શ્રાપિત ખજાનો - 13 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 13

ચેપ્ટર - 13

"હાં.. છેલ્લા કેટલાક સમયથી વિજયના પિતાજી પ્રોફેસર આદિત્ય નારાયણના પ્રોજેક્ટ્સ ની ફંન્ડિગ પુરી પાડતા હતા." રેશ્માએ કહ્યું.

વિક્રમને આ સાંભળીને ખુશ આશ્ચર્ય થયું, "વિજયના પિતાજી? ભલા એ શું કામ પ્રોફેસર નારાયણની રિસર્ચમાં પૈસા લગાવવા લાગ્યા? એમનો તો કંઇક ટાઇલ્સનો કે એવો કંઇક બિઝનેસ છે ને?"

"ટાઇલ્સનો નહીં વિક્રમ, એમનો ફર્નિચરનો બિઝનેસ છે. 'મહેરા ફર્નિચર્સ.' એમના ફર્નિચરના મોટા શો રૂમો છે. અને એ પણ અલગ અલગ શહેરોમાં. બિચારા ધનંજય અંકલ.. જ્યારે એમને ખબર પડશે કે એમનો એકનો એક પુત્ર રાજસ્થાનમાં રણમાં આવેલી એક સદીઓ જુની કબરમાં ફસાઇને મૃત્યુ પામ્યો છે ત્યારે એમની શું દશા થશે?" ઉદાસ અવાજે રેશ્માએ કહ્યું.

"મને પણ એમના માટે દુઃખ છે. " વિક્રમે કહ્યું.

"પણ તને કઇ રીતે ખબર પડી કે પ્રોફેસરના પ્રોજેક્ટ્સ પર ફંન્ડિગ ધનંજય મહેરા પુરા પાડી રહ્યા હતા?"

"એક દિવસની વાત છે," રેશ્માએ કહ્યું, "હું જ્યારે પ્રોફેસરની કેબીનમાં પ્રવેશી ત્યારે સર અને વિજય બંને કોઇ વાતે ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા. વિજય એમની પાસેથી કંઇક માગી રહ્યો હતો પણ પ્રોફેસર એને એ વસ્તુ દેવા તૈયાર ન હતા. મારા આવવાથી એ બંનેની ચર્ચામાં ખલેલ પડી અને વિજય પ્રોફેસર પર એક ગુસ્સે ભરેલી નજર નાખીને ચાલ્યો ગયો. એના ગયા પછી પ્રોફેસરે કંટાળીને એક ફાઇલ પછાડતખ બોલ્યા, "જો આના બાપે મને પૈસા ન આપ્યા હોત તો હું ક્યારેય આને મારી પાસે કામ શીખવા માટે ન રાખત."

"સાચે જ?" વિક્રમે આશ્ચર્ય સાથે પુછ્યું.

"હા.. અને જ્યારે મે એમને આના વિશે પુછ્યું ત્યારે એમણે કહ્યું કે ધનંજય અંકલે પ્રોફેસર નારાયણને પૈસા આપ્યા હતા એમના પ્રોજેક્ટ્સ માટે. અને બદલામાં પ્રોફેસર વિજયને આર્કિયોલોજીની તાલીમ આપશે. એ ડીલ થઇ હતી એમની વચ્ચે."

"પણ એક વાત કહું તો મને આ વાત ક્યારેય સમજાણી ન હતી." વિક્રમે કહ્યું, "વિજયના પપ્પાનો આવડો મોટો કારોબાર છે છતાં પણ એ એ બધું છોડીને આર્કિયોલોજીસ્ટ શું કામ બનવા માંગતો હતો? અને એના પપ્પા પણ માની ગયા એ માટે..?"

"હવે એ તો એની પસંદગીની વાત છે ને? એને બિઝનેસ કરતા આર્કિયોલોજી વધારે પસંદ હશે. અને એના પપ્પા પણ ઓપન માઇન્ડેડ હશે એટલે એની મન પસંદ ફીલ્ડ પસંદ કરવા દીધી હશે." રેશ્માએ એનો મત વ્યક્ત કર્યો.

