મધુરજની
ગિરીશ ભટ્ટ
પ્રકરણ-૨૩
માનસીને રીસ ચડી હતી મેધ પર. રીસ પણ એક પ્રકારનો ક્રોધ જ ગણી શકાય. એમાં તો ઘણું ઘણું બની શકે. વિવેકનો ભોગ સૌપ્રથમ લેવાય અને સાવ અકારણ એમાં સોનલદે હોમાઈ ગઈ.
સોનલદે તો તેને મદદ કરી રહી હતી. એ સત્ય વીસરાઈ ગયું હતું. ‘તેણે જ મેધને આ દિશા બતાવી હશે, તેણે જ...’ તેણે હોઠ ભીંસ્યા હતા અને પુરુષને તો શું? અને પાછા મેધના સંજોગોય કેવા? સાવ સહજ બની જાય મેધની પ્રાપ્તિ, જો સોનલદે ઈચ્છે તો!
મન અજાણી કેડી પર સડસડાટ વિહરી રહ્યું હતું. ‘હા, એમ જ હશે! ક્યાં ગયા હશે મેધ, આટલા દિવસો સુધી? અને આવ્યા પછી પત્નીને નહીં સોનલદેને મળવા આતુર હતા.’
અને ત્યાં જ શ્વેતાનો ફોન આવ્યો. ‘માનસીભાભી, છે મેધ ભાઈ?’ શ્વેતાના અવાજમાં રઘવાટ હતો. ‘મને જાણ નથી કે એ...’ તે કટુતાથી બોલવા જતી હતી પરંતુ શ્વેતાએ વાક્ય પૂરું કરવા દીધું નહોતું. ‘ભાભી તમે બંને જલદી આવો. પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હાર્ડએટેક હતો એમ ડોક્ટર...’
શું કરવું? ક્યાં હશે મેધ? સોનલદેને ફોન જોડ્યો પણ સોનલદે નહોતી. એના ભાભી હતા. ‘ના. સોનલદે અને મેધ તો ગયા. હા, આજે સવારે જ આવ્યા. ખૂબ મજા પડી પ્રવાસમાં. અને તારું હનીમુન કેમ રહ્યું? હનીમુન પછી દરેક છોકરી સ્ત્રી બની જાય છે, કેમ મારી વાત ખરી ને? એ બંને ચર્ચા કરતા હતા. કોઈકની સલાહ પણ લેવાની વાત કરતા હતા. તને જાણ તો હશે જ, શું વાત છે? મેધના પપ્પાને હાર્ટએટેક! ક્યાં છે? વતનમાં?’
પણ મેધનો પત્તો તેમની પાસે પણ નહોતો. કશું ન સૂઝતા માનસીએ રીસથી અને રોષથી એક ચિઠ્ઠી મેધ પર. સાવ સપાટ શબ્દોમાં સંબોધન તો લખ્યું, પણ નીચે તેનું નામ જ ના લખ્યું.
‘મેધ, શ્વેતાનો ફોન આવતા વતનમાં જાઉં છું. પપ્પાને એટેક આવ્યો છે ને દાખલ કર્યા છે. હું જાઉં છુ.’ અને તે નાનકડી બેગમાં થોડો સામાન ભરીને રવાના થઈ. મન કડવાશથી છલકાતું હતું.
બરાબર એ સમયે સોનલદે અને મેધ, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર બ્રીજમોહનના ડ્રોઈંગરૂમમાં હતા. સોનલદે જ આગ્રહ કરીને અહીં લઈ આવી હતી. બ્રીજ યુવાન હતા છતાં નિવૃત્ત! લગભગ આઠેક વરસ એ ખાતામાં ખાખી યુનિફોર્મ પહેરીને ફરજ બજાવી હતી. બાહોશ અમલદાર પુરવાર પણ થયો હતો. અને હોશિયારી હોય ત્યાં મતભેદ પણ થાય. એક ખૂનની તપાસ દરમિયાન અહં ટકરાઈ ગયો બ્રિજનો એક ઉપરી અમલદાર સાથે. ‘બ્રીજમોહન તમે બચ્ચા છો મારી સામે!’ હુંકાર થયો.
‘ભલે, બચ્ચું પણ સિંહનું છું સર. અને તમે સિંહ તો નથી જ.’ બ્રીજ પણ મેદાને પડ્યો હતો. એનું પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. બ્રિજે રાજીનામું ધરી દીધું હતું, ખુમારીથી હસતાં હસતાં. ‘એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે.’ તેણે કહ્યું હતું. પછી ઉમેર્યું- ‘અને જ્યાં પાછી એક જૂની અને કટાયેલી હોય!’
