પ્રકરણ- અગિયારમું/૧૧
‘લલિત... લલિત .. આ શું ? કેમ થયું ? લલિત ?
કંઈ પ્રત્યુતર આપવાનો પ્રયાસ કરે એ પહેલાં તો લલિતએ આંખો મીંચી દીધી.
અને કાળી રાત ચીરતી મેઘનાની કારમી રાડ ફાટી ગઈ.
હરણફાળ ભરતી મેઘના દોડી બેડરૂમમાં તેનો મોબાઈલ લેવા.ઘડીના છત્ઠા ભાગમાં તેની માનસિક અવસ્થાને સ્વસ્થ કરીને કોલ જોડ્યો ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવા કેન્દ્રમાં.
પાંચ જ મીનીટમાં જરૂરી પેપર્સ અને પૈસા તેના પર્સમાં નાખીને ત્વરિત ગતિએ દાદરો ઉતરીને નીચે આવતાં જ મેઈન ગેઇટ પર સાયરનની ચીચયારી સાથે એમ્બ્યુલેન્સ પણ આવી પહોંચી.
સહાયકની મદદથી લલિતને સ્ટ્રેચર સાથે એમ્બ્યુલેન્સમાં ગોઠવતાં નીકળ્યા હોસ્પિટલ તરફ. હવે લલિતના ઘાવ પરનો રક્તસ્ત્રાવ બંધ થઇ ગયો હતો.
ઈમરજન્સી વોર્ડમાં એડમીટ કરતાં, ફરજ પરના તબીબે ઘાવ પર પાટાપીંડી સાથે એકઝામીન કરતાં અડધા કલાક પછી કહ્યું કે,
‘સ્હેજ પણ ચિંતાજનક બાબત નથી. કોઈ ઇન્ટરનલ ઇન્જરીઝ નથી. અકસ્માતે શરીર પર થોડા મામુલી ઊંડા ઘાવ છે. જે થોડા દિવસની સારવાર અને મેડીસીન્સથી કવર થઇ જશે.’
‘પણ, ડોક્ટર એ બેહોશ કેમ થઇ ગયો ?’ મેઘના એ પૂછ્યું
‘તે ઘાવની અસહ્ય પીડાને કારણે.’ એ સામાન્ય બાબત છે. ચિંતા ના કરો,, મેં જરૂરી દવા અને ઇંજેક્સન લખી આપ્યા છે. આપ હવે તેમને ઘરે લઇ જઈ શકો છો.’
‘થેન્ક યુ સો મચ ડોકટર.’ એ પછી ફરી એમ્બુલેન્સમાં લલિતને લઈને હળવાં હાશકારા સાથે ઘરે આવી. દાદરો ચડવામાં લલિત અસમર્થ હતો એટલે હળવે હળવે મેઘના નીચેના રૂમ તરફ લઇને સાવચેતીથી સંભાળ લઈને લલિતને બેડ પર સુવડાવ્યો. પીડાથી કણસતાં લલિત ઉન્હકારાના ઉદ્દગાર સાથે બેડ પર આડો પડ્યો.
લલિતના માથાં પર હાથ ફેરવતાં ભીની આંખોની કોર સાથે મેઘનાએ પૂછ્યું,
‘આ.. કેમ અને કયારે થયું લલિત ?’
થોડીવાર ચુપ રહ્યા પછી લલિત માંડ માંડ બોલ્યો,
‘એએએ..હું થોડી સ્પીડમાં સ્કુટર લઈને આઆઆ..વતો હતો ને.. એક વણાંક પાસે અંધારું હતું ત્યાં.. અચાનક હજુ મને કંઈ સમજાય એ પહેલાં તો બે ગેંડા જેવા આંખલાઓ એ બાખડતાં બાખડતાં મને એવી રીતે હડફેડે લીધો કે, કયાંય સુધી ઢસરડાતાં લઇ ગયા. થોડીવારમાં તો મારા એવાં હોશ ઉડી ગયા કે, લાગ્યું આજે રામ રમી જ જવાના. પંદર કે વીસ મિનીટ પછી માંડ માંડ કરીને કેમ ઘર સુધી આવ્યો એ મને ખબર નથી.’
