મધુરજની - 3 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 3

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૩

એકાએક સુમંતભાઈને મેધ યાદ આવી ગયો. મૂંઝવણમાંથી અચાનક બહાર આવી ગયા. મન ઠપકો દેવા લાગ્યું.

‘અરે, તને મેધ જ યાદ ન આવ્યો? સાવ નજીકનો માણસ...’ આ તો સરોવરને કાંઠે તરસ સાચવીને બેસી રહેવા જેવું થયું. ચાલો... એક શોધ પૂરી થઈ.

સુમંતભાઈએ નિરાંતનો શ્વાસ લીધો હતો. શરીરની વિચિત્ર ગતિવિધિઓ તો ચાલુ જ હતી, પણ મન હળવાશ અનુભવવા લાગ્યું.

મેધ ક્યાં પરાયો હતો? છેલ્લા છ માસનો પરિચય હતો. અરે, એથી પણ વિશેષ. માનસી પણ તેને સારી રીતે જાણતી હતી. તે જ દરેક સાંજે કોફી બનાવીને તેને આપતી હતી. અને એ છોકરો પણ કેવો? અંગ્રેજી પર તેનું પ્રભુત્વ તો ખરું, પરંતુ જડતા જરાય નહીં. જીવંત વ્યક્તિત્વ લાગે.

હા, આર્થિક સ્થિતિ ખાસ સારી નહીં હોય- એ ખરું પણ એ કાંઈ અવગુણ થોડો ગણાય?

સુમંતભાઈ મેધમય બનતા જતાં હતા.

‘મારું જે કાંઈ છે એ મેધ અને માનસીનું જ... આ ઘરેય... મારે હવે શું કરવું છે આનું? બસ, ઘડિયા લગ્ન કરી નાખીએ એ બંનેના.

અને... પટેલ સાહેબને કહીને મેધને ગોઠવી પણ દઉં. આ જ સંસ્થામાં. એમ એ..માં આમ તો ફર્સ્ટક્લાસ તો નક્કી જ.... અને પટેલ સાહેબ... મારું વચન રાખે જ.

પણ... એ તો ગયો... તેના વતનના ગામમાં. મારે તરત જ તેને મળવું જોઈએ!

એક ચક્ર ચાલુ થઈ ગયું. એક બીજો નિર્ણય પણ સાથોસાથ લેવાઈ ગયો. એ લોકોને પરણાવીને ક્યાંક ચાલ્યા જવું. દૂર...દૂર... ક્યાં જવું એ એક અનિશ્ચિતતા હતી. બસ... જવું એ જ નક્કી હતું. અને અંતિમ સ્થાન તો... નક્કી જ હતું ને? છ માસ પછી કે ગમે તે ક્ષણે.

તેમની ઈચ્છા હતી કે પુત્રીને સુયોગ્ય હાથોમાં સોંપીને નિશ્ચિંત બની જાય. મેધ પરિચિત હતો, લાગણીથી સભર હતો. સુસંસ્કૃત હતો. સાલસ હતો. અને વળી સુમંતભાઈ પ્રતિ કૃતજ્ઞ હતો. તે પુત્રીને દુખી તો ના જ કરે. સુખી થવાનું તો ક્યાં કોઈના હાથની વાત હતી.

જમ્યા ખરા પણ એ માનસીને સારું લગાડવા. બાકી એવી ઈચ્છા થતી જ નહોતી.

સોનલદે પણ જમવામાં હતી.

‘પપ્પા... આજે તો તમને ભાવતી વાનગી બનાવી છે...’ પુત્રીએ ભાવપૂર્વક કહ્યું હતું.

‘તમારું મન...જમવામાં તો નથી, પપ્પા કોઈ પ્રશ્ન છે?’ પૃચ્છાય કરી હતી પુત્રીએ.

‘અરે, કશું ય નથી. આ તો વૈશાખના તાપનો પ્રતાપ છે...’ તેમણે હસીને ઉત્તર વાળ્યો હતો.