તેણે હસતાં હસતાં માતબર નોકરી છોડી દીધી હતી. એ બ્રીજ સોનલદેના ભાઈનો એક દોસ્ત હતો, જિગરી દોસ્ત. સોનલદેએ માત્ર નામ જ સાંભળ્યું હતું બ્રીજનું. ક્યારેય મળી નહોતી. થોડું ભાઈ પાસેથી, થોડું ભાભી પાસેથી બ્રીજનું કામ જાણ્યું હતું.
‘તમારા ભાઈના મિત્ર છે પણ ભારે ટીખળી છે. વાતો એવી કરે કે પેટ દુઃખી જાય.’ ભાભી અભિનય સાથે કહેતી. તો ભાઈ ક્યારેક ફોન પર વાત કરતાં હોય એ સોનલદેને કાને પડે. આ બધાં પરથી બ્રીજનું એક ચિત્ર અંકાઈ ગયું હતું તેના મનમાં. એક વાતની જાણ હતી કે એ બાહોશ હતો. ગમે એવાં અઘરાં પ્રશ્નોનો ઉત્તર એની પાસેથી મળે.
સોનલદે જતી હતી ને મેધ પાછળ જ આવી પહોંચ્યો. ‘કેમ આવ્યા, મેધભાઈ?’ સોનલદે ચકિત થઈ ગઈ હતી.
‘માનસીને એમ જ મૂકીને?’
‘સોનલદે, મને એ વ્યક્તિનું નામ મળી ગયું.’ મેધ તો એની દુનિયામાં લીન હતો. હજી મન શાંતિ આશ્રમમાં ભટકતું હતું. તેણે એ અધમ વ્યક્તિનો પત્તો મેળવ્યો હતો એનો આનંદ પણ હતો.
‘તમારે પાછળ આવવાની જરૂર નહોતી. માનસી તૈયાર થઈને બેઠી હતી, એ ના જોયું?’ તેણે મર્યાદામાં રહીને ટકોર કરી. ‘સોનલદે, મારા મન પર એક ઝનૂન સવાર થયું છે. મારે એ મનસુખને સજા થાય એ જોવું છે.’
‘મનસુખ?’ સોનલદેએ સામું પૂછ્યું.
‘હા, બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ત્યાં. શાળાનો ટ્રસ્ટી! સર તો આ વાત ક્યાં જાણે છે? એ તો ખૂબ માનથી નામ લેતા હતા આ નરાધમનું!’ સોનલદેને લાગ્યું કે મેધ પર સાચોસાચ ખુન્નસ ચડ્યું હતું એટલે જ કદાચ તે માનસીના નવા રૂપને ઓળખી શક્યો નહીં હોય. પેલી તો લગભગ અભિસારિકા જ હતી એ સમયે.
‘શું કરીશું આ નામનું હવે?’ મેધે પ્રશ્ન કર્યો હતો. ‘પહોંચી જાઉં એ ગામમાં, એ સરનામે? માગું જવાબ એના દુષ્કૃત્યોના?’
લોઢું ખરેખર તપી ગયું હતું. સૌમ્ય સ્વભાવનો મેધ નહીં તો આવું કહે? ‘મેધભાઈ, તમારી વાત સાચી છે, પણ મને લાગે છે કે આપણે બ્રીજ સરને મળીએ.’ અચાનક જ બ્રીજનું નામ સોનલદેના હોઠ પર આવ્યું હતું. કશોક જવાબ તો આપવો આ હણહણતા અશ્વને એની ચિંતામાં જ બ્રીજ યાદ આવ્યો હતો.
‘ચાલ, એ બ્રીજને મળીએ.’ મેધ એક ક્ષણે ગમે એ કરવા તૈયાર હતો. ભાઈની ડાયરી વીંખીપીંખીને સોનલદેએ બ્રીજના નિવાસસ્થાનનો પત્તો મેળવ્યો. ભૂખ તો લાગી જ હતી. પણ મેધ તો જાણે એ સર્વથી પર હોય એવું લાગતું હતું. તેને એવોય વિચાર આવતો નહોતો કે પ્રવાસેથી આવેલી ભાભી એના વિશે શું વિચારશે? એને થાયને કે સોનલદે કેમ ફરી રહી હતી પરપુરુષ સાથે, આમ પડછાયાની જેમ?
સ્ત્રીએ હજાર વિચાર કરવા પડે. એક સ્ત્રીને બીજી સ્ત્રીની નજરમાંથી બચવું તો લાખગણું દુષ્કર. એ ડર તો હતોજ છતાં પણ મેધને ટાળી ન શકી. જ્યારથી મેધની વાત જાણી હતી, તે અસ્વસ્થ હતી. કોઈ રોમાંચ તેને જગાડતો હતો, દોડાવતો હતો.
