Kamjor Kadi – Sogand – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

કમજોર કડી – સોગંદ – દિવ્યેશ ત્રિવેદી

થોડા દિવસ પહેલાં કોલેજકાળના મિત્ર મળી ગયા. આ મિત્રને એ દિવસોમાં એક વિશિષ્ટ આદત હતી. તેઓ વાત વાતમાં સોગંદ ખાતા હતા. લગભગ બધા જ મિત્રોનો એવો અનુભવ હતો કે જ્યારે પણ તેઓ સોગંદ ખાઈને વાત કરતા ત્યારે તે અચૂક ખોટી સાબિત થતી. આડી અવળી વાતો કર્યા પછી એમને પૂછ્યું કે, “આટલી વારથી તમે સોગંદ ખાધા વિના વાત કરી સોગંદ ખાવાનું કેમ છોડી દીધું?” આવા માર્મિક પ્રશ્નના જવાબમાં એમના ચહેરા પર હળવાશને બદલે ગમગીની ઉતરી આવી. પહેલાં તો તેઓ કંઈ બોલ્યા નહીં. પરંતુ આગ્રહ કરીને પૂછ્યું ત્યારે એમણે આખી વાતનો ફોડ પાડ્યો. એમણે કહ્યું કે, “સાચી વાત એ છે કે કોઇ પણ વાત ખોટી હોય ત્યારે વિશ્વાસ આપવા માટે જ હું સોગંદ ખાતો હતો. પરંતુ આ ટેવ મને ભારે પડી ગઈ.” એમણે કહેલી વાતમાંથી એટલું જાણવા મળ્યું કે ખોટા સોગંદ ખાવાની ટેવને કારણે જ એમણે એમની કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો અને દામ્પત્ય જીવન પણ જોખમમાં મૂકાયું હતું. સોગંદ ખાવા છતાં તેઓ અવિશ્વસનીય પુરવાર થયા તેથી જ એમને મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો હતો.

આ મિત્રના અનુભવની વિગતોમાં ઊંડા ન ઊતરીએ તો પણ એટલું તો કહેવું જ પડે તેમ છે કે આપણે બધા વારે તહેવારે ‘તારા સમ’ કહીને આપણી વાતને સાચી ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. કેટલાક માણસો તો પોતાના સ્વજનો ઉપરાંત ધર્મસ્થાનમાં જઈને દેવ સમક્ષ અથવા ધર્મગુરુ સમક્ષ પણ સોગંદ લેતા હોય છે. આપણી એવી ધારણા છે કે સોગંદ લેવાથી આપણે અમુક જ વર્તન કરવા અદ્રશ્ય રીતે બંધાઈ જઈએ છીએ. આવી ગેરસમજને કારણે જ કોઈ પણ ઊંચા જાહેર હોદ્દાનો હવાલો લેતી વખતે પણ સોગંદ લેવાની પ્રથા અમલમાં આવી છે. અદાલતમાં જુબાની આપતી વખતે પણ આવી ધારણા અનુસાર જ ધર્મગ્રંથ પર હાથ મૂકીને સોગંદ લેવડાવવામાં આવતા હોય છે.

પરંતુ આ રીતે લેવાતા સોગંદ લગભગ હંમેશાં ખોટા જ હોય છે. અનુભવે એવું જોવા મળ્યું છે કે જે માણસ જાણતો હોય કે તે ખોટો જ છે એ વારંવાર સોગંદ ખાઈને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરે છે. નાની નાની વાતને પણ સોગંદ વડે જ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આવો ખોટો માણસ સોગંદ ખાઇ ખાઇને પોતાના વ્યવહારો ચલાવે છે. સોગંદનો સહારો લઇને એ પોતાના અસત્યને પોતાની અપ્રમાણિકતાને પણ વાજબી ઠેરવવા મથે છે. અદાલતમાં પણ ધર્મપુસ્તકના સોગંદ ખાઈને જુબાની આપનાર બધા જ લોકો સાચું બોલતા હોતા નથી.

પશ્ચિમમાં ખ્રિસ્તીઓનો ક્વેકર નામનો એક નાનો સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં માનનારા લોકો અદાલતમાં પણ સોગંદ લેવા તૈયાર થતા નથી. બાઈબલ હાથમાં લઈને સાચું બોલવાના સોગંદ નહીં લેનારા ઘણા ક્વેકરોને સજા પણ થઇ છે. સોગંદ લેવાની ના પાડવાનું ક્વેકર સંપ્રદાયનું કારણ જાણવા જેવું છે. ક્વેકર સમુદાયનું કહેવું એવું છે કે જેણે સાચું જ બોલવું હોય એના માટે સોગંદનો સહારો લેવાની જરૂર નથી. જે માણસ જૂઠું બોલવાનું છે એ સોગંદ પણ ખોટા ખાઈ શકે છે. જૂઠું બોલનાર માણસને ખોટા સોગંદ ખાવામાં કોઇ છોછ નડતો નથી. આથી ક્વેકર સંપ્રદાયના મતે જે વ્યક્તિ સોગંદ લેવા તૈયાર થાય એ ખોટું જ બોલે છે એમ સ્વીકારી લેવું જોઈએ.