"હા હોય શકે છે કે વિજયના પપ્પા ઓપન માઇન્ડેડ હશે એની ના નહીં. પણ સામાન્ય રીતે કોઇપણ પિતા કે જેનો આવડો મોટો કારોબાર હોય એ મોટેભાગે એવું જ ઇચ્છતા હોય છે કે એમના પછી એમનો પુત્ર એમની વિરાસત સાચવશે. અને ઇન જનરલ એક પુત્ર તરીકે પણ માણસ એવું જ વિચારતો હોય છે કે એના પિતાનો એવડો મોટો તૈયાર બિઝનેસ એને મળે છે એને કંઇ જ મહેનત કરવાની નથી. માત્ર પિતાનો કારોબાર જ આગળ ધપાવવાનો છે. તે એવી કંડિશનમાં પણ એ પિતાનો બિઝનેસ છોડીને બીજી લાઇન ન લે."

વિક્રમની વાતોએ રેશ્માને વિચારતી કરી દીધી. એની વાતો તર્કસંગત હતી. નેવું ટકા કેસમાં એવું જ જોવા મળે છે કે પિતાનો મોટો કારોબાર પુત્ર સાચવી લે છે. પણ હજુ એ વિક્રમને કંઇક પૂછે એ પહેલા જ વિક્રમ બોલ્યો, "બીજો પણ એક પ્રશ્ન ઉભો થાય છે.. જો વિજય હંમેશાથી આર્કિયોલોજીસ્ટ બનવા માંગતો હતો તો એ પ્રેક્ટિસ માટે પ્રોફેસર નારાયણ પાસે ગયો એ તો સમજાય. પણ ધનંજય મહેરા દ્વારા એમને ફંન્ડિગ આપવી એ જરા અટપટું છે. મતલબ આપણે જ્યારે કોઇ મોટા અને પ્રતિષ્ઠિત આર્કિયોલોજીસ્ટ પાસે પ્રેક્ટિસ માટે જઇએ છીએ ત્યારે એ આપણને આપણી ક્ષમતા પ્રમાણે સ્ટાઇપેન્ડ આપે છે અથવા ક્યારેક તો આપણે માત્ર શીખવા માટે કોઇપણ પ્રકારના વળતર વગર એમની સાથે કામ કરતા હોય છે. જ્યારે વિજયના કેસમાં તો ઊંધું છે."

"તારી વાતમાં દમ છે." રેશ્માએ કહ્યું. "પણ તું આ વાત અત્યારે શું કામ કરી રહ્યો છે?"

અચાનક વિક્રમને ભાન થયું કે એ મેઇન મુદ્દા પરથી તો ભટકી ગયો છે. એણે કહ્યું, "અરે યાર.. જે મેઇન વાત હું કરવા માગતો હતો એ તો સાઇડમાં જ રહી ગઇ. મને એવું લાગે છે કે આપણે થોડા માણસોની જરૂર છે.."

"માણસોની જરૂર મતલબ?"

"ગઇકાલે આપણે રણમાં જે કંઇ પણ જોયું એના પછી તું કંઇપણ પુર્વ તૈયારીઓ કર્યા વગર તો આગળ વધવાનું નથી વિચારી રહી ને?" વિક્રમે પુછ્યું.

"બિલકુલ નહીં. આપણે આગળ વધતા પહેલા ઘણી સુરક્ષાની તૈયારી કરવાની છે. તે કંઇ વિચાર્યું છે?" રેશ્માએ પુછ્યું.

"હા.." વિક્રમે કહ્યું, "આપણે હવે આ નાની બંદુકોને બદલે AK47 રાઇફલ લઇ લેશું. એમાં વધારે ગોળીઓ લોડ થઇ શકશે અને એ વધારે અસરકારક રહેશે. સાથે એની ગોળીઓનો સ્ટોક પણ રાખવાનો છે. અને સાથે સાથે થોડા હેન્ડ ગ્રેનેડ (હાથગોળા) લઇ લેશું. જેથી જરૂર પડ્યે કામ આવશે.

"અને હાં સાથે સાથે મોલોટોવ કોકટેલ બનાવવા માટેની સામગ્રી પણ લઇ લેજે. બે ચાર બનાવીને રાખશું તો કામ આવી શકે છે." રેશ્માએ કહ્યું. (મોલોટોવ કોકટેલ એ એક પ્રકારનું હથિયાર હોય છે. એમા કાચની એક બોટલમાં એક ખુબ જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોય છે. અને એ બોટલનું મોઢું પણ એજ પ્રવાહીમાં ડુબાડેલા કપડા વડે બંધ કરી દેવામાં આવે છે. ઉપયોગ સમયે એ કપડાને આગ લગાડીને બોટલને ફેંકવામા આવે છ જેથી જેટલા ભાગમાં એ પ્રવાહી ફેલાય છે એ ભાગ આગની લપેટમાં આવી જાય છે.)

"હાં એ પણ લઇ લઇશ. પણ પહેલા આપણે માણસોની જરૂર છે. એટલા માટે મે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના હેડ મિ. સિન્હાને કોન્ટેક કર્યો હતો." વિક્રમે કહ્યું.

"એક મિનિટ. તું ના બોલતો. મને કહેવા દે. એમણે તારી વાતને તર્કહીન અને કાલ્પનિક ગણાવીને તને મદદ કરવાની ના પાડી હશે કે નહીં..?" રેશ્મા અદબ વાળીને વિક્રમ સામે જોઇને બોલી.

વિક્રમે હકારમાં માથું હલાવ્યું. એ બંને મિ. સિન્હાને સારી રીતે ઓળખતા હતા. એક નંબરનો ખડુસ હતો એ માણસ. ક્યારેય નવા આર્કિયોલોજીસ્ટને ચાન્સ ન આપતો. બસ જે એને સારા લાગે અને એની 'ખુશામત' કરી શકે એની જ મદદ કરતો.

"વિક્રમ આમેય આપણી મદદ કોઇ નથી કરવાનું. જે આપણે જોયું છે એના પર કોણ વિશ્વાસ કરશે? અને આપણે જાણી જોઈને કોઇને એ ખતરામાં નાખી કઇ રીતે શકીએ?" રેશ્માએ કહ્યું.

"હા તારી વાત સાચી છે પણ.." વિક્રમ હજી પોતાની વાત કરવા જઇ રહ્યો હતો ત્યાં એ મોટો અવાજ આવ્યો. વિક્રમ અને રેશ્માએ ચોંકીને અવાજની દિશામાં જોયું. ગેસ્ટહાઉસની એક કાચની બારી તૂટી ગઇ હતી. અને રૂમના ફર્શ પર તૂટેલા કાચના ટુકડા સાથે એક ગોળાકાર કદની કોઇ વસ્તુ પડી હતી. જેની કરતે કાગળ વીંટેલો હતો. વિક્રમ અને રેશ્મા તરત જ પરિસ્થિતિ ની ગંભીરતા સમજીને રૂમની બહાર તરફ દોડ્યા. રૂમની બહાર નીકળીને એમણે દરવાજો બંધ કરી દીધો. બંનેના હાથમાં પોતાની ગન હતી. બંનેના હૃદય જોરજોરથી ધડકી રહ્યા હતા. બંને થોડીવાર ત્યાં જ ઉભા શું થાય એની રાહ જોવ લાગ્યા.

આમ કરવાનું એક કારણ હતું. હોય શકે છે કે કદાચ કોઇએ ગ્રેનેડ ફેંક્યો હોય. એવી સ્થિતિમાં પહેલા પોતાનો જીવ બચાવવા ભાગવું એ પહેલી પ્રતિક્રિયા છે જે વિક્રમ અને રેશ્માએ કર્યું. કારણ કે જો ત્યાં ઉભા રહીને જોવા જઈએ કે એ શું છે તો તૌ જીવ પર આવી બને. આમ પણ એ લોકો જે લાઈનમાં હતા એ લાઇનમાં અંડરવર્લ્ડના લોકોની નજર એમના ઉપર જરૂર હોય છે. કારણ કે ખજાનાઓ, સોના ચાંદીના વર્ષો જુના દાગીના એ બધા પર કોની નિયત ન બગડે? એટલા માટે જ આર્કિયોલોજીસ્ટ ના મિત્રો કરતા પણ ક્યારેક શત્રુઓ વધી જતાં હોય છે.

