શ્રાપિત ખજાનો - 18 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 18

ચેપ્ટર - 18

"મને જરા સમજાવ તો કે આપણે એક્ઝેકલી કઇ જગ્યાએ જવાનું છે?" ધનંજયે વિક્રમને પુછ્યું.

ધનંજય વિક્રમ અને રેશ્મા સાથે આગળ કઇ રીતે જવાનું છે એના વિશે પુછી રહ્યો હતો. કારવર શહેરથી નીકળ્યાની એક કલાક થઇ ગઇ હતી. બ્લેક કલરની ક્લોઝ જીપમાં ધનંજય, ડો.વનિતા, વિક્રમ અને રેશ્મા સાથે ધનંજયનો ડ્રાઈવર દર્શ, કે જે જયપુર બસ સ્ટેન્ડ પર વિક્રમ અને રેશ્માને લેવા આવ્યો હતો, એ પણ એમની સાથે આ સફરમાં જોડાયો હતો. પાંચ ફૂટ સાત ઇંચના આ દર્શનું શરીર એકદમ કસરતી અને મજબૂત બાંધાનું હતું એ એના હાફ સ્લીવ વાદળી ટીશર્ટમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય રહ્યુ હતું. પણ એના ચહેરા પર એ જ ભાવહીનતા હતી જે વિક્રમે બે દિવસ પહેલા જોઇ હતી. એમની જીપની પાછળ એક ટ્રક આવતો હતો જેમાં ધનંજયના માણસો અને સામાન ભરવામાં આવ્યો હતો. ડ્રાઇવર સીટની બાજુની સીટ પર ધનંજય બેઠો હતો અને બાકીના લોકો પાછળ બેઠા હતા.

"એનો કોઇ જવાબ નથી મારી પાસે," વિક્રમે કહ્યું, "આપણે જંગલમાં થોડા અંદર જઇએ પછી આપણે આપણા નસીબ પર આધાર રાખીને આગળ વધવાનું છે."

"મતલબ આપણે કોઇ પણ ચોક્કસ લોકેશન વગર આગળ વધી રહ્યા છીએ?" ધનંજયે પાછળ ફરીને પુછ્યું.

"લોકેશન તો આ જંગલમાં જ છે પણ એની દિશા એકવાર આપણે જંગલમાં અંદર સુધી જઇએ એ પછી હું ચોક્કસ કહીને તમને જણાવીશ." વિક્રમે જવાબ આપ્યો.

ધનંજયના ચહેરા પરથી લાગ્યું કે એ વિક્રમના જવાબથી પુરેપુરો સંતોષ તો નથી પામ્યો, પણ હાલ માટે એટલો જવાબ ઘણો છે એમ વિચારીને એણે ફરી પોતાની નજર આગળ તરફ કરી લીધી.

દરમિયાન રેશ્મા અને ડો.વનિતા વાતોમાં મશગુલ હતા. વાતો કરતા કરતા રેશ્માને જાણવા મળ્યું કે ડો.વનિતા પણ મૂળ અમદાવાદના જ છે. ગોવામાં એમની જે ક્લિનિક છે એ તેઓ ધનંજયની મદદથી જ શરૂ કરી શક્યા હતા. અને એમના ભણવાના ખર્ચ માટે એમના પિતાજીએ ધનંજય પાસેથી મોટી લોન લીધી હતી. જે એ ચુકવે એ પહેલા જ સ્વર્ગ ચાલ્યા ગયા. ત્યારબાદ ડો.વનિતા પર ધનંજયનું ઋણ આવી ગયું હતું. જે ઉતારવાની શરતે એ ધનંજય સાથે આ સફરમાં જોડાવા માટે તૈયાર થઇ હતી. રેશ્માને એના પર દયા આવી ગઇ. બિચારી વનિતા. એને પૈસાના જોરે ધનંજયે પોતાના હાથ નીચે દબાવી રાખી હતી.