જે માણસો ધર્મસ્થાનોમાં જઇને દેવ સમક્ષ અથવા ધર્મગુરુ સમક્ષ જુદી જુદી બાબતો માટે સોગંદ લેતા હોય છે એ લોકો પણ આવા સોગંદને કેટલી હદ સુધી પાળી શકે છે એનો અછડતો અભ્યાસ કરીએ તો પણ સોગંદ ખાવાની નિરર્થકતા તરત જ સમજાઈ જાય. પરંતુ આ રીતે સોગંદ ખાવા પાછળ પણ આગવું મનોવિજ્ઞાન કામ કરતું હોય છે. અનેક લોકો ધૂમ્રપાન નહીં કરવાની અથવા શરાબસેવન છોડી દેવાની તથા જૂઠું નહીં બોલવાની અથવા તો ગુસ્સો નહીં કરવાની એમ જાતજાતની કસમ લેતા હોય છે. સામાન્ય રીતે આવી કસમ અનેક લોકોની હાજરીમાં લેવાતી હોય છે. એનો અર્થ એ જ થાય છે કે કસમ લેનાર વ્યક્તિને પોતાની જાત પર ભરોસો નથી. અનેક લોકોની હાજરીમાં કસમ લીધી હોવાથી પછી તે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. આવી કસમ લેનાર બીજા લોકોને પોતાના સંકલ્પ વિશે જણાવવા કરતાં પોતાની જાતને કહી દેવું જોઈએ. એનો અર્થ એ કે જે વ્યક્તિ પોતે પોતાની જાત પ્રત્યે વફાદાર હોય અને પોતાની જાત સાથે પ્રામાણિક હોય એણે આવી કોઈ કસમ લેવાની જરૂર જ ઊભી થતી નથી. જાહેરમાં આવી કસમ લેવી એ ખરેખર તો આપણી માલિકી જ બીજાના હાથમાં મૂકી દેવા જેવી વાત છે.

કસમ ખાનારાઓ પોતે જ પોતાની કસમમાં બાંધછોડ કરવાના માર્ગ પણ શોધી કાઢતાં હોય છે. આવું કરીને તેઓ એમ માને છે કે એમણે કસમ પ્રત્યે પ્રમાણિકતા જાળવી છે. હકીકતમાં કસમ તોડવા માટેના આવા ઉપાયો પણ આત્મવંચના બની રહે છે. જે વ્યક્તિ પોતાની જાતને બેધડક છેતરી શકે છે એ બીજા લોકોને પણ સહેલાઈથી છેતરી શકે છે.

મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઇએ તો ખોટી કસમ ખાનારા અને ખોટા સોગંદ લઈને વ્રત-નિયમો અપાવનારા લોકો મૂળભૂત રીતે નબળા મનના હોય છે અને એમના આત્મવિશ્વાસનું સ્તર ઘણો નીચો હોય છે. કસમ લીધા પછી એ કસમ ખોટી જ છે એવું જાણતા હોવાથી એમના મનમાં એક પ્રકારનો સંઘર્ષ પેદા થાય છે. આવા સંઘર્ષમાંથી જ સ્ટ્રેસ, અશાંતિ, ચિંતા અને બેચેની શરૂ થાય છે. સરવાળે આવી પરિસ્થિતિ વ્યક્તિત્વની વિકૃતિઓ બનીને બહાર આવે છે.

દરેક વ્યક્તિ ઓછે-વત્તે અંશે પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા ઉત્સુક હોય છે. વ્યક્તિત્વનું આવું કોઈ પણ પરિવર્તન સમજદારીના અહેસાસ દ્વારા ચલાવી શકાય. એને બદલે એ જ્યારે કસમનો સહારો લે છે ત્યારે એનાથી શરૂઆત જ ખોટી થઈ જાય છે. સમજદારી વિનાની કોઇ પણ કસમ બળજબરીપૂર્વકના આરોપણ જેવી બની જાય છે. જેનામાં સમજદારી પ્રગટી છે પોતાની વાતને સાચી ઠેરવવા કે પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટે ભાગ્યે જ સોગંદનો સહારો લે છે. આથી એમ પણ કહી શકાય કે જે વ્યક્તિ સોગંદ ખાઈને કંઈક વાત ઠસાવવા માગતી હોય ત્યારે એ વ્યક્તિ ખોટી વાતને સાચી ઠેરવવાનો પ્રયાસ કરતી હોય છે. પુરાતન માન્યતા એવી છે કે જે વ્યક્તિના ખોટા સોગંદ ખાધા હોય એ વ્યક્તિના જીવન પર આફત આવી પડે છે. આવી સમજના આધારે હજુ આજે પણ અવિકસિત સમાજો સોગંદને અતિશય મૂલ્ય આપે છે. અવિકસિત સમાજોમાં સોગંદનું મૂલ્ય થોડું જળવાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે અવિકસિત સમાજના મોટાભાગના લોકો હજુ નિર્દોષ અને પ્રમાણિક છે. પરંતુ જે માણસ આધુનિક બનતો જાય છે તેમ તેમ નિર્દોષતા અને પ્રમાણિકતા ગુમાવતો જાય છે એથી એના માટે સોગંદ અપ્રમાણિકતા આચરવાના અને છેતરપિંડી કરવાના એક અમોઘ સાધનની ગરજ સારે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED