શ્રાપિત ખજાનો - 14 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 14

ચેપ્ટર - 14

બસ માંથી ઉતરીને વિક્રમે પોતાનો બેગ નીચે મુક્યો અને એક જોરદાર અંગડાઇ લીધી. પાંચ કલાકની લાંબી સફર બાદ એ અને રેશ્મા બંને બિકાનેરથી જયપુર આવ્યા હતા. આજે સવારે જ ગજનેરના ગેસ્ટહાઉસમાં એક અજાણી વ્યક્તિએ જે પોતાને વિક્રમ અને રેશ્માનો શુભ ચિંતક જણાવી રહ્યો હતો એણે એમને જયપુર આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને વિક્રમ અને રેશ્મા બંને એ સહ સહમતિથી અહીં આવવાનો નિર્ણય કર્યો હતો.

બસ માંથી ઉતરીને વિક્રમે પોતાના ખાલી ચડેલા પગ ખેંચવા માંડ્યા. પાંચ કલાક બેઠા બેઠા સફર કરીને એના શરીરનું અંગેઅંગ અકડાઇ ગયું હતું. અને તે અકડન દુર કરી રહ્યો હતો. એટલામાં રેશ્મા બસ માંથી ઉતરીને એની પાસે આવી અને એને આમ પગને ઝટકા મારતા જોઇને એ મુસ્કુરાઇ.

રેશ્માને પોતાની પાસે ઉભેલી જોઇને વિક્રમે કહ્યું, "આ માણસ જો આપણો શુભ ચિંતક હોત તો સ્લીપર બસની ટિકિટ નહોતો મોકલી શકતો? પાંચ કલાક બેસીને મારું શરીર અકડાઇ ગયું."

"હા.. એ મળશે એટલે હું તારી આ ફરિયાદ એના સુધી જરૂર પહોંચાડીશ હો ને..." રેશ્માએ કહ્યું. "હવે આગળ ક્યાં જવાનું છે.?"

"કંઇ ખબર નથી. એ કાગળમાં કંઇ જ લખ્યું ન હતું કે જયપુરમાં કઇ જગ્યાએ જવાનું છે.."

"તો હવે?" રેશ્માએ પુછ્યું. એ અને વિક્રમ આજુબાજુ નજર કરીને કોકને શોધી રહ્યા હતા. કોને શોધી રહ્યા હતા એ તો એમને પણ ખબર ન હતી. પણ છતાં આજુબાજુ નજર મારીને કોઇ સંદિગ્ધ વ્યક્તિને શોધી રહ્યા હતા.

"મિ. વિક્રમ, મિસ. રેશ્મા..?" એક અજાણી વ્યક્તિનો અવાજ એ બંનેના કાને પડ્યો. રાજસ્થાનની આ રાજધાનીમાં એ બંનેનું નામ સાંભળીને એ બંનેએ આશ્ચર્યચકિત થઇને પાછળ ફરીને જોયું. ત્યાં એક કાળા ગોગલ્સ પહેરેલો વ્યક્તિ એમની સામે મોઢા પર સ્મિત લઇને ઉભો હતો. વિક્રમ અને રેશ્માએ પહેલા એ માણસ પર નજર કરી. વિક્રમે ઉપરથી લઈને નીચે સુધી એ માણસનું નિરીક્ષણ કર્યું. એણે સંપૂર્ણ પણે કાળા રંગનું સૂટ પહેર્યું હતું. બૂટ પણ કાળા જ પહેર્યા હતા. વિક્રમે રેશ્મા તરફ એક નજર કરી.

"સર, મેડમ, અમારા સરે મને આપને એમની પાસે લઇ જવા મોકલ્યો છે. મારી સાથે આવો પ્લીઝ.." કહીને એ વ્યક્તિએ ખુબ જ શિસ્તબદ્ધ રીતે એનો જમણો હાથ એમની સામેની દિશામાં લંબાવ્યો. વિક્રમ અને રેશ્મા બંનેએ એકબીજા સામે જોયું. આ વ્યક્તિ ગુજરાતી ભાષા બોલી રહ્યો હતો એનું બેયને આશ્ચર્ય થયું. વિક્રમે પુછ્યું, "કોણ છે તું? અને કોણ તારા સર? અમને ક્યાં લઇ જવાની વાત કરી રહ્યો છે તું?"