એટલામાં ગાડીનું બેલેન્સ બગડતા અંદર બેઠેલા બધા પેસેન્જરોને ઝટકા લાગવા માંડ્યા. આગળનો રસ્તો ખૂબ જ ખરાબ અને ઉબડ ખાબડ હતો. દર્શ ગાડીના સ્ટિયરિંગ વ્હીલ પર કાબુ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ એના પ્રયત્નો વચ્ચે પણ એક ઝટકા સાથે ગાડી બંધ પડી ગઇ. એની પાછળ ટ્રક પણ ઉભો રહી ગયો.

બધા લોકો ગાડીની બહાર ઉતર્યા. ગાડીની બહાર ઉતરીને દર્શે આગળ નજર કરી. ગાડીનું આગળનું વ્હીલ કીચડમાં ફસાઈ ગયું હતું. આ એક જ સમસ્યા છે કે નહીં તે જોવા માટે એણે બીજા વ્હીલ પણ ચકાસી લીધા. પાછળના બંને વ્હીલ એકસાથે પંચર થઇ ગયા હતા. ગુસ્સામાં આવીને દર્શે એક જોરદાર લાત ગાડીના ટાયર પર મારી. એની પાસે પંચર માટે એક જ સ્પેર ટાયર લીધું હતું. એણે જરા પણ વિચાર્યું ન હતું કે જંગલમાં આવતાની સાથે જ એકસાથે બંને ટાયર પંચર થઇ જશે. હવે આગળ ગાડી નહીં ચાલે. બધાને ચાલતા જ આગળ જવું પડશે.

આમતો વિક્રમને આ વાત ખબર જ હતી. જંગલમાં થોડે દૂર સુધી જ ગાડીઓ જઇ શકશે. એણે પહેલા જ ધનંજયને કહી રાખ્યું હતું કે જંગલમાં અંદર જઇને એમણે પગપાળા આગળ જવું પડશે.

"આપણે અહીંથી આગળની સફર માટે ટ્રકમાં જઇએ." રેશ્માએ કહ્યું.

"મને નથી લાગતું કે એનો કોઇ ફાયદો થશે." વિક્રમે કહ્યું.

"કેમ?"

"જરા આજુબાજુ તો જો." વિક્રમે કહ્યું.

રેશ્માએ ગરદન ફેરવીને જોયું. આજુબાજુ ચારે તરફ ઉંચા વૃક્ષો હતા. રેશ્મા એના કહેવાનો મતલબ સમજી ગઇ. હવે તેઓ લગભગ ગીચ જંગલમાં આવી ગયા હતા. હવે આગળ પગપાળા જ જવાનું છે.

"હવે આગળ આપણે પગપાળા જઇશું." વિક્રમે ધનંજયને કહ્યું. ધનંજયે રાજીવને બોલાવીને સામાન ઉતરાવ્યો. રાજીવ એ એમની સાથે આવેલા હથિયાર ધારી લોકોમાંથી એક હતો અને એમનો કમાન્ડર હતો. બધા દસે દસ એ એનો જ ઓર્ડર માનતા હતા. અને એ માત્ર ધનંજયનો હુકમ માનતો હતો.

બધાએ પગપાળા ચાલવાની શરૂઆત કરી. બધા એક હરોળમાં ચાલી રહ્યા હતા. સૌથી આગળ વિક્રમ, એની પાછળ રેશ્મા અને એની પાછળ વનિતા અને ધનંજય ચાલી રહ્યા હતા. એમની પાછળ ધનંજયના લોકો ચાલી રહ્યા હતા. બે માણસો કારવરથી સાથે જોડાયા હતા. એમનું કામ માત્ર સામાન ઉપાડવાનું જ હતું. એ સૌથી પાછળ સામાન લઇને ચાલી રહ્યા હતા. રેશ્માએ ફરી એકવાર ચારે તરફ નજર કરી.

પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ ભારતને કુદરત દ્વારા મળેલી એક અમુલ્ય ભેટ છે. ભારત માટે પશ્ચિમ ઘાટ એ પોતે એક ખજાનો જ છે. પશ્ચિમ ઘાટમાં વૈવિધ્ય પુર્ણ વનસ્પતિઓ અને જાતજાતના પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. એમાંથી કેટલાક તો એવા છે કે જે આખા વિશ્વમાં માત્ર અહીંયા જ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતથી લઇને છેક કન્યાકુમારી સુધી ફેલાએલો પશ્ચિમ ઘાટનો સમગ્ર વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ ખુબજ વરસાદ પડે છે. અને અત્યારે આ કાફલો એ બાજુથી જ જંગલમાં પ્રવેશી રહ્યો હતો.

લગભગ બે કલાકથી એ લોકો ચાલી રહ્યા હતા. જમીન માંથી વૃક્ષો આમતેમ ઉગી નીકળ્યા હતા. જેમની વચ્ચે ચાલવાની જગ્યા પણ મુશ્કેલ હતી. બે વૃક્ષો વચ્ચે જેમતેમ જગ્યા કરીને એ લોકો આગળ ચાલી રહ્યા હતા. ગાડી હવે પાછળ છુટી ગઈ હતી. વાતાવરણમાં એક પ્રકારનો બફારો થઇ રહ્યો હતો. હવે તો બપોરના સાડા અગિયાર થવા લાગ્યા હતા પણ ઝાડની ઘાટી ડાળીઓ અને મોટા ઘેરાવાને લીધે સુર્યનો પ્રકાશ પૂરી રીતે જમીન સુધી પણ પહોંચતો ન હતો. ઉપર નજર નાખીએ તો ઉપર ફેલાએલી ડાળીઓ કયા વૃક્ષની છે એ પણ કહેવુ અઘરું પડે એટલી રીતે બધા વૃક્ષની ડાળીઓ એકબીજામાં ગુંચવાએલી લાગતી હતી. પંખીઓનો કલરવ તો સંભળાય જ રહ્યો હતો. અલગ અલગ પ્રકારના પંખીઓનો અવાજ મિક્સ થઇને જંગલ જીવીત છે એનો પુરાવો આપી રહ્યા હતા.

થોડે આગળ ગયા પછી થોડી ખુલ્લી જગ્યા દેખાતા કાફલાએ ત્યાં જ આરામ કરવાનું નક્કી કર્યું. અહી જમીન પર ઝીણું ઘાસ પથરાયેલું હતું. બાજુમાં એક વૃક્ષ હતું જેનો પડછાયો પડતો હતો ત્યાં બધા આરામ કરવા બેઠા હતા. બધાએ પાણી પીને પોતાનો થાક ઉતાર્યો. આજે જંગલમાં પહેલો જ દિવસ હતો એટલે હજુ કોઇને આની આદત ન હતી એટલે ધનંજયના માણસો સિવાય બધા જ થાકી ગયા હતા.

પાણી પીધા પછી ધનંજયે વિક્રમને પુછ્યું, "વિક્રમ, હવે આગળ કઇ બાજુ જવાનું છે?"

વિક્રમ પાણી મોં પર છાટી રહ્યો હતો ત્યારે ધનંજયનો અવાજ સાંભળીને એ થોભ્યો. એણે પોતાના રૂમાલ વડે મોઢું લૂછીને ધનંજય સામે જોઇને કહ્યું, "સૌથી પહેલાં તો આપણે એક ઉંચી જગ્યાએ જઇને આજુબાજુના એરિયાનું અવલોકન કરીને જે જગ્યાએ આપણે ચોક્કસ કઇ જગ્યાએ છીએ એ જાણ્યા પછી જ આગળ વધીશું."