‘હે.. ભગવાન.. સારું થયું શૂળીનો ઘા સોયથી ટળ્યો. પણ લલિત ડ્રાઈવ કરતી વખતે કેમ આટલો કેરલેસ થઇ જાય છે ?
અને ડ્રાઈવ તો તું આટલાં વર્ષોથી કરે છે, ફર્સ્ટ ટાઈમ આવું બન્યું છે. ચલ હું તને મેડીસીન્સ આપી દઉં. પછી તું સૂઈ જા, હું અહીં જ બેઠી છું.’ મેઘના બોલી.
વહેલી સવારે જયારે અચાનક આંખ ઉઘડી ગઈ ત્યારે મેઘનાએ જોયું તો દવાની ઘેનના અસરથી લલિત ઘસઘસાટ ઊંઘતો હતો. મેઘના રોજિંદા નિત્યક્રમ મુજબ તેના કામે વળગી ગઈ. અચનાક કંઇક યાદ આવતાં આંગણામાં આવીને જોયું તો.... રાતની તેની શંકા દ્રઢ થઇ ગઈ.
કારણ કે.. લલિતના સ્કુટરમાં સ્હેજે એક પણ ખરોચ પણ નહતી. હવે મેઘનાને ખરેખર ખાતરી થઇ કે લલિતની વાર્તા પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે. આ વાતથી થોડી વિચલિત થતાં મેઘનાને તેની લલિત પ્રત્યેની નિરંતર, નિસ્વાર્થ લાગણીને સ્હેજ ધક્કો લાગ્યો. લલિત તેના જુત્ઠા અને જીદ્દી સ્વાભિમાનની આડમાં તેની જિંદગી એ હદ સુધી બરબાદ કરી ચુક્યો હતો કે, હવે મેઘના માટે ત્યાંથી લલિતને પાછો વાળવો લગભગ અશક્ય જ હતું.
છેલ્લાં બે દાયકાથી લલિતની પ્રાણ, પ્રકૃતિથી સપૂર્ણ વાકેફ મેઘના અંતે તેના નસીબ પર હસી કાઢતાં નિરર્થક વિચારોને ખંખેરીને કામે વળગી ગઈ.
સવારના સાડા દસનો સમય થયો હશે. આજે કોલેજમાં સોહમ ન દેખાતાં અંતરાએ સોહમના ફ્રેન્ડ સર્કલમાં પુછપરછ કરીને તેનો કોન્ટેક્ટ નંબર મેળવીને કોલ લાગવ્યો.
‘બાબલો બનીને કોલેજ આવવું છે કે, ધરપકડ માટે સમન્સ ઇસ્યુ કરાવું ?’
અંતરા તેના ટોમ બોયની ઈમેજ સાથેના ટોનમાં બોલી.
સોહમ અંતરાના સ્વરથી સારી રીતે પરિચિત હતો.
ખિલખિલાટ હાસ્ય સાથે વ્યંગની સામે વ્યંગમાં વળતો પ્રત્યુતર આપતાં સોહમે પૂછ્યું.
‘તને ખબર છે આ શહેરના સમન્સ કોની પરવાનગીથી ઇસ્યુ થાય છે ?’
‘કોની ?’
‘મારા ડેડની.’
‘અરે.. યાર તે તો મારા પરિહાસના પ્લાનનો પોપટ બનાવી દીધો. હવે મારે ક્યાં સુધી રાહ જોવાની છે એ કહી દે.’
‘હમમમ..આજે કોલેજ આવવાનો તો કોઈ જ મૂડ નથી. પણ.. સાંજે જીમ જરૂર જઈશ.’
તો ત્યાં સુધી તો રાહ જોવી જ પડશે એમ ?’મને લાગે છે તને તારા ડેડની લેવલમાં આવવાની બહુ ઉતાવળ લાગે.’ અંતરાએ પૂછ્યું
‘અરે..ના ના સ્હેજે નહીં.. એ માટે તો મારા ડેડ જ ના પાડે છે.’ પણ તું ઓળખે છે મારા ડેડને ? સોહમે પૂછ્યું.
‘ના ?’
સોહમે કહ્યું,
‘અચ્છા તો અંતરા એક કામ કર, તું ઇવનિંગ ટાઈમમાં પ્લેટિનમ ફિટનેસ હેલ્થ ક્લબ પર આવી જા . બીટવીન ફાઈવ ટુ સેવન. આપણે ત્યાં મળીએ છીએ.’