‘આ... પેલો ચાલ્યો ગયો એનો... પ્રતાપ તો નથી ને?’ માનસી મુક્ત રીતે હસી હતી.

સોનલદે સખીને હસતી જોઈ રહી હતી- નર્યા વિસ્મયથી તેને પણ સખી નવીન લાગતી હતી. એને બધી જ વાતો પેલા મેધની આસપાસ જ થતી હતી. તેણે પણ એક બે વાર એ મેધને જોયો હતો.

એ વયે, સહજ રીતે જ વિજાતીય પાત્રોને નીરખવાની, તેની નીકટ આવવાની ઝંખના જાગે, એ રીતે તેને પણ રસ પડ્યો હતો મેધમાં. સરસ છોકરો હતો. દેખાવ બાબત થોડો બેદરકાર હતો તો પણ જોવો ગમે તેવો હતો.

તેને સુમંતભાઈ સાથે અંગ્રેજીમાં ચર્ચા કરતો પણ સાંભળ્યો હતો. પહેલો વિચાર એ જ આવેલો કે અંકલ આનું માનસી સાથે ગોઠવવાના તો નહીં હોય ને?

અને તે એ બંને વિશે વિચારતી રહેતી. જોડી જામે કે નહીં? સ્વભાવ કેવો હશે એ છોકરાનો? બેય પાસે ઊભા હોય તો કેવાં લાગે?

‘અરે માનસી ક્યાં ઊભી રહે તેવી હતી? તેને તો આખી પુરુષ જાત સાથે ગયા ભવના વેર છે.’ સોનલદે વિચારતી અને ક્યારેક તો પોતાની જાતને પણ ગોઠવી દેતી, મેધ સાથે એ સુખદ કલ્પનાઓમાં. સભાન થતી ત્યારે પશ્ચાતાપભર્યા વિચારો આવતા.

‘મારે આવાં વિચારો ના કરવા જોઈએ. માનસીના ભાગ્યમાં મારું કમનશીબ ના ભેળવવું જોઈએ.’

એ દિવસે ભોજન પછી સુમંતભાઈ તેમના ખંડમાં ગયા હતા, અને બંને સખીઓ કામથી પરવારીને માનસીના ખંડમાં આવી હતી. વાતનો પ્રારંભ સોનલદેએ કર્યો હતો.

‘આજે તે મેધને એટલી બધી વાર યાદ કર્યો કે પેલાને હેડકી ઉપર હેડકી આવતી હશે!’

માનસી હસી પડી હતી. ‘બિચારો....!’

‘તું આજે ખુશમિજાજમાં છું માનસી. સાવ અકારણ આટલી ખુશી ના હોય.’ સોનલદે બોલી હતી, કંઈક રમતિયાળ રીતથી.

‘તું શું એમ માને છે કે હું પેલા છોકરા પર મોહી પડી છું?’ માનસી છેડાઈ હતી.

‘જો એમ માનું તો એમાં ખોટું પણ શું છે? એ છોકરો શું પ્રેમ કરવા જેવો નથી? તેના પર મોહી ના શકાય?’

‘અલી, તને તો કશું નથી થયું ને?’ માનસી હસી પડી હતી.

‘છોડ બધી મજાકની વાતો. મને તારાં નકામા લવારાઓની ખબર છે. તું પુરુષજાતને ધિક્કારવાની વાતો કરતી ફરે છે પણ એમાં કશી સચ્ચાઈ ખરી? તને એ જાતનો અનુભવ ય વળી શો? આ તો એક બે પતાકડાં ક્યાંક વાંચ્યાં ને આવી અંતિમ છેડાની વાતો કરવા લાગી. બાકી આ તો સૃષ્ટિની ઉત્પત્તિથી ચાલી આવતી પરંપરા છે. આ કાંઈ તેં કે મેં શરૂ કરી નથી કે કરવાના નથી. અમુક અવસ્થા આવે ને... સ્ત્રી ને પુરુષ ગમવા માંડે અને પુરુષને...’