ધનંજય થોડો અકળાયો, "વિક્રમ તને ખબર તો છે ને કે તું કઇ બાજુ જઇ રહ્યો છે? કે પછી તું ખાલી ટાઇમ પાસ કરે છે?"

વિક્રમે થોડીવાર એની આંખોમા જોયું. ધનંજય એના પર પુરો વિશ્વાસ નથી કરતો એ તો એને ખબર જ હતી. રેશ્મા અને વનિતાનું ધ્યાન પણ એ બાજુ ગયું. વિક્રમે ધનંજયની નજીક આવીને એની આંખોમાં જોઇને પુછ્યું, "તમને વિશ્વાસ નથી મારા પર?"

વિક્રમનો આ પ્રશ્ન ધનંજય માટે અપેક્ષા બહારનો હતો. એ તો ચોખ્ખું હતું કે એ વિક્રમ પર વિશ્વાસ નથી કરતો. કરે પણ કેમ જો વિક્રમને ખબર પડી ગઇ કે એનો આશય શું છે તો એ એના રસ્તાનો કાંટો બની જશે. એટલે એને ભરોસામાં રાખવો પડશે કે એ વિક્રમ પર ભરોસો કરે છે. પછી યોગ્ય સમયે તો આ કાંટો બને કે ન બને એને રસ્તામાં થી તો કાઢવાનો જ છે. ધનંજય મનમાં હસ્યો.

"વાત ભરોસાની નથી." ધનંજયે ચાલાકીથી કહ્યું, "તું કોઇ જ પ્રકારની ચોક્કસ દિશા વગર આગળ વધવાની વાત કરી રહ્યો છે. તને ખબર છે ને કે આ જંગલ હજારો ચોરસ કિલોમીટરમાં ફેલાએલું છે. આમા આપણે કઇ જગ્યાએ જવાનું છે એ જાણીને જ આગળ વધવું જોશે. નહીંતર શું આમ દિશાહીન રખડ્યા જ રાખશું શું?"

વિક્રમ કંઇ જ ન બોલ્યો. ધનંજયની વાત સાચી હતી કે જંગલ મોટું અને ગાઢ છે. કોઈ પણ દિશા વગર આગળ વધવું મુર્ખામી કહેવાશે. પણ વિક્રમ પાસે એનો જવાબ હતો જ. એણે પોતાની પોકેટ માંથી એક નાનકડું હોકાયંત્ર કાઢ્યું. હોકાયંત્રની સોયને એક ચોક્કસ દિશા તરફ ગોઠવવા માટે એ હોકાયંત્રને આમતેમ ફેરવી રહ્યો હતો. હોકાયંત્રને ફેરવીને એણે સોયને ઉતર દિશા પ્રમાણે ગોઠવીને ઉતર દિશા કઇ તરફ છે એ જોયું. પછી વિક્રમ પશ્ચિમ દિશા તરફ આંગળી ચીંધીને બોલ્યો, "આપણે આમ પશ્ચિમ દિશા બાજુ આગળ વધવાનું છે. એ બાજુ જઇને આપણે કોઇ ઉંચી જગ્યા પર જઇને આજુબાજુના વિસ્તારનું અવલોકન કરીને પછી આગળ વધીશું. હવે કોઇ પ્રશ્ન છે?" ધનંજય સામે જોઇને વિક્રમે કહ્યું.

"પશ્ચિમમાં કેટલે સુધી?"

દરમિયાન રેશ્મા ધનંજયની પાસે આવીને ઉભી રહી હતી. વિક્રમની વાત એ પણ ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. ધનંજયના પ્રશ્નનો જવાબ આપતા એણે કહ્યું, "આમ જુઓ." કહેતા એણે એનો હાથ પશ્ચિમ દિશા તરફ લંબાવ્યો. ધનંજય અને વિક્રમે એ તરફ જનર કરી વૃક્ષોના પાંદડાઓની ઉપર ખુબ દુર એક પહાડ દેખાય રહ્યો હતો. અહીથી એની ટોચ જાણે સપાટ હોય એવી લાગી રહી હતી. રેશ્માએ કહ્યું, "દુર પેલો પહાડ જે દેખાય રહ્યો છે એ તરફ આપણે જવાનુ છે. 90% ચાન્સ છે કે સંબલગઢ એ પહાડની તળેટીમાં આવેલું હશે."