જવાબમાં અંતરા બોલી.
‘નોટ શ્યોર. ઇટ વીલ ડીપેન્ડ ઓન માય મૂડ. તું મને લોકેશન સેન્ડ કરી દે. પણ એક શરત છે, હું જેટલો સમય તારી સાથે રહું એટલો સમય મારો. ઓ.કે.’
‘એ તો તું કેવો મૂડ લઈને આવે છે પછી નક્કી થાય ને.’
સોહમે સળી કરતાં જવાબ આપ્યો.
‘ઓહ્હ.. એવું છે, પછી અંતરા આગળ પાછળ જોયા વગર તૂટી પડશે તો ત્યાં વચ્ચે તારા ડેડ આવશે તો પણ તારી છટકબારીનો કોઈ મેળ નહીં પડે યાદ રાખજે. કેમ કે તને હજુ એ ખબર નથી કે મારી મમ્મી કોણ છે સમજ્યો.’
અંતરા એ તેના હટકે મિજાજનો પરિચય આપતાં જવાબ આપ્યો.
‘તું આવને એટલે આપણે આપણા પરિચયની આપ લે કરી લઈએ મારા ડેડ અને તારા મમ્મી તેમના પરિચયનું ફોડી લેશે.’
બોલતાં સોહમ ખડખડાટ હસવાં લાગ્યો.
‘ઓ.કે. સી યુ ઇન ઇવનિંગ.’ એમ કહીને અંતરા એ કોલ કટ કર્યો.
છેલ્લાં અડધો કલાકમાં લલિતનો મોબાઈલ પંદરથી વીસ વખત રણક્યો, પણ લલિત એ કોલ રીસીવ ન જ કર્યો. અંતે કંટાળીને લલિતે સેલને સાઈલેંટ મોડ પર મૂકી દીધો. મેઘના પણ આ બધી ગતિવિધિ સાઈલેંટ થઈને એ રીતે જોતી રહી કે લલિતને તેના ખુફિયા ખબરની કોઈ ખુશ્બુ ન આવે.
મેઘના એ વાતથી સારી રીતે વાકેફ હતી કે... શંકાશીલ દ્રષ્ટીએ પૂછપરછ કરીશ તો ગઈકાલની જેમ ફરી કોઈ એક નવી મનઘડત વાર્તાનો પ્લોટ સંભળાવી, મને ડફોળ સમજીને મનોમન ખુશ થશે બીજું શું.
સાંજે ઠીક પાંચ અને દસ મીનીટે હેલ્થ કલબના એન્ટ્રન્સ ગેઇટ પર આવીને અંતરાએ કોલ કર્યો સોહમને.
બે થી ત્રણ વાર પ્રયત્ન કર્યા પછી સોહમે કોલ ઉપાડતાં અંતરા બોલી,
‘અલ્યા.. આપણામાં મહેમાન ગતિ કરવાની ત્રેવડ કે આવડત ના હોય તો અકબરનો ભાડુતી ડ્રેસ ચડાવીને જોધાબાઈને શાહી ઇન્વીટેશન આપવાની બડાઈ ના ઠોકાઈ સમજ્યો.’
‘એલી.. બસ આ તલવાર ભરાવું એટલી જ વારમાં આવ્યો.’ બોલતાં બે મીનીટમાં ફટાફટ સોહમ આવ્યો
સોહમના હાલહવાલ જોઇને અંતરા તેનું અટ્ટ હાસ્ય રોકી જ ના શકી.
સોહમ સ્વિમિંગ કરતો હતો એટલે માત્ર ટોવેલ જ વીંટાળીને જ આવી ગયો.
‘આટલી ખરાબ હાલત તો અકબરના સૈનિકની પણ નહીં હોય હો.’
હસતાં હસતાં અંતરા બોલી.
સોહમે સ્ક્યુરીટી ગાર્ડને કહ્યું, ‘ એ મારા ગેસ્ટ છે, પ્લીઝ તેમને અંદર આવવા દો,’
એ પછી સ્વીમિંગ પુલ તરફ જતાં સોહમ બોલ્યો,
‘અરે.. હું પાણી માંથી બહાર આવીને તારો કોલ રીસીવ કરું એટલી વાત તો લાગેને ?’