જવાબમાં એણે કહ્યું, "સર, આપના બધા જ પ્રશ્નોના જવાબ આપને એમના દ્વારા જ આપવામાં આવશે. મને ખાલી આપ બંનેને એમના સુધી લઇ જવા માટે મોકલવામાં આવ્યો છે. સો પ્લીઝ.." કહીને એણે ફરીથી શિસ્તબદ્ધ રીતે હાથ લંબાવ્યો. રેશ્માએ ઇશારો કરીને વિક્રમને પુછ્યું કે શું કરવું છે? જવાબમાં વિક્રમે ઇશારા માં જ સંમતિ દર્શાવી. અને એ સૂટેડ વ્યક્તિને કહ્યું, "ઓ.કે. ચાલ. લઇ જા અમને એની પાસે."

એ માણસ ચાલવા લાગ્યો અને એની પાછળ પાછળ વિક્રમ અને રેશ્મા પણ ચાલવા લાગ્યા. બસ સ્ટેશન પાસે મેઇન રોડ પર એક કાળા રંગની SUV ઉભી હતી એની પાસે જઇને એ વ્યક્તિ થોભ્યો. પછી પાછળ ફરીને એણે કહ્યું, "મેડમ, સર, પ્લીઝ અંદર બેસી જાઓ." કહીને એણે કારની પાછળની સીટનો દરવાજો ખોલી આપ્યો. વિક્રમ અને રેશ્મા બંને વારાફરતી બેસી ગયા. પેલાએ દરવાજો બંધ કરી દીધો. અને પોતે ડ્રાઇવિંગ સીટ સીટ પર ગોઠવાઇ ગયો. અને ગાડી જયપુર શહેરમાં અંદર હંકારી મુકી. વિક્રમ ખુબ જ અધીરો બની રહ્યો હતો એ માણસને મળવા માટે. હાલ પૂરતું વિક્રમ કારની બારી માંથી જયપુર શહેરની સુંદરતાને નિહાળવા લાગ્યો.

જયપુર. રાજસ્થાનના પાટનગર એવા આ શહેરનો એક અદ્ભુત ઇતિહાસ રહ્યો છે. 1727 માં રાજપૂત રાજા જયસિંહ બીજા દ્વારા સ્થાપવામાં આવેલા આ શહેરમાં ઘણી જોવા લાયક જગ્યાઓ છે. ખાસ કરીને અહીંના ઘરોની દિવાલોનો ગુલાબી રંગને લીધે આ શહેર પિંક સીટી તરીકે આખા વિશ્વમાં પ્રતિષ્ઠા પામ્યું છે. સાથે સાથે અહીં આવેલા હવા મહેલ, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, જલ મહેલ વગેરે જોવાની વિક્રમને ખુબ જ મજા આવતી. એમાં પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ માં સ્થાન પામેલા જંતર મંતર અને આમેરનો કિલ્લો તો એ ઘણીવાર જોઇ આવ્યો હતો. એક આર્કિયોલોજીસ્ટને બીજું શું જોઈએ! આવી પુરાતન જગ્યાઓ તો એને માટે લોટરી સમાન હોય છે.

રેશ્માનો હાથ એના ખભા પર છે એ ધ્યાનમાં આવતા વિક્રમે પોતાના વિચારો માંથી બહાર આવીને રેશ્મા તરફ જોયું. રેશ્માએ ધીમેક થી પેલો ડ્રાઇવિંગ કરી રહેલો માણસ ન સાંભળે એ રીતે કહ્યું, "શું લાગે છે કે આ આપણને ક્યાં લઇ જઇ રહ્યો છે?"

"મને કોઇ જ આઇડિયા નથી. પણ કોઇ ખતરો જણાય તો તને ખબર છે ને શું કરવાનું છે?" વિક્રમે પુછ્યું.