ચૂપ રહી માનસી. સોનલદે બોલી પણ જાણે એનો થાક તેને લાગ્યો. તેના મુખ પર ઉદાસી છવાઈ ગઈ. આંખોનું તેજ ઝંખાઈ ગયું. હોઠો બીડાઈ ગયા. એકમેક પૂરા બળથી.

‘ઓહ! શું થઈ ગયું તને?’ સોનલદે સખીનું રૂપ જોઈને ગભરાઈ ગઈ હતી.

‘આમ...અચાનક જ...’ તે બોલી ઊઠી. તેને મનોમન પસ્તાવો થયો કે તેણે આટલું તેને શા માટે કહ્યું. આ તો જુદી જ માટીની ઘડાયેલી હતી જાણે! મેધ સાથે પરણવામાં વળી શી મુશ્કેલી હતી ?

તેણે માનસીને ઢંઢોળી. સહાનુભૂતિ પણ જન્મી સખી માટે. કશું હશે તેના અગોચર મનમાં ? આ સપાટી પર આવ્યું હતું એના મૂળમાં કશુંક હશેને ? માનસી કાંઇ સામાન્ય છોકરી નહોતી.

‘શાંત થા, માનસી....’ તેણે પ્રેમથી થપથપાવી સખીને.

‘તેને કશું થાય છે ?’ પૃચ્છા કરી તેણે.

માનસી પુનઃસ્વસ્થ થવા લાગી. ચહેરાનો તણાવ ઓગળવા લાગ્યો. હોઠોની ભીંસ હળવી થઈ.

સોનાલદેને થયું કે આ છોકરીનાં મનમાં કશું હતું એ નક્કી વાત હતી. કોઈ ઘટના જરૂર ઘટી હશે તેનાં જીવનમાં. આ એનાં નિશાનો હતાં. ઉજરડાઓ હતા. જખમ પણ ક્યાંક હશે જ.

આ સમયે આવી વાતો ઉખેળવાનો કશો અર્થ નહોતો. જખમ પર આંગળી મુકાઇ જ જતી હતી. જાણે અજાણે અને... દર્દ કળવાનું શરૂ થતું હતું.

સપાટી પર જીવવાનું હોય અને અતળ તળ નીચે વસવાનું હોય, એથી આવી પળો આવી જાય પણ ખરી.

તેણે ક્યારેય એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો, સોનલદે જેવી ગાઢ સખી પાસે પણ.

વાત જરૂર... ખૂબ અંગત હોવી જોઈએ, ગૂઢ હોવી જોઈએ. સોનલદેએ નિર્ણય કરી નાખ્યો કે તે આ વાત માનસી સાથે ક્યારેય છેડશે નહીં.

પ્રેમોપચાર પરિણામલક્ષી બન્યા કે માનસી પોતે જ સભાન થઈ ગઈ, તે તરત સ્વસ્થ થઈ ગઈ, ભેટી પડી સોનલદેને. સોનલદેને એક મજાક યાદ આવી પણ તે ચૂપ રહી.

‘ચાલ... એક બે બાજી ચેસ રમીએ...’ માનસીએ જ પ્રસ્તાવ મૂક્યો હતો.

ટેબલ પર ચેસબોર્ડ પણ તેણે જ ગોઠવ્યું હતું. સોનલદે અવઢવમાં હતી કે તેને કયા રંગના મહોરાથી રમવું. સફેદ કે કાળા, કારણ કે માનસી કાળા મહોરાંથી સરસ રમતી અને જીતતી પણ અચૂક. કાળા મહોરાં તેનામાં ચેતનાનું સિંચન કરતા જાણે કે.

‘આજે હું સફેદથી રમીશ.’ તેણે જાહેર કર્યું અને ગોઠવવા પણ લાગી. થોડી ક્ષણોમાં તે પુનઃ ચેતનવંતી બની ગઈ. રમત ચાલી, સરસ રીતે ચાલી. સોનલદે ઇચ્છતી હતી કે પોતે હારી જાય, અને ફરી માનસી ઝબકવા લાગે પૂર્વવત.