‘મને શું ખબર તમારામાં, ગેસ્ટનું સ્વાગત દિગંબર અવસ્થામાં કરવાની પરંપરા હશે.’
આટલું બોલતાં ફરી અંતરા હસવાં લાગી.
‘એ તો મેં તને ઇન્ડીકેશન આપતાં કહ્યું હતું કે, તું કેવો મૂડ લઈને આવે છે તેના પર ડીપેન્ડ છે.
સોહમે અંતરાની ગુગલી સામે સારી ભાષામાં સિક્સર ફટકારતા કહ્યું.
‘જો જે હો, આ હાલતમાં જ તારે ઘરે જવું હોય તો કહેજે, આવ્યો મોટો મૂડ વાળો.’
‘અંતરા, પ્લીઝ ત્યાં લાઈબ્રેરીની સામે લોન્જ છે, ત્યાં પાંચ મિનીટ વેઇટ કર ત્યાં સુધીમાં હું ચેન્જ કરીને આવ્યો.’
સોહમ લાઈબ્રેરી સામે ઈશારો કરતાં બોલ્યો.
આજુબાજુ નજર ફેરવતી અંતરા લોન્જમાં આવીને બેસતાં પાંચ જ મીનીટમાં સોહમ આવી પહોચ્યો.
‘સોરી અંતરા, તારે રાહ જોવી પડી.’ સોહમ બોલ્યો.
‘અરે..ઇટ્સ ઓ.કે. આમ પણ મને મારી ઝપટે ચડે તેની ખેંચવાની બીમારી બાય બર્થ લઈને આવી છું. ચલ સોહમ.. હવે તું આપ તારો પરિચય.’
‘પણ, અંતરા આપણે ત્યાં ઉપર ટેરેસ રેસ્ટોરન્ટમાં જઈને બેસીએ.’ સોહમે કહ્યું
ચાલતા ચાલતાં આવ્યા લીફ્ટ તરફ. ફોર્થ ફ્લોર પર આવતાં અંતરાએ પૂછ્યું
‘આ જીમ છે કે દુબઈના કોઈ શેખનો પ્રાઇવેટ આઈલેન્ડ ?
અંતરાએ જીમની ભવ્યતા જોઇને પૂછ્યું.
‘દેશના ટોપ ટેન જીમમાં આ હેલ્થ ક્લબની ગણના થાય છે.’
લીફ્ટમાંથી બહાર આવતાં સોહમે કહ્યું.
‘ઓહ્હ..તો મેમ્બર ફી કેટલી છે કલ્બની ? અંતરાએ પૂછ્યું.
‘મીનીમમ પચ્ચીસ લાખ.’ ચેર પર ગોઠવાતા સોહમે કહ્યું.
‘મતલબ કે તું મોઢાંમાં ચાંદીનો ચમચો લઈને જ જન્મ્યો છે એમ ને ? અંતરાએ પૂછ્યું.
‘કહું છું, પણ એ પહેલાં કહે કે તું શું લઈશ ? હોટ ઓર કોલ્ડ ?
સોહમે મેનુ અંતરાના હાથમાં આપતાં પૂછ્યું.
‘કોલ્ડ કોફી.’ મેનુ પર નજર નાખ્યાં વગર જ અંતરાએ કહ્યું.
સોહમ એક કોલ્ડ કોફી અને એક ઓરેન્જ જ્યુસનો ઓર્ડર આપ્યા પછી તેના સપૂર્ણ પરિચયથી અવગત કરાવતાં બોલ્યો,
‘અંતરા જયારે મારી ઉંમર અગિયારેક વર્ષની હતી ત્યારે જ મારા મમ્મી, પપ્પા મને એકલો મૂકી ને જતાં રહ્યા હતાં.’
એ પછી સોહમે તેના જન્મસ્થળ દિલ્હીથી લઈને સાઉથ આફ્રિકા અને ત્યાં થી ઇન્ડિયા સુધીના જિંદગીના અપ્સ એન્ડ ડાઉનની વીતકકથા વિસ્તારથી અંતરાને કહી સંભળાવતા અંતરાને લાગ્યુકે કોઈ દિલચસ્પ અને દિલધડક ફિલ્મની પટકથા સાંભળી રહી હોય. એકીટશે સોહમ સામે મંત્રમુગ્ધ થઈને જોઈ રહેલી અંતરાને સોહમે પૂછ્યું.