તેણે બહારથી જ ફોન જોડ્યો હતો બ્રીજને, ડરતાંડરતાં. ક્યારેય મળી જ નહતી બ્રીજને.
શું કહેશે? ઓળખી તો ખરી પણ કહેશે શું?પરણેલો હશે તો એની પત્ની ય હશે. કેવી હશે બ્રિજની પત્ની? અરે, ખુદ બ્રીજ કેવો હશે એ જ મુખ્ય પ્રશ્ન હતો ત્યાં એની પત્ની ..? હસી પડી સોનલદે. તે આટલી સાહસિક શા માટે બની રહી હતી? સખીને સહાય કરવા જ સ્તો! બીજો વળી શો આશય હોય? કે ટી ને મળી અને હવે આ બ્રીજને.? શું પામવાની હતી તે આખરે? કશું ય નહિ. તેણે હોઠ કરડયા હતાં.
‘તું જ સોનલદે? ખૂબ વાતો સાંભળી છે તારાં રમતિયાળ સ્વભાવ વિશે. મને આ વાતો કોણે કહી હશે એ અઘરો પ્રશ્ન નહિ હોય, ખરું ને ?’ બ્રિજે જ પ્રારંભ કર્યો હતો વાતનો.’ મારા પહેલાં તો મારી બદલોઈ પહોંચી જાય છે. હું નશીબદાર તો ખરી.’ સોનલદે એ પણ હસી લીધું.
તેણે આ પુરુષ, માન્યો હતો એવો કડક નાં લાગ્યો. અલબત્ત ભરાવદાર બાંધાનો તો હતો જ. તે સરસ હસી શકતો હતો.અને હસાવી પણ. ‘તારે તો પ્રશંસા પહોંચી છે, બદબોઈ તો નહિ જ. અને તું એને યોગ્ય પણ છું જ.તારું સ્વસ્થ શરીર રનું પ્રમાણ છે.’
બ્રિજે આમ કહ્યું ને તે શરમાઈ ગઈ. કોઈ પુરુષ તેના શરીર વિશે કહી રહ્યો હતો એ વાત તેને જરા વિચિત્ર લાગી.
‘આભાર, પ્રશંસા માટે,’ તે બોલી. તેને એ પ્રશંસા ગમી હતી. કોણે નાં ગમે? તેણે મને બરાબર નિહાળી જ હતી અને પછી જ...
સોનલદેને લાગ્યું કે હવે વાતને વાળવી જોઈએ.
‘મેધભાઈ, તમારે મારું રક્ષણ કરવાનું છે- યાદ છે ને?’ તેણે હસીને નિશાન બદલ્યું.
‘આમાં રક્ષણ શાનું કરવાનું? આ તો દરેક જોનાર કહે જ..’ મેધે પણ ઝંપલાવ્યું અને બ્રીજ ખડખડાટ હસી પડ્યા
‘હં..શી વાત છે?’ બીજી જ ક્ષણે બ્રિજે ગંભીર બનીને પૂછ્યું. સોનલદે એ ફોનમાં કહ્યું હતું- ‘સર, એક પ્રશ્નમાં તમારી મદદ લેવાની છે. આવીએ?’
સોનલદે એ મેધ તરફ ફરીને કહ્યું, બ્રીજ સર, આ મેધ છે, મારી સખી માનસીના પતિ. હમણા જ.. હનીમુનમાંથી આવ્યા..’
બ્રિજે હાથ મેળવ્યો મેધ સાથે. સાથોસાથ માપી પણ લીધો મેધને- નજરથી.’હું નથી માનતો કે ..હનીમૂનમાં કોઈ પ્રશ્ન થાય.’ બ્રિજે હસી લીધું.
‘અને પ્રશ્ન થાય તો કોઈ મારી પાસે તો અ જ આવે.’
‘બ્રીજ.. આ પ્રશ્ન એ સમયનો છે જ્યારે મારી સખી તેર વર્ષની હતી, તેના વતનના ગામમાં હતી.’ સોનલદે એ વાતની શરૂઆત કરી. બ્રીજ આંખો મીંચીને ધ્યાન દઈને એકએક શબ્દ શાંતિથી સાંભળતા ગયા. ખંડમાં શાંતિ હતી. માત્ર સોનલદે નાં શબ્દો.
“બ્રીજ. એક પ્રતિષ્ઠિત , કહેવાતી પ્રતિષ્ઠિત વ્યક્તિની વાત છે – જેનું નામ છે મનસુખલાલ.
સોનલદે ..કહેતી ગઈ, વર્ણવતી ગઈ ,માનસીની વ્યથા કથા. એમાં સુમન અને મનસુખના અવેધ્ય સંબંધોની વાત પણ આવી. મેધ ચોંકી ગયો. ‘હા ..મેધભાઈ..આ વાત સત્ય છે જ. અને એ જ કારણે માનસી અચકાતી હતી, આ વાત જાહેર કરતાં, માતાની બદનામી થાય એ પુત્રીને મંજૂર નાં જ હોય.’