"હાં એ તો ખબર જ છે." રેશ્માએ કહ્યું. એ બંને જ્યારે ગજનેરથી નીકળ્યા ત્યારે જ એમણે પોતાની ગન લોડ કરીને પોતાની પાસે છુપાવી રાખી હતી. વિક્રમે એના પેન્ટના પાછળના ભાગમાં રાખી હતી. રેશ્માએ પણ આજે જીન્સનું પેન્ટ અને સ્કાય બ્લ્યુ ટીશર્ટ પહેર્યું હતું. એણે પણ પોતાના કમરના ભાગે ગન ખોસી રાખી હતી. જરૂર પડ્યે આત્મરક્ષા માટે એ ગનનો ઉપયોગ કરવાનો હતો. પણ અત્યારે એની જરૂર લાગતી ન હતી. વિક્રમે કાર ચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, "એલા તું ગુજરાતી છે?"

"જી સર.." પેલાએ જવાબ આપ્યો.

"શું નામ છે તારૂ?"

"સર દર્શ..."

" તો ભાઇ દર્શ," વિક્રમે એના ખભા પર હાથ રાખીને એક મિત્રની જેમ એને પુછ્યું, "જરા જણાવીશ કે તું અમને ક્યાં લઇ જઇ રહ્યો છે?"

"સોરી સર. પણ મને કડક સુચનાઓ અપાઇ છે કે હું તમને કંઇ જ ન જણાવી શકું. મારૂ કામ માત્ર તમને સર સુધી પહોંચાડવાનું છે. પછી તમારા બધા જ પ્રશ્નોના જવાબ સર તમને આપી દેશે." દર્શે ભાવવિહીન ચહેરે જવાબ આપ્યો.

"ઓ.કે. દોસ્ત. કંઇ વાંધો નહીં." વિક્રમે દર્શની પીઠ થાબડી. એને ખબર હતી કે આ દર્શ જેવા લોકો માત્ર મોહરા હોય છે. આને તો એના બોસની અસલિયત અથવા અસલી નામ પણ કદાચ નહીં ખબર હોય. બસ એ માત્ર એક વફાદાર નોકરની જેમ એના બોસના પડ્યા બોલ ઝીલતો હશે.

લગભગ વીસ મિનિટ પછી દર્શે ગાડી રોકી. વિક્રમ અને રેશ્મા સતર્ક થયા. દર્શે ગાડીમાંથી બહાર આવીને વિક્રમ અને રેશ્મા માટે દરવાજો ખોલ્યો. બંને ઉતરીને એમની આંખો સામેનો નજારો જોવા લાગ્યા.

એમની સામે એક ખૂબ ઊંચી અને આલિશાન બિલ્ડિંગ ઉભી હતી. એ અગિયાર માળની બિલ્ડિંગ હતી. આગળ એક ગેટ હતો જેના મથાળા પર એક નામ લખ્યું હતું, 'હોટલ રાજ પેલેસ." મતલબ દર્શ એ બંનેને હોટલે લઇ આવ્યો હતો. હજુ વિક્રમ અને રેશ્મા ત્યાં ઉભા જ હતા એટલામાં દર્શે ગાડી પાર્ક કરી દીધી અને એમની સાથે એ ગેટની અંદર આવી ગયો.

હોટલ જેટલી ભવ્ય બહારથી દેખાતી હતી એટલી જ ભવ્ય અંદર પણ હતી. હોટેલની બિલ્ડિંગનો કાચનો દરવાજા પાસે ઉભેલા ગાર્ડે એમના માટે દરવાજો ખોલ્યો. રિસેપ્શન પાસે જઇને દર્શે એની પાસેથી ચાવી લીધી. અને પછી વિક્રમ અને રેશ્મા પાસે આવીને એ બંનેને એની પાછળ આવવા જણાવ્યું. વિક્રમ અને રેશ્મા હોટલની સુંદરતા જોતા જોતા એની પાછળ ચાલવા લાગ્યા. હોટલ એનું નામ 'રાજ પેલેસ' ને સાર્થક કરતી હતી. ઉપર જનારી ભવ્ય સીડીઓ ચડીને એ બીજા માળે આવ્યા. અહીં એ એક કોરીડોરમાં ચાલી રહ્યા હતા. બંને બાજુ હારબંધ દરવાજાઓ હતા. વિક્રમની એ શુભ ચિંતકને મળવાની તાલાવેલી વધી રહી હતી.

