આપણા સુખી જીવન માટે કેટલાંય લોકોનો મહત્વનો ભાગ રહ્યો છે અને તેમ છતાં તેમના કામને અનાયાસે અવગણી દેવાય છે.જરા વિચારો આપણો જે પહેરવેશ છે એ પોષાક બનાવવા માટે કેટલાંય વણિકો એ કે રંગાટે મહેનત કરી હશે અને તેને શણગારવામાં કેટલાંય લોકો એ મહેનત કરી હશે અને એને દુકાન સુધી પહોંચાડવા માટે ઘણા સંસાધનો વપરાયા હશે ત્યારે તે આપણા સુધી પહોંચ્યા છે.
આપણે જે આલિશાન ઘરમાં રહીએ છીએ તેના બાંધકામ માટે મજૂરો એ કાળીમજૂરી કરી છે ત્યારે આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. જે આપણા માટે સુવ્યવસ્થિત મકાનો બનાવેે છે પણ તેમના માટે જ રહેવાલાયક ઘર નથી હોતું.આપણે જે ઘડીયાળ પહેેેરીએ છીએ તેને બનાવવા માટે પણ ઘણા બધા મજૂરો એ મહેનત કરી હશે ત્યારે એ આપણા હાથમાં આવી હશે.
આપણને રોજ મળતું ભોજન તે થાળીમાં પીરસાય એમાં પણ મહત્વનો ફાળો એક ખેડૂતનો છે.એ રાત દિવસ ખેતરમાં કામ કરે છે ત્યારે આપણને આ અન્ન પ્રાપ્ત થાય છે અને જે આટલી મહેનત કરે છે તેમ છતાં તે બે ટંકના ભોજનથી વંચિત રહી જાય છે અને આપણે અહીં ઘણી વખત જમવામાં નુખ્સ કાઢીએ છીએ.
આપણે બધા એક એવી રેસમાં ઉતર્યા છીએ જે ક્યારે પૂરી થશે તેની આપણને જ ખબર નથી અને એ રેસ છે 'સુખને શોધવાની'.આપણે સુખને શું કામ શોધીએ છીએ તે સવાલ કાયમ નિરૂત્તર રહેશે અને જો કદાચ આનો જવાબ મળી પણ જાય તો આપણને ખબર નથી કે ત્યારે આપણે હયાત હશું કે કેેમ?
આપણે સહુ એટલાં બધાં ભૌતિકતાવાદી બની ગયા છીએ કે આપણે એવું માની લીધું છે કે સુખ તો ભૌતિકતા માં જ છે.આપણને એ પણ નથી જાણ કે આપણા માટે કફન આવશે કે સીધી ઈલેક્ટ્રીક ચાંપ દબાવાશે તો પણ આપણે અંધાધૂંધ બની શું કામ સુખને શોધીએ છીએ?
સુખની પરિભાષા ભૌતિકતા માં નથી સમાઈ.આ સમયમાં સુખની પરિભાષા એટલી જ છે કે:
-કોઈના પ્રેમને પામવો
-ગમતી વ્યક્તિ સાથે અગાશી પર બેસીને વાતો કરવી
-કોઈ એવા વ્યક્તિનું આપણી સાથે હોવું જે કાયમ આપણી પરવા કરે.
આ કોરોના ની મહામારીમાં સુખ એટલું જ હોય શકે કે આપણે ૧૦૦% સ્વસ્થ છીએ અને આપણું કોઈ સ્વજન જો આ બીમારીનું ભોગ ન બન્યું હોય તો એ સુખ છે અને જો કોઈ આ બીમારી સામેની જંગ જીતીને કોઈ હોસ્પિટલથી ઘરે આવ્યું હોય તો તે સુખ જ છે.
સ્વસ્થતા જ સુખ છે!
સુખની પરિભાષા એ હોતી જ નથી જે આપણે માનીએ છીએ.આપણે વૈભવી જીવનને જ સુખ માની લઈએ છીએ અને આપણે આખી જિંદગી ખર્ચી નાંખીએ છીએ વૈભવી જીવન બનાવવા માટે અને અંતે પરિણામ એ આવે છે કે કોઈના પ્રયાસ સફળ નિવડે છે અને જે હોય એમાં જ આખરે સંતોષ માની લઈએ છીએ.પણ, આપણને સુખી હોવાની અનુભૂતિ ક્યારેય થતી જ નથી.ખુશીની જેમ સુખ વ્યક્તિલક્ષી છે.જો આપણે ધારીએ તો દરેક ક્ષણ સુખ અનુભવી શકીએ છીએ.
•કોઈ ગરીબ બે ટંક ભોજન માટે કાળી મજૂરી કરે છે તેમ છતાં ક્યારેક તે એક ટંકના ભોજનથી વંચિત રહી જાય છે અને આપણે મહેનત કરીને જમવાનું મેળવી લઈએ છીએ ત્યારે આપણે સુખ અનુભવવું જોઈએ.
•કોઈ હોસ્પિટલમાં લાખોના બીલ ભરીને પણ સાજા-નરવા નથી થઈ શકતા જ્યારે આપણે રોજ સવારે તાજગીસભર ઉઠીએ છીએ ત્યારે આપણને સુખી હોવાની અનુભૂતિ થાય છે.
•ગરીબ ઝૂંપડામાથી મકાન બનાવવા માટે સખત મહેનત કરે છે અને આપણી પાસે આલિશાન ઘર છે ત્યારે આપણે સુખી છીએ.
•જો આપણી પાસે પૂરતો રોજગાર છે તો આપણે ખરેખર સુખી છીએ.
•આપણી કોઈ પણ જરૂરિયાત આસાનીથી પરિપૂર્ણ થાય છે ત્યારે સુખી છીએ.જ્યારે કોઈને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા પણ રાત દિવસ એક કરે છે.
અને આવી કેટલીય બાબત છે જ્યારે સુખી હોવાની અનુભૂતિ કરી શકીએ છીએ!