‘હેય.. ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે ?
સ્હેજ ભાવુક અંદાજમાં અંતરા બોલી,
‘રીયલી, સોહમ તું ખુબ જ લકી છે. એક આવી વ્યક્તિ જેણે ફક્ત તારા પપ્પા સાથેની ગાઢ મિત્રતાની ગરિમાને તેમની ગેરહાજરીમાં પણ અકબંધ રાખીને, તને સ્હેજે તારા પેરેન્ટ્સનો ખાલીપો ખૂંચવા ન દીધો. આઈ થીન્ક કે આજે તારી જે કંઈ પણ આગવી ઓળખ છે, એ તારા પાલક પિતાને આભારી છે. કોણ છે એ મહાન હસ્તી ? શું નામ છે એમનું ?
‘કે. કે. નામ સાંભળ્યું છે ? સોહમે પૂછ્યું.
‘યુ મીન કે... આ શહેરના વન ઓફ ધ મોસ્ટ ઇન્ડાસ્ટ્રીયાલીસ્ટ એ કુંદન કોઠારી.. તારા... ‘
‘યસ હી ઈઝ માય હીરો, માય આઈડલ, માય ગોડ, માય ડેડ એવરીથીંગ.’ સોહમ બોલ્યો.
‘ઓહહ....માય ગોડ..સોહમ.’ આટલું બોલતાં
અંતરાના ચહેરા પર મહતમ આશ્ચર્ય ચિન્હો અંકિત થઇ ગયા હતાં.
‘કેમ શું થયું ? તું ઓળખે છે મારા ડેડને ? મળી છો ક્યારેય ? ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં
કોલ્ડ કોફીનો કપ હાથમાં લેતાં સોહમની સામે જોતાં અંતરા બોલી,
‘ના..ના... મેં તો ફક્ત નામ જ સાંભળ્યું છે, પણ મને તારી એક વાત સૌથી વધુ ટચ કરી ગઈ, મને તે વાતનું આશ્ચર્ય છે’
‘કઈ’
‘આટલા લોડ કોડમાં ઉછરેલો, આટલી ફ્રીડમ, અમર્યાદિત આર્થિક સવ્તંત્રતા છતાં પણ તું આટલો ડાઉન ટુ અર્થ કેમ છે. અને એ પણ આ એઈજમાં ? અમેઝિંગ યાર.’
હળવાં હાસ્ય સાથે સોહમે જવાબ આપ્યો.
‘શાયદ એ એટલા માટે કે.. હું લાઈફની બેઝીક વેલ્યુઝના લેશન મારા ડેડ પાસેથી શીખ્યો છે. મારા ડેડએ તેની શાખ કે ધાક જમાવવા બે સિક્કા રાખ્યાં છે.
એક સિક્કાની એક બાજુએ પ્રેમની મુદ્રા અંકિત છે, બીજી તરફ પૈસાની મુદ્રા અંકિત છે.
જ્યાં જેવા સમય અને સંજોગ મુજબ તે સિક્કો ઉછાળીને તેનું કામ કરી લે છે.’
‘અને બીજો સિક્કો ?’ આતુરતાથી અંતરાએ પૂછ્યું.
‘બીજા સિક્કાનો એ સંકટ સમયના સાંકળની જેમ ભાગ્યેજ જ બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. તે સિક્કાની બન્ને બાજુએ એક જ મુદ્રા અંકિત છે.. ડરની, ભયની.’
‘ઓહ્હ.... પણ સોહમ તું ક્યો સિક્કો લઈને ફરે છે ?’ અંતરાએ પૂછ્યું
‘એ તો હવે મારાં આટલાં પરિચય પછી તને અંદાજ આવી જ ગયો હોવો જોઈએ એવું હું માનું છું.’ સોહમ બોલ્યો
‘હમ્મ્મ્મ.. કદાચ હન્ડ્રેડ પર્સન્ટ તો નહીં પણ નાઇનટી નાઈન પર્સન્ટ શ્યોર કહું કહું તો
તારી પાસે એક જ સિક્કો છે એને તેની બંને બાજુએ માત્ર મહોબ્બતની મુદ્રા અંકિત છે. એમ આઈ રાઈટ ?’
અંતરાની આંખમાં જોઇને સોહમ બોલ્યો,
‘મોર ધેન હન્ડ્રેડ પર્સેન્ટ રાઈટ યાર. હવે મને શ્રાવક બનવું છે.’
‘એટલે ? અંતરાએ પૂછ્યું
‘અરે.. તારો પરિચય આપ એમ.’ સોહમે કહ્યું.
થોડીવારની ચુપકીદી પછી અંતરા બોલી,
‘હું એક એવા મધ્યમવર્ગના પરિવાર માંથી આવું છું કે જેના ઓળખાણની સીમા તેના શેરીના નાકાથી પણ આગળ નથી. જેમ તારા ડેડ તારા માટે સર્વસ્વ છે બસ એ રીતે હું અને મારી મમ્મી બન્ને એકબીજાના પુરક અને અભિન્ન અંગ છીએ એમ કહું તો કંઈ ખોટું નથી. તું ભાગ્યનો એટલો બળીયો છે કે, અગિયાર વર્ષ સુધી વાત્યસ્લ્ય વ્હાલની છત્રછાયામાં રહ્યો. હું માત્ર પાંચ વર્ષની હતી, સરખું બોલતા કે ચાલતાં પણ નહતું આવડતું ત્યાં જ મને એ વાત્યસ્લ્ય પ્રેમથી જે કારણથી વંચિત કરી ધીધી કે જે કારણની મને આજ સુધી જાણ નથી કરાઈ. પાંચ વર્ષની બાળકી સોહમ ? સમજાણી થઇ ત્યાં સુધી કંઈ કેટટલી’યે અડધી રાત્રી એ એકલતાના રાક્ષસના અટ્ટહાસ્યથી ડરીને, ઝબકીને જાગી ગયા પછી, મમ્મી નામની ચીસ પાડીને રડી રડીને મેં કંઇક રાતો વિતાવી છે. પિતા શબ્દ મેં ફક્ત સાંભળ્યો છે. તું બીલીવ નહીં કરે મારી એકવીસ વર્ષની ઉંમરમાં મેં મારા પપ્પાના મોઢેથી એકવીસ વાર મારું નામ નહી સાંભળ્યું હોય. બસ.. હું અને મમ્મી એકબીજાને જોઈને જીવ્યાં કર્યા. બસ..’
આટલું બોલતાં સુધીમાં અંતરાની આંખે ઝળઝળિયાં આવી ગયા.
સોહમ પણ થોડીવાર ચુપ રહ્યો. ભીતરથી કાફી ભાવનાશીલ સોહમ મનોમન જાત સાથે સંવાદ સાંધતા બોલ્યો.
‘બસ, અપના હી ગમ દેખા હે, તુને કિતના કમ દેખા હૈ.’
સ્વસ્થ થઈને અંતરા બોલી,
‘સોહમ, તે જે ગુમાવ્યું હતું એ બધું જ વ્યાજ સહિત અહોભાગ્ય પાસેથી રીતસર આંચકીને, લાલટે લખાયેલાં લેખ પર મેખ મારી દીધી, અને વિધાતાએ તો મને બચપણથી જ કારણ વગર કિસ્મતમાં કંચનનું કાણાવાળું પાત્ર પકડાવીને મા-બાપના હુંફ અને પ્રેમની ભીખ માંગવા માટે ભટકતી કરી દીધી. આજે ક્યારેક મમ્મી મારાં માથાં પ્રેમથી તેનો હાથ ફેરવે છે તો એવું લાગે કે જાણે... સુક્કા ભટ્ઠ રણમાં કોઈ વાદલડી વરસી હોય.અને આજે તું મળ્યો તો.....’
ગળું ભરાઈ જતાં અંતરા ના બોલી શકી.
ચોવીસ કેરેટના પીળા સોના કરતાં પણ વધુ ચળકતી અને અકળાવતી અંતરાની પીડાથી વ્યથિત થતાં અંતરના હાથમાં પાણીનો ગ્લાસ આપતાં સોહમ બોલ્યો.
‘પ્લીઝ.. અંતરા કંટ્રોલ યોર સેલ્ફ. તારા પેરેન્ટ્સ વિષે જાણી શકું ?”