"90 ટકા! અને બાકીના દસ ટકા?" ધનંજયે પુછ્યું.

"એ આપણા નસીબ પર રહેશે. કોઈપણ આર્કિયોલોજી મિશન ક્યારેય સો ટકા ચોકસાઈ પર નથી ચાલતું. આપણી પાસે આપણા લક અને ધીરજ રાખવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. ઇતિહાસ બદલનારી ખોજ કંઇ એટલી આસાનીથી નથી થઇ જવાની." વિક્રમે કહ્યું.

ધનંજય એમની સામે જોઇ રહ્યો. આ બંને કાલના જુવાન બાળકે એને શિખામણ આપી રહ્યા છે એ વાત એને જરાય ન ગમી. એ પોતે એક મોટો બિઝનેસમેન હતો. કોઇ એને આમ શિખામણ આપી જાય એ એ ચલાવી લે એમ ન હતું. મનોમન વિક્રમને સબક શિખવાડવાનું એણે નક્કી કર્યું.

વિક્રમે બીજા બધાને સંબોધતા કહ્યું, "ચાલો કમાન્ડર, હવે આપણે અહીંથી આગળ વધશું. આટલો આરામ ઘણો છે." કહીને એ ચાલવા લાગ્યો. એની પાછળ રેશ્મા પણ ચાલવા લાગી. પણ એમની પાછળ કંઇ હરકત ન થતાં વિક્રમને આશ્ચર્ય થયું. એણે પાછળ ફરીને જોયું. બધાજ પોતપોતાની જગ્યાએ બેઠા હતા. ધનંજય અને વનિતા પણ.

વિક્રમે એક નજર રેશ્મા પર નાખી. એને પણ કંઇ ન સમજાણું. વિક્રમે ફરીવાર બધા માણસો તરફ જોઇને કહ્યું, "કમાન્ડર, સાંભળ્યું નહીં તમે? ચાલો હવે."

"એ તારો ઓર્ડર નહીં માને વિક્રમ," ધનંજયે કહ્યું. એના હોઠો પર એક લુચ્ચું સ્મિત હતું. "એ મારા માણસો છે અને મારી જ વાત માનશે. તો બહેતર રહેશે જો ઓર્ડર આપવાનું કામ તું મારા પર છોડી છે." પછી એ વિક્રમની પાસે આવીને કહ્યું, "અહીંયા ઉભેલા બધા જ લોકો મારો ઓર્ડર માને છે. તો તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે બંને અહીંયા મારા કામ માટે આવ્યા છો. જરા પણ હોશિયારી કે ચાલાકી કરી છે તો શું અંજામ આવશે એ વિચારી લેજો." ધનંજયના અવાજમાં ધમકીનો ટોન ભળ્યો હતો. વિક્રમ અને રેશ્મા સમજી ગયા હતા કે આ એક ચેતવણી છે કે એની ઉપરવટ જઇને કંઇ કરવું કે બોલવું એને નહી પોસાય. અને જ્યારે એને કંઇક ના પોસાય ત્યારે એ કઇ હદ સુધી જઈ શકે છે એ પણ એમને ખબર હતી. હવેથી વધારે સાવચેત રહેવું પડશે. વિક્રમે વિચાર્યું. આને અમારા ઇરાદાની પણ શંકા ન જવી જોઈએ.

"વાત મગજમાં ઉતરીને?" ધનંજયે વિક્રમને પુછ્યું.

પોતે અત્યારે બીજો કોઇ છૂટકો નથી એ જાણીને વિક્રમે ફક્ત આટલું જ કહ્યું, "યસ, મિ.મહેરા."

ધનંજયના ચહેરા પર વિક્રમને નીચો દેખાડવાની જે મજા આવી રહી હતી એને લીધે એના ફેસ પર એક સ્માઇલ આવી ગઇ. ધનંજયે રાજીવને ઇશારો કરતા એ ચાલવા લાગ્યો. એની પાછળ એના લોકો પણ તરત જ ઉભા થઇને ચાલવા લાગ્યા. વિક્રમ અને રેશ્મા પણ એમની સાથે મુંગા મોઢે ચાલવા લાગ્યા.

વિક્રમે રેશ્માને ધીમેકથી કહ્યું, "હવે મને સમજાણું કે વિજયને બીજાને નીચા દેખાડવાની જે મજા આવતી એ ગુણ એને ક્યાંથી મળેલો.."

રેશ્મા કંઇ જ ન બોલી. એ વિક્રમની વાત સાથે સહમત હતી. ધનંજય એ જેટલો સમજતી હતી એનાથી પણ વધારે ચાલાક અને ખતરનાક છે. એણે અને વિક્રમે જે પ્લાન બનાવ્યો હતો ધનંજયના ઇરાદા જાણીને એને રોકવાનો, એ એના વિચાર્યા કરતા વધારે અઘરું થશે.

પછી બધા શાંતિથી આગળ વધી રહ્યા હતા. થોડે આગળ વિશ્રામ લઇને એમણે બપોરનું ભોજન લીધું. ભોજન લઇને ફરી પાછા આગળ ચાલવા લાગ્યા. બપોરના બે વાગી રહ્યા હતા. વિક્રમ વિચારી રહ્યો હતો કે સંબલગઢ કઇ બાજુ આવેલું હશે એટલામાં એને કંઇક વિચિત્ર અનુભવ થયો. એણે આજુબાજુ જોયું. એના મનમાં અંદેશો આવી રહ્યો હતો કે કંઇક ગરબડ છે. પણ શું છે એ સમજાતું ન હતું. એણે રાડ નાખીને કહ્યું, "મિ.મહેરા, ઉભા રહો અને બીજા બધા પણ."

એના અચાનક આવેલા અવાજ પર બધા ચોંકીને ઉભા રહી ગયા. કોઇને સમજાયું નહીં કે આ વિક્રમને શું થયું? કેમ અચાનક આમ બધાને ઉભા રાખી દીધા?

ધનંજયે પુછ્યું, "શું થયું વિક્રમ?"

"હા શું થયું વિક્રમ, આમ ઉભા રહેવાનું શું કામ કહે છે?" રેશ્માએ વિક્રમને પુછ્યું.

વિક્રમની નજરમાં કંઇક ચિંતા ભળી હોય એવું એને લાગ્યું. વિક્રમ ચારે તરફ ગરદન ફેરવીને જોઇ રહ્યો હતો. એણે રેશ્માને કહ્યું, "કંઇક ગરબડ છે એવું તને નથી લાગતું?"

રેશ્માએ પણ ચારે તરફ નજર કરીને જોયું. પણ એને કંઇ દેખાયું નહીં. અચાનક એને ભાન થયું કે જંગલ કંઇક વધારે પડતું જ શાંત છે. જંગલમાં ક્યારેય એટલી શાંતિ નથી હોતી. પંખીઓનો અવાજ આવતો બંધ થઇ ગયો હતો. ચારે તરફ સન્નાટો ફેલાએલો હતો. જે કંઇક ખતરાનો અણસાર આપી રહ્યો હતો.

એટલામાં એક ઝાડની પાછળ કંઇક સળવળાટ થયો. બધાં ચોંક્યા. બધાની નજર એ ઝાડ તરફ ગઇ. અને પછી એક જોરદાર દહાડ વાતાવરણમાં ગુંજી ઉઠી....

(ક્રમશઃ)

* * * * *