કૂબો સ્નેહનો - 52 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 52

છેલ્લા કેટલાક સમયથી હું સમયસર પ્રકરણ નથી મૂકી શકતી એ બદલ આજે હું શરૂઆત કરતાં પહેલાં માફી માગવાં માગું છું.. કોરોનાને કારણે મારી અને ઘરમાં કોઈ ને કોઈની તબિયત નરમગરમ રહ્યાં કરતી હોવાથી નિયમિત લખી શકતી નથી..

આપ સૌની દિલથી ક્ષમા યાચના 🙏


🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 52


અમ્માનો વલોપાત જોઈને ઈશ્વરની આંખોમાંય આંસુ તો ચોક્કસ આવ્યા હશે.!! મૌન બની ક્યાં સુધી નિહાળ્યા કરશે?! સઘડી સંઘર્ષની.....


❣️કૂબો સ્નેહનો❣️


પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..

સંસ્કારોની સુગંધીત લૂમ બાંધી ફરતો..

સોનેરી સપને મઢીતી કેટલી બધી યાદો..

બેનડી જોઈને મલકાય આંખમાં પાંખમાં..

પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..

ફળિયાના ફૂલ પાન ફરફર ખરે..

બિલિની ડાળ કોને કરે આપ-લે

સુખ દુઃખની વાતો..?

પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..

સઘન સપના ઈશ્વર કરે સાકાર..

ઉઘલાવી દે જલ્દી મૌન આંખોને..

વાટ જુએ તારી કુમકુમ ડબલી..

પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..

-આરતીસોની©રુહાના


દેશમાં દિવાળી પર્વની ખુશીઓ વહેંચાઈ રહી હતી અને અમ્માનો રુંવે રુંવ કાન્હાને ફરિયાદો કરી રહ્યાં હતાં.

'અજંપ મન કેમનું શાંત રાખું કાન્હા?ડહોળાયેલા મનમાં સ્પષ્ટ પ્રતિબિંબ નથી જડતું વ્હાલા..' અને થોડીકવાર પછી સ્વસ્થતા કેળવી વળી પાછાં બોલવા લાગ્યાં હતાં.


"જો વિરુ હું પણ ના હસી લે..., તું યે હારી ગયો.."

અમ્મા એના કપાળ પર હાથ ફેરવી યમનાષ્ટકના બોલીને પંપાળતા રહ્યાં. એ દિવસ તો આમ જ નીકળી ગયો હતો. નાસીપાસ થાય એમાંના અમ્મા થોડા હતાં. વળી પાછાં એક દિવસ ફરી નવી રમત શરૂ કરી.


"વિરુ… ચાલ એક બીજી રમત રમીએ, પહેલાં આપણે રમતાં'તા એવી જ એક બીજી રમત.. જો તારે પણ એ રમતમાં ભાગ લેવો પડશે, નહીંતર અમ્મા તારાથી રિસાઈ જશે. તારી સાથે મારા અબોલા રહેશે, પછી તું કહેતો નહીં કે, 'અમ્મા બોલોને.. ફરી આવું નહીં થાય...'


રાત્રે સૂતા સૂતા રમતાં હતાં ને આપણે એ જ?આંખો બંધ કરી એકબીજાની હથેળી પર કંઈક લખવાનું અને શું લખ્યું છે ઓળખી બતાવવાનું.. ચલ હું આંખો બંધ કરું તું લખ, હું કહી બતાવીશ તેં શું લખ્યું છે."


પછી સ્હેજ વાર રહીને કહે,

"ના ના ચલ હું જ લખું છું, તું કહી બતાવજે શું લખ્યું છે મેં.."


ડુંગરની છાતી વીંધીને ધસમસતા પ્રવાહના જોરે જેમ ઝરણું ધોધ બનીને વહે એમ અમ્માની આંખોએથી ધોધ વહેવા લાગ્યો અને અમ્મા વિરાજની હથેળી પર લખવા લાગ્યાં. બે વાર લખ્યું ત્રણ વાર લખ્યું, ને ત્યાં જ અચાનક એની એક આંગળી સળવળી, અમ્મા હરખઘેલા થઈ બોલી ઉઠ્યાં,


"બોલ.. જલ્દી બોલ..!!! નહીંતર તું હારી જઈશ ને હું જીતી જઈશ.!!!