એટલામાં એક રૂમસર્વિસ વાળાએ આવીને એ બંનેને કહ્યું, "સર, મેડમ, આપના બંનેનો સામાન મને આપી દો. હું આપના રૂમમાં રાખી આવું છું."

વિક્રમ અને રેશ્માને આશ્ચર્ય થયું. રેશ્માએ પુછ્યું, "અમારા રૂમ મતલબ?" એણે દર્શ સામે જોયું.

"મેડમ અમારા બોસે આપ બંને માટે રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આપ બંને લાંબી સફર કરીને આવ્યા છો. એટલે અમારા બોસ ઇચ્છે છે કે પહેલા તમે તમારા રૂમમાં જઈને ફ્રેશ થઇ જાઓ. થોડું જમવું હોય તો જમી લ્યો. સફરનો થાક ઉતરી જાય પછી એ આપને મળવા માટે બોલાવશે."

વિક્રમ હવે અકળાયો. એને આ ઓર્ડર વાળી રમત ગમતી ન હતી. એણે ગુસ્સામાં આવીને દર્શને કહ્યું, "અમે શું એના નોકર છીએ..? એ જેમ કહેશે એમ અમે કરીશું? અત્યારે જ બોલાવ તારા બોસને. અમે સામેથી નહોતા આવ્યા. એણે અમને મળવા બોલાવ્યા હતા. જો એ અત્યારે જ નહીં આવ્યો તો અમે બંને ચાલ્યા જઇશું. પાંચ મિનિટનો ટાઇમ છે એની પાસે. કહી દે એને કે આવવું હોય તો આવે નહીંતર અમે નીકળી જઇશું."

વિક્રમનો ગુસ્સો જોઇને રેશ્મા જરા ગભરાઇ ગઇ. પણ એણે વિક્રમને શાંત પાડ્યો. પછી એણે દર્શને કહ્યું, "દર્શ, તારા બોસને કહે કે અમારે અત્યારે જ એને મળવું છે. નહીંતર અમે અહીંયા એક પળ માટે પણ નહીં રોકાઇએ."

"પણ મેડમ, એ શક્ય નથી." દર્શે ગભરાએલા અવાજે કહ્યું. એને ડર હતો કે એની નોકરી ક્યાંક ન ચાલી જાય.

"રેશ્મા, ચાલ અહીંથી." વિક્રમે ઉંચા અવાજે કહ્યું અને પોતાનો સામાન ઉપાડીને ચાલવા જ જતો હતો કે દર્શે એને રોકી લીધો. અને કહ્યું, "સર. સોરી પણ હું આપને બંનેને અહીંથી જવા નહીં દઇ શકું. સરના ઓર્ડર્સ છે."

વિક્રમ અને રેશ્માને ઝટકો લાગ્યો. મતલબ હવે અહીં આવ્યા પછી એ બંને પોતાની મરજીથી અહીંથી જઇ શકે એમ નથી. મતલબ આ શુભ ચિંતકે એમને આ હોટલમાં બંદી બનાવવાનો નિર્ણય કર્યો છે...

વિક્રમને ખુબ જ ગુસ્સો આવ્યો, "અચ્છા, તો તું અમને રોકીશ. મતલબ શું અમે તારા બોસના કેદી છીએ? જરા રોકીને બતાવ તો..." બોલતા વિક્રમ ફરી આગળ ચાલવા લાગ્યો.

એટલામાં જ દર્શનો ફોન વાગવા લાગ્યો. એણે ફોન ઉપાડીને કહ્યું, "યસ બોસ.." બોસ સાંભળતાં જ વિક્રમ અને રેશ્મા ઉભા રહી ગયા. એમણે દર્શ સામે જોયું. દર્શ પણ એમની સામે જોઇને જ ફોન પર વાત કરી રહ્યો હતો. થોડીવાર પછી એણે "ઓ.કે. બોસ," કહીને ફોન વિક્રમ તરફ લંબાવ્યો. વિક્રમ આશ્ચર્ય સાથે પહેલા ફોન સામે જોયું અને પછી દર્શ સામે. દર્શે કહ્યું, "બોસ આપની સાથે વાત કરવા માંગે છે."