મેધને હવે બઘી કડીઓ મળી ગઈ.પત્નીનાં વિચિત્ર વર્તનની . તેના ચહેરા પર ભાવોની ચડઉતર જોઈ શકાતી હતી. તે પણ પછી. સોનલદેની વાતમાં ટાપસી પૂરવા લાગ્યો.
માનસી પરનો હુમલો, સુમનનું અચાનક આવવું અને અંતે સુમનનું ખૂન. એ બધી જ વાત બ્રિજે ધ્યાન દઈને સાંભળી. જરૂર પડી ત્યાં પૂછ્યું પણ ખરું.
હવે બ્રીજમાં એક અસામાન્ય વ્યક્તિ દેખાતી હતી. જાણે નવો જ બ્રીજ. પછી આવી અંતિમ છેડાની વાત.
‘શું થયું મનસુખનું? બ્રીજે સહસા પૂછ્યું.
‘કશું જ નહીં. હજી પણ એ વ્યક્તિ માનમરતબોથી. એ ગામમાં હયાત છે. શંકાની સોય એના તરફ ગઈ જ નથીને. બની શકે કે એણે જ આ કેસ ફાઇલ કરાવી નાખ્યો હોય. માનસીના પપ્પા જ અંધારામાં છે. અરે હજી મનસુખને હમદર્દ અને મિત્ર માને છે.’ મેધે કચકચાવીને કહી નાખ્યું.
‘હવે મેધ, તું તારી વાત કર. હું જરા હળવી થઈ આવું. બાય ધ વે, બ્રીજ સર, કોઈ છે ઘરમાં- તમારી પત્ની સરખું. સોનલદે સાચે જ ઊભી થઈ. હળવી થતી હોય તેમ.
‘એમ કરને સોનલદે, તું રસોડું શોધી શકીશ એની મને ખાતરી છે અને ત્રણ કોફી પણ બનાવી શકીશ. આપણે ડાયનીંગ ટેબલ પર મળીએ છીએ. દસેક મિનિટોમાં અને હા, એક બીજી વાત. બ્રીજે હજી પત્ની જેવી લક્ઝરી આઈટમ વસાવી નથી એની નોંધ પણ લેજે.’
સોનલદે હસી પડી, બ્રીજની કહેવાની રીત પર અને એક શક્યતા પણ દેખાણી, જાત માટેની. બ્રીજ તેને પહેલી નજરે ગમી ગયો હતો. ભાઈ કે ભાભીને આ શક્યતા કેમ દેખાણી નહીં હોય? જો તે તેને પસંદ કરે તો તે અબઘડી તૈયાર હતી. તેણે ભીતર જઈને આખું મકાન જોયું, અસ્તવ્યસ્ત બેડરૂમ જોયો.
‘ખરેખર, બેડરૂમ જ છે, એને ગુડરૂમ બનાવવાની તાતી જરૂર છે.’ તે બબડી હતી. તે આખા ઘરમાં ઝડપથી ફરી વળી. ક્યાંય સ્ત્રીના હાજરીના નિશાનો કે પુરાવા ના મળ્યા. બધે જ એકસરખી અસ્તવ્યસ્તતા હતી. બેડરૂમમાં ટિપોય પર પુસ્તકોનો ઢગલો હતો. કેટલાક અંગ્રેજી હતા તો કેટલાક ગુજરાતી ભાષામાં પણ હતા. વાંચનનો શોખ તો સમજાયો.
તેણે ઝટપટ કોફી બનાવી. સ્નેક્સ લીધા. ટ્રે પણ મળી ગઈ. એક અજાણ્યા પુરુષના ઘરમાં તે ફરી રહી હતી. કશું શોધી રહી હતી. તે નવતર અનુભૂતિમાંથી પસાર થતી હતી. સાથોસાથ એક સપનું પણ જોવાતું હતું. શું આ સત્ય ના બની શકે? શું તે બ્રીજની રાણી ના બની શકે? તે ટેબલ પર કોફીનો પોટ, સ્નેક્સની રકાબીઓ મૂકીને બેઠી હતી, અન્યમનસ્ક, અલબત બ્રીજના વિચારોમાં. ત્યાં પાછળથી બ્રિજે કહ્યું, ‘શા વિચારોમાં પડી સોનલદે?’ એ શબ્દોમાં ભીનાશ હતી, ઋજુતા હતી અને કશીક યાચના હતી. સોનલદેએ પાછું જોયું તો બ્રીજ હસ્તો હતો. અને પાછળ પાછળ મેધ તેની કાયમની ગંભીર મુખમુદ્રામાં.