પણ થયું એવું કે સોનલદે જીતી ગઈ. સોનલદેએ સખીના ચહેરા પરનો કૃતજ્ઞભાવ ઓળખ્યો. તે હસી રહી હતી. સ્પષ્ટ હતું કે તેને જીતાડી દેવામાં આવી હતી.

બેયને આ રમત સમજાઈ ગઈ. બંને એકસાથે હસી પડ્યાં. કોફી પીવાણી– એ સંખ્યભર્યાં વાતાવરણમાં.

માનસી વિચારતી હતી, સોનલદે વિશે, કેટલી લાગણી રાખતી હતી તે. તેના જીવનમાં લાગણીનો શૂન્યાવકાશ સર્જાયો હોત જો સોનલદે ના મળી હોત!

તે શા માટે તેને ખોટી સલાહ આપે? અલબત તેની સમજ મુજબ હિતની વાત જ કહે. છેલ્લા ચાર વર્ષની મૈત્રી હતી. એક સાંજે અછડતો પરિચય થયો હતો અને જોતજોતામાં મૈત્રીનું ગાઢ વૃક્ષ ઊગી નીકળ્યું હતું. શું તેનું વર્તન એટલું વિચિત્ર તો નહીં હોય ને કે તે તેના વિશે ખોટું વિચારી શકે?

તેણે સખીના ચહેરા પર એક ગડમથલ ભાળી હતી. જોકે અત્યારે ખાસ્સી હળવાશ હતી.

માનસીને થયું કે સોનલદે ને આમ દુવિધામાં રાખવાનો કશો અર્થ નહોતો. મનનો ભાર ક્યાંક તો ખાલી કરવો પડશે ને?

આટલા વર્ષોનો બોજ ક્યાં સુધી આમ વેંઢારયા કરશે? થાક તો ક્યારનોય અનુભવાતો હતો. અબે હવે તો હાંફ ચડતો હતો.

ત્યાં તો વિદાયનો સમય થઈ ગયો હતો, સોનલદેનો. તેણે તેનું પર્સ હાથમાં લીધું હતું.

નાનકડી કાંસકીથી વાળ ઠીકઠાક કર્યા હતા.

‘આખો દિવસ સરસ પસાર થયો.’ તે બોલી હતી. તે સાવ સહજ રીતે બોલતી હતી. ક્યાંય ડંખ કે વ્યંગ નહોતા.

‘તેને દુઃખી તો કરી...’ માનસી તરત બોલી ઊઠી હતી.

‘ના, એમાં કશું નહોતું.’ તે પર્સ બંધ કરીને હસી પડી હતી.

‘અને કશું હોય તો પણ એ તારી અંગત બાબત ગણાય શું સમજી! જો ખોટા વિચારો ના કરતી. તારે કાંઈ સાધ્વી તો નથી થાવુંને? મેધ સારો છોકરો લાગે તો પરણી લેજે. જોકે એ સારો જ છે. અને જો અંકલ તને મેધ સાથે પરણાવવાનો પ્રસ્તાવ મૂકે તો ના ન પાડતી.’

આ મારી વણમાગી સલાહ છે.’ તેણે હળવેથી માનસીના ગાલ પર ટપલી મારી હતી.

‘અને મારી સલાહ ગળે ના ઉતરે તો ભૂલી જજો.’ અને તે વિદાય થઈ ગઈ. માનસી શેરીના છેડેના બસ સ્ટોપ સુધી તેને વળાવવા ગઈ.

સોનલદેએ માનસીના ખભા પર હાથ મૂક્યો હતો. પાછાં વળતાં માનસીને સોનલદેની સહૃદયતા યાદ આવી. અને ઘેર આવીને મેધ. એ ખરું કે મેધ અન્ય પુરુષો જેવો તો નહોતો. અન્ય પુરુષોનો વળી તેને શો અનુભવ હતો. તે વિચારવા લાગી, ના, તેણે એ જાતથી પોતાની જાતને અળગી જ કરી નાખી હતી. શાળામાં ભણી ત્યારે પણ શિક્ષકોના પડછાયાથી જ દૂર રહેતી હતી. કોલેજમાં અનેક યુવકો તેની નજીક આવવા પ્રયત્નો કરતા હતા. એ તેનાથી ક્યાં અજાણ્યું હતું.