બે મિનિટ સુધી કંઇ હરકત ન થતા વિક્રમને સમજાય ગયુ કે એ બારીથી ફેંકેલી વસ્તુ ગ્રેનેડ નથી. બધું સલામત જણાતા એણે દરવાજો ખોલ્યો. ફર્શ પર એ કાગળ વીંટેલી વસ્તુ હજુ એમ ને એમ પડી હતી. વિક્રમે પોતાની ગન પાસેના ટેબલ પર મૂકી. એની પાછળ રેશ્માએ પણ અંદર આવીને પોતાની ગન વિક્રમની ગનની બાજુમાં મૂકી.

વિક્રમે તરત તૂટેલી બારી પાસે જઇને નીચે જોયું. પણ ત્યાં કોઇ ન હતું. કદાચ એ ફેંકનાર ચાલ્યો ગયો હતો. વિક્રમે પાછા આવીને એ પદાર્થ ઉપાડ્યો. એ પદાર્થ સખ્ત હતો. એટલે જ તો એ કાચની બારી તોડી શક્યો હતો. વિક્રમે એ વીંટેલો કાગળ ખોલ્યો. એ કાગળમાં એક પથ્થર હતો. પથ્થર જોઇને એ બંનેને ખુબ આશ્ચર્ય થયું. વિક્રમે એ પથ્થર સાથે બીજા બે નાના કાગળો પણ હતા. વિક્રમે એ કાગળો જોયા. જોતા ભેર એની આંખો પહોળી થઇ ગઇ. એ બે ટિકિટો હતી. બિકાનેરથી જયપુર સુધીની બસની ટિકિટો હતી. એમાં બે ટિકિટો હતી. ચોક્કસ આ બંને ટિકિટો એના અને રેશ્મા માટે હતી. વિક્રમ વિચારી રહ્યો.

અચાનક એનું ધ્યાન ગયું કે કાગળમાં કંઇક લખેલું છે. વિક્રમે ટિકિટો રેશ્માને આપી. ટિકિટો જોઇને રેશ્માને કંઇ સમજાણું નહી. વિક્રમે કાગળમાં લખેલી વસ્તુ રેશ્માને સંભળાય એ રીતે જોરથી વાંચી, "વિક્રમ અને રેશ્મા. મને ખબર છે કે હથિયારો અને માણસો વગર તમે બંને સંબલગઢ શોધવાના રસ્તા પર આગળ નહીં વધો. અને હું તમારી આ કામમાં મદદ કરી શકું છું. આ બસ પકડીને જયપુર આવી જાવ. ત્યાં જ મળીશું."
લી. આપનો શુભ ચિંતક."

વિક્રમ અને રેશ્મા બંને બંને ફાટી આંખે એકબીજા સામે જોઇ રહ્યા. એમને વિશ્વાસ ન આવ્યો. વિક્રમે એ કાગળ રેશ્માને સોંપ્યો. કાગળ વાંચીને રેશ્માએ ચિંતિત સ્વરે કહ્યું, "હવે આ વળી નવો શુભ ચિંતક કોણ જાગ્યો?"

વિક્રમને પોતાના પર જ ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. એણે રેશ્મા કહ્યું, "મને વિશ્વાસ નથી આવતો.. હું આટલો બેદરકાર કઇ રીતે થઇ શકું? આ કાગળ પરથી ચોખ્ખુ જણાઇ રહ્યું છે કે આ માણસ આટલા દિવસથી આપણી એકએક હરકત પર નજર રાખી રહ્યો છે. પણ એણે આપણને એની ગંધ પણ ન આવવા દીધી." વિક્રમે ટેબલ પર મુઠ્ઠી પછાડી, "અરે એણે તો થોડી મિનિટો પહેલા આપણી હથિયાર અને માણસોની જરૂર વાળી વાત પણ સાંભળી લીધી હતી." પછી એણે કહ્યું, "આખો રૂમ ચેક કર. અહીંયા નક્કી ટ્રાન્સમીટર હશે."

