યાં સુધી આ લોકોએ બસમાં જ સમય પસાર કર્યો. બસમાં કુલ ૨૬ વ્યક્તિનું ગ્રુપ આ યાત્રા માટે નીકળ્યું હતું. ૯ વાગ્યા સુધી ૧૪ વ્યક્તિ આવી ગયા. પણ છેલ્લે ૪ વ્યક્તિ ક્યાય મળી રહ્યા નહતા. એ લોકો એક જ પરિવારના સદસ્ય હતા અને કદાચ પહેલીવાર જ કોઈ આવી યાત્રામાં નીકળ્યા હતા. એટલે એમને કદાચ બસ પાર્કિગ મળી નહતી.

એવામાં એ ૧૪ માંથી એક આધેડ વર્ષનું જે જોડું હતું તેમાંના એક માસી બોલ્યા, “હવે બસ ઉપાડો એ લોકો એમની રીતે આવી જશે. ૧૫ મિનીટથી રાહ જોઈએ છીએ હજુ આવ્યા નહી. હવે તો ભૂખ લાગી છે. એમને પડતા જ મુકો. અને જો આગળ પણ કોઈ આમ જ કરશે તો એને પણ ત્યાં જ છોડી દેવાની ધમકી આપો ત્યારે જ મેળ પડશે.”

એ માસી શ્રુતિની આગળની સીટમાં જ બેઠા હતા એટલે એને આ વાત સંભળાઈ, આ વાત સાંભળી કે શ્રુતિને થોડો ગુસ્સો આવ્યો, “માસી એ પ્રમાણે અમે બધા તો તમને ૬ વાગ્યાના મુકીને જતા રહ્યા હોત. કારણકે અમે તો તમારી રાહ ક્યારની જોઈ રહ્યા હતા. આપણે એક યાત્રા પર નીકળ્યા છીએ. અને મનેકમને આ ૧૫ દિવસ સાથે જ રહીશું. તો આ દિવસો દરમિયાન એકબીજાનો સહકાર આપીશું તો વધુ સારું રહેશે. કોઈ એક વ્યક્તિ જે ક્યારેય આટલે દુર ન આવ્યું હોય એની માટે કોઈ નવી જગ્યા પર હોટેલ શોધવી કેટલી અશક્ય છે એ સમજો તો સારું.” ત્યારબાદ એ માસી કઈ ન બોલ્યા અને એમના પતિ મહાશય એ પરિવારના ૪ સભ્યો જે ખોવાઈ ગયા હતા એમને શોધી લાવ્યા.

બસ ઉપડી અને હોટેલ પહોચી. હોટેલની બહાર એક મેડિકલ સ્ટોર હતી. જે હજુ ખુલ્લી હતી. શ્રુતિએ ચાલુ બસમાંથી આ જોયું અને જેવી બસ હોટેલના પાર્કિંગમાં ઉભી રહી કે તરત એ તરફ ભાગી. આખા દિવસ દરમિયાન એના પપ્પાએ શ્રુતિને કઈ પોતાના પગ વિષે જણાવ્યું નહતું. પણ શ્રુતિ બધું સમજતી હતી અને એ સમજી ગઈ કે એના પિતાને પગમાં કોઈ સીરીયસ ઈજા પહોચી છે. કદાચ ઘૂંટણના ભાગે. અને જે વસ્તુ એ એની બેગમાં મુકવાનું ભૂલી ગઈ હતી એ ગરમ પાટો, મુવ સ્પ્રે અને ઘૂંટણના મોજા હતા. હોટેલ અને સ્ટોર વચ્ચે ૧૦૦ મીટર કરતા વધુ અંતર નહતું. એ ત્યાં ગઈ સ્પ્રે, દવા, ગરમ પાટો લીધો, પણ મોજા ન મળ્યા. ૧૦ વાગ્યા હતા એ બહાર નીકળી કે સામે ૩-૪ છોકરા ૧૮-૨૦ વર્ષના હશે કદાચ. તેઓ મોબાઈલમાં માથું નાખી કઈક જોઈ રહ્યા હતા. પ્લાસ્ટિક બેગ આપવાની દુકાનવાળાએ ના પાડી હતી એટલે ૩-૪ વસ્તુઓ હાથમાં હોઈ એમાંથી એક નીચે પડી ગઈ. જેવી એ નીચે ઝુકી કે છોકરાઓ મોબાઈલમાંથી ધ્યાન હટાવી એની તરફ જોવા લાગ્યા, અને ગંદી વાતો બોલવા લાગ્યા. એક રીતે એની છેડતી કરવા લાગ્યા. શ્રુતિએ એ તરફ ધ્યાન ન આપ્યું પણ આ જોઈ દુકાનવાળો ભાઈ તરત બહાર આવી ગયો અને શ્રુતિને એ સામાન પેપરબેગમાં મૂકી આપ્યો. સાથે-સાથે એક સલાહ, “બહેન આપ ઉનકી બાતો પર ધ્યાન મત દીજીયે, આપ જાઈએ.”

શ્રુતિએ કોઈ પણ જાતના ખરાબ કપડા પહેર્યા નહતા, માત્ર એક સિમ્પલ બ્લુ જીન્સ અને એક શર્ટ પહેર્યો હતો. અને એ પણ એટલો ટૂંકો તો નહતો જ એનું કોઈ અંગ દેખાય. આમ તો એ કઈક બોલત પણ રાતનો સમય હતો અને એના પિતા તથા એમના ભાઈબંધ હજુ એનાથી ૧૦૦ મીટર દુરી પર ઉભા હતા. એના પિતાની હાલત એ જાણતી હતી અને અન્ય પેસેન્જરના રૂઆબ તો એ પહેલેથી જ જોઈ ચુકી હતી. એટલે એણે ત્યાંથી નીકળવું જ સારું સમજ્યું. હોટેલ પહોચી જમવાનું તો ગળે ઉતર્યું નહી પણ પિતા સામે ઠીક રહેવાનો દેખાડો કરવાનો હતો. છેવટે એમના પગે મસાજ કરી પાટો બાંધી એ પોતાના અને એની માસીના જ રૂમમાં રડતા-રડતા સુઈ ગઈ.

(જાણું છુ કે શું સમજશો તમે કે શ્રુતિ કોઈ વડીલ સામે જ પોતાનો રૂઆબ બતાવી શકે છે. તમે કઈ ખોટું પણ નથી સમજી રહ્યા. એ માસી વડીલ હતા, પરંતુ સાથે-સાથે હવે એક જ ગ્રુપમાં ૧૫ દિવસ ફરવાના પણ હતા. આથી જો એમને આ વસ્તુ કહેવામાં ન આવી હોત તો કદાચ એ પોતાને આ ગૃપથી અલગ કરવામાં જ રચ્યા-પચ્યા રહેત. પણ એ સમજી ગયા. જયારે આ છોકરાઓ જે દરેક છોકરી પર પોતાનો હક સમજે છે એમની વિચારસરણી માત્ર સમજાવાથી દુર થાય નહી. અને એ પરિસ્થિતિ મોટાભાગે તો ઘણી-બધી છોકરીઓ અનુભવતી હોય છે પણ બોલી સકતી નથી..........)

(કથાનો આગળનો ભાગ ખુબ જલ્દી રજુ કરવામાં આવશે. તમારા પ્રતિભાવોની રાહમાં.......)