પાણી પીધા પછી પોતાની જાતને સંભાળતા અંતરા બોલી,
લલિત નાણાવટી અને મેઘના નાણાવટી. હું મારી મમ્મીની પરછાઈ છું એમ સમજી લે. પપ્પાનું નામ લલિત છે. બસ એટલી જ ખબર છે.’
‘શું કરે છે પપ્પા ? સોહમે પૂછ્યું
‘લગભગ નિવૃત છે એવું મમ્મી એ એક વાર કહ્યું હતું.’ અંતરા બોલી
‘સોર્સ ઓફ ઇન્કમ ? મમ્મી જોબ કરે છે ? સોહમે પૂછ્યું
‘મમ્મી તો ટીપીકલ હાઉસ વાઈફથી પણ બે વેંત ચડે તેમ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી મેરેજ પછી ઘરની ચાર દીવાલથી આગળ કંઈ જોવાનું સોભાગ્ય પ્રાપ્ત નથી થયું. અને ઇન્કમ વિષે એક વાર પૂછ્યું હતું તો, મમ્મીએ એમ કહીને વાત ઉડાડી દીધી કે, હજુ એ જાણવાની તારી ઉંમર નથી થઇ. તું બસ તારી લાઈફ એન્જોય કર.’
માહોલ ચેન્જ કરવાં માટે સોહમ બોલ્યો,
‘ચલ, અંતરા તને ક્લબ બતાવું.’
‘સોરી, સોહમ, નેક્સ્ટ ટાઈમ. હવે હું રજા લઈશ.’ અંતરા બોલી.
હાથ લંબાવતા સોહમ બોલ્યો.
‘સુહાના સફરની યાદગાર સંધ્યાના હમસફર બનવા માટે થેન્ક યુ સો મચ.’
‘થેન્ક્સ ટુ યુ. મને સહન કરવાં માટે.’ બોલતા હસતાં હસતાં અંતરા એક્ઝીટ ગેઇટ તરફ ચાલવાં લાગી. અને સોહમ કયાંય સુધી અંતરાને બસ જોતો જ રહ્યો.
સોહમ હજુ અંતરાની વાતોને વિચારોમાં વાગોળે એ પહેલાં સોહમની પીઠ પર કોઈએ ધુંબો મારતાં સોહમે પાછળ ફરીને જોયું તો.. તેમના ડેડ કે.કે. એક પરિચિત મિત્ર મિત્ર રમણીકલાલ હતાં
‘ઓહ્હ.. અંકલ આવો બેસો,’
સોહમની બાજુની ચેરમાં બેસતાં રમણીકલાલ બોલ્યા,
‘અલ્યા ઘણા દિવસે તને જોયો આજે, તે તો ફિલ્મના હીરોને ટક્કર મારે એવી જમાવટ કરી છે હો બાકી. કોલેજમાં કેટલીક ગોપીઓ રાખી છે અમારા કે. કે.ના કાનુડાએ ?
‘અરે.. અંકલ શું તમે પણ...’ સ્હેજ શરમાતાં સોહમ બોલ્યો.
‘આ છોકરી જે હમણાં ગઈ એ... મને ખ્યાલ છે ત્યાં સુધી પેલા લલિત નાણાવટીની દીકરી છે.’
‘હા. આપ ઓળખો છો તેમના ફાધર ને ? સોહમે પૂછ્યું.
‘હા, ખુબ સારી રીતે ...પણ એ લલિત ફક્કડનો માલ આટલો કડક છે એ નહતી ખબર,’
રમણીકલાલના છીછરી મનોવૃત્તિ છતી કરતાં હલકાં શબ્દપ્રયોગથી સોહમનો દિમાગ તિલમલી ઉઠ્યો, જેટ સ્પીડે કમાન છટકતા રમણીકલાલની વયમર્યાદાને ભૂલીને સોહમ ગુસ્સાને કાબૂમાં કરતાં બોલ્યો.
‘રમણીક લીમીટ માં રહેજે... નહીંતર.....
સોહમના અકલ્પનીય વર્તન અને શબ્દોથી ઉસ્કેરાઈને ઉભાં થતાં રમણીકલાલ બોલ્યા,
‘નહીંતર....?
સોહમ પણ ઉભાં થઇ ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.
‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, તારા ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ વાર નહીં સમજી લેજે હલકટ હસવખોર.’
-વધુ આવતાં અંકે.
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484