"સારું ચલ ફરીથી લખું છું આ દાવ તું જીતી જજે હો." એમ કહી અમ્મા ફરી બીજા શબ્દો લખવા લાગ્યાં. અમ્માની વાત જાણે એનાં હૃદય સુધી પહોંચતી હોય એમ એની પાંપણ જરા ફરકી અને હાથની આંગળીઓ હલી.


અને આ વખતે આંગળી હલવા સાથે હવે મોં પણ મલક્યું, અમ્મા સતત લખે જ ગયાં. સતત લખે જ ગયાં.. અને ત્યાં જ એના મોંઢેથી "ઉહ્.." શબ્દ સર્યો અને આંખો પરની પાંપણ સ્હેજ ફફડી. એજ વખતે દીક્ષા રૂમમાં દાખલ થઈ. વિરાજનો અવાજ સાંભળીને એ તો બેબાકળી બની ગઈ હતી.

"હા વિરુ.. બોલો.. બોલોને..!! આ દિવસની તો હું કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી."


અમ્મા ઉછળી ઉઠ્યાં. "વિરુ બોલ્યો.. દિક્ષા વહુ.. દિક્ષા વહુ.. વિરુ બોલ્યો !!'


અમ્મા, હજુ પણ વિરાજના હાથ પર લખી લખીને એનામાં ચેતનતા લાવવા મથી રહ્યાં, એમની બેઉંની આંખોમાં સ્નેહનો સેતું જોડાઈ ચૂક્યો હતો. દુનિયાની કોઈ તાકાત હવે એને તોડી શકે નહીં એટલો એ મજબૂત હતો.


ત્યાં એ સમયે વિરાજના આંસુ પણ ઝરણું બની વહી નીકળ્યાં, સ્નેહના આંસુ ક્યાં કદીયે કોઈનાથીયે છુપાયે છુપાઈ શકવાનાં હતાં?! એના બંધ કમાડે પાંપણ તળે પુરાયેલા આંસુ ખુદ રડી પડ્યા હતાં. અમ્મા વિરાજના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યાં. અમ્માની આંખોથી અશ્રુ ધારા વહી પડ્યાં હતાં, પણ આ વખતે સગડી પર શેકાયેલા સંઘર્ષ વાળા આંસુ નહીં પણ ખુશીનાં આંસુ હતાં.


વિરાજે ધીરે ધીરે પાંપણ ફફડાવી આંખો ખોલવા પ્રયત્ન કર્યો અને એના મોંઢે પહેલો અક્ષર નીકળ્યો હતો.. "અમ્મા"

એ અવાજ સાંભળીને અમ્માના રોમરોમ પુલકિત થઈ ઉઠ્યાં હતાં.


વિરાજના મગજમાં ચેતનાનો સંચાર થતો ગયો એમ, શરીરની જડ થઈ ગયેલી કોષિકાઓમાં એને પીડા અનુભવાઈ રહી હતી. આટલાં સમયથી નિશ્ચેતન થઈ ગયેલા શરીરમાં મગજની ચેતનતા આવી તો ખરી પણ હાથ પગમાં અને આખાય શરીરમાં જડતા આવી ગઈ હતી. એ હાથ ઊંચો કરવા મથી રહ્યો છતાંય વારંવાર પડી જતો હતો. શરીરમાં શ્વાસોચ્છ્વાસ વધી રહ્યાં હતાં, વિરાજને અસહ્ય પીડા થઈ રહી હતી. અમ્માને જોઈને વિરાજની આંખો વાટે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.


અમ્મા ઈચ્છતા હતાં, 'અમારા વચ્ચે કોઈ ન આવવું જોઈએ. આદરેલો આ મહા યજ્ઞ અધુરો ન રહેવો જોઈએ.' એટલે તો વિરાજ ઉઠવા માટે સક્ષમ થયો હતો. વિરાજના બોલ્યાં પછી એમણે બધા ડૉક્ટરોને ભેગા કરી દીધાં હતાં. "સિસ્ટર.. સિસ્ટર.."