રેશ્માને પણ ખુબ જ આશ્ચર્ય થયું હતું. આ વ્યક્તિ આખરે છે કોણ? વિક્રમે દર્શના હાથમાંથી ફોન લઇને કાને રાખ્યો. સામે છેડેથી એક પુરુષનો અવાજ આવ્યો, "વિક્રમ.. શું કામ આટલી ઉતાવળ કરે છે? આપણે મળવું તો છે જ એ પછી અત્યારે હોય કે સાડા ચાર વાગ્યે." એ અવાજ સાંભળીને વિક્રમ ચોંક્યો. આ અવાજ... આ અવાજ તો એણે પહેલા પણ ક્યારેક સાંભળેલો છે. એ વ્યક્તિ આગળ બોલ્યો, "હું તારો શુભ ચિંતક છું એટલે જ કહી રહ્યો છું કે સફરનો થાક ઉતારીને પછી આપણે નિરાંતે મળીએ. આપણે જે વાતો કરવાની છે એના માટે સ્વસ્થ શરીર અને મન બેયની જરૂર છે. આમાં એટલો ગુસ્સે શું કામ થાય છે?"

વિક્રમને બીજો ઝટકો લાગ્યો. આને કેમ ખબર કે હું અત્યારે ગુસ્સે થઇને એને મળવાની વાત કરી રહ્યો છું. અચાનક એને કંઇક યાદ આવતા એણે કોરીડોરમાં બંને તરફ નજર કરી. એમની પાછળના ભાગની છતમાં એક સીસીટીવી કેમેરો લગાવેલો હતો. હવે વિક્રમને સમજાયું કે એ એમના પર નજર રાખીને બેઠો છે. પણ આનો અવાજ જાણીતો કેમ લાગે છે?

કેમેરા સામે જોઇને વિક્રમે કહ્યું, "અમારે અત્યારે જ તને મળવું છે. તો તું જલ્દી આવ નહીંતર અમે જઇએ છીએ."

ફોનમાંથી એનો હસવાનો અવાજ સાંભળીને વિક્રમને વધારે ગુસ્સો આવ્યો. એ વ્યક્તિ બોલ્યો, "પણ એટલી જલ્દી શું છે વિક્રમ? તમે બંને અમારા મહેમાન છો. જરા મને ખાતિરદારી તો કરવા દે. એટલે હવે તમે અહીં જ રહો. આપણે સાડા ચાર વાગ્યે મળીશું." આટલું બોલીને એણે ફોન કટ કરી નાંખ્યો.

"હેલો.. હેલો..", વિક્રમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન કટ થઇ જવાથી એ વધારે ગુસ્સે થયો. પણ એક વાત એને સમજાણી નહીં કે એ વ્યક્તિનો અવાજ એણે ક્યાંક તો સાંભળ્યો છે એવું એને કેમ લાગે છે? હવે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એણે એ માણસને મળવું તો પડશે જ. અને એના માટે રોકાવું પડશે. નાછૂટકે એ ત્યાં રોકાવા માટે તૈયાર થયો. દર્શ સાડા ચાર વાગ્યે એ બંનેને લેવા આવશે એમ ક કહીને એ ચાલતો થયો. રૂમસર્વિસ વાળો એ બંનેને એમના રૂમ સુધી મુકી ગયો અને એમના રૂમની ચાવી હાથમાં થમાવીને નીકળી ગયો.

એના જતાની સાથે જ રેશ્માએ વિક્રમને પુછ્યું, "વિક્રમ, શું થયું? એ વ્યક્તિએ એવું તો તને શું કહ્યું કે તું રોકાવા તૈયાર થઇ ગયો. અને વ્યક્તિ કોણ હતો એ ખબર પડી તને?"