બંનેએ આખો રૂમ ખુંદી નાખ્યો. વિક્રમને પલંગ નીચેથી એક નાનું ટ્રાન્સમીટર મળ્યું. એણે ગુસ્સામાં આવીને એને પોતાના પગ નીચે કચડી નાખ્યું.

પાંચ મિનિટ એ બંને કઇ ન બોલ્યા. વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું? રેશમાએ વિક્રમને પુછ્યું, "આ માણસને આપણી બધી હરકતોની ખબર કઇ રીતે પડી? અને એ આપડી પાસેથી શું ઇચ્છે છે?"

"એ આપણી મદદથી સંબલગઢ પહોંચવા માગે છે. જરૂર એ આપણી પાસેનો નકશો મેળવવા માગો હશે. કદાચ નકશો મેળવ્યા પછી એ આપણને જીવતા ન છોડે.

"શું એના પર ભરોસો કરી શકાય છે?"

"હવે આપણી પાસે બે ઉપાય છે. પહેલો ઉપાય જો આપણે એને મળ્યા વગર સંબલગઢ શોધવા નીકળી જઇએ એ કંડિશનમાં એ આપણો પીછો કરશે અને અને સંબલગઢ પહોંચ્યા બાદ એ આપણને જીવતા છોડે એની કોઇ ગેરંટી નથી. એ વાત તો ચોખ્ખી છે કે એની પાસે હથિયારો અને માણસોની ફોજ છે જેની સામે આપણા ટકવાની સંભાવના ઓછી છે. અને આપણને કદાચ એ પણ ખબર ન પડે કે એ કોણ છે."

"હં... અને બીજો રસ્તો?"

"બીજો રસ્તો એ છે કે આપણે એને મળવા જઇએ. અને જોઇએ કે એ કોણ છે. આપણાથી શું ઇચ્છે છે. જો એ નકશો મેળવવા માગતો હોય તો એ કોઇપણ રીતે મેળવી શકે એટલો તાકતવર મને લાગે છે. પણ એણે આપણને મળવા બોલાવ્યા છે તો જરૂર એની પાછળ કોઇ મકસદ હશે. અને એની પણ કોઇ ગેરંટી નથી કે આપણે એને સંબલગઢ પહોંચાડી દઇએ એ પછી પણ એ આપણને જીવતા છોડશે. પણ આ પરિસ્થિતિમાં આપણે એમાણસને ઓળખીને એનો સામનો કઇ રીતે કરવો એના પર કામ કરી શકીએ છીએ. એ આપણો મિત્ર છે કે શત્રુ એ હજી આપણને ખબર નથી. અને આપણો શત્રુ જેટલો આપણો નજીક હશે એટલો એના વિશે વધારે જાણી શકીશું.

એટલે મારો એવો મત છે કે આપણે એને મળવા જવું જોઇએ. તારો શું મત છે?" વિક્રમે કહ્યું.

રેશ્મા વિચારવા લાગી. વિક્રમની વાત સાચી હતી. આ અજાણ્યા શુભ ચિંતકના મનસૂબા જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી એની સાથે શત્રુતા વહોરવી એક સારો રસ્તો નથી. અને અમારી મદદ લઇને કે મદદ વિના એ સંબલગઢ પહોંચવાનો તો છે જ. જો એનો સામનો જ કરવાનો હેય તો એના વિશે જાણકારી મેળવ્યા વગર સામનો કરવો મુર્ખામી હશે.

"વિક્રમ," રેશ્માએ કહ્યું, "મને પણ એવું જ લાગે છે કે આપણે આને મળવા જવું જોઈએ."

રેશ્માની સહમતિ મળતા એ બંનેએ પોતાનો સામાન પેક કર્યો અને નીકળી પડ્યા એ અજાણ્યા શુભ ચિંતકને મળવા..

(ક્રમશઃ)

* * * * *