વિરાજે આંખો ખોલી એ વેળા કુદરતની આંખો પણ ચોક્કસ ભીની થઈ ગઈ હશે !! ડૉક્ટર પાસે પણ થયેલા આ ચમત્કાર વિશે કંઈ કહેવા માટે કોઈ શબ્દો નહોતા, સિવાય કે... "ધીસ ઇઝ અનબિલીવેબલ."


એક માત્ર દિક્ષા જાણતી હતી કે આ એક ચમત્કાર કે એક્સીડન્ટ નહોતો પણ એક માના હ્રદયના ઊંડાણમાંથી નીકળેલા આશીર્વાદ હતાં અને એ સમજવા ફક્ત એક માનું હ્રદય કાફી હોય છે. એ ગમેતેવા ચર્મચક્ષુથીય નજરે પડે એવું નથી.


ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી. ભાવોની ભરતી આવન જાવન થતી રહી. આજે કાન્હાના આશિર્વાદ સાર્થક થયાં હતાં અને વિરાજ દિકરો મોતના મોંમાંથી પાછો વળ્યો હતો. અત્યંત સંવેદનશીલ પળો હતી. અમ્મા વારંવાર કાન્હાને ધન્યવાદ કરતાં રહ્યાં હતાં.


અમ્મા જાણતા હતાં પરિવર્તન સંસારનો નિયમ છે. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે.. 'પરિવર્તન સિવાય કશું જ સ્થિર નથી.' અનેક ચોમાસા વિતાવ્યા પછી દરેક વ્યકિતના જીવનમાં પણ પરીવર્તન આવે છે. ચોમાસા પછી શિયાળો આવે જ છે !! વિરાજે દિક્ષાનો હાથ પકડ્યો. કંઈક કહેવા હોઠ ફફડ્યા અને આંખોથી જલધારા વહી નીકળી. આંખો સમક્ષ ફિલ્મની પટ્ટી માફક નતાશા ફરવા લાગી હતી. 'નતાશા સાથે એના ઘરમાં રહેવું, દિક્ષા સાથે પોતાનું નફ્ફટાઈ ભર્યુ વર્તન, બર્થ-ડે પાર્ટીનું એરેન્જમેન્ટ, કેક લેવા જવું, એક્સીડન્ટ થવો.' પોતાના મન મસ્તિષ્કમાં તણાવ ઉત્પન્ન થતા વિરાજ માથામાં હાથ દબાવી, વાળ ખેંચી ચીસ પાડી ઊઠ્યો હતો.


"વિરુ તમે મગજને અત્યારે કોઈ જ કષ્ટ ન આપો. જે થઈ ગયું એ થઈ ગયું." દિક્ષાએ વિરાજના કપાળ પર ફેરવતા કહ્યું.


"અજંપ મન અત્યારે શાંત રાખ વિરુ દીકરા.. રાહત એમ જ મળી જશે. નતાશા નામની બલા તારા જાગવાના સમાચાર સાંભળી દોડી આવશે એ પાક્કુ છે.. પણ એ કંઈજ કરી શકશે નહીં, જો તું મક્કમ હોઈશ!!"


વિરાજ પોતાના કરેલા કૃત્ય બદલ મનોમન પોતાની જાતને કોશી રહ્યો હતો. ક્યારેય આકાશને તાકીને અંધારી રાત્રે તારાઓ સાથે આંખ મિલાવી છે? આપણે દુ:ખી હોઇશું તો આકાશ પણ દુઃખી લાગશે. આપણે સુખી હોઇશું તો આકાશ પણ સુખી લાગશે જ. એની સાથે પોતાની જાતને સાંકળીને અનુભવીશું તો જગત પણ જીવવા જેવું આનંદિત લાગશે. જીવવી ગમે એવી ક્ષણોનો એ સરવાળો છે.


અમ્મા જાણતા હતાં. 'પ્રેમથી માણવાનો અવસર પ્રાપ્ત થયો છે.. ઓખણ પોખણની ક્ષણો પ્રાપ્ત થઈ છે.' અમ્માનું મન મોગરા માફક મલકાઈ રહ્યું હતું. કેમકે વિરાજનો આ નવો અવતાર હતો.©


ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 53 માં વિરાજનું મનન.. નતાશાનું હક્ક પ્રસ્થાપિત કરવા દોડી આવવું..


-આરતીસોની©