"નહીં રેશ્મા," વિક્રમે કહ્યું, "એ કોણ હતો એ તો મને ખબર ન પડી. પણ એ સીસીટીવી કેમેરાની મદદથી આપણા પર નજર રાખી રહ્યો હતો. અને હાં.. મે એનો અવાજ પહેલા પણ ક્યાંક સાંભળેલો છે."

રેશ્માને આશ્ચર્ય થયું, "શું..? તે એનો અવાજ સાંભળ્યો છે? કોનો અવાજ હતો એ?"

"એ જ તો નથી ખબર ને! હું યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ યાદ નથી આવતું. એક કામ કર હવે તું પણ ફ્રેશ થઇ જા અને હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું." વિક્રમે કહ્યું.

"ઓ.કે. હું ચેન્જ કરીને તારા રૂમમાં આવુ છું. ત્યાં સુધી તો તું પણ તૈયાર થઇ ગયો હઇશ." કહીને રેશ્મા પોતાના રૂમમાં ચાલી ગઇ. અને વિક્રમ પણ પોતાનો રૂમ ખોલીને સામાન મુકીને તરત શાવર તરફ ગયો.

સવા ચાર વાગ્યા હતા. વિક્રમ અને રેશ્મા બંને ફ્રેશ થઇને અત્યારે વિક્રમને રૂમમાં બેઠા હતા. વિક્રમે બ્લ્યુ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. જ્યારે રેશ્માએ બ્લ્યુ જીન્સ અને માથે પીળા રંગનો કુરતો પહેર્યો હતો. થોડીવાર પહેલા જ બંને એ નાસ્તો પતાવ્યો હતો. હવે એ બંને દર્શ ના આવવાની રાહ જોઈ રહ્યા હતા. સાથે વિક્રમ એ બોસનો અવાજ એણે ક્યાં સાંભળેલો એ યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"કંઇ યાદ આવ્યું?" રેશ્માએ પુછ્યું.

"નહી." વિક્રમે માથું ધુણાવ્યુ.

"એ અવાજ વિશે મને જણાવ તો."

"એ અવાજ એકદમ રૂઆબદાર અને ભારે હતો. અને લગભગ 50-55 વર્ષની ઉંમર વાળા માણસનો હશે.

" ઓ.કે."

એટલામાં બારણે ટકોરા પડ્યા. દર્શ એ બંનેને લેવા આવ્યો હતો. વિક્રમ અને રેશ્મા બંને તૈયાર જ બેઠા હતા. એ બંને એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એક રૂમ પાસે આવીને દર્શે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. વિક્રમ અને રેશ્મા પણ એની પાછળ અંદર આવ્યા. એ રૂમની વચ્ચે એક ટેબલ રાખેલું હતું. જ્યાં એક બાજુ એક અને એની સામેની બાજુ બે એમ ત્રણ ખુરશીઓ મુકેલી હતી. દર્શે એ બેયને બંને ખુરશીઓમાં બેસવા કહ્યું. એ બંને બેસી ગયા. રેશ્માએ ચારે તરફ નજર કરી. રૂમના ચારે ખુણાએ કાળા સૂટ પહેરેલા ગાર્ડ્સ ઉભા હતા. રૂમનું ઇન્ટિરિયર ખૂબ જ સુંદર હતું. રૂમની આછા પીળા રંગની દિવાલો પર મોંધુ અને સુંદર પેઇન્ટિંગ્સ લગાવેલી હતી. રૂમમાં એકપણ બારી ન હતી. પણ એસીની ઠંકડ હોવાને લીધે બારીની કમી વર્તાતી ન હતી.

થોડીવાર પછી એક વ્યક્તિ એક બીજા દરવાજેથી અંદર આવ્યો. એને જોઇને વિક્રમ અને રેશ્મા બંનેને જોરદાર ઝટકો લાગ્યો. એ ખુરશી માંથી ઉભા થઇ ગયા.બંનેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. રેશ્માના ગળામાંથી માત્ર એટલા જ અક્ષરો નીકળ્યા...

"ધનંજય મહેરા.."

(ક્રમશઃ)

* * * * *