એક વેળા તો તેને, તેના રૂપાળા ચહેરાને કારણે એક નાટકમાં નાયિકાના પાત્ર માટે કેટલી સમજાવી હતી, પણ તે એકની બે નહોતી. બસ... આવતી, અભ્યાસના તાસ ભરતી અને શાંતિથી ચાલી જતી તેને રસ્તે.

ખુદ સુમંતભાઈને પણ જાણ નહોતી કે આ છોકરી આવી ગ્રંથિ રાખીને બેઠી હતી.

તે માનતા હતા કે એ સાવ અંતર્મુખી છોકરી હતી. તેના શોખના વિષયો અલગ હતા. તેને એકાંત પ્રિય હતું. અને એ માટે કદાચ, સુમનનું અચાનક મૃત્યુ કારણભૂત હતું. એમ તે માનતા. આ અસર તો ખુદ તેમના પર પણ પડી હોવાનું સ્વીકારતા હતા.

‘અરે, આખું જીવન ખોડંગાઈ ગયું છે, મારું અને માનસીનું. તેનું તો વ્યક્તિત્વ જ કરમાઈ ગયું છે. એ તો સારું છે કે તે ટકી શકી છે. હું તેને વળી શું આપી શકું- જે સુમન આપી શકી હોત.’

તે ગદગદ થઈ જતા- પત્નીને યાદ કરીને. આંખો વરસવા લાગતી- એકાંતમાં. પુત્રી હાજર હોય ત્યારે તો ખૂબ જ મુશ્કેલ બની જતું- લાગણીના આવેગો રોકવાનું.

આવું તો માનસીને પણ થતું જ હશેને- તે વિચારતા અને તેમની આંખો સમક્ષ સુમનનો દેહ તરવરવા લાગતો. પુનઃ ડંચમચી જતા સુમંતભાઈ.

સોનલદે અને માનસી બીજા ખંડમાં હતા ત્યારે સુમંતભાઈએ મેધનો પત્ર વાંચ્યો હતો.

હજી સુધી... વાચવાની તક મળી નહોતી, કારણ કે સુમંતભાઈ તેમના મનોમંથનમાં ગુંથાયા હતા. લખ્યું હતું- સર, જાઉં છું વતનમાં. આપની સાથેનો સમય મારી જિંદગીનો યાદગાર હિસ્સો છે. પરિણામ તો સારું આવશે જ. અને એમાં આપનું પ્રદાન અમુલ્ય છે.

કોફીના મગ નિયમિત મળતા હતા. એની મીઠાસ પણ નથી ભુલાતી.

બસ... હવે મારાં પ્રશ્નોમાં ખૂંપી જાઉં છું. મારે મા-બાપ છે, એક બહેન છે... એ લોકો મારી પ્રતીક્ષા કરે છે. આર્થિક પ્રશ્ન તો છે જ. મને કદાચ નોકરી તો મળી જશે. મારાં સર્ટીફીકેટો વિશે તો આપ જાણો જ છો. વતનનું ઘર છે એપણ ગીરવે મુકાયેલું છે. હવે મારે બદલો ચૂકવવાનો છે. સર, તમને મળીશ, જરૂર મળીશ.

કોફીને પણ... માણીશ.

અલબત મારી જિંદગીનું વહાણ કઈ દિશામાં જશે. એ નથી જાણતો. નીચે નાનાં અક્ષરોમાં મેધ લખ્યું હતું.

હા...એટલું સારું હતું કે કાગળના એક ખૂણે વતનના ઘરનું સરનામું લખ્યું હતું.

સુમંતભાઈએ આંખો લૂછી અને ઊભા થયા. એક કાગળ હાથમાં લીધો.