નસીબ નો વળાંક - 11 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 11

હવે તો ઘર નો મોભી એવો દેવાયત જ દુનિયા માંથી પોતાના પરિવાર ને તરછોડી ને સ્વર્ગે સિંધાયો...તો હવે આ ત્રણેય માં-દિકરીઓ નો આવડા વિશાળ જંગલમાં સહારો કોણ થાશે?? શું હવે બદલાશે આ ત્રણેય માં- દિકરીઓ નું પ્રારબ્ધ??


ચાલો જોઈએ હવે આગળ,


"એકલતા ની લડાઈ "



કોણે ધાર્યું હતું કે આમ સાંજે હસતાં ખેલતા પરિવાર ના નસીબ માં આવી સાવ અણધારી સવાર થવાની... આમ તો ઊગતો સૂરજ ઉલ્લાસ અને ઉત્સાહના કિરણો પ્રસરાવતો આવતો હોય છે પણ આ માલધારી પરિવાર નો ઊગતો સૂરજ દુઃખ નો દહાડો લઈને આવ્યો હતો... કહેવાય છે ને કે "વિધિ ના લેખ માં કોઈ મેખ ના મારી શકે".. આમ જ આ માલધારી પરિવાર ની દુઃખની સવાર વિધિએ જ લખેલી હતી તો કોઈ કેમ એને ટાળી શકે??


"છ મહિના પછી"

હવે તો રાજલે એકલા હાથે જ બધું સંભાળી લીધું હતું.. આમ હવે ધીમે ધીમે સુનંદા અને અનુરાધા પણ દેવાયતના ગયાં પછી ઘણું બધું કામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી એવું જ નહિ પરંતુ લગભગ બધાં જ કામો માં કુશળ અને પારંગત થઈ ગઈ હતી... હવે આ ત્રણેય નારીઓ આવા વિશાળ જંગલમાં એકલતા ની લડાઈ નીડરતા થી લડી રહ્યા હતા....!


હવે તો અનુરાધા એકલી જ ઘેટાં બકરાં ચરાવવા જતી રહે અને સુનંદા અને રાજલ ઘરકામ કરતી.... ક્યારેક વળી સુનંદા પણ અનું જોડે ઘેટાં બકરાં ચરાવવા જતી રહતી તો વળી ક્યારેક રાજલ અને અનુરાધા જોડે નદી કિનારે જઈને કપડાં પણ ધોઈ નાખતા અને ઘેટાં બકરાં ને પણ ત્યાં આસપાસ ચરવા લાવતા... આમ અનુરાધા ને તો બધા જ ઘેટાં બકરાં જોડે સાવ નજીક નો નાતો થઈ ગયો હતો... એમાં પણ જેમ આગળ કીધેલું એમ વેણુ નામનું એક ઘેટાં નું બચ્ચું અનુરાધા નું સૌથી પ્રિય અને લાડકું હતું.


વેણુ ને તો અનુરાધા એની જોડે જ રાખતી... સુવા ટાણે પણ વેણુ ને ભેગુ લઈને જ સુવડાવી દેતી...આ બાજુ સુનંદા પણ હવે રસોઈ અને ઘરના બધા જ કામો માં પારંગત થઈ ગઈ હતી... આમ બન્ને બહેનો ને આમ શાણી અને કુશળ સંચાલન વાળી જાણી રાજલ મનમાં ને મનમાં વિચારવા લાગતી,' કે નક્કી ભગવાને આ બન્ને ને ફરિસ્તા બનાવીને જ અહી મોકલી હશે!!! બાકી માલધારી ના ગયા પછી હું એકલી આ વિશાળ જંગલમાં શું કરત!??? આમ પોતાને ભાગ્યવાન સમજી રાજલ રાજી રહેતી..આમ હવે ધીમે ધીમે આ ત્રણેય માં- દિકરીઓ એકલી આ વિશાળ જંગલમાં એકલતા ની લડાઈ નીડરતા થી લડી રહી હતી..


રોજ સાંજે અનુરાધા ઘેટાં બકરાં ચરાવી ને આવે એટલે રસોઈ તૈયાર જ હોઈ એટલે એ વેણુ ને સાથે બેસાડી બન્ને મસ્તી કરતા કરતા વાળું કરી લેતા... આ જોઈ અનુરાધા ને ઘણી વખત સુનંદા મીઠી ટકોર કરતી કે, "હવે જટ ખાઈ લે તો વેળાસર સૂવાનો વારો આવે!! આખો દિવસ કામ કરીને થાકી ગયા હવે!! જમીને પછી તારે અને વેણુ ને જેટલી મસ્તી કરવી હોય એ બન્ને એકલા જાગજો અને કરજો!!"આમ સુનંદા ની આવી મીઠી ટકોર સાંભળી અનુરાધા એની સામું મજાકમાં જીભ કાઢતી અને પછી કહેતી,"હા હો ડાહી!! તું તારે જટ સૂઈ જજે!! અમે તો મોડા સૂવાના...!! નઈ વેણુ?? બરોબર કે વેણુ?? આમ વેણુ જાણે એની વાતોમાં હામી ભરતો હોય એમ મોઢું હલાવવા લાગતો..


વેણુ તો એટલી હદે અનુરાધા નો એવાયો થઈ ગયો હતો કે એકવાર અનુરાધા ની તબિયત સારી ન હતી તો એની જગ્યાએ સુનંદા ઘેટાં બકરાં ચરાવવા ગઈ તો વેણુ પણ અનુરાધા જોડે ઘરે જ રહ્યો.. અને આખો દિવસ એના ખાટલા ની બાજુમાં જ મંડરાયા કર્યો. આમ અનુરાધા થી જરીક વાર પણ વેણુ વિખોટું ના પડતું.

એક દિવસ ની વાત છે.. રાજલ ની તબિયત થોડી લથડવા ના કારણે અનુરાધા એકલી કપડાં ધોવા નદીકાંઠે ઘેટાં બકરાં ને લઈને ગઈ અને ત્યાં જઈને પોતે કપડાં ધોવા લાગી અને ઘેટાં બકરાં ને એની આસપાસ ચરતા મૂક્યાં.. કપડાં ધોવાની સાથે એ થોડીવારે ઘેટાં બકરાં તરફ પણ નજર કરી લેતી.. હરહંમેશ ની માફક વેણુ આજે પણ અનુરાધા ની બાજુમાં જ રમતું હતું.. વેણુ વારે વારે અનુરાધાને મસ્તી મજાક માં પાણી પણ ઉડાડી લેતું.. આમ મસ્તી મજાક કરતાં કરતાં અનુરાધા એ ક્યારે કપડાં ધોઈ નાખ્યા એની ખબર જ ન પડી.. હવે અનુરાધા કપડાં ધોઈને એને સૂકવવા માટે સુકાઈ ગયેલ ઝાડવાં તરફ જતી હતી ત્યાં જ અચાનક એક ચીસ પડવાનો અવાજ આવ્યો... આવી અચાનક પડેલી દર્દનાક ચીસ સાંભળી અનુરાધા થોડીવાર તો સાવ ડરી ગઈ... પણ આમ સ્વભાવે પોતે ચતુર અને સાહસી હતી એટલે એણે ધીમે ધીમે પાછળ ફરીને જોયું તો એની આંખો એકદમ ખુલી જ રહી ગઈ.. અને એના પગ નીચથી જાણે કે ધરા સરકી ગઈ હોય એમ સાવ સ્તબ્ધ થઈ ગઈ હતી.. અને જાણે કે સામેનું દૃશ્ય એણે પેહલી વાર જોયું હોય.. અને વળી કંઇક અણધારી આફત આવી ગઈ હોય એમ એ એકદમ ચકિત થઈ ગઈ.. અને એના હાથમાંથી કપડાંનું પોટલું પણ નીચે પડી ગયું...


દૃશ્ય જાણે એમ હતું કે વેણુ બેભાન હાલતમાં જમીન ઉપર પડ્યું હતું અને એના આગળના પગ માંથી લોહીની ધાર વહી રહી હતી.. હવે અનુરાધા તો વેણુ ને લઈને પહેલે થી ખૂબ જ સંવેદનશીલ હતી.. આથી વેણુ ની આવી કપરી સ્થિતિ અને બેફામ પીડા જોઈ એના આખા શરીરમાં ધ્રુજારી થવા લાગી હતી.. એના શ્વાસ થોડીવાર તો બંધ જ થઈ ગયા હોય એમ એક જ ઊંડા શ્વાસ સાથે સ્તબ્ધ થઈ ને ઉભી હતી... ત્યારબાદ થોડા સ્નેહના સ્પંદનો અનુરાધા ના શરીર માં ફેલાયા અને એ અચાનક ઝબકી ગઈ....અને ત્યારબાદ એણે તરત જ ચીસ નાખી, વેણુ... વેણુ...!! પછી અશ્વવેગે દોડી ને ઘાયલ વેણુની નજીક આવી બેસી ગઈ..અને વેણુ ને પોતાના ખોળામાં લઇ સહજતાથી પંપાળવા લાગી અને પોતાની આંખોમાંથી વહેતી કરુણ લાગણીઓને વેણુ ઉપર વરસાવી એને હેતથી ભીંજવવા લાગી .. લોહી ખૂબ જ વધુ વહેવા લાગ્યું હતું આથી હવે અનુરાધા ખૂબ જ ગભરાઈ ગઈ અને પોતે પણ અચંબામાં પડી ગઈ હતી.. અનુરાધા એકીસાથે આવેલી આ અણધારી આફત સહન ન કરી શકી અને બેભાન થઈ ત્યાં જ નીચે જમીનમાં ઢળી પડી...


હવે બેભાન હાલતમાં પડેલા આ બન્ને ગાઢ મિત્રો અનુરાધા અને વેણુ ની વારે કોઈ આવશે?? શું આમ જ બન્ને બેભાન સ્થિતિમાં પડ્યાં રહેશે?? વેણું ને પગમાંથી લોહી કેમ નીકળી રહ્યું હતું??? શું આ અણધારી આફત લાવશે અનુરાધા ના જીવન માં કંઇક અણધાર્યું નસીબ??


જાણો આવતાં... ભાગ માં..